કાંચનજંઘા/અપેક્ષા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અપેક્ષા

ભોળાભાઈ પટેલ

કવિ હરીન્દ્ર દવેની પંક્તિઓ છેઃ

કોઈનો સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

આપણા જીવનનો સમગ્ર વ્યવહાર જાણે આ અપેક્ષાઓથી બંધાયેલો છે. રોજ સવારે ઊઠીએ ત્યારે આકાશમાં સૂરજ ઊગવાની અપેક્ષા હોય છે, સાંજ પડે અને અંધારું ઊતરે એટલે ચંદ્ર ઊગવાની અપેક્ષા હોય છે, અપેક્ષા હોય છે લક્ષલક્ષ તારકપુષ્પો ખીલવાની. આપણે અપેક્ષા લઈને જન્મીએ છીએ. અપેક્ષા સાથે જીવીએ છીએ અને આ લોકથી વિદાય પણ અપેક્ષા સાથે લઈએ છીએ.

અપેક્ષા એટલે તો ઇચ્છા, આકાંક્ષા. આપણે કશાકની અપેક્ષા રાખીએ છીએ અને કોઈકની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. એટલે કે આપણી આ અપેક્ષા માત્ર સ્વનિર્ભર નથી. સૂરજ પાસેથી અપેક્ષા છે કે સૂરજે ઊગવું. અપેક્ષા આપણે રાખવાની, ઊગવાનું સૂરજે. એવી જ રીતે કમળ પાસેથી અપેક્ષા કે એણે ખીલવું, વાદળ પાસેથી અપેક્ષા કે એણે વરસવું.

બા પાસેથી અપેક્ષા કે એણે વહાલ કરવું. પિતા પાસેથી અપેક્ષા કે એમણે આધાર આપવો. અને આમ જોઈએ તો ભાઈ બહેન પાસેથી અને બહેન ભાઈ પાસેથી અપેક્ષા રાખે છે. પતિ પત્ની પાસેથી અને પત્ની પતિ પાસેથી અપેક્ષા રાખે છે. પ્રિયતમ પ્રિયતમા પાસેથી અને પ્રિયતમા પ્રિયતમ પાસેથી અપેક્ષા રાખે છે અને આ રીતે અપેક્ષાઓનું આનંત્ય વિસ્તરતું જાય છે.

એમાંથી જન્મે છે – મનોમાલિન્ય, અસંતોષ, વ્યથા, વેદના, અતૃપ્તિ. કેમ કે અપેક્ષાઓની પરિતૃપ્તિ ક્યાં છે? અપેક્ષા રાખનાર પોતાને કેન્દ્રમાં રાખે છે અને જે અપેક્ષિત છે, જેની પાસેથી અપેક્ષિત છે, તે તેની પાસેથી મળવું જોઈએ એમ એ માને છે. હું એને ચાહું છું. તો એણે મારી ખાતર આટલું તો કરવું જોઈએ, આટલું તો વિચારવું જોઈએ. આ લાગણી બધાંમાં જ હોય તો આ ચકરાવાનો છેડો ક્યાંથી પકડાય?

એટલે જ પુત્રને લાગ્યા કરે કે પિતા તેના તરફ જોઈએ એટલી લાગણી રાખતા નથી. ગુરુને લાગ્યા કરે કે શિષ્યો એનો જોઈએ તેટલો આદર કરતા નથી. પ્રિયતમાને થાય કે પ્રિયતમ તેની ઉપેક્ષા કરે છે, કારણ કે તેની અપેક્ષાઓ તો અપરંપાર હોવાની – પરિણામે મનોમન તે દુભાયા કરે, ક્લેશ પામ્યા કરે. એને લાગે છે કે એની બધી અપેક્ષાઓ ધૂળમાં રોળાઈ ગઈ. અરે, આપણી અપેક્ષાઓને લીધે તો ઈશ્વરને પણ આપણે આરોપીના પિંજરામાં ઊભો કરી દઈએ છીએ.

અપેક્ષાઓથી તો મુક્ત નહિ થઈ શકાય, પણ અપેક્ષાના કેન્દ્રને બદલી શકાય? આપણે ‘સ્વ’ને કેન્દ્રમાં રાખીએ છીએ. ‘સ્વ’નો ખ્યાલ રાખીએ છીએ. તેને બદલે જેની પાસેથી અપેક્ષા રાખીએ છીએ તેને કેન્દ્રમાં રાખી, તેનો ખ્યાલ કરી શકીએ? પુત્ર પિતા પાસેથી અપેક્ષા રાખે તેની સાથે પિતાની તેની પાસેથી કઈ અપેક્ષાઓ હોઈ શકે તેનો ખ્યાલ રાખી વ્યવહાર ગોઠવે તો? સામા મિત્રની પાસેથી આપણી અપેક્ષાઓ સાથે, એની આપણી પાસેથી રહેતી અપેક્ષાઓનો વિચાર કરી, વર્તન કરી શકીએ તો! દરેક પોતાના પ્રિયજનની તેની પાસેથી સંભવિત અપેક્ષાઓના સંદર્ભમાં જીવન વ્યવહાર ગોઠવે તો એને લાગશેઃ

કોઈનોય સ્નેહ
ક્યારેય ઓછો નથી હોતો
આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

૧૯૭૫