કુરબાનીની કથાઓ/પ્રતિનિધિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રતિનિધિ

સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે. રાજાના મનમાં થાય છે: “અહો! આ તે શું ધતિંગ! ગુરુજીના હાથમાં ભિક્ષાની ઝોળી! જેને ઘેર લગારે કશી ખામી નથી, રાજરાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે, લોકો જેના ખોળામાં બધી સંપત ધરી દે છે, તેવા એક સાધુની વાસનાનો યે અંત નથી! વ્યર્થ છે. ફૂટેલા વાસણમાં પાણી લાવીને તરસ છિપાવવાનું જેમ વ્યર્થ છે, તેમ આ લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે. પણ ના, એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ. ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહિ.' એમ વિચારીને મહારાજે કાગળ કલમ લીધાં, કાગળ પર કાંઈક લખ્યું, બાલાજીને બેલાવ્યો ને આજ્ઞા કરી કે ‘ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માગવા પધારે ત્યારે એમની ઝોળીમાં આ કાગળ ધરી દેજે.' ભિક્ષા માગતા માગતા ગુરુજી ચાલ્યા જાય છે. અંગ ઉપર એક કાપીન, હાથમાં ઝુલી રહી છે એક ઝોળી. એના ગંભીર મોંમાંથી ગાન ઝરે છે ‘હે જગત્પતિ, હે શંકર, સહુને તમે રહેવાનાં ઘર દીધાં, મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું. માડી અન્નપૂર્ણા સચરાચર સર્વને પોતાને હાથે ખવાડી રહી છે. તમે જ, હે પરમ ભિખારી! મને એ મૈયાના ખોળામાંથી ઝૂંટવી લઈને તમારો દાસ બનાવી દીધો, આ ઝોળી લેવરાવી. શી તમારી માયા, પ્રભુ!' ગાન પૂરું થયું, ગુરુજી સ્નાન કરી કિલ્લાને દરવાજે આવ્યા. બાલાજીએ નમન કરીને એના ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેલી. ગુરુજીએ પત્ર વાંચ્યો. પત્રમાં લખ્યું હતું કે ‘ગુરુદેવ! આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું. હું પણ આપને આધીન થાઉં છું.' ગુરુજી હસ્યા. બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા: ‘બોલ, હે બેટા, રાજ મારે કબજે સોંપી દીધું તેથી તું પણ મારા કબજામાં આવ્યો. તો હવે બોલ, તું મારા રાજ્યમાં શું કામ કરીશ? તારામાં શી શી શક્તિ છે, વત્સ?' શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે ‘તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ.' ગુરુજી કહે કે ‘ના, રે ના, બેટા, તારા પ્રાણની મને જરૂર નથી. ઉપાડી લે આ ઝેળી, અને ચાલ મારી સાથે ભિક્ષા માગવા.' હાથમાં ઝોળી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે. મહારાજને દેખી નાનાં બચ્ચાઓ ઘરની અંદર દોડી જાય છે અને આ તમાશો જોવા પોતાનાં માબાપને બેલાવી લાવે છે. અખૂટ વૈભવનો ધણી, બાદશાહોને પણ ધ્રુજાવનારો બહાદુર, અપરંપાર અનાથોનો સ્વામી શિવાજી આજ ઝોળી લઈને નીકળ્યો છે એ જોઈને શિલા સમાન હૈયાં પણ પીગળી જાય છે. લોકો લજજાથી નીચે મોંયે ભિક્ષા આપે છે. ઝોળીમાં અનાજ નાખતા હાથ થરથરે છે નગર આખું વિચારે છે કે ‘વાહ રે મહાપુરૂષોની લીલા!' દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યા, ને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા. ગુરુ રામદાસ તે એકતારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે; એની આંખો માંથી અશ્રુધારા ચાલી જાય છે. શું હતું એ ગાન? ‘હે ત્રિલોકના સ્વામી! તારી કળા નથી સમજાતી. તારે ઘેર તો કશી યે કમી નથી. તો યે માનવીને હૃદયે હૃદયે આમ ભિક્ષા માગતો કાં ભટકે છે, ભગવાન? તારે ત્યાં શાનો તોટો રહ્યો, સ્વામી? કંગાલ માનવીના અંતરમાં તેં એવી શી શી દૌલત દીઠી, કે એ મેળવવા માટે પ્રત્યેકની પાસે તું કાલાવાલા કરી રહ્યો છે, રામ.' ગુરુ ગાતા ગાતા રખડે છે, શિવાજી પાછળ પાછળ ચાલ્યા જાય છે. આખરે સાંજ પડી, નગરની એક બાજુ, નદીને કિનારે સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું, પોતે લગાર ખાધું, બાકીનું શિષ્યો જમી ગયા. મહારાજાએ હસીને કહ્યુંઃ ‘રાજપદને ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે હે ગુરુદેવ! તો હવે બોલો, ફરમાવો, બીજી શી શી ઈચ્છા છે?' ગુરુદેવ બોલ્યાઃ ‘સાંભળ ત્યારે. મારે માટે પ્રાણ અર્પવાની તેં પ્રતિજ્ઞા કરી છે. તો હવે ઉપાડી લે મારો ભાર. આજ આ નાની ઝોળીનો ભાર નથી ઉપાડવાનો આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું. આજ તો મારે નામે, સારો પ્રતિનિધિ બનીને ફરીવાર આ રાજગાદી સંભાળી લે, બેટા! મારૂં સમજીને રાજ્યને રક્ષજે. રાજા બન્યા છતાં યે હૃદય ભિક્ષુકનું રાખજે. લે આ મારા આશિર્વાદ, અને સાથે સાથે આ મારું ભગવું વસ્ત્ર. વૈરાગીના એ વસ્ત્રનો રાજધ્વજ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે. આજથી આ રાજ્ય એ રાજ્ય નથી; એને ઈશ્વરનું દેવાલય સમજજે. જા બેટા, કલ્યાણ કર જગતનું.' એ મને હર સંધ્યાકાળે, ગીતો ગાતી એ નદીને કિનારે, નીચું માથું નમાવીને શિવાજી શાંત બેસી રહ્યા. લલાટ ઉપર જાણે ફિકરનાં વાદળાં જામી પડ્યાં. ગોવાળની વાંસળી થંભી ગઈ. ગાયો ગામમાં પહોંચી ગઈ. સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઊતરી ગયો. શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા. લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલ હતું, પણ આજ સાધુ બનીને સિંહાસને શી રીતે બેસાશે? નદીને કિનારે પર્ણકુટીની અંદર તો તંબુરાના તાનમાં ગુરુદેવનાં પૂરબી રાગિણીનાં ગાન ગૂંજી ઊઠ્યાં હતાં: ‘મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો, ને તમે તો છુપાઈને છેટે જઈ બેઠા! તમે કોણ છો, હે રાજાધિરાજ? મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે પ્રભુ! હું તો તમારા પગના બાજઠ પાસે જ બેઠો છું. સિંહાસન પર મારૂં આસન હોય નહિ, હરિ! હવે તો આ જિંદગીની સંધ્યા આવી પહોંચી. હવે તે ક્યાં સુધી બેસાડી રાખશો, રાજા? હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી લો, સ્વામી! શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું; ને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યો.