કાવ્યાસ્વાદ/૫૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૩

ફ્રેન્ચ કવિ લા ફોર્ગ કળાના સત્યથી વ્યવહારના અને ફિલસૂફીના સત્યને જુદું પાડીને જુએ છે. એના એક કાવ્યમાં એ કહે છે, ‘અરે હજી તો હું લખવાની શરૂઆત જ કરું છું ત્યાં એ સેતાન સત્ય (જે મારી આજુબાજુમાં જ ભમ્યા કરતું હોય છે) મારા પર ઝૂકીને મારા કાનમાં કહે છે, ‘ચાલ, બહુ થયું મૂરખ! દીવો ઓલવી નાખ!’ એના એક બીજા કાવ્યમાં એ સર્જકની અદાથી કહે છે, ‘મારા જીવનમાં મારે એક જ લક્ષ્ય છે : મારે મિથનો વિષય બનવું છે.’ આ કંઈ જેવી તેવી મહત્ત્વાકાંક્ષા નથી. એ જાણે પડકાર ફેંકતો હોય તે રીતે પૂછે છે, ‘ક્યાં ગયા બધા ગયા વરસના ચન્દ્ર? અને હવે આ ઈશ્વરનેય ક્યારે નવોનવો કરીશું?’ બીજા એક કાવ્યમાં એ કહે છે, ‘આ ઇતિહાસને હું જાણું છું ને આ પ્રકહ્નતિને પણ જાણું છું. એ તો વપરાઈ ચૂકેલા માલના બજાર છે. હું તો એવું કશુંક બોલવા માગું છું જેનું પ્રમાણ એની બહાર કશે શોધવું નહિ પડે.’ લા ફોર્ગ થુલે નારાજીની વાત એક કવિતામાં કહે છે. એ અણીશુદ્ધ પવિત્ર, સ્ત્રીઓથી દૂર ભાગે. રાતે ભાગીને ટાવરમાં જઈને બેસે ને બેઠો બેઠો શઢ ગૂંથે. દોરાના ઉખેળાતો દડો એને બહુ ગમે. એકલો બેઠો બેઠો પ્રેમનાં અને સૂર્યનાં ગીતો ગાયા કરે.’ ‘પ્રેમને તો સૂર્ય જ્યાં અસ્ત પામે છે ત્યાં છેક છેડે જઈને જોઈ લીધો; મારા કાન જે સાંભળવાની ના પાડે તે મેં સાંભળી લીધું, આંખો જે જોઈ ન શકે તે મેં જોયું. મન રાતે જે બધું ભરતગૂંથણની જેમ ભર્યા કરે તે પણ મેં જોયું. એક રીતે કહું તો હું ખરેખર સાચો હું બન્યો. મારા વિષાદને મેં સીવી લીધો અને પછી સૂર્ય જ્યાં અસ્ત પામે ત્યાં પરવાળાના બેટ પર પહોંચી ગયો.’ આ જ તો કવિ કરતો હોય છે. ઉપનિષદ્માં કહ્યું છે તેમ આંખને નહિ પણ આંખ જેના વડે જુએ છે તેનું એ ધ્યાન ધરે છે, એ કાનને નહિ પણ કાન જેના વડે સાંભળે છે તેની સાથે એને સમ્બન્ધ છે.