કાળચક્ર/છેલ્લો જવાબ પકડાયો નહીં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છેલ્લો જવાબ પકડાયો નહીં


વરાળ છોડતા એન્જિનનો ફૂંફાડો બે-ત્રણ મિનિટ ચાલુ રહ્યો. કાન ફોડી નાખે એવો અવાજ એકધારો નીકળતો હતો. એ તકનો લાભ લઈને આ મુસ્લીમ છોકરી પોતાને ગાળો દેતી બરાડા પાડતી હતી એવી સુમનચંદ્રને, છોકરીના હાથ લાંબા થતા જોવાથી, પાકી શંકા પડી ગઈ.

કોઈને ખબર પડે નહીં એવી જુક્તિથી અનાડી એન્જિન ‘ભફ’ કરતું અટકી ગયું અને બંદૂકોની ફડાફડી વચ્ચે પણ સ્વસ્થ રહેનારો સુમન ચમકી ઊઠ્યો, ત્યારે છોકરીના છેલ્લા બોલ ઊંચે અવાજે સંભળાણા “મોટા મુછાળા મરદ થ્યા છો તે!” ભોંઠી પડીને છોકરી મોં આડે ઓઢણાંનો છેડો કરી આડી ફરી ગઈ અને રાતાપીળા બનેલા સુમનચંદ્રે પોતાની સામે પૂરેપૂરું ફરેલું બીજી યુવતીનું મોં જોયું. એન્જિનની વરાળે એ મોં પર પાણીનાં મોતિયાં ટાંકી દીધાં હતાં! “નીકળો, એઈ! નીકળો ત્યાંથી.” છેટેથી સાંધાવાળાનો અવાજ આવ્યો. “શું છે તી?” મુસલમાન છોકરીએ સામો છણકો કર્યો. “શું છે શું? મરી રે’શો! ચીભડાંની જેમ ચેપાઈ જશો! માલગાડી આવે છે વાંસલે પાટે.” “તો ઓછાં એટલાં! પારકાં છોકરાંઉને નિરાંત થાશે.” એ જ છોકરીએ સાંધાવાળાના સમાચારને હળવે સાદે વધામણી દીધી અને બીજીને કહ્યું “લે! તારેય અલ્લા મે’રબાન થ્યો! કરાસીંન (ટ્રેનોનું ક્રૉસિંગ) જ આંઈ છે. કરી લે તું તારે પેટ ભરીને કજિયો.” પોતાની ટ્રેનને સામેથી આવતી ગુડ્ઝ ટ્રેનના આવતાં સુધી અહીં અટકવાનું છે એ જાણી સુમનચંદ્ર લેવાઈ ગયો. “ગાડીને માથે રાતાપીળા થ્યે શું કામ આવે?” મુસ્લિમ છોકરી એવું કહીને પાછળ ફરી જતી હતી; પછેડાનો પાલવ એના દાંત વચ્ચે પકડેલો ને પકડેલો હતો. બેઉ છોકરીઓ બે પાટાની વચ્ચેથી ખસવાને બદલે ફક્ત પૅસેન્જર ગાડીની નજીક જઈ ઊભી. “જાત છે કાંઈ જાત! પોતે તો મરશે પણ બીજાને મારતી જશે!” સાંધાવાળો આગળ સાઇડિંગના કપ્લિંગ પર જતો ડાંડો ફેરવતો બબડતો ઊભો. “મારતી જાશે શું? મારી નાખેલા જ છે કેદુના!” એન્જિનમાંનો એક આદમી નીચે ઊતરી, ગાભો લઈ, સંચા તપાસતો તપાસતો સાંધાવાળાની વાતમાં ટહુકા પૂરતો હતો. “ઈ નૈં ખસે! ઈ જાત કોણ? અસ્ત્રી! નવાણું ટકાનો ધકો લાગતાં વાર નૈં!” સાંધાવાળો હજી બબડતો હતો. “પાસે જાઈંએ ના, તો નવાણું ટકાનો ધકો!” “તમારો કાગળ મળ્યો હતો.” હિંદુ છોકરીએ પહેલીવાર હોઠ ખોલી સુમનચંદ્રના સાંધાવાળાની ફિલસૂફ-વાણી સાથે સંધાયેલા તાર તોડી નાખ્યા. એ વિમળા છે તે તો સુમનચંદ્ર સમજી ગયો હતો. પણ એને અહીં એકલી દેખીને થયેલું આશ્ચર્ય હજુ વિરમ્યું નહોતું. માવતરે જ મોકલી લાગે છે ગળે પડવા! “ત્યારે સ્ટેશને કેમ ન આવ્યું કોઈ?” બાજુએ જોરથી થૂંક ફેંકીને એણે કરડો પ્રશ્ન કર્યો. “તયેં આ આવી છે ઈ શું લેખામાં નથી? લ્યો! પૂછે છે મોટા કે કેમ ન આવ્યું કોઈ!” મુસ્લિમ છોકરીએ ચાંદૂડિયાં પાડ્યાં. વિમળાએ વિનયથી કહ્યું “બીજું કોઈ ઘેર નથી. ગામ ગયાં છે.” “ક્યારે?” “કાલ.” “કાગળ તો પરમ દા’ડે મળ્યો હોવો હોઈએ.” “મળ્યો’તો.” “ત્યારે?” “નહોતો બતાવ્યો. મારા હાથમાં આવેલો.” બેઉ વચ્ચેનો આ વાર્તાલાપ સામસામું જોયા વિના ચાલી ગયો. છેલ્લું વાક્ય કહીને વિમળા હેઠું જોઈ ગઈ, ને સુમનચંદ્રના મોંમાંથી શબ્દ પડ્યો ‘વાહ!’ એ “વાહ’ શબ્દ શાનો સૂચક હતો? સસરા પર પોતે ખાનગીની રાહે ચીતરેલો વિગતવાર લાંબો કાગળ, આ જેને વંચાવવાનો જ નહોતો, તે જ માનવી વાંચી ગયું એનો? આ યુવતીએ બાપ પરની ટપાલ દબાવી રાખી એનો? કે પોતે એકલી જ આવીને મળી શકે એ માટે માબાપને ગામતરે જવા દીધાં એનો? સુમનચંદ્ર મનમાં ને મનમાં તપી ગયો. વિમળા ન વાંચવાનો કાગળ વાંચી બેઠી એવુંએવું વિમાસી રહ્યો છે એની વચ્ચે વિમળાનો તાજો બોલ પડ્યો “આમ કાંઈ ચાલ્યા જવાનું હોય?” સુમનચંદ્ર એ વાક્યને સમજી શક્યો નહીં; શાંત રહ્યો. વિમળાએ પોતાના બોલનું ભાષ્ય કર્યું “જાવું હોય તો…” પાલવની કોર ચંચવાળતી-ચંચવાળતી બાજુએ જરીક જોઈને ખમચાયા પછી બોલી “…પછી ભલે જવાતું.” એ શબ્દનો કંઈ ઉત્તર ન મળ્યો એટલે વિમળાએ એક વાર ઊંચી દૃષ્ટિ કરી. એને જોવું તો હતું સુમનચંદ્રનું મોં પણ જોનારીનું જ મોં વંચાઈ ગયું. એ મોં પર રાતીરાતી ટશરો હતી. સુમનચંદ્રથી, કેવળ સ્વભાવને કારણે હો કે પછી ‘જવું હોય તો… પછી ભલે જવાતું’ એ વાક્યમાં વિમળાએ અણઉચ્ચાર્યો છોડેલો શબ્દ ‘લગ્ન’ પોતાને તુચ્છકારપાત્ર લાગવાથી, પણ એક બાજુ થઈને થૂંકાઈ ગયું. રાતી ટશરો વિમળાના મોં પર હતી તેમ આંખોમાંયે ફૂટી ઊઠી. સુમનચંદ્રને બીક લાગી કે હમણાં પોતાને ઘસડીને નીચે પટકશે. ત્યાં તો બીજી કન્યાએ ટમકું મૂક્યું “કાંઈ મરડ છે! મરડાઈને આપે ને આપે ભાંગી જાશે. વળ જ મેલે નૈં આ તો!” “તું અક્ષરેઅક્ષર સાચું બોલી, બાઈ!” સુમનચંદ્ર એકાએક પોતાને જે કહેવાનું હતું તે માટેના શબ્દ શોધી આપનાર એ મુસ્લિમ ખેડૂત કન્યા તરફ જોઈને બોલ્યો “હું જાઉં છું તે અમારી ઇજ્જતને માટે. પાછો વળીને આપકમાઈની અસલ જેટલી જમાવટ ન કરી બતાવું ત્યાં લગી પરણવા-બરણવાની વાત નથી. આજ આંહ્ય પરણીને ઘોલકું માંડી બેસું, તો મારા પૂર્વજ દુભાય અને દુનિયા ખીખી દાંત કાઢે. એને મરડ કહે, વળ કહે કે વટ કહે, તારે હૈયે બેસે તે કહે.” પેલી ખેડુ છોકરીને વધુ તાન ચડ્યું. એણે શરીરને સહજ સુંદર મરોડ આપીને બરાબર સન્મુખ બની પૂછ્યું “પણ પાછા આવીનેય પરણવું છે તો મૂળ ઠેકાણે જ ને કે ઈયે દેશાવરથી લેતા આવવું છે?”