કાવ્ય-આચમન શ્રેણી – મરીઝ/ઉંમર લાગી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. ઉંમર લાગી

ફક્ત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી,
કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી.

ઘડીભરમાં તને પણ એની સંગતની અસર લાગી,
તને પણ પાછા ફરતાં એક મુદ્દત નામાબર લાગી.

ન મેં પરવા કરી તેનીય એણે નોંધ ના લીધી,
મને તો આખી દુનિયા મારા જેવી બેકદર લાગી.

ઝરણ સુકાઈને આ રીતથી મૃગજળ બની જાએ?
મને લાગે છે એને કોઈ પ્યાસાની નજર લાગી.

હવે એવું કહીને મારું દુ:ખ શાને વધારો છો.
કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી.

હતો એ પ્રેમ કે વિશ્વાસ પણ તારી ઉપર આવ્યો,
અને શંકા કદી લાગી તો એ તારી ઉપર લાગી.

ઘણાં વરસો પછી આવ્યાં છો એનો એ પુરાવો છે,
જે મેંહદી હાથ ને પગ પર હતી એ કેશ પર લાગી.

બધા સુખદ અને દુ:ખદ પ્રસંગોને પચાવ્યા છે,
પછી આ આખી દુનિયા મારું દિલ લાગી, જિગર લાગી.

અચલ ઇન્કાર છે એનો ‘મરીઝ’ એમાં નવું શું છે?
મને પણ માગણી મારી અડગ લાગી, અફર લાગી.
(આગમન, પૃ. ૩)