કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૨. એકલો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૨. એકલો

ઝવેરચંદ મેઘાણી

તુજ સુખની મ્હેફિલમાં તું સહુને નોતરજે,
પણ જમજે અશ્રુની થાળ એકલો;
હોંશીલા જગને હસવા તેડું કરજે:
સંઘરજે ઉરની વરાળ એકલો.

તુજ દ્વારે દ્વારે દીપકમાલ ચેતવજે:
ગોપવજે દિલ-અંધારાં એકલો;
બીજાંને આંગણ અમૃત-ઝરણાં રેલવજે:
પી લેજે વિષ તારાં તું એકલો.

તુજ ગુલશનનાં ગુલ જે માગે તેને દેજે,
ને સહેજે સર્પોના દંશ એકલો;
કીર્તિની કલગી સહિયારે કર દેજે:
ભોગવજે બદનામી-અંશ એકલો.

દિલદિલની દુ:ખ-વાતો દિલસોજીથી સુણજે:
ચૂપ રહેજે કાપી જબાન એકલો;
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજે:
કદમો ભરજે કંટક પર એકલો.

(સોના-નાવડી, પૃ. ૨૯૫)