કિંચિત્/કિંચિત્1
સુરેશ જોષી
સર્જનનું પ્રયોજન શું? પ્રશ્ન કાંઈ નવો નથી. પણ જ્યારે એ પ્રશ્ન સાથે આપણો પ્રત્યક્ષ સમ્બન્ધ બંધાય છે ત્યારે એનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થાય છે. ઘણી વાર વાર્તા વાંચીને વાચક કે વિવેચક પ્રશ્ન પૂછે છે: પણ આ વાર્તા દ્વારા તમે કહેવા શું માગો છો? આ એકવીસ વાર્તાઓ પૈકીની કેટલીક વાર્તાઓ વિશે જ્યારે કોઈએ આવો પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું જવાબ આપી શક્યો નથી. એમાં કાંઈ અગમનિગમની વાત નથી આવતી, કાંઈ ગહન રહસ્ય નથી, ને છતાં પ્રામાણિકપણે કહું છું કે મારે આ કહેવું છે એમ નિશ્ચિતપણે આંગળી મૂકીને જવાબ આપી શકાતો નથી.
જેમાં ઘટના બનતી હોય, એ ઘટનાના કર્તા મનુષ્યો હોય, એ ઘટના સ્થળકાળનાં પરિમાણમાં બનતી હોય, એવા વાર્તાસાહિત્યના વિવેચનમાં હંમેશાં એ ઘટના ને એને રચનાર મનુષ્ય તથા એના સ્થળકાળ વિશે પ્રશ્નો પૂછવામાં આવે તે સ્વાભાવિક છે. ઘટનામાં વાસ્તવિકતા નથી, પરિસ્થિતિના અંકોડા પ્રતીતિકર રીતે મેળવ્યા હોય એમ લાગતું નથી, પાત્રોનું ઘડતર અસંગતિભર્યું છે, વાર્તા જીવનને ઉપકારક મૂલ્ય ઉપજાવી આપતી નથી – આ પ્રકારનું વિવેચન મોટે ભાગે થતું જોવામાં આવે છે. આમાંની કેટલી વિગત પ્રસ્તુત છે ને કેટલી અપ્રસ્તુત છે તેનો વિચાર કરતાં આપણે ફરી ફરીને પેલા જ પ્રશ્ન આગળ વળી પહોંચીએ છીએ: વાર્તા લખવાનું પ્રયોજન શું?
ને મારું મન તો એનો એક જ જવાબ આપે છે: લીલા. તો કોઈ પૂછશે: ભાઈ, એ તમારી લીલા શી વસ્તુ છે એ તો કહો? વાત જરા અઘરી છે છતાં પ્રયત્ન કરી જોઉં. હમણાં જ છબિઓનું પ્રદર્શન જોવા ગયો હતો. કાચના ત્રણ ગ્લાસને અમુક રીતે ગોઠવ્યા હતા, ને એમાંથી પસાર થતા પ્રકાશના પ્રતિબિમ્બને કારણે કોઈ પતંગિયું પાંખ પ્રસારીને બેઠું હોય એવું લાગતું હતું. હતો તો ફોટોગ્રાફ જ, પણ એણે વસ્તુની કેવલ પ્રતિકૃતિ નહોતી આપી. છબિઓની વસ્તુમાંથી સામાન્ય રીતે નહીં નીપજી આવતી એવી એક નવી વસ્તુનું એણે, આ વિશિષ્ટ આયોજનને પ્રતાપે, નિર્માણ કર્યું હતું. ને આ નિર્માણનો કશો હેતુ નહોતો. એ કોઈ અન્ય પ્રયોજનનું સાધન નહોતું. એ સ્વયંપર્યાપ્ત નિર્માણ હતું.
તો લીલા એટલે આવા અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ. અહીં તો એ પતંગિયાની પાંખ હોય એવું લાગ્યું. પણ કેટલીક વાર જેનું નિર્માણ થાય તેને, આપણને સામાન્યત: પરિચિત એવી કોઈ વસ્તુ, ઘટના કે સ્મૃતિ સાથેની સદૃશતા કે વિસદૃશતાની મદદ લઈને, સમજવાનું પણ શક્ય બનતું નથી. શિલ્પી પથ્થરમાંથી એક આકાર ઉપસાવે છે, એ આકાર આપણને કોઈ પરિચિત આકારની યાદ આપતો નથી, ને છતાં એ જોવો ગમે છે. અહીં જે આસ્વાદ્ય છે તે એ આકારની નિમિર્તિ. કળાકાર એનું નિર્માણ કરવા કેમ પ્રેરાયો? એના જવાબમાં આપણે શું કહીશું? એના મનને એવી લીલા કરવાનું મન થયું એથી વિશેષ શું કહી શકાશે?
આ લીલા જોઈને વિસ્મય થાય છે. સ્થાયી ભાવ આઠ કે નવ ગણાવાયા છે, પણ એ બધાંમાં વિસ્મયનો અંશ અનિવાર્યતયા રહ્યો જ હોય છે. આ વિસ્મય જ આપણી ચેતનાને વિસ્તારે છે. રસ માત્રનો આદિ સ્રોત આ વિસ્મય જ છે. એને ચમત્કાર કહો કે ચેતોવિસ્તાર કહો, એ જ સર્જનમાત્રનું પ્રયોજન છે. આઠે રસથી જેનો પિણ્ડ બંધાયો છે એવા આપણા ચૈત્યપુરુષને સંવર્ધવો, ચેતનાના પરિધિને વિસ્તારવો એ જ સકલ પ્રયોજનોનું મૌલિભૂત પ્રયોજન છે. મારાં અન્ય સંકીર્ણ પ્રયોજનોના સન્દર્ભમાં જ હું જેને પ્રત્યક્ષ કરી શકું છું તેટલી જ મારી વાસ્તવિકતા નથી.એ પ્રયોજનોની બહાર પણ અનન્ત શક્યતાઓનો વિસ્તાર છે; પળે પળે ત્યાંથી ઇજન આવે છે, પ્રાણ ચંચળ થઈ ઊઠે છે. એની આ અધીરતા સંકીર્ણ પ્રયોજનોની પાળને તોડી નાંખે છે. એ અજ્ઞાતના અક્ષુણ્ણ માર્ગે કોઈની પગલી નથી, ચીલા નથી; એ માર્ગનું પાથેય છે કેવળ સાહસને માટેનો ઉત્સાહ.
સાવ સાદીસીધી વસ્તુ લઈને બેસીએ છીએ તોય ક્યાં ને ક્યાં પહોંચી જવાય છે! કેવો વિસ્મય થાય છે! ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. ઊભો ઊભો કાચની બારીમાંથી એ વરસાદના અર્ધપારદર્શી પડદાની પેલે પારની દુનિયા જોતો હતો. એ પરિચિત દુનિયાની અતિપરિચિત વીગતો એકાએક અપાથિર્વ બની ઊઠી! ને મને થયું: કોઈ પંગુની દૃષ્ટિએ આ ચંચલની લીલા જોઈએ તો? આ જળબિન્દુનું સરકવું, આ હવાનું આછું સ્ફુરણ, આ તૃણાંકુરનું ડોલન, ને સૌથી વિશેષ તો આ એકાએક ચંચલ બની ઊઠેલા મનનું અકારણ કમ્પન! એની પડછે વિરોધમાં પંગુની સ્થિતિજડતા મૂકીએ તો? કુતૂહલ થયું. ને જુઓ તો… જડ શિલા તારો બનીને આકાશમાં દોડવા મંડી. આપણા હાથની વાત ન રહી! મનને આનન્દ થયો, તૃપ્તિ થઈ. તમે કહેશો કે એમાં પંગુની મનોવ્યથા વર્ણવી છે માટે અમને એ વાર્તા ‘(વાતાયન’) ગમી. તો ભલે, એ અંગે મારે ઝઘડો નથી કરવો.
પણ મને આ વાર્તાઓ લખતાં એક બીજી વાત સૂઝી. આપણે જે કહેવા ઇચ્છીએ છીએ તેને એનાથી જેટલે દૂર જઈને કહીએ તેમ વધારે મજા પડે. રમતમાં પ્રતિપક્ષી જેમ વધારે હંફાવે એવો હોય તેમ વધારે મજા. કાફકા એક સ્થળે કહે છે Our strength flows from our adversaries. ટોમસ માન Tonio Krogerની વાર્તામાં આ જ વસ્તુને બીજી રીતે કહે છે: The real artist never talks about the main thing. માનસશાસ્ત્રીઓએ કહ્યું છે કે આ મનુષ્યની એક આદિમ વૃત્તિ છે. એને એ લોકો કહે છે – Enantiodromia: the tendency to reach out for the opposite. કાલિદાસે પણ રામગિરિ પરનો પંગુ બનેલો યક્ષ અને અલકા નગરીના વિલાસવૈભવ વચ્ચે પંગુ બનીને બેઠેલી યક્ષકાન્તા – આ બે નિશ્ચલતાની વચ્ચે જ આષાઢના પ્રથમ દિવસની ચંચલતાને મૂકીને આલેખી છે ને? કોઈ વિરહિણી સીધેસીધું એમ કહે કે આજે મારું મન પ્રિયવિરહથી ખિન્ન છે તો એની અસર પડતી નથી; પણ પોતાના દુ:ખની વાતને સાવ દાબીને એ કહે કે આજે આંગણામાંની કૃષ્ણચૂડાની કળીઓ ખીલી નથી તો એના મનની વિષણ્ણ સ્થિતિની આપણને અસરકારક રીતે પ્રતીતિ થઈ જાય છે. સાચી રીતે જોઈએ તો અલંકાર માત્રનો ઉદ્દેશ આ જ હોય છે – મુખ્ય વસ્તુનું બને તેટલું તિરોધાન, બને તેટલો પરિહાર. ‘આ મુખ ચન્દ્ર જેવું છે’થી શરૂઆત કરીને અપહ્નુતિમાં મુખનો છડેચોક બેધડક નિષેધ કરી બેઠા. કહ્યું: આ મુખ નથી, પણ ચન્દ્ર છે. અરે એથીય આગળ જઈને ઉપમેયને સાવ ગળી જઈને કહી દીધું આ ચન્દ્ર છે. ક્યાં ચન્દ્ર ને ક્યાં મુખ! સાધર્મ્યનું તો માત્ર ઓઠું, બહાનું. આપણું મન કેવી લીલા કરે છે, જોયું ને!
‘તિરોધાન’, ‘પરિહાર’ – સર્જનમાં આ બે ભારે મહત્ત્વના શબ્દો છે. વસ્તુનું સાધારણીકરણ નહીં, પણ વિલીનીકરણ કળામાં થવું જોઈએ એમ કદાચ હવે કહેવું જોઈએ. હું આમ શા માટે કહું છું તે જરા સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરું. પ્રવાહની અંદરની બિન્દુની સ્થિતિ શી હોય છે? એનું વર્ણન શી રીતે કરીશું? એ પ્રત્યેક ક્ષણે બિન્દુ બનીને સ્થગિત થવાની સ્થિતિને ઉલ્લંઘી જાય છે, ને એમ બિન્દુ બની શકતું નથી. કલામાં પણ આવું જ છે. હું કળીને જોતો નથી, કળીની ફૂલમાં પરિણમવા તરફની ગતિને જોઉં છું. Paul Klee આથી જ તો કહે છે: The work of art… is experiencing primarily as a process of formation, never as a product. કળાને અમુક ચોક્કસ પરિણતિની સ્થિતિને પ્રાપ્ત કરેલી સ્થગિત સ્થિતિમાં જોવાનો પ્રયત્ન કરવા જઈએ છીએ ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. આથી ખરું જોતાં કળામાં વસ્તુનો પિણ્ડ બંધાતો નથી, ને પિણ્ડ બાંધવાનો આગ્રહ રાખીએ ત્યારે એને અમુક કૃત્રિમ મર્યાદાથી બાંધી લેવી પડે છે. આ કૃત્રિમ મર્યાદાનું હેતુપુર:સર કરેલું નિર્માણ એ કળાના ક્ષેત્રની અનીતિ છે, કારણ કે કળાને માટે એ વિઘાતક નીવડે છે.
આપણી પરિચિત વાસ્તવિકતાની એક ઘટનાનું આપણે અસંખ્ય રીતે આકલન કરી શકીએ છીએ. ખુરશી જેવો જડ પદાર્થ જ લો ને! આછા અન્ધકારમાં એ જુદું વ્યક્તિત્વ ધારણ કરે છે. પરિચિત વ્યક્તિ એના પર બેઠી હોય છે ત્યારે, ને ખાસ કરીને એ વ્યક્તિ પ્રિય હોય છે ત્યારે, ખુરશી જાણે પોતાની જાતને સાવ લુપ્ત કરીને પેલી વ્યક્તિની સત્તામાં પોતાને ભેળવી દે છે; પણ જેનાથી મનને અણગમો થતો હોય એવી વ્યક્તિ બેઠી હોય ત્યારે એ પોતાના આકારને પેલી વ્યક્તિના આકારની આડે ફરી ફરી આગળ આણીને આપણી આંખને ક્લેશ કરાવે છે. Van Goghનું ‘Yellow Chair’નું ચિત્ર જોઈને ચિત્રકાર Gauguin એ આનન્દનો ઉદ્ગાર કાઢ્યો હતો: No one ever painted a chair like that before! એ જડ ખુરશી સજીવ થઈ, product મટી ગઈ. એના કેવળ ખુરશી હોવાપણાને એ અતિક્રમી ગઈ. અરૂપમાંથી રૂપ, અને રૂપમાંથી અરૂપ – એમ આખું વર્તુળ ફરી લઈ એ પૂરું નિર્માણ થયું કહેવાય. સર્જાઈને વિસર્જન પામવાની આ ઝંખનાનો સૂર ઇૈનંીને કાને પડ્યો ને એણે કહ્યું:
Earth, is it not just this that you want: to arise invisibly in us? Is not your dream to be one invisibly? Earth ! Invisible ! What is your urgent command, if not transformation?
ને રવીન્દ્રનાથે પણ ગાયું: રૂપસાગરે ડૂબ દિયે છિ અરૂપરતન આશા કરિ.
તો, ઉપમેયનું નિગરણ, de-realisation સર્જનની પ્રક્રિયામાં એક મહત્ત્વનું અંગ છે. પ્રશ્ન થયો: આમ શા માટે? વાત કંઈક આવી છે: એક ઘટના બનતી હોય છે ત્યારે સ્થળ અને કાળના એક બિન્દુથી શરૂઆત થાય છે. શરૂઆત અમુક કક્ષાએ થઈ એમ નિશ્ચિતપણે કહી શકાતું નથી. એના થોડાક છેડા પાછળ મૂકી આવીએ છીએ, ને જ્યાં ઘટના પૂરી થઈ એમ માનીએ ત્યાંથી આગળ પણ એના તન્તુ લંબાતા હોય છે. ઘટનાનું આ એકમ આપણે જુદું પાડીને જોવા મથીએ છીએ ત્યારે એની આજુબાજુ રહેલા અનેક તન્તુઓનો આભાસ તો આપણને થાય જ છે. અમુક પ્રયોજનના સન્દર્ભમાં ઘટનાનો આકાર ઘડાય છે. આથી એ સન્દર્ભને જે જે અનુપકારી તેનો પરિહાર કર્યો, તેનો સર્વથા લય થયો એમ તો માની શકાય નહીં જ એ બધું આપણે આઘું ઠેલી દઈએ છીએ – તત્કાલ પૂરતું – એટલું જ. પણ ઘટના સાથેના એ અધ્યાસનો (association) પિણ્ડ બંધાતો જાય છે આપણાથી અગોચરે, ને જ્યારે એ ઘટનાનું ફરી ઉદ્ભાવન કરવા જઈએ છીએ ત્યારે આ અગોચરમાંના અનેક અધ્યાસપિણ્ડ અને સંસ્કારના દ્રાવણની રાસાયણિક અસર એના પર થઈ ચૂકી હોય છે. આને પરિણામે જે નિષ્પન્ન થાય છે તે મૂળ ઉપાદાન રૂપ બનેલી સામગ્રીથી સાવ ભિન્ન પણ લાગે છે. એટલે કળામાં તથ્યની માનસી છાયા પ્રતિફલિત થાય છે, એમ કહેવા કરતાં એનું સહજસ્ફુરિત પ્રત્યક્ષીકરણ (intuitive actualisation) થાય છે એમ કહેવું વધુ ઉચિત લેખાશે. કળામાં સત્યને સિદ્ધ કરવાનો કદાચ આ જ માર્ગ હશે. ઘટના જે સન્દર્ભમાં બની ચૂકી હોય છે તે સન્દર્ભને સ્થાને કળાકારને એક બીજા સન્દર્ભનું નિર્માણ કરવું પડે છે. એ સન્દર્ભમાં ઘટના એની સ્થગિતતાને ખોઈને સજીવતા પ્રાપ્ત કરે છે, કેવળ spatio-temporal continuumની કડી બની રહેવાની અનિવાર્યતાને અતિક્રમી જાય છે.
તો કળાનું સત્ય એટલે શું? ભારે વિકટ પ્રશ્ન છે. પણ એનો જવાબ જે ઉપર કહ્યું તેમાં એક રીતે સમાઈ ગયો છે: સત્ય એટલે The pure state of existing – સન્તતિ. આ સન્તતિ નથી થઈ હોતી ત્યાં સુધી સાધન અને સાધ્યની જટાજાળ અટપટી લાગે છે. તર્કશાસ્ત્રે તો આદેશ દઈ દીધો કે અલ્યા, રખે તું – સિવાય બીજું કશું બનતો! પણ કળામાં એ મુક્તિ પામ્યો. સિવાય બીજું બધું બનવાના જન્મસિદ્ધ હક્કને એણે ફરી પ્રાપ્ત કર્યો. તો પછી સંગતિનું શું? મારી પ્રતીતિ મને શી રીતે થાય? એક બિન્દુ ક્યાંક તો સ્થિર રાખવું પડે, તો જ ગતિ સમ્ભવે, સંગતિની વાત તો દૂર રહી, કબૂલ, પણ એ બિન્દુ એવું રાખો કે જેથી concentric અનેક વર્તુળો વિસ્તર્યા કરે, એ વિસ્તારનો આધાર બને, વિસ્તારમાં અન્તરાય ન બને. કળાની અપેક્ષા કંઈક આવી હશે એમ વરતાય છે.
માટે તો હમણાં હમણાં સમય અને કાળના પરિમાણનો પ્રશ્ન કલામાં વધુ અકળાવનારો બનતો જાય છે. Proustમાં સમયનું પરિમાણ કેટલું બદલાયું છે! પથારીમાં એક બાજુથી બીજી બાજુ પડખું બદલવામાં તો કેટકેટલું બની જાય છે! આથી જ તો Proustને માટે કોઈકે કહ્યું છે: ‘He has created a new distance between ourselves and the world.’ વજિર્નિયા વૂલ્ફને માટે The Moment મહત્ત્વનો શબ્દ બની રહ્યો. હેમિંગ્વે સમયના એક કેન્દ્રમાં થતા ઘનીભવન (convergence)ને પસંદ કરતો લાગે છે. એ એનાં પાત્રોને precarious presentના સોયની અણી ટકે એટલા બિન્દુ પર લાવીને મૂકી દે છે. યુદ્ધક્ષેત્રમાં મોખરાની હરોળમાં, ગેન્ગરીન જેવા રોગની દાઢમાં, આખલા સાથેના દ્વન્દ્વમાં – ભૂત ભવિષ્ય બધાં એ બિન્દુએ આવીને ઘનીભૂત થાય છે. કાફકામાં સમય સાવ થંભી જાય છે, એક પ્રકારનો નર્યો શુદ્ધ પ્રસાર એમાં અનુભવાય છે. આપણનેય આવો અનુભવ થાય છે. કેટલીક વાર સમય આપણી આગળ નીકળી જાય છે, કેટલીક વાર સમયને આપણે પાછળ મૂકી આવીએ છીએ.
હું મારા ઘરમાં અસબાબ વચ્ચે જીવું છું. ઘરનું કેન્દ્ર મને માનું છું. પણ ઘડીભર હું કેન્દ્ર મટી જાઉં; ને એ અસબાબને જીવવા દઉં – જોઈએ વારુ, શું થાય છે! આપણી ચેતના અને આ નિર્જીવ પદાર્થો વચ્ચે, આપણાથી અણજાણપણે, આદાનપ્રદાન ચાલ્યા જ કરે છે, પણ જ્યાં સુધી આપણે આપણી જાતને કેન્દ્રમાં રાખીએ ત્યાં સુધી એ એકમાર્ગી બની રહે, કનચા લાગે. કોઈક વાર સામે છેડેથી પણ આખી પરિસ્થિતિ જોવી જોઈએ; એમ કરવા જઈએ ત્યારે બધા બૂમ પાડી ઊઠે: કપોલકલ્પિત, fantastic – બરાબર છે. સત્યનો સામો છેડો તે fantasy. આમ સૃષ્ટિના સર્જનનું કેન્દ્ર માનવી છે એ માન્યતાને ઘડીભર અળગી કરીએ ને સામે છેડેથી જોઈએ તો ફરી આવીને ઊભા રહીએ fantasy આગળ. નહીં ખાતરી થતી હોય તો બાળકની ક્રીડા જુઓ. એમાં ખુરશી ગુસ્સે થાય છે, લાકડી ઘોડો બને છે. બાળકના જીવનમાં પ્રાણશક્તિનો એવો તો ઉચ્છલ સ્રોત વહે છે કે એ પૂરવાળી નદીની જેમ વસ્તુ વસ્તુના પાર્થક્યના કાંઠાને તોડીને બધું સમથળ કરી મૂકે છે. લાકડી, ખુરશી, ખીલો, ઢીંગલી – બધું એની સમકક્ષ બનીને જીવવા માંડે છે. બાળક છુટ્ટે હાથે બધાંને જીવનની લ્હાણ કરે છે. કળાકાર પણ ઉદાર છે. અમેરિકાના ફિલસૂફ George Santayanayએ કળાકારને બાળક સાથે, ઉચિત રીતે, સરખાવ્યો છે.
એટલે સત્યના સર્વાશ્લેષી પ્રસારમાં તો fantasy ને absurdity પણ સમાઈ જાય છે. સત્યના આલિંગનની જે બહાર રહ્યું તેની આ ગતિ! સત્યના ઘણા મૂલ્યવાન અંશો આ fantasy અને absurdityની અંદર દટાઈને પડ્યા રહ્યા છે. કળાકાર સિવાય એનો ઉદ્ધાર કરવાનું બીડું કોણ ઝડપે? રવીન્દ્રનાથે ‘ગલ્પસલ્પ’માં બે પ્રકારના સત્યની વાત કરી છે: સત્ય અને આરો સત્ય (સવાઈ સત્ય). કળાકારનો પ્રદેશ તે આ સવાઈ સત્યનો પ્રદેશ છે.
તો પછી સંગતિ, પ્રતીતિકરતા વગેરેનું શું? એને કળાકાર નેવે મૂકતો નથી. પણ એનું નિર્માણ કળાકૃતિને હાથે જ થવા દે છે. આપણે પૃથ્વીના જીવ. પૃથ્વીના વાયુમણ્ડળમાં જ શ્વાસ લઈ શકીએ. ચન્દ્રલોકની હવા આપણને કામ ન આવે. ‘નળદમયન્તી’માંની ચિત્રા સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે નીતિશાસ્ત્રના પ્રાણવાયુને આધારે જીવતી નથી. એવો જુલમ કરવા જઈએ તો એનો પ્રસ્તરીભૂત અવશેષ જ હાથ લાગે. બાળક રમે છે ત્યારે રમત રમત રહે એટલા પૂરતા નિયમો એ અસમ્પ્રજ્ઞાતપણે ઘડી લે છે; કળાકારને પણ આ સંગતિ ને પ્રતીતિકરતાનું અસમ્પ્રજ્ઞાતપણે ભાન હોવું જોઈએ. શ્રાવણ માસને માટે કરેલો નિયમ ફાગણમાં બદલાઈ જાય, કારણ કે દક્ષિણાનિલના આવવાની સાથે જ સુકાન ફરી જાય, એ બાબતમાં સ્થિતિચુસ્ત રહેવાનું શી રીતે પાલવે?
ને સ્થિતિચુસ્ત તો ઇચ્છીએ તોય નથી રહેવાતું! જાગૃતિમાં જે જોઈએ છીએ તે તન્દ્રાની આબોહવામાં કેવું બદલાઈ જાય છે! પણ એ તન્દ્રા કે સ્વપ્ન તો આપણાં જ છે ને? આપણી બહાર ક્યાં એની સ્થિતિ છે? તો એને પણ સત્યના આકલનમાં લેખે લગાડીએ એમાં ખોટું શું? પણ વિશ્વને અવગત કરવાની આ ભાવગત રીતિનું આપણા જમાનામાં યથાયોગ્ય ગૌરવ થયું નથી. તર્કશ્રદ્ધેય ને કોષ્ટકમાં મૂકી શકાય તેટલું જ આપણે માન્ય રાખીએ છીએ. આથી જ્ઞાનજગતમાં વ્યવસ્થા આવતી હશે, પણ એની સાથે જે જ્ઞાનજગતમાં સ્વીકૃત બન્યું તે જ ભાવજગતમાં પ્રવેશ પામે એવું એક વલણ વધતું જાય છે. ક્રમ પલટાયો છે. અંત:સ્ફુરણાથી, જે ભાવ દ્વારા, આપણને અપરોક્ષ રૂપે, ગોચર થાય તેને પછીથી જ્ઞાનની ર્બહાીહા રૂપે સ્થાન આપીએ, તેને બદલે જે તર્કશ્રદ્ધેય નહીં લાગે તેને, તેટલા જ કારણે શંકાની નજરે જોઈને, ભાવજગતમાંથી પણ બહિષ્કૃત કરીએ. જ્ઞાનગત સત્યો તો ગોચર છે જ; એને પ્રકટ કરવામાં કળાનો વિશેષ રહેતો નથી. કળાનો વિશેષ રૂપવિધાનમાં છે, નવનિર્માણમાં છે. આ નિર્માણ પર ભાર મૂકવાની જરૂર હવે વિવેચકોને વરતાવી જોઈએ.
આ નિર્માણને માટે continuous shifting of perspectives ખૂબ જરૂરી બની રહે છે. એનાં જ પરિમાણ રૂપે distortion unified focusને સ્થાને multiple focus. simultaneity transparency, movement – આ બધાંનો આશ્રય લેવો પડે છે. આ બધાની વીગતમાં ઊતરવાને અહીં અવકાશ નથી. માત્ર જરૂર પૂરતી થોડી વાત જ કરવી ઉચિત ધારું છું. આપણને અમુક ઘટનાના પ્રતિભાવ રૂપે એક લાગણી થાય છે એમ માનીએ છીએ. ત્યારે વાસ્તવમાં અનેક સંવાદી લાગણીનું જૂથ ચિત્તમાં ઉદ્ભાસિત થઈ ઊઠતું હોય છે. આ ambivalence of emotion – ભાવશબલતા શી રીતે નકારી શકાય? અત્યન્ત નિકટના મિત્રે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મિત્રપત્ની ગભરાઈને દોડી આવે છે, આધાર શોધતી વળગી પડે છે; એ નારીદેહના સ્પર્શે કેવળ એના દુ:ખથી વિગલિત થવાનો માત્ર અનુભવ થતો નથી, એ નારીદેહના સ્પર્શથી એક ઝણકાર પણ શરીરમાં દોડી જાય છે. પણ હું દુ:ખથી વિગલિત થવાનો જ ભાવ વ્યક્ત કરું અને બીજી અનેક સંવેદનાઓ એ વખતે ઉદ્ભવી તેને બાદ કરું તો સત્યનો દ્રોહ ન ગણાય? આથી એક પળે થતી અનેકવિધ સંવેદનાનું એક જ બિન્દુએ એક સાથે આલેખન અનિવાર્ય બને, પ્રેમની લાગણીનાં મૂળ ખૂબ ઊંડાં છે, એ જ્યારે ઉદ્ભાસિત થાય છે ત્યારે ચિત્તના ઊંડાણમાં રહેલી એટલી જ ઉત્કટ બીજી અનુભૂતિઓ પણ સપાટી પર આવે છે. પ્રેમને જો વેદનાથી શબલિત કરીને જોઈએ તો? ભાવનું શબલિત રૂપ અનોખી જ છટા પ્રકટાવે છે; ને સાચું પૂછો તો શબલિત બન્યા વિનાનો કયો ભાવ આપણે માણી શકીએ છીએ? સાચી વાસ્તવિકતાને માટે એ અનિવાર્ય પણ લાગે છે.
એક બીજી સમસ્યા ભાષાને અંગે ઊભી થાય છે. ભાષા વ્યવહારમાં પણ પ્રયોજીએ છીએ ને સાહિત્યમાં પણ પ્રયોજીએ છીએ. એનાં આ દ્વિવિધ કાર્યને લીધે થોડી મુશ્કેલી ઊભી થાય છે. સર્જકને ભાષાનો પણ નવો સંસ્કાર કરવો પડે છે. રૂઢ પ્રયોજનના સન્દર્ભમાંથી એને મુક્ત કરી એને આગવું રૂપ આપવું પડે છે. માધ્યમને પ્રયોજવાની રીતિ એ પણ વિચારવા જેવો પ્રશ્ન છે. શિલ્પી પથ્થરમાંથી અમુક આકાર કંડારે છે. એ આકાર કંડારવાને માટે એ પથ્થરનો પ્રયોગ કરે છે એમ નહીં, પણ પથ્થરનું પથ્થરપણું પૂરેપૂરું સમર્થ રીતે પ્રકટ કરવામાં એ આકારનો માત્ર સાધન તરીકે ઉપયોગ કરે છે. આ દૃષ્ટિબિન્દુ વિચારવા જેવું છે. મેં એક એવું કાષ્ઠશિલ્પ જોયું છે જેમાં ઝાડની છાલની સ્વાભાવિક બરછટતાને એમ ને એમ રાખીને એમાંથી ક્રૂસ પર ચઢેલા ઇસુનો આકાર ઉપસાવી કાઢ્યો છે. એમાં ઝાડની છાલ ભૂલાઈ જતી નથી, ને ઇસુ પણ દેખાય છે. માધ્યમનો આ ઉપયોગ સાધન સાધ્યના ભેદને ઘણો ઓછો કરી નાખશે. ભાષાને માંજીમાંજીને પારદર્શી કરી નાંખીએ તો એનો અર્થ અમેય વિસ્તારને પામે, પણ પછી એમાંથી અમુક નિશ્ચિત અર્થ પ્રતિબિમ્બિત થવો જોઈએ એવો દુરાગ્રહ રાખવો નહીં પાલવે. તો તો વળી, કાચની પાછળ પારો લગાડવો પડે છે તેમ, શબ્દમાં અર્થને પરાવતિર્ત કરવા માટે નિયત મર્યાદા મૂકવી પડે.
સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ છે એ વાતથી આપણે ઘણા દૂર નીકળી ગયા છીએ. સાહિત્ય આપણામાં એક સાક્ષીરૂપ ચેતનાનો આવિર્ભાવ સાધી આપે છે, જેને કારણે પરિમિત વ્યક્તિત્વનું તિરોધાન સિદ્ધ કરીને તાટસ્થ્યપૂર્ણ તાદાત્મ્યથી આપણે અનુભૂતિઓને નહીં, પણ અનુભૂતિઓના આકારને ઓળખતા થઈએ છીએ. આ આકારોને નિર્માણ દ્વારા ઓળખવાનો આનન્દ કળાનો આગવો આનન્દ છે. કળાનું કામ મૂલ્યબોધનું વ્યાકરણ આપવાનું નથી, વિધિનિષેધભરી સ્મૃતિઓ રચવાનું નથી, ને છતાં આપણાં મૂલ્યોની રચનાને પહેલો ઘાટ કળા જ આપે છે – પ્રકટ રીતે નહીં, પ્રચ્છન્ન રીતે. એ ઘાટમાં થતા ફેરફારોની પહેલી એંધાણી કળા જ આપે છે. (સ્પૅનના ફિલસૂફ Ortega y Gasset કહે છે : ‘It is in art and pure Science, precisely because they are the freest activities and least dependent on social conditions, that the first signs of any changes of collective sensibility become noticeable. A fundamental revision of man’s attitude towards life is apt to find its first expression in artistic creation and scientific theory. The fine texture of both these matters renders them susceptible to the slightest breeze of the spiritual tradewinds. As in the country, opening the window of a morning, we examine the smoke rising from the chimney-stalks in order to determine the wind that will rule the day, thus we can, with a similar meteorologic purpose, study the Art and Science of the young generatiom.’ (The Dehumanisation of Art, p. 39 Doubleday Anchor Book))
મને તો આ નવલિકાના કળાસ્વરૂપની ઘણી શક્યતાઓ દેખાય છે. આ સાહિત્યસ્વરૂપના નાના ફલક પર, હાનોપાદાનના સૂક્ષ્મ વિવેકને કામે લગાડીને, સંવેદનાના સ્તર પછી સ્તરમાં ડૂબકી મારીને જેને આપણે વાસ્તવિકતા કહીએ છીએ તેનાં જૂજવાં રૂપો રજૂ કરી શકાય. હજુ આપણું ગદ્ય વિકસ્યું નથી. બૃહદારણ્યકમાં કહ્યું છે કે આ જગત ઈશ્વરનું ઉચ્છ્વસિત છે. ઈશ્વરના ઉચ્છ્વાસના સ્પર્શે જગતને આકાર મળ્યો. હજુ આપણા ભાવોચ્છ્વાસનો પૂરો સ્પર્શ ગદ્યને થયો નથી. વ્યાકરણશાસિત પદવિન્યાસની ટેકણલાકડીએ એ ખોડંગાતું ચાલે છે. ક્રોધ, ઈર્ષ્યા, લજ્જા, નિર્વેદ – આ વિવિધ ભાવોચ્છ્વાસના સ્પર્શે એના વિન્યાસમાં જે જુદી જુદી રચનાભંગીઓ પ્રકટવી જોઈએ તે પ્રકટતી નથી. ફચહ ર્ય્યરનો સ્વૈર રંગવિન્યાસ જુઓ. સંઘર્ષ કે ક્લેશ બતાવવો હોય તો પરસ્પરવિરોધી એવા બે રંગોને એ જોડાજોડ મૂકી દેશે. એ રંગ એકબીજાથી દૂર નાસી જવાને માટે મરણિયા બનીને મથતા લાગશે, ને એમાંથી એક નવી શક્તિ પ્રકટ થતી લાગશે. શબ્દમાં પણ આવો વિન્યાસ શક્ય બનવો જોઈએ. વળી આપણી ભાષામાં ક્રિયાને વર્ણવનારા શબ્દો કેટલા ઓછા પડે છે! ભાષાની ગતિ જ મન્થર લાગે છે. વિશેષણોની પ્રચુરતા ને ક્રિયાવાચક શબ્દોની ન્યૂનતા – એવું કેમ બન્યું હશે તે વિચારવા જેવું છે.
ઘટનાનો બને તેટલો હ્રાસ સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે. એનો રસ હોય તો તે આકારની રચનામાં છે. લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી વર્જ્ય ગણીને એમનો પરિહાર કર્યો છે.
આ પ્રયોગોની નોધ છે. હું જે દિશાએ જવા પ્રયત્ન કરું છું તેની એમાં એંધાણી માત્ર છે. એ ગન્તવ્ય સ્થાને હું પહોંચી ન શકું. કદાચ મારાં તપ ઓછાં પડે. પણ બીજો કોઈ, મારાથી વધુ સમર્થ બડભાગી, કળાકાર હોય તો તેને આ ખપમાં આવે કદાચ. આથી ઝાઝો લોભ નથી, ને નમ્રતાના ડોળ ખાતર આ લખતો નથી. (લેખકના વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’નું પુરોવચન)