કાશ્મીરનો પ્રવાસ/તા. ૧૫-૧૧-૯૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તા. ૧૫-૧૧-૯૧

સવાર થયું, દરેક વસ્તુ ભીની થ‌ઇ ગ‌ઇ હતી, સૂર્યનાં કિરણો પડવાથી નવપલ્લવ ભીનાં વૃક્ષોની રમણીયતા વધારે રમણીય દીસતી હતી. પર્વતની ઝાડની ઘટાવાળી ખીણો સુંદર છતાં વધારે સુંદર દેખાતી હતી. પર્વત પરના બરફનો ચળકાટ મનોહર છતાં વધારે મનરંજક ભાસતો હતો. પાણીના ધોધની ખુબી બેવડાતી હતી. આકાશ અને વાદળના રંગનું સૌંદર્ય મન પર દ્વિગુણ અસર કરતું હતું. પક્ષિઓના અવાજ આ કુદરતને ભૂષિત કરતા હતા. તેઓના નવીન રંગ પુષ્પના નાના પ્રકારના રંગ સાથે બરાબરી કરતા હતા. મંદ પવન સાથે જરા જરા ખુશબો આવતી હતી. ટાઢ છતાં બહાર ફરવાનું મન થતું હતું.

૨. રાત વીતી ગઈ પણ પાછળ રહેલો માણસ હજી આવ્યો નહિ ! ચા પી લીધો અને ડાંડીમાં બેસી તસવીર પાડનારને બંગલે ગયા. તસવીર પડાવશું નહિ એમ કહી કાશ્મિરના કેટલાક સુંદર દેખાવોની તસવીરો લેઈ પાછા ઉતારે આવ્યા. ઇશ્વરની મોટી કૃપા ! પાછળ રહેલો માણસ આવી પહોંચ્યો પણ તેના કપાળમાં એક મોટું તાજું પડેલું પાઠું હતું ! આ શું ? તે બિચારે કહ્યું કે "મરી આવતાં હું તો મરી જાત. મારા એક્કાનો પુલ તુટી ગયો, હું ખાઇમાં પડત પણ જરા જમણી તરફ પડ્યો. મારા અને કોચમેનના માથામાં વાગ્યું છે. મારાં હાડકે હાડકાં કળે છે, એક્કો સમો કરાવી તુરત હું ચાલી નીકળ્યો અને હમણાં જ અહીં આવી પહોંચ્યો છું. એક્કાવાળાએ અથવા મેં કાંઈ ખાધું નથી." "ઠીક ભાઈ, સારૂં થયું તું બચ્યો. તમે બંન્ને ખાઈને રાવળપિંડી જજો. સંભાળીને ચાલજો ઉતાવળ કરવાની કશી જરૂર નથી. રસ્તો ઘણો ખરાબ છે." એમ તેઓને કહી ગાડીમાં બેસી રાવળપિંડી તરફ અમે રવાના થયા.

૩. હવે ઢોળાવ ઘણો આવ્યો. ગાડીને બ્રેક નહોતી તેથી પાછલે પઇડે એક લાંબો લાકડાનો ધોકો બાંધ્યો હતો, પઈ સાથે આ ઘસાતો હતો, તેથી ચડુડુડુ અવાજ થતો જતો હતો. સડક આમતેમ વળતી ત્યારે ગાડી પડી જવાની ધાસ્તી રહેતી હતી. અહો ! સાત હજાર ફીટની ઊંડી ખાઈમાં પડવું ! પછી જીવવાની આશા રાખવી એજ મૂર્ખાઇ. "આસ્તે આસ્તે ચલાઓ, સંભાલો, યુ મેન, આસ્તે, આસ્તે." એમ બુમો પાડી અમારા કોચમેનસાહેબને અમે શીખામણ આપતા જતા હતા અને કાળજું તો ફડફડી જતું હતું, પણ બીચારો કોચમેન કરે શું ? તે તો તેનાથી ખેંચાય તેટલી લગામ ખેંચતો હતો. ખાસદારને પાછલી લાકડીની વિચિત્ર બ્રેકપર ઉભો રાખ્યો હતો, જેથી પઇ વધારે ઘસાય તો પણ ઢોળાવ એટલો હતો કે ગાડી રડી જતી હતી ઘણી વખત અમે ઉતરી જતા હતા અને ગાડી ધીમી પડે ત્યારે દોડીને ચડી જતા હતા. એક વખત એક સાંકડું વાળવાનું આવ્યું. ગાડી જોસમાં રડી જતી હતી. "ગાડી હમણાં ખાઇમાં ચાલી, હવે રામ રામ, કુદકો મારીએ તોપણ તે જ ખાઈ આડી આવે છે, દુનિયાને પ્રણામ" એમ વિચાર કરતા હતા તેટલામાં કોચમેને એકદમ ડાબી લગામ ખેંચી અને ગાડી રોકવા કોશીશ કરી, પણ તેનાં બે પઇ ગટરમાં પડી ગયાં અને પરવતમાં ગાડી અટકી ગ‌ઇ ! જો જમણી તરફ અથવા સીધી જરા વધારે ચાલત તો પછી કોઈ પાછું કાઠીયાવાડ જાત નહીં ’પરમાત્મા પલમાં ચાહે સો કરે.’

૪. ટેંટ નામનું ગામ આવ્યું. ઢોળાવનો ઘણો ભાગ ઊતરી ગયા, ઘોડાને વીસામો આપ્યો.

૫. મરી હીલ જતી વખતે અહીં ઘોડા બદલાવવા હતા પણ ઉપર લખ્યા પ્રમાણે તેમ બની શક્યું નહોતું. ઘોડા બદલાવતાં અને તે જોડ અટકી તેથી પાછી અગાડીનીજ ઘોડાની જોડ જોડતાં જેટલો વખત ગયો તેટલો વખત અમે જરા અગાડી ચાલી છવીશ માઈલના પાટીયાં નીચે એક પથરા પર થોડો વખત બેઠા હતા, અને ત્યા દુનીયાંની વાતો કરી આનંદ મેળવ્યો હતો. ગીગાભાઇ, બાલુભાઇ, અને હું એ ત્રણજ જણા હતા. બીજા બધા પાછળ ગાડી પાસે હતા. આ જગ્યા ખરેખાત કોઇ મનસ્વી અથવા તપસ્વીને યોગ્ય છે. ઉપર હાથી હાથી જેવડા મોટા પથરા છે, તેમાં ઘાડ ઘુઘવતું અંધારૂં, લીલું, શીતલ, સુગંધી, રમણીય, ભવ્ય અને મોટું જંગલ છે, છાયા ઘણીજ મનોહર છે, દેખાવ ઘણોજ સુશોભિત છે, ખીણ ઘણીજ ઊંડી છે. પર્વતો ઘણાજ ઊંચા છે. આ જગ્યા પર કોણ જાણે મને સ્વાભાવિકજ નિષ્કારણ પ્રેમ ઉત્પન્ન થાય છે અને તેથી વર્ણન લખવું એ અસંભવિત છે કેમકે તેને વિષે હું જે કાંઈ લખીશ તે મને ઓછુંજ લાગશે. તેને હું કૈલાશથી પણ વધારે સુખકર અને સ્વર્ગથી પણ વધારે સુંદર માનું છું.

૬. અમારા વિશ્રામ સ્થાનને પ્રેમ સાથે પ્રણામ કરી ટેંટ છોડ્યું. તે છોડ્યું ત્યારે એક મિત્રથી જુદા પડતાં જેટલું દુઃખ થાય તેટલું થયું હતું અને આ લખતાં પણ તેજ વખત જેવું નિષ્કારણ દુઃખ થાય છે. ઇશ્વર તેનાં એક વખત ફરી દર્શન આપો. તથાસ્તુ.

૭. કાશ્મીરના છેલ્લા રમણીય દેખાવો જોતા જોતા આતુર મને અમે છત્તર આવી પહોંચ્યા. ત્યાં કાશ્મીરની ઠંડી નથી, ત્યાં ડુંગર નથી, ત્યાં બરફ નથી, ત્યાં ઝાડી નથી, ત્યાં કુંજો નથી, ત્યાં ઝરણ નથી, ત્યાં ખળખળીયાં નથી, ત્યાં નાળાં નથી, ત્યાં ખીણો નથી. નથી તે ખુબસુરતી, નથી તે રમણીયતા, નથી તે ભવ્યતા, નથી ત્યાં મનોહર વેલી, કુદરતી બગીચા, લીલી જમીન, કાળાં અને નવરંગી વાદળાં ;-તેતો હવે ગયાં, હવે તે સ્વર્ગ છોડ્યું, હવે તે સુખ ખોયું, હવે તે આનંદ ગયો, તે ખુબી સ્વપ્નામાંજ જોવાના, તે પક્ષીઓનાં તે મધુર ગીત તો હવે નિદ્રામાંજ કાને પડશે. જેલમ નદીની તે ગર્જના હવે સ્વપ્નામાંજ સંભળાશે. સ્વપ્નામાંજ હવે સરોની ઘુઘવતી ઘટા દેખાશે અને સંભળાશે. સ્વપ્નામાંજ હવે તે ડાલલેક, તે તખ્ત સુલેમાન, તે વુલરલેક, તે નદીનાળાં, તે ફલફૂલ અને તે વનસ્પતિ દર્શન દેશે ! રોઊં તોપણ શું ?

૮. છત્તરમાં એક સુંદર બગીચો છે. તે કાશ્મીરી સૌંદર્યની શેષ છે. કાશ્મીરી રમણીયતાની છાયા છે. કાશ્મીરી દેખાવનું એક બગડેલું ચિત્ર છે. શીત કટિબંધમાંથી ઊંચકીને અમને જાણે ઉષ્ણ કટિબંધમાં નાખ્યા હોય તેવું થયું. શરીર બળવા લાગ્યાં. ગરમીથી ચહેરા લાલચોલ થ‌ઇ ગયા. મધ્યાન્હ સમય થ‌ઇ ગયો હતો. કોઇ હાલતું ચાલતું નહતું. કોઇ બોલતું નહતું, શ્રાવણની મેઘલી રાત જેવું મૌન સર્વ વ્યાપક થ‌ઇ ગયું હતું. પવન જ હલતો અને ખડખડાટ કરતો હતો. એક સુંદર સુગંધી વૃક્ષ નીચે ખાટલો નખાવી અમે પડ્યા. જરા દૂર એક પાણીનું ઝરણ વહેતું હતું તેમાં અમારા માણસો ખુશી થ‌ઇ થ‌ઇ નહાતા હતા. રસોડું પણ એક ઝાડ તળેજ કર્યું હતું. કાશ્મીરની મુસાફરી હવે સહીસલામત પૂરી થ‌ઇ તેથી આ પણ એક ઉત્સવનો દિવસ હતો પણ સ્વર્ગ છોડતાં કોને દુઃખ ન થાય ?

૯. રસોડું તૈયાર હશે એમ અમે ધાર્યું હતું તેથી લુલા વશરામ ખવાસને બોલાવી કહ્યું કે "કેમ થાળીને કેટલી વાર છે ?" તેણે કહ્યું, "સાહેબ, તૈયાર નથી. લાખો હમણાં જ આવ્યો." મેં પૂછ્યું "કેમ ?" તેણે કહ્યું "ભેંસાં એકાવાળો એવો ડર કે એકો ઉંધો નાખ્યો અને લાખો પડ્યો." ગીગાભાઈ અને હું વાતો કરવા લાગ્યા. લાખો રસોઈઓ રાંધતો હતો ત્યાં વશરામ ખવાસ ગયા અને પોતે પણ પડ્યા હતા તેથી આવેશમાં આવી જઈ ઉસમાન સાથે વાતો કરવા લાગ્યા - "એકાવાલા એડા ખરાબ જે એકા ધર્સીતા એ ત્રે માડુ છણ્યાપેં. ઓ એડા ખરાબ અઈં કે કેજીંગ ટંગબાં જુરીધાં" ઊસમાન બોલી ઉઠ્યો "ઈ ગાલ ખરી આય મુકે ફગાયો એટસે મૂંજોય મથ્યો ફાટી વિયો. નેર વસરામ, લાખો હેરપિયો. તેજીટંગ મોરડાજી પ‌ઇ." "ભેંસાં એકેવાલા ઢીંય આયનાં."

૧૦. અમારૂં ધ્યાન આ ગમતીવાતો તરફ ગયું અને ભાઇએ વશરામને પુછ્યું "શું વાતો થાય છે ?" તેણે કહ્યું : "સાહેબ લાખો પડી ગયો ! અરે તે ખાઈમાં જાત, માંડ બચ્યો. ભગવાનજી કિરપા આય કે બચ્ચિવીયો." ભાઇએ કહ્યું : "તમારા પગને અને ઉસ્માનના માથાને કેમ છે ?" વશરામે જવાબ દીધો કે "અમારૂં મ પૂછો. બિચારા લાખાજો જીવ બચ્યો એજ ઠીક ગાલ થ‌ઇ." ભાઇએ કહ્યું "હવે ફીકર નથી બે કલાકનો રસ્તો છે."

૧૧. આ બિચારા માણસો આમ બમો પાડે તેમાં તેઓનો થોડો જ દોષ છે. કાશ્મીરના રસ્તા અને કાશ્મીરી એકાવાળાં માણસોના જીવ લે તેવા જ છે. અમારાં માણસો માથે કાશ્મીરમાં ઘણી વીતી ગ‌ઇ છે. તેઓનાં હાડકાં પાંસળાં ઇશ્વર કૃપાથી જ સાજાં રહ્યાં છે. કાશ્મીરની સડક તો બધી ભરી લીધી છે, પણ ખાઇ ભરવા કોઇ ન ગયો એ ઘણું સારૂં થયું. અમારૂં એક્કેએક માણસ પડ્યું હતું અને દરેકને શેક કરવો પડ્યો છે. દરેક એકો તૂટ્યો, ભાંગ્યો અથવા પડ્યો છે. એકે દિવસ અકસ્માત્‌ વિના ગયો નથી. અમારી ગાડી ડુંગર સાથે અથડાણી એતો હમણાં જ લખાઇ ગયું, પણ એ સિવાય રાવલપિંડીથી મરી હિલ જતાં અમારી ગાડી એક કરાંચી સાથે ભરાણી હતી અને પડખેની ખીણમાં ઝંપલાત પણ બે તસુના તફાવતથી જ અમે સૌ બચી ગયા.

૧૨. થાળી થોડા જ વખતમાં તૈયાર થ‌ઇ. જમી લીધું. થોડી વાર બેસી ગુલાબનાં સુગંધી થોડાં પુષ્પ અને એલચીનાં પાન ચુંટી લીધાં અને નીસાસો નાખી ગાડીમાં બેઠાં. મરિ હિલ પાછળ રહેલો માણસ પણ આવી પહોંચ્યો.

૧૩. સપાટ જમીન પર ઘોડા આનંદથી દોડવા લાગ્યા. પર્વતોને બદલે લાંબાં ખેતરો દેખાવા લાગ્યાં. ઝાડ ઘણાં જ થોડાં દૃષ્ટિએ પડવા લાગ્યાં. બળદને બદલે ઊંટવાળાં હળ ખેતરમાં દેખાતાં હતાં. બરફના પહાડ દૂર દૃષ્ટિએ પડતા હતા.

૧૪. શ્રીનગર છોડ્યું ત્યારથી પ્યારા પત્રો મળ્યા નહોતા તેથી તેનાં દર્શન કરવા હૃદય ઉત્સુક હતું. રાવલપિંડીનાં ઘર દેખાવા લાગ્યાં. સૂર્યબિંબ પશ્ચિમાચલ ઉપર લટકવા લાગ્યું. સંધ્યારાગ ખીલવા લાગ્યો. પણ અરે, તે કાશ્મીરી સંધ્યારાગ હવે ક્યાંથી દેખાય ? તે ડાલ સરોવરના દેખાવ હવે ક્યારે નજરે પડે ?

૧૫. રાવલપિંડી પહોંચી ગયા. અમારાં સોળ માણસમાંથી ચાર માણસ અને કેટલોક સામાન રાવલપિંડી રાખ્યાં હતાં. એક માણસ સામો આવ્યો હતો. તેણે કહ્યું કે ઉતારો બદલવો પડ્યો છે. અમે તેની પાછળ પાછળ ગાડી ચલાવી અને નવે ઉતારે પહોંચી ગયા. જતાંવેંતજ કાગળનો તપાસ કર્યો. એક માણસે આશરે પોણોસો પત્રોનો થોકડો આપ્યો. તે બધા વાંચ્યા ; કેટલાક ફરીથી વાંચ્યા ; કેટલાક ત્રણ વખત વાંચ્યા અને પછી કેટલાક ગજવામાં ગોઠવી ફળીમાં ખુરશીઓ મગાવી, ચાંદનીમાં વાતો કરતા બેઠા અને ચા પીધો. આજે હૃદય તેમજ ચંદ્રનું ગ્રહણ હતું !

૧૬. અમારી કાશ્મીરની ટુંકી મુસાફરી ઇશ્વર કૃપાથી ખુશી આનંદમાં પુરી થ‌ઇ.

૧૭. કાશ્મીર એ સ્વર્ગ છે અને ત્યાં જવું એ મુશ્કેલ પણ છે. દેશનું યથાસ્થિત વર્ણન લખવું એ એક કવિનું કામ છે. તે કૈલાસ એવું છે કે ગમે તેવો કવિ તેને માટે ગમે તેવાં વિશેષણો અને ગમે તેવા અલંકારો લખે તો પણ તેમાં અતિશ્યોક્તિ થવાની જ નથી.

૧૮. મેં કાશ્મીરની રમણીયતા અને મુશ્કેલી એ બંને થોડાં લખ્યાં છે. સૌંદર્ય વાંચનારને તે દેશ જોવાનું વખતે મન થશે ; પણ બધા માણસોને સૃષ્ટિ સૌંદર્યનું અવલોકન કરવાનો સરખો શોખ હોતો નથી; તે મુશ્કેલીઓ તરફ ધ્યાન આપી વખતે તેનાથી દૂર જ રહેવાની પણ કેટલાએકને ઇચ્છા થશે તો મારે એટલું જ કહેવાનું છે કે :

૧૯. મૃત્યુ સર્વ વ્યાપક છે ; ડુંગરપર કે ખેતરમાં, ભોંયરામાં કે ઘરમાં; જંગલમાં કે મહેલમાં, કિલ્લામાં કે અગાશી ઊપર મૃત્યુને જવામાં જરા વાર લાગતી નથી, તેનાથી નાસવું, એ તેની પાસે જવા જેવું જ છે. તેણે કોઇને છોડ્યો નથી, તે કોઇને છોડવાનું નથી. હજારો તરવારોની વચમાં થઇને મહાન રાજાને તેમજ ચોમાસામાં પલળતા પથરા પર પડેલા ભરવાડને તે સરખી રીતે જ ઝડપી જાય છે, માટે બીવાનું નથી. કોઇ એમ કહેશે કે, સરપના મ્હોંમાં વગર કારણે હાથ શામાટે નાખવો ? જો વગર કારણે હોય તો આમ કહેવું યોગ્ય છે. પણ મુસાફરી કરવી એ કેટલું જરૂરનું છે તે સૌ જાણે છે. મુસાફરીમાં પણ કુદરતી લીલાનું અવલોકન કરવું એ કેવું ઉત્તમ છે ! કુદરતી લીલા જોવાનાં સ્થાનો માત્ર પર્વતો જ છે એમ નથી પણ પર્વતોમાં કુદરતી લીલાનો સૌથી મોટો અંશ રહેલો છે, કેમકે પાણી અને ગરમી ત્યાં પુષ્કળ હોય છે તેથી વનસ્પતિ ઘણીજ સારી નીપજે છે. વનસ્પતિ સિવાય પર્વતોની ગોઠવણ પણ મનોરંજક અને રસિક હોય છે. ઊષ્ણ દેશમાં રહેનારાને પર્વતો સિવાય બીજે ક્યાંઇ બરફ જોવાની તક મળતી નથી. બરફ જોવો અને તપાસવો એ પણ થોડું રસિક નથી. પાણીની હીલચાલ તપાસવી એમાં પણ ઘણું જ્ઞાન સમાયેલું છે. ટુંકામાં એવા પ્રદેશોમાં, દરેક ઝાડ, દરેક ઝરણ, દરેક ટેકરી, દરેક ખીણ, દરેક વાદળું, અને દરેક પથ્થર મનુષ્યના આત્મા સાથે આનંદની વાતો કરે છે અને ગુરુની માફક જુદા જુદા બોધ આપે છે. "જીવ્યા કરતાં જોયું ભલું" એ વાક્ય બીલકુલ સાચું છે. કયું સારૂં કામ કઠિન નથી ? દેશ જીતવો એ સહેલું છે ? પરમાર્થી થવું એ સહેલું છે ? નીતિથી ચાલવું એ સહેલું છે ? ખરેખાત દરેક વસ્તુ કઠિન છે. કઠિન છે ખરી પણ તેનાથી ડરી દૂર રહેવાથી તે વધારે ભયંકર દીસે છે. સિંહ પણ પાસે રહેવાથી નરમ થ‌ઇ જાય છે. માણસો ઉત્તર મહાસાગરના બરફમાં રખડે છે, માણસો દરીયામાં જ વસે છે, માણસો ગોળીના વર્ષાદમાં ફરે છે, માણસો બાણ શૈયા પર શયન કરે છે ; માણસો શું નથી કરતાં ! કાશ્મીરમાં જ‌ઇ આવવું એ આની સાથે સરખાવતાં કાંઇજ નથી. સુખની કીંમત દુઃખથી જ થાય છે અને સંપત્તિની કીંમત વિપત્તિથી જ થાય છે. વિપત્તિ એજ માણસને માણસ બનાવે છે, અને વિપત્તિ એજ માણસની તુલના કરે છે. વિપત્તિથી જ મોટાનાનું થવાય છે, અને વિપત્તિથી જ ચડતી પડતી થાય છે. "સબસે ભલી વીપતડી જો થોરે દીન હોય" એમાં જરા પણ સંશય નથી. કાશ્મીરમાં જવું એમાં જરા વિપત્તિ પણ છે ખરી, પણ તે દુઃખનો બદલો વ્યાજ સુદ્ધાંત કુદરત આપી દે છે. ઠેકડો મારી ડુંગરપર ચડાતું નથી અથવા એક ઘાથી કૂવો ખોદાતો નથી. એક માણસ આજ બીકણ હોય તે કાલ શૂરો થ‌ઇ શકતો નથી. જેને નાનાં કામ માટે નાનાં સાહસ કરવાની ટેવ પડેલી હોય છે તેજ મોટાં સંકટોમાં નીડર રહી મોટા પરિણામો મેળવી શકે છે. "બાઉ" કહેતાં જે છોકરૂં ડરે તે મોટું થયા પછી શું તરવાર મારવાનું ? કલકતામાં થોડા દિવસ પહેલાં એક માણસ વિમાન (બલુન)માં ઊંચે ચડ્યો હતો, અને પછી છત્રી ઝાલી નીચે ઉતર્યો હતો. એક બાલકે આ તમાશો જોયો. બે દિવસ પછી તે તેના બાપની છત્રી હાથમાં પકડી સાત માળની હવેલી પરથી નીચે કૂદી પડ્યો અને ઇશ્વર કૃપાથી સહીસલામત રહ્યો. આ બન્ને બાલકને જેવી તેઓને મળતી આવી છે તેવીજ કેળવણી જો આખી જીંદગી મળે તો પહેલો બાયલો અને બીજો બહાદુર થવાનો તેમાં કાંઈ શક છે ? વિમાનની હકીકત જ તે બહાદુર બાલકને બીકણ થવા દેશે નહિ. જે વખતે તેને જંગલમાં વાઘ સામો મળશે તે વખતે તેને તે અગાશી પરનો કૂદકો શું હિંમત નહિ આપે ? આવાં આવાં નાનાં મોટાં સંકટો અને દૃઢતાનાં કૃત્યો એ પણ મેત્રીક્યુલેશન, એફ.ઈ.એ. અને બી.એ. જેવી પરિક્ષાઓ છે. એથી માણસ આગ્રહી અને અચલ મનનો થાય છે. સંસાર વ્યવહારમાં પણ તેમજ છે. "બત્રીશ ઠોકર ખાય તે બત્રીશ લક્ષણવાળો થાય." સંકટોમાં ન પડવાથી કીર્ત્તિ નથી મળતી, એટલું જ નહિ પણ તન અને મન કેળવાતાં નથી; નવનાગેલીઓ. ફુટબોલ, અગરપાટ, ક્રિકેટ, ખીલપાડો, અને પોલો એ રમતો પણ આપણને સખત કરવાજ મથે છે. જે માણસ એક જગ્યાએ બેશી રહ્યો હોય અને મુશ્કેલીમાં પડ્યોજ ન હોય તે શું સુખી છે ? તે પોતેજ ના કહેશે. તેને ઊંબર ડુંગર જેવો લાગશે. જે માણસ દુઃખમાં કસાયેલો હશે તે એકે સંકટને દુઃખ માનશેજ નહિ, તે તો સુખીજ છે, કેમકે સુખ દુઃખ તો માનવાનુંજ છે. એક માણસ એકને સુખ માને તો બીજો તેને દુઃખ માને છે. એતો ખરૂં જ છે કે માણસની સ્થિતિ એક સરખી રહેતી નથી. માણસ આજ રાજા તો કાલ જંગલવાસી થઈ જાય છે. એક માણસ એક વખતે સદાવ્રત આપતો હોય, તે જ બીજે વખતે સદાવ્રતનું ખાતો નજરે પડે છે. લક્ષ્મી ચલ છે તે તો સૌ જાણે છે. અને તેનો કેટલાએકને અનુભવ પણ થયો હશે. જે માણસ કસાયેલો હોય તે આવી પડતીને વખતે મુંઝાતો નથી પણ વધારે દૃઢ છાતીવાળો થાય છે. નદીના પૂર સામે થવાની હિમ્મત સરપ જ ધરી શકે છે. વળી સંકટોમાં ધીરજથી તરી ગયેલાં માણસો કેટલાં દૃષ્ટિએ પડે છે ? આમ જ છે તો કસાવું એજ ઉત્તમ છે; અને સંકટ સમયે નીચેનો ઉત્તમ ઉપદેશ હમેશાં મનમાં રાખવો જોઈએ :-

"સીત હરી દિન એક નિશાચર
લંક લહી દિન એસોહિ આયો,
એક દિનાં દમયંતિ તજી નલ
એક દિનાં ફિરહી સુખ પાયો,
એક દિનાં બન પાંડુ ગયે
અરૂ એક દિનાં શિર છત્ર ધરાયો,
શોચ પ્રબીન કછૂ ન કરો
કિરતાર યહી બિધિ ખેલ કરાયો."

લી. સુરસિંહજીના સચ્ચિદાનંદ સ્મરણપૂર્વક નમસ્કાર

*