કમલ વોરાનાં કાવ્યો/18 ખખડધજ*

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખખડધજ*


ખખડધજ
લગભગ અંધ, બહેરા અને મૂંગા ડોસાને
ખડતલ ખભે ઊંચકી
જુવાન
આઘે આઘેના ડુંગર તરફ
સૂરજ ઊગે તે અગાઉ
લાંબી ડાંફો ભરતો નીકળી પડ્યો છે
બપોર થતાં સુધીમાં
નાનીમોટી ખીણો વળોટીને
એને ટેકરીઓમાં ઊંડે સુધી પહોંચી જવું છે
ડોસાને
અડધે રસ્તે જ
જંગલ વહેરતી કિલકારીઓ સંભળાવા લાગેલી
સમડી-ગીધોના ચકરાવાના પડછાયા દેખાવા લાગેલા
પણ એનું મન
જુવાનની પિંડીઓમાં અમળાતું રહ્યું
ટોચે પહોંચતાં સુધીમાં
ઢગલો થઈ ફસડાઈ પડે તે પહેલાં
ડોસો એક અવાવરું ખડક પર ઊતરી
બિહામણા સૂનકારને શ્વાસમાં ભરી
હાંફ બેસાડવા મથી રહ્યો
ખરી ગયેલાં પાંદડાંની ઘૂમરીએ ચડેલા ડુંગરમાં
ગીચ ઝાડી પાછળથી સાવ અચાનક ત્રાટકનાર
કોઈ ભુખાળવા હિંસ્ર જનાવરનો કે
છેવટે ડુંગરને રહેંસી નાખનાર અંધારાનો
અત્યારે ડોસાને લગરીકે ભય નથી
ચિંતા છે વળાવી જનારની,
દિવસ આથમી જાય તે અગાઉ
એ હેમખેમ ડુંગર ઊતરી જાય તેની

આ કાવ્યનો સંદર્ભ : જાપાની ફિલ્મ ધ બૅલેડ ઑફ નારાયામા’ – જેમાં એક એવા ગામની કથા છે જ્યાં કારમી ગરીબીને કારણે ઘરડી વ્યક્તિઓને કુટુંબીઓ દ્વારા જ દૂરના નારાયામા પહાડ પર જીવતાં તજી આવવાની પ્રથા હતી જેથી ઘરમાં એક ઓછી વ્યક્તિનું પેટ ભરવાનું રહે. આવી પ્રથા દક્ષિણ ભારતના કોઈ ગામમાં પણ હતી એવું સાંભળ્યું છે.