કાવ્યચર્ચા/જોયો તામિલ દેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જોયો તામિલ દેશ

સાહિત્યકાર મિત્રો સાથે પ્રવાસ કરવાની એક મઝા હોય છે અને એક મર્યાદા પણ. મઝા એ વાતની કે આખે રસ્તે કાવ્યશાસ્ત્રવિનોદ ચાલતો રહે. અંતકડી રમાતી હોય તો શીઘ્ર કવિતા પણ રચાઈ જાય. ચા-કૉફી પીવાની ઇચ્છા પણ ક્વચિત્ છંદની એકાદ પંક્તિમાં પ્રકટ થઈ જાય અને છંદમાં એનો પ્રતિસાદ દેનાર પણ નીકળી આવે. ક્યાંક ગીતકવિતાની એકાદ લીટી દ્વારા ગમનાગમન નિષેધનો સંકેત પણ અપાય. વળી કોઈ પ્ર-સિદ્ધ પણ અત્રે અનુપસ્થિત સાહિત્યકારની વાત નીકળે, તો કવિતાના નવરસથી ચઢિયાતા નિન્દારસનો પણ લહાવો મળી રહે. આ જ વસ્તુ મર્યાદારૂપ બની ન જાય?

અમારી મેટાડોરમાં બારેબાર સાહિત્યકારો. એમાંથી કેટલાક તો દિગ્ગજ કહી શકાય. જેમ કે, સાહિત્ય પરિષદના નવા પ્રમુખ ઉશનસ્, જૂના પ્રમુખ જયંત પાઠક, રઘુવીર ચૌધરી, ચિનુ મોદી, કવિ રાજેન્દ્ર શુક્લ તો અદ્દલ સંત તિરુવલ્લુવર! એ નામ પણ આપી દીધું. બહેનોમાં ડૉ. અનિલા દલાલ, રૂપા શેઠ અને ડૉ. ઉષા ત્રિવેદી. એ સૌ પણ લખનાર. રશીદ મુન્શી પણ શાયર. લાંબા કવિ જેવા કેશ રાખતા નડિયાદી હરીશભાઈ પણ વચ્ચેવચ્ચે શેરોશાયરીનો લાભ આપે જ. ‘બાનો ભિખુ’ના લેખક ચંદ્રકાન્ત તો જાણીતા પ્રવાસલેખક પણ. ઉશનસ્, જયંત પાઠક અને ચંદ્રકાન્ત જરાય જુદા ન પડે. એક જ સીટ પર ત્રણે જણ બેસે. કોઇમ્બતુરમાં ગુજરાતી સમાજમાં ઉતારે બે બેડવાળી રૂમ, એક વધારાનો પલંગ નંખાવી ત્યાં પણ ત્રણે સાથે જ રહેલા. બરાબરની ઉન્મુક્ત પ્રવાસી મંડળી હતી અમારી.

અમારા આનંદની વૃદ્ધિમાં રઘુવીરે ઠરાવેલી મેટાડોરે અને એના તમિળભાષી ચાલકે પણ ફાળો આપ્યો. વાત એમ બની કે રવિવારે રાત્રે અધિવેશન તો પૂરું થઈ ગયું. હવે કોઇમ્બતુરમાં ત્રણ દિવસ કેમ કાઢવા? કોઇમ્બતુરથી સીધી અમદાવાદ ભણી આવતી વળતી ગાડી છેક બુધવારે રાત્રે જ મળવાની હતી. કેટલાક પ્રતિનિધિએ તો અગાઉથી દક્ષિણનાં જુદાં જુદાં સ્થળોની યાત્રા ગોઠવી દીધી હતી. પણ અમે તો સવારે નીકળી રાત્રે પાછાં આવીએ એવાં નજીકનાં સ્થળોએ જવાનું જ વિચારેલું. છેલ્લી ઘડીએ મેટાડોર ઠરાવી.

મેટાડોરની અડધી બારીઓને કાચ નહોતા. પવન નિર્બંધ ગતિએ આવ-જા કરતો. એક વાર અમે અંદર બેસીએ પછી ચાલક જ બાજુનું અને પાછળનું બારણું બંધ કરી શકતો. પછી અમારે ઊતરવું હોય તોપણ એ જ આવીને બહારથી બારણું ખોલે ત્યારે અમારી ‘નિકાસ’ થઈ શકતી. તેમાં વળી એ અમારી વાત જરા પણ ન સમજે. યસ, યસ, નો, નો એટલું સમજે. થોડા અંગ્રેજી શબ્દો, ક્રિયાપદ વિનાના. તેનાથી વ્યવહાર ચાલે. મેટાડોરમાં આમ તો બધા શબ્દસ્વામીઓ, પણ એમના શબ્દો આ ચાલક આગળ નકામા બની જતા. મેટાડોર ઊભી રાખવી હોય તો સંકેતોથી સમજાવવું પડે. સંકેતોમાં દરેક સાહિત્યકાર જુદા પડે. તેમ છતાં અમે બે દિવસ સવારે-સવારે નીકળી રાત્રે સલામત મુકામે પાછા આવી ગયા. એટલે કે ટૂંકમાં મેટાડોરે પણ અમારી યાત્રાને આનંદમય બનાવી.

પહેલે દિવસે આ મેટાડોરથી ઉટી જઈ આવ્યા. પછી પણ બીજે દિવસેય એની પસંદગી કરી. રઘુવીર કહે : આટલા સસ્તામાં આપણને બીજી મેટાડોર ક્યાંથી મળવાની હતી? ખરેખર એ કંઈ સસ્તી તો. નહોતી – અને એનો ચાલક ચાલાક પણ હતો. રઘુવીરે એની ચાલાકીને બીજે દિવસે તો ના જ ચાલવા દીધી. એકબે સ્થળે મોડું થવા દે. પછી કહે: હવે તો મંદિરનાં દર્શન બંધ થઈ જશે, હવે તો પાર્ક બંધ થઈ જશે, હવે તો અંધારું થઈ ગયું – આ બધું સંકેતોથી અને એકાદ બે અંગ્રેજી શબ્દોથી સમજવાનું. વચ્ચે અમારા કહ્યા વિના ચા-કૉફી માટે મેટાડોર ધીમી પાડી છે. પણ રઘુવીરે એને આદેશ આપ્યો : ગમે તેટલું અંધારું થાય તોપણ જવાનું છે

બીજા દિવસની અમારી આ મુસાફરીની બીજી ખરી મઝા એ હતી કે અમે ખરેખર ક્યાં જઈ રહ્યા હતા એની શરૂમાં અમનેય ખબર નહોતી. સાચે જ. રઘુવીરે સ્થાનિક યજમાનોના માર્ગદર્શનથી કોઇમ્બતુરની નજીકનાં જોવાલાયક બેત્રણ સ્થળોએ જવાનું ગોઠવ્યું હતું, – પણ એ પોતે પણ એ સ્થળોનાં નામ ભૂલી ગયા હતા. એટલે આ બારે સાહિત્યકારોની યાત્રા ‘નિરુદ્દેશે’ હતી. કોઈએ કહ્યું પણ ખરું કે આજે આપણે ક્યાં જઈએ છીએ તેની આપણામાંથી કોઈને ખબર નથી.

એટલે અમે રસ્તાની બંને બાજુના તમિળનાડુના આ વિસ્તારના લેન્ડસ્કેપનો આનંદ લેતા લેતા આગળ વધતા હતા. કોઈને અહીંના અધિકતર લોકના રંગ જોઈને કે કેમ પણ કવિ સુન્દરમ્‌ની લીટીઓ યાદ આવીઃ

જોયો તામિલ દેશ, વેશ અડવો, શ્યામાંગ જાણે બળ્યો
દાઝ્યો ભાખર, નિત્ય તપ્ત ધરણી આ તામ્રપર્ણી પરે
સ્રષ્ટાની દૃગ દેખવે મગન જ્યાં સૌન્દર્ય દેશોત્તરે–
ત્યારે ફેરવવું ચૂક્યો, તદપિ ના એ અંતરેથી ટળ્યો.

પણ સુન્દરમે જોયેલો એ દેશ અને અમે એ દેશના જે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા તે, હવે જુદો લાગતો હતો.

વચ્ચે કપાસની ખેતી આવી. રઘુવીરે ગાડી ઊભી રખાવી. એ નીચે ખેતરમાં ઊતર્યા. સાથે હતા સંત તિરુવલ્લુવર. કાલામાંથી રૂ કાઢી ખેડુ રઘુવીર એના તંતુ તપાસવા લાગ્યા. બાજુના એક ખેતરમાંથી હું અને ચાલક મકાઈ ડોડો લઈ આવ્યા – ગયા હતા તો ગાજર લેવા. આજે રૂપાની જન્મતારીખ હતી. ડોડો એને ભેટ આપ્યો!

એક નાનકડા ગામની હોટલમાં બધાએ મદ્રાસી ઈડલી-ઢોંસાનો સ્વાદ કર્યો. રશીદ મુનશી તો થોડાક તમિળ શબ્દો જાણતા હતા. તે છેક અંદર જઈ ખાસ કડક ઢોંસા તૈયાર કરાવી લાવ્યા. મકાઈ ડોડા પણ શેકી લાવ્યા. પછી જાણી લીધું કે અમે પલની શહેરમાં જતા હતા. પલનીમાં મુરુગનસ્વામીનું મંદિર છે.

મુરુગન એટલે કે કાર્તિકેય. શિવ-પાર્વતીના બે પુત્રોમાં એક આ કાર્તિકેય-સ્કંદ. આ બાજુ એમનાં જુદાં જુદાં નામ છે, તેમાં બહુ પ્રચલિત નામ છે સુબ્રહ્મણ્ય. તમિળોમાં અસંખ્ય ‘સુબ્રહ્મણ્યો’ હશે. વેલાયુધન પણ જાણીતું નામ. ઉપરાંત બીજાં.

કાર્તિકેય કહેતાં સાહિત્યરસિકોને તો તરત કવિ કાલિદાસનું ‘કુમારસંભવ’ યાદ આવે. કુમારસંભવ એટલે કે કુમારનો જન્મ. આ કુમાર એ જ કાર્તિકેય, એ જ મુરુગન. દક્ષિણમાં એમનાં ઘણાં મંદિર છે. તારક નામના અસુરે દેવતાઓને પરાસ્ત કર્યા હતા. દેવતાઓ ઉપાય માટે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ કહ્યું કે માત્ર દશ દિવસનો બાળક જ તારકનો વધ કરી શકે. એવો પરાક્રમી બાળક તે કોનો હોય?

શિવ એ વખતે તપમાં ડૂબેલા હતા. દક્ષયજ્ઞમાં સતીએ પ્રાણાહુતિ આપ્યા પછી, તે દક્ષયજ્ઞનો ભંગ કરી વિરક્ત બની ગયા હતા. સતીએ પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી તરીકે જન્મ લીધો. દિવસે દિવસે એ મોટી થઈ. બધાં સૌન્દર્યો એ પર્વતરાજપુત્રીમાં એકત્ર થયાં હતાં. પાર્વતી આ ભવે પણ શિવની ઉપાસના કરતી હતી, પણ શિવ તો તપસ્યારત હતા. જો શિવ અને પાર્વતીનાં લગ્ન થાય – અને એમનો જે પુત્ર થાય – તે જ એવો પરાક્રમી થઈ શકે.

પણ લગ્ન ક્યારે થાય – પુત્ર ક્યારે થાય? દેવતાઓ અધીર બન્યા અને કામદેવને સાધ્યો. પાર્વતી શિવની પૂજા કરવા આવી કે કામદેવે પોતાના ધનુષ્ય પર બાણ ચઢાવી કાન સુધી હજુ ખેંચ્યું જ હતું કે શિવે આંખો ખોલી. સામે પાર્વતી, પુષ્પાભરણથી લચેલી. બે આંખો પૂરતી ન થઈ એનું સૌન્દર્ય જોવા, ત્રણે આંખો ઠેરવી એના લાલ હોઠ પર.

પણ ત્યાં તરત પોતાની ચંચળતા સમજાઈ ગઈ. એમણે દૂર નજર કરી તો કામદેવ ધનુષ્ય ખેંચી તીર છોડવામાં છે. બસ થઈ રહ્યું. ઉપરથી અધ્ધર શ્વાસે દેવતાઓ જોઈ રહ્યા હતા કે શું બને છે. તેઓ સમજી ગયા. ‘પ્રભો, ગુસ્સો રોકો, રોકો’ એવા એમના શબ્દો પૃથ્વીલોક પર પહોંચે તે પહેલાં ત્રીજા નેત્રમાંથી નીકળેલી આગથી કામદેવ રાખનો ઢગલો થઈ ગયો. શિવ અદૃશ્ય થઈ ગયા. પાર્વતી ભોંઠી પડી. એણે પોતાના રૂપની નિન્દા કરી. રૂપ તો એ જે પોતાના પ્રિયને રીઝવી શકે. એણે ફરીથી શિવની આરાધના કરવા તપ આદર્યું. આખરે શિવ પ્રસન્ન થયા. શિવ-પાર્વતીના વિવાહ થયા. એક વખતે શિવપાર્વતી પ્રણયમગ્ન હતાં, ત્યાં અગ્નિ કબૂતર રૂપે સંતાઈ ગયો હતો. પોતાનું સ્ખલિત વીર્ય શિવે અગ્નિમાં મૂક્યું. અગ્નિથી સહન ન થતાં એણે ગંગામાં મૂક્યું. એ વખતે છ કૃતિકાઓ ગંગાસ્નાન કરતી હતી. તે ગર્ભવતી થઈ. એમણે ભયથી દરેકે બાજુના બરના વનમાં ગર્ભત્યાગ કર્યો. એ છ ગર્ભ ભેગા થઈ ષડાનન કાર્તિકેય, સ્કંધ બન્યા. એ દેવોના સેનાપતિ બન્યા અને એમણે તારકાસુરનો વધ કર્યો.

આવી આખા કુમારસંભવની કથા છે, એટલે કે મુરુગન સ્વામીની કથા છે. પણ અહીં જે માહાત્મ્ય છે, તે બીજી એક ઘટનાને કારણે છે. એક વખતે કાર્તિકેય અને ગણેશ વચ્ચે સ્પર્ધા થઈ કે પૃથ્વીની પ્રદક્ષિણા કોણ વહેલી પૂરી કરે. કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પ્રદક્ષિણા માટે નીકળી પડ્યા. જ્યારે ગણપતિનું વાહન તો ઉંદર. એના પર આરૂઢ થઈ પ્રદક્ષિણા ક્યારે પૂરી થાય? પણ એ હતા ચતુર. એમણે માતા પાર્વતીની પ્રદક્ષિણા કરી અને ત્યાં બેસી ગયા. પછી ઊડાઊડ આવ્યા કાર્તિકેય. પણ એ હારી ગયા. માની પ્રદક્ષિણા એ પૃથ્વી પ્રદક્ષિણા જ છે. – મા એ જ પૃથ્વી.

પણ પછી કાર્તિકેય રિસાયા. શિવે કહ્યું : ‘પલ-ની છે — અર્થાત્ તું જ ફળ છે, (પલ-ફળ; ની-તું) તું જ ફળ છે. તારે ફળની શી જરૂર? એટલે આ સ્થળનું નામ પડ્યું છે પલની.

પલની નજીક આવતું ગયું તેમ લેન્ડસ્કેપ બદલાતો ગયો. કોઇમ્બતુરથી નીકળ્યા ત્યારે ઊંચાં ઊંચાં તાલવૃક્ષોવાળો ભૂમિવિસ્તાર હતો. થોડો વેરાન અને ક્યાંક ક્યાંક સુક્કો પણ. પણ હવે ડાંગરનાં ખેતરો આવતાં હતાં. પાણી પણ ભરાયેલાં હતાં. બે ઊંચી પહાડીઓ પણ દૃષ્ટિગોચર થઈ. એક પહાડીનું નામ શિવમાલા, બીજીનું શક્તિમાલા. શિવમાલા પર મુરુગન સ્વામીનું મંદિર છે.

એટલે ઊંચે ચઢવાનું છે? વલસાડત્રયી (ઉશનસ્, જયંત પાઠક, ચંદ્રકાન્ત) ચિંતાતુર થઈ. ત્યાં મેટાડોર ચાલક વાહન ધીમું પાડી અમારી તરફ મોં કરી હાવભાવ સાથે બોલ્યો :

— થ્રી વેઝ (ત્રણ રસ્તા છે ઉપર જવાના)

— એલિફન્ટ વે (હાથી પર બેસીને જવાનો રસ્તો)

— ફૂટ વે (પગે ચાલીને જવાનો રસ્તો)

— રેલવે (ટ્રેનથી અર્થાત્ ટ્રોલીથી જવાનો રસ્તો)

— વિચ વે?

શબ્દોથી પણ અમે સમજી ગયા. બપોરે પગથિયાં ચઢીને જવાની આ સાહિત્યકારોની ઇચ્છા નહોતી. હાથીનો પ્રશ્ન જ નહોતો. એટલે. બધાએ કહ્યું : ‘રેલ-વે રેલ-વે’.

મેટાડોર જાતજાતના યાત્રાળુઓની ભીડમાં માર્ગ કરતી શિવમાલા પહાડની તળેટીના સ્ટેશને આવી ઊભી. ચાલકે પોતાની સીટ પરથી ઊતરી મેટાડોરની બાજુનું અને પાછળનું દ્વાર અદાથી ખોલ્યું.

બારે ગુજરાતી સાહિત્યકારો પલનીની પવિત્ર ભૂમિ પર ઊતરી શિવમાલાના શિખરે જવા ઉદ્યત થયા.

મુરુગન સ્વામી એટલે કે કુમાર કાર્તિકેયનાં દર્શન માટે નીચે તળેટીમાં પણ અનેક ભક્તોની ભીડ હતી. શિવમાલા પહાડી બહુ ઊંચી નહોતી, પણ એકદમ સીધાં ચઢાણવાળી હતી. અમે વીજળીથી ચાલતી ટ્રેન, બલ્કે ટ્રોલી માટે ટિકિટો ખરીદી રાહ જોવા લાગ્યા. જાણે કીડીના વેગે સરતી હોય એમ એક બાજુની ટ્રોલી નીચે આવી. અમારે બીજી બાજુની ટ્રોલીમાં બેસવાનું હતું. એ પણ આવી.

એમાં અન્ય યાત્રિકો સાથે બારેય સાહિત્યકારો ગોઠવાયા. છ-છની બેઠકોનાં અલગ નાનાં નાનાં કમ્પાર્ટમેન્ટ. ચિનુ મોદી, રૂપા, અનિલાબહેનને છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં બેસવાનું આવ્યું. જાણે નીચે પડી જવાશે એવી બીકથી ચિનુ મોદી ટ્રોલી ચઢવા લાગી કે પાછળ વળી જોવા લાગ્યા. દોરડાથી ટ્રોલી ઉપર ખેંચાતી હતી. કોઈ એંજિન નહોતું. રખે ને દોરડું તૂટે.

ધીરે ધીરે ઉપર સરવાનો આનંદ હતો. અમારામાંથી પાંચથી છ તો પાકા કવિઓ. ઉશનસ્ અને જયંત પાઠક તો તેમાં કવિતા માટે અકાદમી પુરસ્કાર વિજેતા. કદાચ ઉપર ચઢવાની સૉનેટમાળા ગુજરાતી કવિતાને મળી જાય (કવિ ઉશનસે ઉટીના પહાડોના ભ્રમણની સૉનેટમાળા તો લખી દીધી છે!) ઉપર જઈ બધા પહાડીની પહોળી ટોચ ઉપર ઊતર્યા. મંદિર માટે વિશાળ જગ્યા છે. નીચે કરતાં ઉપર યાત્રિકો વધારે હતા. ત્યાં મુરુગન સ્વામીનું સ્તોત્ર પોકારતું એક યાત્રીદલ પ્રદક્ષિણા કરતું આવ્યું. એક ભક્ત સ્તોત્ર બોલે, છેલ્લું ચરણ આવે એટલે બધા હાથ ઊંચા કરી એકસાથે જયજયકાર કરે. સ્તોત્ર સમજાય નહિ. પણ એ મંત્રોચ્ચારની જેમ સમ્મોહિત કરે. થોડી વાર એ લોકો સાથે ચાલી લીધું, અમે બધાંની સાથે જયધ્વનિ પણ કર્યો.

આ મંદિરની બહારથી પ્રદક્ષિણા થઈ. પણ દર્શન માટે તો લાંબી લાંબી લાઇનો. કોઈ પણ પ્રવેશ ફી વિનાનાં દર્શન માટેની તો ઘણી લાંબી લાઇન. ઉષાબહેને અને રઘુવીરે ૧૦ રૂપિયાની પ્રવેશ-ફી આપી. એક ઓછી લાંબી લાઇનમાં ઊભાં રહ્યાં. અમે બહારથી જ પ્રસાદ લીધો અને ત્યાં મંદિરના પાછલે ઓટલે બેઠા. ત્યાં પણ નાનું દેરી જેવું મંદિર હતું. જેટલા ભક્તો ઉપર ચઢે, ત્યાં જ તેઓ સાષ્ટાંગ પ્રણામ કરતા. નાળિયેર વધેરતા. ઉપર તડકામાં મંદિરના સુવર્ણકળશો વધારે ઝગારા મારતા હતા.

રઘુવીર આદિ દર્શન કરીને આવી ગયા. ભસ્મ લાવ્યા હતા. પ્રસાદ સાથે ભસ્મ કપાળે લગાવી પ્રસાદ આરોગ્યો. વળી પાછા ટ્રોલીમાં. વળી પાછો ભય : રખે ને દોરડું તૂટે… નીચે આવી ગયા. પ્રસાદથી કેટલું પેટ ભરાય? ભૂખ તો લાગી હતી. પલનીની એક હોટલમાં ‘મુંબઈ થાળી’ જમ્યા. જમ્યા ઉપર શરબત અને મોઢામાં ઓગળી જાય એવું પાન. પણ પેલા દક્ષિણ ગુજરાતી કવિઓ જમતાંકને તરત નીકળી ગયા. તે પાન-શરબત વિના રહી ગયા. એનો અફસોસ એમને બહુ રહ્યો. બલ્કે અમે કરાવ્યો.

વળી પાછી અમારી ‘દિશાહીન’ યાત્રા. અમે ક્યાં જતા હતા? ચિંતા નહોતી. અમારી કંપનીનો જ આનંદ માણતા હતા ત્યાં એક નદીબંધ પાસેના પાર્કમાં આવી પહોંચ્યા. અહીં મગરોનું ખેતર (ક્રોકોડાઇલ ફાર્મ) હતું. અંગ્રેજીમાં ‘ફાર્મ’ ઠીક લાગે છે. પણ ગુજરાતીમાં મગરોનું ખેતર કહીએ ત્યારે વિચિત્ર લાગે છે. પ્રવેશ-ફી આપી અમે ફાર્મમાં પ્રવેશ કર્યો. જાણે જુદા જુદા ક્યારા બાંધ્યા હોય તેમ ફરતે થોડી જમીનવાળા પાણીના કુંડ. અને સાચે જ મગરોની ફસલ ઊગી આવી હોય તેમ એક-એક કુંડમાં શતાધિક મગરો, – અને તે પણ તેમના આકારો પ્રમાણે વિભાજિત.

એકસાથે આટલા બધા મગરોનાં દર્શનથી કોણ જાણે કેવો અણગમાનો ભાવ આવી ગયો. મગર રૂપાળું જાનવર તો નથી જ અને આટલી બધી વિકરાળ કુરૂપ કાયાઓ નિશ્ચલ થઈને પડી હોય તે કેવું લાગે! એટલા ચુસ્ત કે નિષ્પ્રાણ. અમે ગુર્જર સાહિત્યકારો એ મગરોને જોઈ જરા હળવી શી ‘હબક’ ખાઈ ગયા. એ વિચારથી કે આ રીતે આમ ને આમ દોઢસોબસો વર્ષ આ મગરોએ કાઢવાનાં છે!

ધારો કે આપણે આવા દીર્ઘાયુષી મગરો થઈ જઈએ તો? દોઢસો- બસો વર્ષ આમ જ લગભગ હાલ્યાચાલ્યા વિના કેમ પસાર થાય? એ કેવું જીવવું? આ તો અમે અમારી નજરે મગર વિષે વિચારતા હતા. મગર અમને જોઈને વિચારતા હશે કે થોડેક દૂર જાળીની પાર એમનું ભોજન છે?

એક કુંડમાં તો ઘણા વિરાટ મગરો. કોઈ બોલ્યુંઃ આ તો જાણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પ્રસિદ્ધ પંડિતયુગના સાહિત્યકારો જેવા લાગે છે. બસ પછી તો થઈ રહ્યું. કોઈ કહેઃ પેલો મગર જાણે બ.ક.ઠા.. તો કોઈ કહે: આ તો ગોવર્ધનરામ. કોઈ કહે : આ નરસિંહરાવ. પછી તો ચાલ્યું – એક બીજા કુંડમાંના મગરો જોઈ કોઈ બોલ્યું : આ ગાંધીયુગના લાગે છે. પોતાના વ્યાખ્યાનમાં ઉશનસે પોતાને રાજેન્દ્ર નિરંજન યુગના નહિ, પણ ગાંધીયુગના સાહિત્યકાર કહેલા. તે કોઈએ કહ્યું : કવિ, તમે આમાં ક્યાં?

ત્યાં એક કુંડમાં તરુણ મગર મોં ફાડીને પડ્યો હતો. ‘આ તો નવી પેઢીના સાહિત્યકારો લાગે છે. આ મોં ફાડીને ભક્ષ્ય માટે આતુર દેખાય છે. તે તો છે… પટેલ! બારેય સાહિત્યકારી ખૂબ હસ્યા, પણ મગરો તો હસે કે કરે. બધા ચૂપચાપ, ભારે મોંએ. હિંદીમાં અમે એ માટે એક શબ્દ વાપરીએ છીએ. ‘મનહૂસ’. એનો અશુભ કે અપશુકનિયાળ એવો અર્થ પણ થાય. ઉદાસ પણ થાય. મનહૂસમાં જે થોડો અણગમો, ધિક્કારનો ભાવ આવે છે તે ઉદાસમાં નથી આવતો. મગરો સાથે મનહૂસ શબ્દ કેમ જાય છે તે એકસાથે સેંકડો મગર જોતાં થયું. ‘મગર જેવી ચામડીવાળો’ પ્રયોગ પણ કેટલાક લોકો માટે કરીએ છીએ. એમાં પણ ભાવ તો તિરસ્કારનો છે. મગરોને, માણસજાતની એમના માટે વપરાતી નફરતભરી ભાષાની, ખબર પડે અને બબ્બે ફૂટ પહોળાં મોં ફાડી આ બધા મગરો છૂટા થઈને એકદમ દોડે તો? એ સેંકડોની વચ્ચે અમે બાર કેવી ભાગંભાગ કરીએ? પણ મગરનું જોર તો પાણીમાં ને!

ત્યાંથી નીકળ્યા, પણ હજી એ મગરદર્શનની છાપ જતી નહોતી. એકસાથે સામટા પડેલા મગરોનું દૃશ્ય ઝબકી જાય છે. એ સાથે પેલો એક વિચાર પણ: આ કેવું જીવવું! આ રીતે જીવવાના વિચારમાત્રથી વ્યગ્ર બની જવાય છે. કહો કે એક જાતની અસ્તિત્વવાદી બેચેની. શાપ મળવાનો હોય તો મગર થવાનો શાપ તો કદીય ન મળજો.

સાંજ પડવામાં હતી. હજી તો અમારે એક નદીનો બંધ જોઈ ત્રિવેણી ફૉલ્સ જોવા જવાનાં હતાં. અમારા મેટાડોરચાલકની ચાલાકી શરૂ થઈ. પહેલાં તો કહે : ટી, કૉફી, બ્રેક? રઘુવીર કહે : નો, સ્ટ્રેટ ફૉલ્સ. ચાલક કહેઃ ડાર્ક – ડેન્જરસ. સિક્સ કિલોમીટર્સ વૉક. ભલે ડાર્ક ડૅન્જરસ. સ્ટ્રેટ ફૉલ્સ.

મુખ્ય રસ્તેથી અંદરના પ્રદેશમાં આ ધોધ હતા. રસ્તો પણ જરા ઊબડખાબડ. તેમાં અમારી કાચ વિનાની મેટાડોર. જોકે ખડતલ ખરી. અમને તો વળી પાછું એમઃ જેટલી તામિલનાડુની રસ્તા દૂરની ભૂમિ જોવા મળે એટલું સારું. ત્યાં તો સૂર્યાસ્ત થવા લાગ્યો. પર્વતમાળાની રમણીયતા ખીલી ઊઠી.

છેવટે અમે નદીકિનારે પહોંચી ગયાં. જ્યાંથી ધોધ સુધી ચાલતાં જવાનું હતું. ધારો કે જતાં તો ગયાં, પણ પાછા આવતાં તો અંધારું થઈ જવાનું હતું. અને ચાલવાનો માર્ગ પણ ઊંચોનીચો પથ્થરવાળો. કેટલાક સાહિત્યકારો કહે : નથી જવું હવે, અંધારું થઈ જશે. સિક્સ કિલોમીટર્સ વૉકથી એ ગભરાયા હતા. પણ એ તો આવવા-જવાની વૉક હતી. જયંત પાઠક કહેઃ જેને જવું હોય તે જાય. અમે તો આ બેઠા. સાથે જ ઉશનસ્, પેલા પ્રવાસી ચંદ્રકાન્ત, ચીનુભાઈ, સંત તિરુવલ્લુવર પણ રહી ગયા.

મેં સામાન્યપણે એક સૂત્ર રાખ્યું છે. ૨ઝળપાટમાં કોઈક પાસેથી સાંભળેલું, તે ગમી ગયું છે. જ્યારે જ્યારે એવો પ્રશ્ન થાય કે ‘ખાના કિ નહીં ખાના? તો નહીં ખાના.’ જ્યારે જ્યારે એવો પ્રશ્ન થાય કે ‘જાના કિ નહીં જાના? તો જાના.’ ખાવું છે કે નથી ખાવું એવો પ્રશ્ન જ ક્યારે થાય? જ્યારે ખરેખરની ભૂખ ન લાગી હોય. એવે વખતે ન ખાવું તે આરોગ્ય માટે પણ સારું છે. જ્યારે જવું કે ન જવું એવો પ્રશ્ન થાય ત્યારે? જવું. કંઈક તો જોવા મળશે. જાણવા મળશે. તકલીફ જરૂર પડશે. પણ બેસી રહેવાથી તો કંઈએ મળવાનું નથી.

અમે નીકળ્યા. શિલાઓ પર વહેતો નદીનો પ્રવાહ ઓળંગી રઘુવીરની આગેવાની નીચે. એ આગળ ચાલે, એમની પાછળ હું. પછી ઉષાબહેન, રૂપા, અનિલાબહેન, શાયર રશીદ મુનશી બધાંને સાચવતા પાછળ ચાલ્યા આવે. હરીશભાઈ ક્યારેક આગળ, ક્યારેક પાછળ. ત્યાં વળી સ્થાનિક તરુણ યાત્રિકોની એક ટુકડી પણ ધડધડ કરતી ધોધ તરફ જવા પસાર થઈ ગઈ. ખરેખર અંધારું થવા લાગ્યું હતું. ઝાડી હતી. પથરાળ માર્ગ. અંદર પથ્થરો વચ્ચે વહેતી નદીનો અવાજ.

હવે ધીરજ જવા લાગી. આ ઊંચાનીચા માર્ગે અંધારામાં પાછાં કેમ કરી વળીશું? રઘુવીરે કહ્યુંઃ હવે માત્ર ૧૦ મિનિટ ચાલીએ. અને ત્યાં સુધીમાં ધોધ ન આવે તો પાછાં વળીશું.

ત્યાં ઝાડી વચ્ચેના માર્ગેથી જોયું. જરા દૂર ખુલ્લામાં અજવાશ છે. ત્યાં પહોંચ્યા. ઉપર ખુલ્લા સ્વચ્છ આકાશમાં તારા દેખાવા લાગ્યા હતા. તે સાથે ધોધનાં દર્શન. પહોંચી જઈ અમે જોયું કે પેલી ટુકડી તો જળધોધ ઝીલતી નહાતી હતી. અમે કોઇમ્બતુરથી નીકળ્યા ત્યારે ધોધ નીચે નહાવાના વિચારથી નીકળેલા, એટલે રઘુવીર તો સવારે નહાયા પણ નહોતા. ધોધે નાહીશું. પણ આ અંધારામાં હવે?

રૂપા, ઉષાબહેન, અનિલાબહેન ધોધ નિકટ જઈ તેની જળશીકરોનો છંટકાવ પામી પાછાં આવ્યાં. રઘુવીર પણ લગભગ ભીંજાઈ પાછા આવી ખડક પર લાંબા થઈ સૂઈ ગયા. રશીદ ખાસ્સે ભીંજાયા. હરીશભાઈ પણ થોડાક ભીંજાયા. હું અવઢવમાં હતો. ત્યાં થયું કે, અહીં ક્યારે આવવાના હતા? કપડાં કાઢતાંકને પેલા લાંબે પટે પડતા ધોધ નીચે.

ધડધડ ધડાધડ ધડ. ધડ્ધડાધડૂ… માથે જળના સઘન પ્રહારો, પણ લાડભર્યા. અહા, શો આનંદ! ત્યાં એક યુવાને મને પકડી ઊભો રાખ્યો : જ્યાં વેગથી ધારા પડતી હતી તેની નીચે. હું એકદમ કિશોરાવસ્થામાં પહોંચી ગયો કે શું? પછી તો રૂપા અને ઉષા પણ આવી પહોંચ્યાં. પહેર્યે કપડે ધોધવાના પ્રહારો ઝીલી રહ્યાં. કિલકારીઓ કરી રહ્યાં. એમને આમ નહાતાં જોઈ હરીશભાઈને અફસોસ થયો કે એમના કૅમેરામાં ફલૅશ નહોતો!

હવે ધોધ નીચેથી નીકળવાનું મન થતું નહોતું. થોડી વાર ધારાઓ નીચેથી ખસી જઈ, ફરી ધારાઓ નીચે. નાયગરા ધોધ ગમે તેટલો પ્રચંડ અને વિરાટ, પણ એને તો માત્ર જોવાનો જ ને! આ ત્રિવેણી ધોધ ભલે નાનો, પણ એનું ઉન્માદભર્યું વહાલ ઝીલી શકાતું હતું. બાજુમાં વિશાળ શિલામાં કુંડ બની ગયો હતો. પાણી તેમાં જમા થઈ આગળ વધતાં હતાં. કુંડમાંય કેડ સમાણાં જ પાણી હતાં. એક વાર બહાર નીકળી આવ્યો. વળી પાછો એક વાર ધોધ ઝીલી લઈ આવ્યો. ઉષા-રૂપાને તો કહેવું પડ્યું કે, બસ, હવે માંદા પડી જવાશે. માંડ જળથી છૂટાં પડ્યાં.

પછી એ ત્રિમૂર્તિ ધોધને પાછળ મૂકી અંધારે રસ્તે ચાલ્યાં – સંભાળતાં સંભાળતાં. અનિલાબહેનની પર્સમાંથી ટોર્ચ નીકળી. પણ હવે પગમાં પથરાઓ પર ચાલવાનો લય આવી ગયો હતો. ઓછામાં પૂરું રશીદ બધાંની કાળજી રાખે.

પછી નદી ઓળંગી. નદીકિનારે પ્રતીક્ષા કરતા મિત્રોને મળ્યા. અમે એમને ન આવવાનો અફસોસ થવા દીધો, બલ્કે કરાવ્યો. ચીનુભાઈ અને રાજેન્દ્ર તો અવશ્ય આવ્યા હોત. પણ ‘સિક્સ કિલોમીટર્સ વૉક’થી હતોત્સાહ થયા હતા. પણ ઉશનસ્ આવ્યા હોત તો વળી એકાદ સૉનેટગુચ્છ અવશ્ય મળી જાત. કંઈ નહિ. છેવટે તો ગુજરાતી સાહિત્યે અમારું આ નાનકડું ભ્રમણવૃત્ત પામી તોષ લેવાનો રહ્યો.

નદીકિનારેની નાનકડી હોટલ બંધ થવામાં હતી. એક નાતિ પ્રૌઢ મા અને નાનો દીકરો વ્યવસ્થા કરે. હસમુખાં. હિસાબમાં મુશ્કેલી થાય. અમે થોડાં કેળાં લીધાં – રસ્તે ખાવા. નાનાં, પણ મોંઘાં. પછી કૉફી. ધોધનાં જળ ઝીલ્યા પછી ગરમ કૉફીનો સ્વાદ અનેરો લાગ્યો.

મેટાડોર બહારથી બંધ કરી ચાલકે ઘરઘરાટી સાથે શરૂ કરી. અમે અંતકડી રમવાની શરૂઆત કરી. ક્યારેક આખું ગીત ગાઈ નાખીએ. આવે વખતે બંને પક્ષો જોડાય. જામી ગઈ વાત. રાજેન્દ્ર શુક્લ આખી ગઝલો બોલે, ચિનુ મોદી પણ. રઘુવીર શીઘ્ર રચના પણ કરી દે. બધા સાહિત્યકારોને પણ લાગ્યું કે, અમને બધાને ફિલ્મનાં ગીતો વધારે યાદ હતાં! કેળાં લીધાં ત્યારે કોઈ બોલેલું, આટલાં બધાં કેળાં? પણ બધાં ખવાઈ ગયાં. અંતકડી ચાલતી રહી.

પછી એક મોટું નગર આવ્યું. એક રેસ્તોરાં આગળ મેટાડોર ઊભી રખાવી. રૂપાએ પોતાના જન્મદિન નિમિત્તે બધાંને આઇસક્રીમ ખવડાવ્યો. આઇસક્રીમ ખાઈ બધાંએ રૂપાને આશિષ અને અભિનંદન આપ્યાં.

ઠીકઠીક મોડું થયે કોઈમ્બતુરના ગુજરાતી સમાજના પ્રવેશદ્વારે અમારી ગાડી આવી ઊભી. અમારા ચાલકને અમે થોડી વધારે બક્ષિસ આપી. આવી મેટાડોર ગાડીમાં તો, ભાગ્ય હોય તો જ આવા બાર-બાર સાહિત્યકારોના સંગમાં ભમવાનું મળે. સવારથી નીકળ્યા તે એકએક ક્ષણને જાણે આનંદી હતી, આ દિશાહીન લાગતી યાત્રામાં. હા, કવિ સુન્દરમને કહીશું કે, અમે પણ જોયો તામિલ દેશ..

[૨-૨-‘૯૨]