કિરીટ દૂધાતની વાર્તાઓ/લેખકનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લેખકનો પરિચય

કિરીટ દૂધાત, જન્મ ૧/૧/૧૯૬૧, જન્મ મોટા આંકડિયા ગામે, જિલ્લો અમરેલી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોસાળના ગામ કેરિયાચાડ, જિલ્લો અમરેલી, ઉચ્ચતર માધ્યમિક અમદાવાદની ગોમતીપુર ખાતે આવેલી ડેમોક્રેટિક હાઈસ્કૂલ અને સ્નાતક અમદાવાદ આટ્‌ર્સ કૉલેજ તેમજ અનુસ્નાતક એક્સ-સ્ટુડન્ટ તરીકે અંગ્રેજી સાહિત્યમાં. પિતાજી નરોડામાં આવેલી અશોક મિલમાં કામદાર હતા. એસ.વાય.બી.એ.માં અભ્યાસ ચાલુ હતો ત્યારે ગાંધીનગર સચિવાલયમાં કારકુન તરીકે ૧૯૮૦માં સરકારી નોકરીની શરૂઆત. ૧૯૮૯માં સીધી ભરતીના નાયબ કલેક્ટર તરીકે અને ૨૦૧૩માં અધિક કલેક્ટર તરીકે સ્વૈછિક નિવૃત્તિ પછી અમદાવાદમાં લેખન તથા વાચન. નોકરી દરમ્યાન અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, નવસારી અને કચ્છ જેવા જિલ્લાઓમાં ગ્રામવિકાસ, મહેસૂલી અને ભૂકંપ પછીના કચ્છમાં પુનર્વસવાટની કામગીરી. ૧૯૭૮થી બુધસભામાં જઈને કવિતા લખવાના નિષ્ફળ પ્રયાસો પછી ટૂંકી વાર્તાઓ લખી. પહેલી ટૂંકી વાર્તા સુમન શાહના સંપાદનમાં ચાલતાં ‘શબ્દસૃષ્ટિ’માં ૧૯૮૪માં. પહેલો વાર્તાસંગ્રહ ‘બાપાની પીંપર’ ૧૯૯૮માં અને બીજો સંગ્રહ ‘આમ થાકી જવું’ ૨૦૦૮માં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘નવલિકા ચયન’ ૧૯૯૬ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત ઘનશ્યામ દેસાઈની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન. મોટાભાગની વાર્તાઓ ભરત નાયકે સ્થાપેલા ‘ગદ્યપર્વ’ અને ‘સાહચર્ય’માં છપાઈ છે. ભરત અને ગીતા નાયક દ્વારા ચાલતા સાહચર્ય લેખન શિબિરમાં નિયમિત હાજરી. નિવૃત્તિ પછી યુવા વાર્તાલેખકો માટે ટૂંકી વાર્તાના શિબિરોનું રમેશ ર. દવે સાથે સહસંચાલન તથા ‘એતદ્‌’ ત્રૈમાસિકનું સહસંપાદન કમલ વોરા અને નૌશીલ મહેતા સાથે ૧૯૯૭થી. સાહિત્ય પ્રવૃત્તિ માટે ઉમાશંકર પારિતોષિક, તખ્તસિંહજી પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદનાં શ્રેષ્ઠ પુસ્તકોનાં પરિતોષિકો તથા ધૂમકેતુ પરિવાર અને ગુર્જર પ્રકાશન દ્વારા અપાતું ધૂમકેતુ પારિતોષિક ‘આમ થાકી જવું’ વાર્તાસંગ્રહ માટે.