કુરબાનીની કથાઓ/છેલ્લી તાલીમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છેલ્લી તાલીમ

જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા? ગુરુ વિચારતા હતા પોતાની જીવન-કથા. જવાનીને સમયે મારી છાતીમાં મેં કેટલાકેટલા મનેરથો ભરેલા! આખા ભારતવર્ષને મારી ભુજાઓમાં ઉઠાવી લેવાનું સ્વપનું કેટલું સુંદર, ભવ્ય, મોહક! આજ આ કિરપાણનું પાણી કાં ઊતરી ગયું? આજ આ ભારતવર્ષને એાળંગીને મારી ભુજાઓ એવી કઈ મહાન દુનિઆને ભેટવા તલપે છે? ત્યારે શું આ ભૂલ હતી? જિંદગાની શું એળે ગઈ? ગુરુના હૈયામાં એ ઘોર અંધારી સંધ્યાએ આવો સંગ્રામ ચાલી રહેલો છે. ધોળાં ધોળાં નેણો નીચે ઊંડાણમાં ચળકતી એની આંખેમાં લગાર પાણી આવ્યાં છે. બરાબર એ વખતે એક પઠાણ આવીને ઊભો રહ્યો. પઠાણે ઊઘરાણી કરી: ‘ગુરુ! આજ મારે દેશ જાઉં છું. તમને જે ઘોડા દીધા છે તેનાં નાણાં ચુકવો.' વિચારમાં ગરક બનેલા ગુરુ બેલ્યા: ‘શેખજી, અત્યારે જરા કામમાં છું. કાલે આવીને નાણાં ખુશીથી લઈ જજો.' ગરમ બનીને પઠાણ બોલ્યોઃ ‘એ નહિ ચાલે, આજે જ નાણાં જોશે. ઉડામણી ક્યાં સુધી કર્યા કરવી છે? સાળા શીખો બધા ચોર લાગે છે!' આટલું કહીને પઠાણે જોરથી વૃદ્ધ ગુરુનો હાથ પકડયો. પલવારમાં તો ગુરુના મસ્તકમાંથી વૈરાગ્ય નીકળી આવ્યું અને મ્યાનમાંથી કિરપાણ નીકળી આવ્યું. કિરપાણને એક ઝટકે પઠાણનું માથું ભોંય પર પડયું, જમીન લોહીથી તરબોળ બની, પઠાણનું ધડ તડફડતું રહ્યું, ગુરુ મોંમાં આંગળી ઘાલીને ફાટેલી નજરે નિહાળી રહ્યા. માથું હલાવીને વૃદ્ધ બડબડવા લાગ્યા: ‘આહ! આજ સમજાયું. મારો સમય પૂરો થયો, પચાસ વરસની પવિત્ર તલવારને લાંછન લાગ્યું. શા કારણે આ રક્તપાત? પઠાણને તૈયારીનો સમય ન દીધો. રે! આખરની બંદગી કરવાની એક પલ પણ ન આપી. હાય! હવે આ હાથ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો. આ કલંકને તો ધોવું પડશે. આજથી જિદગીનું એ એક જ છેલ્લું કામ.'

મરેલા પઠાણને એક નાનો બેટો હતો. ગુરુએ એને પોતાની પાસે બેલાવી લીધો. રાતદિવસ પોતાના પેટના બચ્ચાની માફક એને પાળવા લાગ્યા. પોતાની પાસે જેટલી જેટલી શાસ્ત્રવિદ્યા ને શસ્ત્રવિદ્યા હતી તે બધી યે ગુરૂએ પોતે જ પઠાણના બાળકને શીખવી દીધી. રોજ સંધ્યાકાળે ને પ્રભાતે એ વૃદ્ધ ગુરુ એ બાલકની સાથે બાલક બનીને રમતો રમે છે, પોતે પરાણે પણ બાલકને હસાવે છે, બાલકની નાની નાની બહાદુરી જોઈને એની પીઠ થાબડે છે, બાલક પણ ‘બાપુ, બાપુ,' કરતો ગુરુને અવનવી રમતે બતાવતો રહે છે. ભક્તાએ આવી ગુરુના કાનમાં કહ્યું કે ‘આ શું માંડયું છે, ગુરુજી? આ વાઘનું બચ્યું છે, એને ગમે તેટલું પંપાળશો છતાં એનો સ્વભાવ નહિ જાય હો! અને પછી પસ્તાવો થશે. દુશમનને કાં પંપાળો? વાઘનું બચ્યું મોટું થશે ત્યારે એના નહોર નખ બહુ કાતિલ બનશે.' હસીને ગુરુ કહે: ‘વાહ વાહ! એ તો મારે કરવું જ છે ને! વાઘના બચ્ચાને વાઘ ન બનાવું તો બીજું શું શીખાવું?' જોતજોતામાં તો બાલક ગુરુજીના હાથમાં જવાન બન્યો. ગુરુજીના પડછાયાની જેમ ગુરુજીની પાછળ પાછળ એ ફરે અને પુત્રની માફક સેવા કરે. રાતદિવસ જમણા હાથની જેમ ગુરુની પડખે ને પડખે જાગૃત રહે. ગુરુજીના બધા પુત્રો તો યુદ્ધમાં ગયા છે, પાછા આવ્યા જ નથી. એટલે એ ગુરુના પુત્રહીન, શૂન્ય હદયમાં આ પઠાણ-બાલકે પુત્રનું આસન લીધું. એકલા એકલા ગુરૂજી આ બધું જોઈને મનમાં હસતા. પઠાણબચ્ચાએ એક દિવસ આવીને કહ્યું કે ‘બાપુ, આપની કૃપાથી મેં ઘણી ઘણી તાલીમ લીધી. હવે કૃપા કરીને રજા આપો તો રાજ્યના સૈન્યમાં નોકરી મેળવીને મારું તકદીર અજમાવું.' જુવાનની પીઠ ઉપર હાથ રાખીને વૃદ્ધ ગુરુ બેલ્યા: ‘બેટા! સબૂરી રાખ, હજી તારી બહાદુરીની એક પરીક્ષા બાકી છે.' બીજે દિવસે બપોર પછી ગુરુદેવ એકલા એકલા બહાર નીકળી પડયા, પઠાણબચ્ચાને સાદ કરી કહ્યું કે ‘બેટા, તલ વાર લઈને ચાલ મારી સાથે.' પઠાણ ચાલ્યો. ગુરુના ભક્તોએ આ જોયું. ભયભીત થઈને બધા બોલ્યા કે ‘ગુરુદેવ! ચાલો અમે સાથે આવીશું.' સહુને ગુરુએ કહી દીધું કે ‘ખબરદાર, કોઈ સાથે આવતા નહિ.' બન્ને જણા ધીરે ધીરે નદીને કિનારે ચાલ્યા જાય છે. કિનારાની ભેખડમાં, વરસાદની ધારાઓએ જાણે આંગળીઓ ઘસી ઘસીને મોટા ચીરા પાડી દીધા છે. કાંઠે મોટાં ઝાડનાં ઝુંડ જામી પડેલાં છે. સ્ફટિક સરખી ઝગારા કરતી સિંધુ ચુપચાપ ચાલી જાય છે. કેમ જાણે એ બધી વાતો જાણતી હોય, પણ છુપાવતી હોય! એક ઠેકાણે પહોંચીને ગુરુએ જુવાનને ઈસારો કર્યો. જુવાન થંભ્યો. સંધ્યાકાળનું છેલ્લું અજવાળું, કોઈ એક પ્રચંડ વડવાંગડાની જેમ, પોતાની લાંબી લાંબી છાયારૂપ પાંખો ફડફડાવીને જાણે અનંત આકાશમાં ઊડતું ઊડતું પશ્ચિમ દિશાને પહેલે પાર ચાલ્યું જતું હતું. ગુરુએ રેતીની અંદર એક ઠેકાણે આંગળી ચીંધીને કહ્યું: ‘મામુદ! અાંહીં ખોદ.' મામુદ ખોદવા લાગ્યો. વેળુની અંદ રથી એક શિલા નિકળી. શિલા ઉપર લોહીના છાંટા પડેલા તેના દાગ મોજૂદ હતા. ગુરુ પૂછે છેઃ ‘એ શેનો દાગ છે, મામુદ?' ‘લોહીના છાંટા લાગે છે, બાપુ.' ‘પઠાણ બચ્ચા! એ છાંટા તારા પ્યારા બાપના લોહીના છે. આ ઠેકાણે એક દિવસ મેં એનું માથું ઉડાવેલું. એને સજજ થવાનો પણ સમય નહોતો દીધો. એનું કરજ ન ચુકાવ્યું. એને બંદગી યે કરવા ન દીધી.' પઠાણ-બચ્ચો નીચે માથે ઊભો રહ્યો. એનું આખું શરીર કમ્પતું હતું. ગુસ બેલ્યા ‘રે પઠાણુ! શું જોઈ રહ્યો છે? બાપનું વેર લેવા તારું ખૂન તલપતું નથી શું?' ‘બાપુ! બોલો ના, બોલો ના! મારાથી નથી રહેવાતું.' ‘ધિક્કાર છે ભીરૂ! નામર્દ! પોતાના વહાલા બાપને હણનારો આજ જીવતો જવાનો! એ પઠાણની હડ્ડીઓ આજ પોકાર કરે છે કે વેર લે! વેર લે! જંગલનાં પ્રચંડ ઝાડ પણ જાણે બોલે છે કે વેર લે! વેર લે!' વાઘની માફક હુંકાર કરીને પઠાણ ખુલ્લી તરવારે ગુરુની સામે ધસ્યો. ગુરુ તે પથ્થરની કોઈ પ્રતિમાની માફક અચળ બનીને ઊભા રહ્યા. એની આંખે એ એક પલકારો પણ ન કર્યો. પઠાણની આંખમાંથી લાલ લાલ આગ ઊઠે છે, ગુરુની આંખેમાંથી અમૃત ઝરે છે. ગુરુ હસે છે. પઠાણ હાર્યો, દીન બની ગયો, ગુરુને ચરણે તલવાર મૂકીને બોલ્યો: ‘હાય રે ગુરુદેવ! આજ શયતાનની સાથે આવી રમત કાં આદરી! ખુદા જાણે છે કે પિતાનું ખૂન હું ભૂલી ગયો છું. આટલા દિવસ થયાં તમને જ મેં મારા પિતા, ગુરુ અને બંધુ કરી માન્યા, આજ એ મમતાને મનમાંથી શા માટે ઉખેડું? ઝનૂનને શા માટે જગાડું? પ્રભુ, તમારા કદમની ધૂળ જ હરદમ મારે હાથે પહોંચતી રહેજો.' એટલું બોલીને પઠાણે દોટ દીધી, એ ઘોર જંગલ માંથી એકશ્વાસે બહાર નીકળી ગયો, પાછળ જોયું નહિ, પલવાર પણ માર્ગમાં અટક્યો નહિ. જંગલ વટાવીને યુવાન ઉઘાડા આસમાન નીચે ઊભો રહ્યો ત્યારે શુક્રતારા ઊંંચેથી સ્નેહધારા વરસાવી રહી હતી. ગુરુ ગેવિંદ એ ઘોર અરણ્યમાં થંભી રહ્યા. એની આંખો આંસુથી ભરાઈ ગઈ, જિંદગીના છેલ્લા પાપનું બંધન કાપીને આજ તે એને ચાલી નીકળવું હતું. એ ઝંખના તો અણપૂરી જ રહી ગઈ. તે દિવસથી પઠાણ ગુરૂદેવથી દૂર ને દૂર રહે છે, ગુરુનું પડખું છોડીને પોતાનું બિછાનું બીજા ખંડમાં પાથરે છે, “બાપુને જગાડવા પરોડિયાને વખતે એ કદી એકલો જતો નથી, રાત્રિયે પોતાની પાસે કાંઈ હથિયાર પણ રાખતો નથી, નદીને કિનારે ગુરુની સાથે એકલો શિકારે પણ નથી જતો. ઘણીવાર ગુરુદેવ એને એકાંતમાં બોલાવે છે, પણ પઠાણ આવતો નથી. બહુ દિવસો વીત્યા, એ વાત તો ભુલાઈ પણ ગઈ હશે. એક દિવસ ગુરુદેવે પઠાણ સાથે શતરંજની રમત આદરી. બપોર થયા. સાંજ પડી. દીવા પેટાયા. પણ બંને જણા શત રંજમાં મશગૂલ છે. પઠાણ વારેવારે હારે છે, તેમ તેમ એને રમવાનું શૂરાતન ચડે છે. સંધ્યા ગઈ. રાત પડી. જે માણસો ત્યાં હાજર હતાં તે બધાં પોતાને ઘેર ચાલ્યાં ગયાં. રાત્રી જામતી ગઈ. ઝન! ઝન! અવાજ થવા લાગ્યા. નીચું માથું રાખીને તલ્લીન મને પઠાણ રમી રહ્યો છે. અચાનક આ શું થયું? ગુરુદેવે આખી બાજી કાં ઉડાડી મૂકી? સોગઠું ઉપાડીને પઠાણના કપાળમાં કાં માર્યું? પઠાણ સ્તબ્ધ બની ગયો. અટ્ટહાસ કરીને ગુરુ બોલ્યા: ‘રમ્યાં રમ્યાં, નામર્દ! પોતાના બાપને હણનારાની સાથે જે બાયલો રમત રમવા બેસે તેની તે કદી જીત થતી હશે? વીજળી ઝબૂકે તેવી રીતે પઠાણુની કમરમાંથી છૂરી નીકળી. પઠાણે ગોવિદસિંહની છાતી એ છૂરીથી વીંધી નાખી. છાતીમાંથી લોહીની ધારાઓ ઊછળે છે અને ગુરૂદેવ હસીને પઠાણના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે, મરતાં મરતાં ગુરૂ બોલે છે: ‘બચ્ચા! આટલી આટલી વિદ્યા ભણ્યા પછી આજ તને ભાન થયું કે અન્યાયનું વેર કેમ લેવાય, બસ! આજ તારી છેલ્લી તાલીમ ખલાસ થઈ. અંતરની દુવા દઈને હું જાઉ છું, એ પ્યારા પુત્ર!'