કાવ્યમંગલા/જિન્દગીના નવાણે
જિન્દગીના નવાણે
आषाढस्य પ્રથમ રજની નીતરે નૌતમાંગી,
એવી રાતે જગમનુજનાં અંતરો લે ઉછાળા,
ગીતો, નૃત્યો, મધુર મદિરા, ને પલંગો સુંવાળા,
રમ્યા નારી ભવન ભરતી કિન્નરી શી કૃશાંગી,
હૈયે હૈયે છલક ઉછળે ભાવ શૃંગારભીની,
દૂઝે રાત્રિ મુલક સુખિયે, દ્રવ્યથી આઢ્ય ધામે,
વામી ચિંતા પુલકિત મને માણતા શું પ્રકામે
જીવ્યા લ્હાવો જન કંઈ હશે આ નિશામાં અમીની.
મારા દેશે પણ સુખ બધાં એકદા એમ માણ્યાં,
આજે બીજી પ્રણયરજની માણવાની અમારે; ૧૦
કારાગારે અમ તન પડ્યાં શૃંખલાના પથારે;
રૌદ્રા લીલા અવર પ્રગટે, મર્દનાં જંગગાણાં
ઊઠે ગાજી જનજનતણાં અંતરોનાં ઉંડાણે,
જ્યારે બારે ઘન ઉલટતા જિન્દગીના નવાણે.
(૪ ઓગષ્ટ, ૧૯૩૨)