કવિશ્રી રાજેશ પંડ્યાની કવિતા/૩. નિર્જન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિર્જન

કોઈ આવતું જતું નથી.

રડ્યું ખડ્યું કૂતરું ફળિયામાં પૂરેલી
રંગોળી પર આળોટ્યા કરે છે ક્યારનું.
રાંધણિયામાં રાંધ્યાં ધાન રખડી પડ્યાં છે.
ગોટેગોટા ધુમાડો ઊંચે ને ઊંચે
ચઢતો જાય છે કશી રોકટોક વગર
વાદળ બંધાતાં જાય છે વિખેરાતાં જાય છે.
પાણિયારે ચળકતી હેલ
ઓચિંતી છલકાઈ હેબતાવી દે
તાંબાકૂંડીમાં ઉચાટ ફદફદ્યા કરે
શેરી સોંસરી ધૂળ ઊડ્યા કરે
ઘોડાના ડાબલા હજીય કાનમાં પડઘાય
ખરી તળે ચગદાઈ કેટલીય
છાતીએ લોહીના ટશિયા ફૂટી નીકળી
ઝમી ઝમી કાળામૅશ ગંઠાઈ ગયા છે.
મંદિરની ધજા ભાંગી પડી
હવાને લીરેલીરા કરતી રજોટાઈ ગઈ.
કૂવામાંથી ઊંચકાયેલું જળ
ગરેડીથી તળિયાલગ ઘુમચકરડી
પીપળાનાં પાન-થડ-મૂળમાં કીડીઓ ઊતરતી જાય
મેલડીના પાણે વધેરાયેલું નાળિયેર
રંગી દે દરિયાદીમને હીંગળો
રાખોડી ભોં ભીની થાય ગજ બે ગજ
ગરભ ખોતરતા જનાવરનાં મોં લોહીલુહાણ.

અટકી પડ્યું છે સઘળુંય અધવચ્ચે
સીમમાં ગયેલાં હજુ પાછા વળ્યાં નથી.
ઘઉંના ખેતરોમાં ગેરુ ફરી વળ્યો છે.
લીલીછમ વરખડીઓમાં કીડા સરકતા છેક
ઝીંડવે જાઈ ઊજળા રૂને પીંખી નાંખે છે.
અડખે પડખે ઉપર ઊડ્યા કરે છે કીટાણુ
પગ મૂકો ત્યાં ગોખરુ
આવળ બાવળ ઝાડ-ઝાંખરાં
જ્યાં જુઓ ત્યાં ધરોડીનાં કૂંડાં
રસકસને ધાવી આડેધડ ફેલાતાં જાય

ગળિયા બળદને ઇતડિયોં હજાર
ઊપડે નહીં પગ
રણકે નહીં ઘૂઘરા
ફરે નહીં પૈ અરધો આંટો પણ
ચીલા ઊંડા ને ઊંડા ઊતરતા જાય

આ છેડાથી પેલા છેડા સુધી

ગામની ભીંતેભીંતમાં અંધારાં મર્યાં છે.
ખૂણેખૂણાં કોહવાતાં ગંધાઈ ઊઠ્યાં છે.
લૂણો લાગતો જાય છે ધરવખરીમાં
એનાથી અજાણ લોક હજીય
આણાંની રજાઈઓ રેશમી ધડકીઓ
આભલાં ભરેલાં ગલેફ તડકે મૂકે છે.
હાડ ઠારી નાંખતા કેટલાય શિયાળા
એની હૂંફે હેમખેમ તરી જવાયા છે.
કડકડતી રાતે નસેનસમાં જામી પડેલું લોહી
ફરી ધગધગતું સીસું થઈ વહેવાં માંડ્યું છે.
તપેલા તાંબા જેવા દેહ રગદોળાઈ
માટીનો ગુંદો થઈ ગયા છે

ચાકડે ચડી છે એ માટી
ઘાટ ઘડાયા છે પાત્ર રચાયાં છે
એમાં ઝીલાયું છે આખું આયખું
એ બધું કડીબંધ તાજું છે આજેય
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય.
આટઆટલાં ભૂકંપ પૂર હોનારત દુકાળ પછીય
અડીખમ ઊભી હતી
એ ભીંતોને હવે લૂણો લાગી ગયો છે
આખા ને આખા ઘરેઘર પૃથ્વીમાં બેસતાં જાય છે.