કોડિયાં/રોહિણી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રોહિણી



ધીમેધીમે રવિકર સર્યા વારિધિ આસપાસ,
ધીમેધીમે રવિમુખ નમ્યું, આંજતું અંતહાસ;
ધીમે સૂર્યે અતલ જલના ઓષ્ઠમાં ઓષ્ઠ પૂર્યા,
ઢોળાયા ત્યાં જલદલ પરે શેરડા સ્નેહસ્ફુર્યા.

વ્યોમે જોયું, વદન મલક્યું, કંકુના કુંડ ઢોળ્યા,
સંધ્યાએ ત્યાં તરલ તરતાં સર્વ સ્વાંગો ઝબોળ્યા.
એવાં બોળી ઉભય ઉરને સાગરે પ્રેમઘેરાં,
ઊભી જોડી નયનનયને કાંઠડે સિંધુકેરા.

પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે,
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે;
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ:
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ.

પ્રાત:કાલે નગરપતિનો પુત્ર જાવા સિધાવે,
છેલ્લીછેલ્લી હૃદયપ્રતિમા સાથ ગોષ્ઠી ચલાવે;
રૂંધાયેલાં ઉર ઉભયનાં: શબ્દ તૂટે અપૂર્ણ:
સો-સો ગોષ્ઠી ઉભય કથતાં, આંખથી અશ્રુપૂર્ણ.

પ્રાત:કાલે અતલ જલ આ, રોહિણી! ફેરવાશે,
મસ્તી માટે વિરહદુખનાં તાન-આલાપ ગાશે;
આ કાંઠે તું સમદરતણા, પાર ઊભો હું પેલે,
ગાશું ત્યારે સૂર સરકતા આવશે વારિહેલે.

ને રાત્રીએ ગહન જલમાં રોહિણી — પાંચ તારા —
નિત્યે જોજે, પ્રિય! પલકતાં માનજે અશ્રુ મારાં.
એવે થાતા ઉદય નમણે ગાલ સંધ્યા-ઉષાના,
ચૂમ્યાચૂમ્યા ગુલ ઊઘડતા ગાલ એણે પ્રિયાના.

જોઈજોઈ નયનનયને કોલ દીધા અનુક્ત,
તારાઓથી મુખ ચમકતું વ્યોમનું હાસ્યયુક્ત;
ગેલંતા એ અનિલ ભ્રમરે સુંદરી પદ્મ સાથે,
સુણ્યા કોલો અકથ: રજનીનાથ પોંખે સુહાસે.

કાંઠેકાંઠે હૃદય ભમતું એક પ્રેમી વિયુક્ત,
સંધ્યાએ ત્યાં પ્રતિદિન, જ્યહાં કોલ લીધા અનુક્ત;
જોઈ તારા ઉર સળગતું, આંખ મીંચે-ઉઘાડે,
મૂંગામૂંગા હૃદય-પડઘા અબ્ધિ એના ઉપાડે.

વીત્યાં વર્ષો; હૃદય કુમળું શુષ્ક, ખંડેર સૂનું;
વારિ ખૂટ્યાં નયનસરનાં, એક આંસુ ન ઊનું;
કાંઠે ઊભી સુતનું-સ્વરૂપા પૂર્વમા નેન નાખે,
સામે કાંઠે હૃદય વસતું ઊડીને પ્રેમપાંખે.

ઘેરીઘેરી ગગનગહની રાત્રિએ સૌ વિરામે,
ત્યારે દોરી નયન નમણાં રોહિણી, તીર સામે;
ઊભે નિત્યે અચળ, પ્રતિમા હોય પાષાણ કેરી,
આંખો જાણે પલ પલકતી તારલી બે સુનેરી.

જેવી દીસે ક્ષિતિજસરિતે પક્ષમાલા બગોની,
તેવી દીસે જલધિક્ષિતિજે કાફલી સો સઢોની;
ઊંચા-નીચા સઢ ઊછળતા-ઝૂલતા સિંધુ-મોજે,
એવું કાંઠે હૃદય ઊછળે નાવશું પ્રેમહોજે.

આવે આજે નગરપતિનો પુત્ર પાછો કમાઈ,
સો-સો વ્હાણે શગ ખડકતાં માંડ લક્ષ્મી સમાઈ;
જાણે લાવે સકળ ધનભંડાર એ લૂંટી જાવા,
કાંઠે ઊભા પુરજન સહુ સાહસીને વધાવા.

સૂકાં ઠૂંઠા તરુવરગણે જેમ ખીલે વસંત,
ઘેરાયેલાં ગગન ઊઘડે તારલાઓ હસંત;
એવા એના હૃદયરણમાં સ્નેહના ઓઘ છૂટ્યા,
અંગેઅંગે, ઉર, વદન, સૌંદર્યનાં પુષ્પ ફૂટ્યાં.

ગૂંથી વેણી બકુલફૂલડે, સંદૂિરે સારી સેંથી,
આંજી ભૂરાં નયન સુરમે, પાનીએ પાઈ મેંદી;
તારા ગૂંથી શરીર ધરતી રોહિણી, ચૂંદડીને,
આવે કાંઠે સભર ઉર, ગાલે ગુલાબો મઢીને.

ધીમેધીમે બગ સરીખડાં નાવડાં પાસ આવે,
બાલા સ્વપ્ને પ્રિયજન અહા! ભેટ મીઠી શું લાવે?
કાંઠા પાસે હૃદય ધડકે — જેમ વ્હાણો પધારે,
સંતાડે જ્યાં હૃદય-ધબકા, ગાલ દીપ્તિ વધારે.

સંધ્યાકાળે નગરસમીપે નાંગર્યાં નાવ આરે,
કૂદી નીચે પુરપતિતણો પુત્ર કોને ઉતારે?
નીચે આવી રતિસમરૂપા કોઈ સૌંદર્યવંતી,
ધીમે ચાલે નગરપતિના પુત્ર સાથે હસંતી.

માતા આવી સજલનયના: પુત્ર માથું નમાવે,
બ્હેની જોડી નીરખીનીરખી, પુષ્પ વેરી વધાવે;
સામૈયું એ પુર ભણી વળ્યું, વાગતાં ઢોલ-તાસાં,
એકાકી કો ક્યમ તીર ખડી, મૂર્તિશી સ્તબ્ધશ્વાસા?

ધીમેધીમે રવિકર છૂટ્યા વારિધિથી વિખૂટા,
ધીમેધીમે રિવ-જલ તણા ઓષ્ઠથી ઓષ્ઠ છૂટ્યા;
ધીમે સૂર્યે વિરહજલમાં ઝંપલાવ્યું અગમ્ય,
વેરાયા ત્યાં અતલ જલમાં શેરડા દુ:ખજન્ય.

વ્યોમે જોયું હૃદય બળતે, ગાલમાં લોહી દોડ્યું,
સંધ્યાએ એ વિરહસમયે મૌન આક્રંદ જોડ્યું;
ડૂબ્યા સૂરો જન-સકળના શે’ર કેરી દિશામાં,
તારા ઊગ્યા વદનકમળે આંસુડાં શા નિશાનાં.

ગાજે ઘેરું અકથ જલધિ, હાથ કાંઠે પછાડે,
કૂદીકૂદી હૃદય દુખતાં, જોરથી બૂમ પાડે;
કાંઠે ઊભી ઝળહળ થતી ઝાળતી એ ચિતા શી,
ઝંઝાવાતે જઈ જલધિએ બૂમ પાડે: ખલાસી!

આપું, વીરા, ધન સકળ આ અંગ માથે મઢેલું,
પ્હોંચાડે જો સમદર તણી મધ્યમાં નાવ વ્હેલું!
પ્હોંચે-પ્હોંચે ઉદધિપટની મધ્યમાં નાવ ત્યાં તો
ગાજી ઊઠ્યો દિશ-સકળમાં રોહિણીનો ધુબાકો!
1-7-’30