કુંવરબાઈનું મામેરું/કડવું ૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૬


[ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘ઘણું ભારે માણસ’ છે, અને એટલે એ દાઢમાં દબાવેલાં મર્મવચન બોલે છે. એનો એકેએક વાંકો ઉદ્‌ગાર અને અતિરેક કરતી યાદી મોટેથી વાંચવા જેવાં છે – એથી ‘વહુજી’ના વિવિધ લહેકા પણ માણી શકાશે.]

(રાગ મારુ)
વડસાસુ ઘણું ભારે[1] માણસ, બોલ્યાં મર્મવચન : ‘વહુજી!
વડી વહુઅર! તમો કાંઈ ન પ્રીછો, મહેતો વૈષ્ણવજંન, વહુજી!          ૧

જેહને સ્નેહ શામળિયા સાથે તેહને શાની ખોટ, વહુજી?
પહેરામણી મનગમતી માગો, કરો નાગરી ગોઠ, વહુજી!          ૨

કુંવરવહુને કાગળ આપો, લખો લખાવું જેમ, વહુજી!
રૂડો વહેવાઈ આંગણે આવ્યો, તો કોડ ન પહોેંચે કેમ, વહુજી?          ૩

લખો, પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફળ જોઇએે સેં સાત[2], વહુજી!
વીસ મણ વાંકળિયાં ફોફળ[3], મળશે મોટી નાત, વહુજી!          ૪

પાંચ જાતના પંચવીસ વાઘા, ચાર ચોકડી[4] તાસ[5], વહુજી!
લખો પછેડી[6] પંદર કોડી[7],પટોળાં પચાસ, વહુજી!          ૫

સાઠ મુગટ ને સોએક શણિયાં, પામરીઓ ચાળીસ, વહુજી!
ધોતિયાં બ્રાહ્મણને જોઈએ, લખો કોડી ત્રીસ, વહુજી!          ૬

બે કોડી જરકશી સાડી, રેશમી કોડી બાર, વહુજી!
સુતરાઉ સાડી લખો ત્રણસેં, છાયલ લખો સેં ચાર, વહુજી!          ૭

ઘરસાડી લખો દસ-વીસેક, સો ળ ચોકડી ઘાટ, વહુજી!
છીંટ મોરવી ટૂંકડી સોએક, લખો નવ કોડી નાટ વહુજી!          ૮

મશરૂ ગજિયાણી દરિયાઈ, લખો થાન પચાસ, વહુજી!
હજાર-બારસેં લખો કપડાં, લોક કરે બહુ આશ, વહુજી!          ૯

સો-બસો લખો શેલાં[8]-સાળુ, તેલ-પાનનો શો આંક, વહુજી?
એ આશરા પડતું અમે લખાવ્યું, બાપ તમારો રાંક, વહુજી!          ૧૦

તમને સોળ શણગાર કરાવે, બાપ લડાવે લાડ, વહુજી!
ઘટે જમાઈને સોનાની સાંકળી, તેમાં અમને શો પાડ, વહુજી!          ૧૧

સહસ્ર મહોર સોનાની રોકડી, કહેતાં પામું ક્ષોભ વહુજી!
અમો ઘરડાં માટે ધર્મે લખાવ્યું, ન ઘટે ઝાઝો લોભ, વહુજી!          ૧૨

એ લખ્યાથી જો અધિક કરો તો તમારા ઘરની લાજ, વહુજી!’
તવ મુખ મરડીને નણદી બોલી : ‘સિદ્ધ થયાં સર્વ કાજ, વહુજી!          ૧૩

ભારે મોટા બે લખો પહાણિયા [9] જે મહેતાથી અપાય, વહુજી!
ડોશી કહે : ‘શું શોર કરો છો? કાગળ લખતાં શું જાય, વહુજી?          ૧૪
વલણ
શું જાયે લખતાં આપણું?’ બોલ્યાં વડસાસુ વિકરાળ રેઃ
કાગળ વાંચી કુંવરબાઈને પડી પેટમાં ફાળ રે.          ૧૫




  1. ભારે = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં
  2. સેં સાત = સાતસો
  3. વાંકડિયાં ફોફળ = ઊંચી જાતની સોપારી
  4. ચાર ચોકડી = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા
  5. તાસ = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર
  6. પછેડી = પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી
  7. કોડી =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦
  8. શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે
  9. પહાણિયા = પથ્થર