ખારાં ઝરણ/તડકો છાંયો સરખો તોળું
તડકો છાંયો સરખો તોળું,
આંખો પર ક્યાં અશ્રુ ઢોળું?
દરવાજા પર સન્નાટો છે,
ક્યાંથી ઘરમાં પેઠું ટોળું?
જળ છે ને છે અહીં ઝાંઝવું,
જે ચાખું એ લાગે મોળું.
આખા જગમાં ક્યાંય જડે ના,
ઇર્શાદ સરીખું માણસ ભોળું.
૧૬-૨-૨૦૦૮