કિન્નરી ૧૯૫૦/મૂંગી મૂરતી
ઓ મૂંગી મૂરતી રે!
તારે બારણે હો જી,
જો, વાણી ઝૂરતી રે
તારે કારણે હો જી.
રૂપની શોભા ને શણગાર મેલી
હું તો અંતરની આરતને લાવી રે!
ઘેરો તે ઘૂમટો તાણીને ઘેલી
હું તો ઝાંખીની ઝંખનાએ આવી રે!
તારાં નેણ ખોલ, તું ખોલ રે!
તારાં વેણ બોલ, તું બોલ રે!
તારાં નેણમાં તે નૂરની જે હેલી
મારે પ્યાસી સૌ પ્રાણને એ પાવી રે!
તારાં વેણમાં જે કલ્પનાની કેલિ
મારે સરગમના સૂરમાં એ ગાવી રે!
જો, વાણી ઝૂરતી રે
તારે કારણે હો જી,
ઓ મૂંગી મૂરતી રે!
તારે બારણે હો જી.
૧૯૪૩