કથાચક્ર/3

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


3

સુરેશ જોષી

લોકોની ભીડ વચ્ચે ચાલવું એને ગમે છે. એથી એને જેલની દીવાલની જેમ ઘેરી વળતી રેખાઓ ઘસાઈ ઘસાઇને ભુંસાઈ જતી લાગે છે. કેવળ ચાલ્યે જવાના પ્રવાહની સપાટી પર એ આસાનીથી તરે છે; તરતાં તરતાં પોતાને ઓગાળતો જાય છે, ને પછી કેવળ પરપોટાની જેમ સપાટી પર થોડી વાર સુધી ટકી રહી અન્તે પ્રવાહમાં તળિયે બેસી જાય છે. સાંજને વખતે રાતી આભા એની અપાથિર્વતાથી એક નવી જ અપરિચિતતા ઉપજાવી દે છે ત્યારે એ તકનો લાભ લઈને એ સૃષ્ટિની ને પોતાની વચ્ચે નવું અન્તર ઉપજાવી લે છે, પરિમાણો બદલી નાખે છે, ને એ રીતે થોડી મોકળાશ અનુભવે છે. બધાં સંવેદનોમાં પરોવાઈને ગુંથાતી જતી એની ચેતનાનો દોર એ ખેંચી લે છે, ને ત્યારે વિખેરાઈ જતાં સંવેદનોની અળપાતી રેખાઓને ધીમે ધીમે નિ:શેષ થઈ જતી જોવાનો એને આનન્દ આવે છે. શૂન્યના ગર્ભમાં રહેલો કુંવારો અન્ધકાર ત્યારે એને સ્પર્શે છે, એના રન્ધ્ર રન્ધ્રમાં એ પ્રસરતો જાય છે, ને ત્યારે નરી અન્ધ વિસ્તૃતિને છેલ્લે સીમાડે એ ટપકું બનીને અલોપ થઈ જવા આવેલી પોતાની સંજ્ઞાને ઉદાસીનતાથી જોઈ રહે છે.

‘જો તો, હું કેવી લાગું છું?’

‘ચાર દેવ સ્વર્ગમાંથી મનુષ્યને છદ્મવેશે તને વરવાને ઊતરી પડે એવી.’

‘ચાંપલાશ રહેવા દે ને!’

‘…’

‘શું કહ્યું?’

‘હું ક્યાં કશું બોલ્યો જ છું જે!’

‘વારુ!’

‘વારુ, એક વાત પૂછું?’

‘પૂછ.’

‘તારી આંખને તળિયે મેં સાચવવા આપેલું અન્ધકારનું બિન્દુ તેં સાચવી રાખ્યું છે ને?’

‘શી ખબર! જોવું હોય તો જોઈ લે ને?’

‘જે દિવસે એ ન સાચવી શકાય એમ લાગે ત્યારે મને કહેજે, હું પાછું લઈ લઈશ.’

‘જે તું આપી ચૂક્યો છું તેની એટલી બધી આસક્તિ શા માટે?’

‘મેં અનાસક્ત હોવાનો દાવો ક્યારે કર્યો છે?’

‘તો તારા બે હાથની વચ્ચે આટલો બિહામણો પોકળ અવકાશ કેમ છે? તારી આંગળીનાં છિદ્રોમાંથી આખું આકાશ કેમ સરી જતું લાગે છે?’

‘એ તો તારી કલ્પના – તને એવી કલ્પના વિના બીજું શું બચાવી લઈ શકે તેમ છે, કહે જોઉં?’

‘મારે કોનાથી બચવાનું છે?’

‘આજે હવે મારે તને પહેલેથી કક્કો નથી ઘુંટાવવો!’

‘એટલું બધું અભિમાન?’

‘અભિમાન સિવાય મારી પાસે તેં બીજું શું રહેવા પણ દીધું છે?’

‘પ્રશ્ન સામે પ્રશ્ન ફેંકવાની તારી જૂની ટેવ–’

‘ટેવ ભલે ને જૂની હોય, પ્રશ્નો તો એના એ નથી.’

‘તું જિંદગીમાં નવા વળાંકે નવો પ્રશ્ન લઈને મારું સ્વાગત કરવા ઊભો રહીશ નહીં?’

‘ને તું?’

‘એકાદ બિન્દુ અશ્રુજળ…’

મૌનને એ સમજી શકે છે, જીરવી શકે છે, પણ સજળ મૌન – અશ્રુસભર મૌન આગળ એ હારી જાય છે. એથી મૌનની પાળ તૂટુંતૂટું થઈ જતી લાગે છે. એની આડે બંધ બાંધી દેવાની શક્તિ એનામાં નથી. આથી એવી પળે એ બોલ્યે જાય છે, બે શબ્દો વચ્ચે મૌન ધસી આવે તે પહેલાં એ શબ્દોને જોડી દઈને આગળ દોડ્યે જ જાય છે. ઘણા ઘણા શબ્દો છે એની પાસે – ભુલાઈ ગયેલા કોઈ પ્રતાપી રાજાના જૂના સિક્કા જેવા. એનું હવે ચલણ નથી, એ માત્ર છાપ છે. પણ એથી વિશેષનો એને ખપ પણ નથી. શબ્દોની નિરર્થકતા જ એને ઉગારી લે છે. પણ અર્થનો લોપ કરવાને કેટલું આકરું તપ કરવું પડે છે! ચિત્તના નિબિડ અરણ્યમાંની બે અરણીની શાખાઓને જોરથી ઘસતો ઝંઝાવાત, એને પરિણામે પ્રકટતો અગ્નિ, એની ફેલાતી જ્વાળા.

‘કેમ આટલે બધે દૂર ઊભો છે?’

‘તારી આજુબાજુ આ વીતેલાં વર્ષોએ એક કૂંડાળું રચ્યું છે. એ કૂંડાળું અગ્નિનું છે. તને યાદ છે? આપણે એક વાર જંગલમાં રાતવાસો કરેલો ત્યારે વાઘદીપડાથી બચવા ચારે બાજુ દેવતા સળગાવીને કૂંડાળું કરેલું ખરું ને?’

પોતાની આસપાસ એ અગ્નિવલયોને એણે વિસ્તરતાં જોયાં છે. એની બહાર એ હંમેશાં જવા મથે છે, પગ ઉપાડે છે, ચાલે છે.

‘કેમ એકલી આવી? મારી તને બીક નથી લાગતી?’

‘તારો ભય કેવો હોઈ શકે એ જાણવા જ તો એકલી આવી છું.’

‘પ્રેમ જ બે વ્યક્તિને નથી જોડતો, ભય પણ જોડે છે.’

‘તું વ્યક્તિ છે જ ક્યાં જે – તું તો એક બિન્દુ, એને તમે ગમે તે કહો ને…’

‘હા, ગમે તે – ….’

ડુંગરની રૂપરેખાનો આભાસ ક્ષિતિજ પર દેખાતો હતો. એ ડુંગરનું આરોહણ એણે કેટલીય વાર કર્યું છે. દરેક વખતે ઉપર જઈને એણે કિલ્લામાંની ગાંડી તોપને હલાવવાનો પ્રયત્ન કર્યો છે. જેનામાં પૂરતી માત્રામાં ઉન્માદ હોય તેવાથી જ એ ખસે એવી કિંવદન્તી એણે સાંભળી છે. એ તોપની પાસે જ ગોળાઓનો ઢગલો છે. લોકો કહે છે કે એ ઢગલો વધતો જ જાય છે. નહીં જિરવાયેલાં વર્ષો લોકો અહીં મૂકી જાય છે. એણેય કાંઈ કેટલાં વર્ષો ત્યાં મૂકી દીધાં છે! પણ હવે એ તોપ ફૂટવાની નથી, ખસવાની નથી, એ ગોળા કોઈ ફેંકવાનું નથી – લોકોને મોઢે એ આવું સાંભળે છે. પણ એ આ વાત સ્વીકારી શકતો નથી. એ પોતાનામાં ઝનૂનનો સંચય કરે છે. આંસુનો ભેજ એને અડે નહીં તેની તકેદારી રાખે છે. કોઈક વાર એ ગાંડી તોપનું મોઢું ફેરવીને, એમાં ગોળા ઠાંસીને બધું ઉડાવી દેવા ઇચ્છે છે: સતીનું વન…

‘તું કહેતો’તો તે સતીની પાદુકા ક્યાં છે?’

‘એનો મહિમા એવો છે કે એ સતીને જ દેખાય.’

‘તો હું શોધી કાઢું?’

‘કેમ, સતીત્વ પુરવાર કરવાને આટલી બધી અધીરી બને છે?’

‘મારે કશું પુરવાર નથી કરવું.’

‘તારી પાસે પુરવાર કરવા જેવું શું છે? કશુંય છે ખરું?’

‘છે, પણ એ શું છે તે તને નહીં કહું.’

‘તારી આવી અસંખ્ય ‘તને નહીં કહું’ વાળી વાતોનો તેં મારી પાસે ઢગલો વાળ્યો છે તે ક્યારે પાછી લઈ જઈશ?’

‘કેમ, તને એનો ક્યારથી ભાર લાગવા માંડ્યો?’

‘જ્યારથી તેં તારો ભાર ઉપાડ્યો ત્યારથી.’

‘એ ભાર તું ઉતારી આપીશ?’

‘ઉતારીને ક્યાં મૂકંુ?’

‘મને વર શોધી આપ.’

‘એટલે તું એને ખભે મૂકી દે, એમ ને?’

‘હાસ્તો.’

‘વરનો આથી સારો ઉપયોગ હજુ તને સૂઝ્યો નથી, ખરું ને?’

‘એમાં તું શું સમજે?’

‘ને તું એ બધું ક્યારથી સમજતી થઈ ગઈ?’

‘સ્ત્રી જે સમજે છે તે સમજવાને પુરુષોને ઘણા અવતાર લેવા પડે છે.’

‘ને એ સમજ્યા પછી અવતારના ફેરામાંથી એનો છુટકારો થાય છે ખરો?’

‘કોઈ સતી મેળવવાને ભાગ્યશાળી થયો હોય તો થાય.’

‘આ તો સતીઓનું જ વન છે…’

ઉંબરાના ઝાડનું ઝુંડ, પાતાળઝરણું, રેલવેના પાટા – દૂરતાની દ્વિપદી. એ દ્વિપદીનો પ્રાસ હવે એના શ્વાસ જોડે બેસતો નથી. એની નજર સામે નહીં ખૂંદેલો અક્ષુણ્ણ સ્થળ- વિસ્તાર તરવરી રહે છે. એના શ્વાસ એક ક્ષણના સાંકડા મોઢામાંથી બહાર નીકળી શકતા નથી. એ શ્વાસને સંકોચે છે. ક્ષણના સાંકડા પરિમાણને અનુરૂપ એ શ્વાસને સંકોચ્યે જ જાય છે. પણ દૂર દૂરના અવકાશની ઝંખનાથી સ્ફીત બનેલા એના ઉચ્છ્વાસને સંકોચી શકતા નથી. એ ઉચ્છ્વાસ છાતીમાં રૂંધાઈને સૂસવે છે. બારીના કાચની આરપાર જવા મથતી માખીની જેમ…