કરસનદાસ મૂળજી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કરસનદાસ મૂળજી (૨૫-૩-૧૮૩૨, ૨૮-૮-૧૮૭૧): સુધારક, પત્રકાર, પ્રવાસલેખક. જન્મ મુંબઈમાં. માધ્યમિક ને ઉચ્ચ શિક્ષણ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યુટમાં. કૉલેજકાળ દરમ્યાન, ૧૮૫રથી જ, પ્રગતિશીલ વિચાર-વલણોને કારણે મોસાળનો પણ આધાર ગુમાવ્યો. એથી પ્રતિકૂળ બનેલા આર્થિક સંયોગોમાં અભ્યાસ અધૂરો છોડી, મુંબઈની એક શાળામાં શિક્ષક બન્યા અને વચ્ચે ૧૮૫૭માં થોડાક માસ ડીસામાં હેડમાસ્તર રહી આવ્યા. આ સિવાય ૧૮૫૫થી ૧૮૬૩ ‘સત્યપ્રકાશ', ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રી-બોધ'નું તંત્રીકાર્ય સંભાળ્યું ને ધાર્મિક-સામાજિક બદીઓ વિરુદ્ધ નિર્ભીકતાથી લખ્યું. એના એક પરિણામરૂપે, એમના પર ૧૮૬૧માં ‘મહારાજ લાયબલ કેસ’ થયો જે એકલે હાથે લડીને એ જીત્યા. ૧૮૬૩માં અને એ પછી ૧૮૬૭માં, એમ બે વાર વ્યવસાય નિમિત્તે ઇંગ્લૅન્ડ ગયા. ૧૮૬૭થી ૧૮૭૧ સુધી, પહેલાં રાજકોટમાં અને પછી લીંબડીમાં સરકારી પ્રશાસકની કામગીરી કરી. ત્યાં એમની સુધારક પ્રવૃત્તિઓ વિસ્તરી. લીંબડીમાં અવસાન. બુદ્ધિવર્ધક સભામાં વંચાયો અને પછી એના વાર્ષિકમાં પ્રગટ થયો એ ‘દેશાટણ વિશે નિબંધ' (૧૮૫૩) એમનું પ્રથમ જાહેર લખાણ. ત્યાર પછી ‘સત્યપ્રકાશ', ‘રાસ્ત ગોફતાર’ અને ‘સ્ત્રી-બોધ’માં એકધારી રીતે પ્રગટ થતાં રહેલાં એમનાં લખાણો મુખ્યત્વે ધાર્મિક, નૈતિક કે સામાજિક સુધારણા વિષે હતાં. આ લખાણોને સમાવતા એમના ગ્રંથો પ્રધાનપણે એમની સુધારક તરીકેની અને ગૌણપણે વિચારક તરીકેની પ્રતિભા ઉપસાવે છે. આવા ગ્રંથોમાં વ્યક્તિગત અને સામાજિક નીતિ પ્રબોધતા ‘નીતિસંગ્રહ' (૧૮૫૬) અને ‘નીતિવચન' (અનુવાદ, ૧૮૫૯); સ્ત્રી-ઉપયોગી, બોધપ્રધાન તથા નર્મશક્તિની ચમકવાળા લેખાનો સંચય ‘સંસાર-સુખ’ (૧૮૬૦); હાસ્યકટાક્ષભર્યા, હેતુલક્ષી, સંવાદપ્રધાન પ્રસંગોનો સંગ્રહ ‘કુટુંબમિત્ર' (૧૮૮૭); રૂઢિભંજક અને બ્રાહ્મણોની સ્વાર્થાંધતાને ઉઘાડી પાડતી પુસ્તિકા ‘વેદધર્મ તથા વેદધર્મ પછીનાં ધર્મપુસ્તકો' (૧૮૬૬) અને સુધારણાવિષયક નિબંધોનો સંગ્રહ ‘નિબંધમાળા' (૧૮૭૦) વગેરેનો સમાવેશ થાય છે. ‘મહારાજ લાયબલ કેસ' (૧૮૬૨) જદુનાથજી મહારાજે એમની સામે માંડેલા બદનક્ષીના કેસનો સમગ્ર અહેવાલ આપે છે, તો ‘મહારાજોનો ઇતિહાસ' (૧૮૬૫) અને એ જ વર્ષે અંગ્રેજીમાં લખેલ ‘હિસ્ટરી ઑવ્ ધ સેક્ટ ઑવ્ મહારાજાઝ ઑર વલ્લભાચાર્યાઝ’ વલ્લભ સંપ્રદાયના મહારાજોની અનીતિને ઐતિહાસિક તથ્યો સાથે નિરૂપે છે. એમની સૌથી વધુ નોંધપાત્ર કૃતિ છે ‘ઇંગ્લૅન્ડમાં પ્રવાસ’ (૧૮૬૬). ઇંગ્લૅન્ડનાં મહત્ત્વનાં સ્થળોનાં વિવિધરંગી ચિત્રો ધરાવતો આ ગ્રંથ ઇંગ્લૅન્ડનાં વિવિધ સ્થળોનાં રોચક ને ચિત્રાત્મક વર્ણનો સાથે ત્યાંની પ્રજા, સંસ્કૃતિ અને તત્કાલીન સામાજિક–રાજકીય પરિવેશ વિશેનાં લેખકનાં નિરીક્ષણોને વિગતે નિરૂપે છે. એથી, ગુજરાતી પ્રવાસસાહિત્યમાં એનું સ્થાન વિશિષ્ટ છે. આશરે ૧૦,૦૦૦ શબ્દો ધરાવતો શાળોપયોગી લઘુકોશ ‘ધ પૉકેટ ગુજરાતી–ઇંગ્લીશ ડીક્ષનરી' (૧૮૬૨) એમનું બીજું મહત્ત્વનું કામ ગણાયું છે. ઉપરાંત, ‘નીતિબોધક' (૧૮૫૭), ‘રામમોહનરાય’ (૧૮૫૮), ‘સુધારો અને મહારાજ' (૧૮૬૧) વગેરે પત્રિકાઓ; ‘મુંબઈબજાર' (૧૮૫૯) અને ‘સ્વધર્મબોધક પાખંડખંડન’ (૧૮૬૦) એ અલ્પકાલીન સામયિકો તથા ‘ડાંડિયો'માંનાં એમનાં લખેલાં કહેવાતાં કેટલાંક અનામી લખાણો એટલું એમનું અન્ય લેખનકાર્ય પણ સુધારક-પત્રકાર તરીકેની એમની જીવનપ્રવૃત્તિને જ નિર્દેશે છે.