કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/અછત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૪. અછત

વગડાની ધારે ઊભેલી અવાચક
ગોવાલણી કશું કળી શકતી નથી,
વાદળનું ધણ
પવનના ગલ ભરાતાં એવું ખેંચાય છે
કે આકાશ પાછું પડી જાય છે.
સળ ઊઠ્યા છે સૂકી તલાવડી પર
તોય સૂરજદાદા ખમૈયા કરતા નથી.
ગોવાલણીનાં આંસુથી
ધોમધખતી લૂની તરસ છિપાતી નથી.
વાછરડાંની આશ તરે છે
મૃગજળનાં તમ્મરમાં.
ગાયોની પાંસળીઓ વચ્ચેની જગા પૂરવા
વાદળિયા ફૂલકા હાથ લાગતા નથી.
તરણાંનાં મૂળિયાં
સુકાતાં સુકાતાં ઝરણાની જન્મોત્રી સુધી પહોંચ્યા છે.
ગોવાલણીનું હૈયું ધબકે છે ભીતિથી —
ગોવાળ સાથે દેશાવર ગયેલી પોઠ
પાછી ફરશે ખરી?
૧૯૮૭

(ફૂટપાથ અને શેઢો, ૧૯૯૭, પૃ. ૨૩)