ગંધમંજૂષા/સ્વાહા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

સ્વાહા


જન્મ સમયે મારી જેમ
પોચો પોચો હતો સમયનો સુકુમાર પિંડ,
ખબર નહોતી કે દૂધ પાઈને ઉછેર્યો સાપ.
ખબર નહોતી કે ધારદાર ધા૨ ફળા ફૂટશે,
કરચો વાગશે કચ્ચર કચ્ચર,
ફૂટશે ફાટશે સ્ફોટની જેમ,
વધશે વકરશે વ્રણની જેમ.
દરેક શિશુની ભોળી આંખોમાં જન્મે છે તું.
મોતીયે મેલી આંખોમાં મરે છે તું.
રમતો તું ગાભાપોતિયા, ઘરઘર, ઢીંગલાઢીંગલીથી,
તે તું નથી સમાતો મહેલ મહોલાત વાડી વજીફામાં.
લથડતો લથડાય છે, પથરાય છે પળિયા આવેલી આંખોના
રણ કળણમાં.
મરવું એટલે જ સભાન થવું તારાથી.

બધી રસી મુકાવી છે મારા દીકરાને.
તો પણ રસીની જેમ તું ફૂટી નીકળે છે અંદરથી અચાનક.
ચાલી વરસ પછી આવશે બેતાળાં,
પછી ગંઠાશે પગ ગંડેરી જેવા,
કાર્ડિયોલૉજિસ્ટ ને કન્સલ્ટન્ટ,
કોલેસ્ટરોલનું ધ્યાન રાખવું પડશે,
ચાલવું પડશે રોજ,
ઘી વગરની રોટલી બે જ બસ.
- એ જ તો અમારી વસ.
કાયાના કિલ્લામાં ક્યારે સુરંગ ચાંપીને
ઉડાવી દે છે તું બધું ?
કોણ આપે છે તને બાતમી ?
આજીવન કેદ.
કેદ શું માત્ર કેદીની ?
કેદ એટલે કેટલાં વરસ ?
૩૭,૬૬ કે ૮૨ ?
દેહાંતદંડ શું માત્ર પાપી ગુનેગારોને જ ?
ના,
દેહના એદી કેદી
જીવનરોગી બધાંયને ઉદ્દંડ દંડ દેહાંતનો.
કોષ કોષના કીલિંગ ફિલ્ડમાં ગોઠવી દે છે તું ટાઇમ બૉમ્બ,
'Death
I Discount
by living.
ભરાયાં છીએ છટપટતાં તારા ગલમાં
કે
ઢબુરાયાં છીએ તારા ખોળામાં ?
બહુરૂપી માનસી મરિચિકા
કાળરૂપસી !
કેટકેટલા ચહેરાઓ છે તારે ?
ચહેરાઈ ગયેલા ચહેરાઓ જોયા છે મેં તારા - અરીસામાં.
બોલ, અરીસા બોલ. કોણ છે મારાથી સુંદર આ જગતમાં ?
છોડ આ દર્પણ વિશ્રંભકથા
છોડ બારીમાંથી બહાર તાક્યા કરવાનું,
દીવાલ પર ક્લીક્ ક્લીક્,
થાય છે કશુંક ક્લીક્ ?
જો જો થયો છે બસનો ટાઇમ
ગળચી લે લુસ લુસ
જલદી જલદી નહીં તો મૅમો પકડાવશે તારો બૉસ.
યસ બૉસ યસ,
બે વરસમાં પ્રમોશન ત્રણ,
યસ બૉસ યસ.
સમયસૂચકતા વાપરી અકસ્માત નિવારવા
ફાટકવાળાને મળે છે ઇનામ,
પ્લૅટફૉર્મ ૫૨ પહોંચતાં જ ચુકાઈ જાય છે ટ્રેઇન.
લઈ લો કૅલ્વીનેટરમાં off-season ડિસ્કાઉન્ટ.
૨૮મી ઑગસ્ટે બંધ થાય છે રિલાયન્સનું ભરણું.
ભરી લો નવી ભરતીના તેલના ડબ્બા.
શિયાળામાં ભરેલ રીંગણાનું શાક,
અમરનાથની ગુફા ખૂલે ઉનાળામાં.
કુંડળીમાં મંગળ - ૨૮ પછી જ ભાગ્યોદય.
૪૮ કલાક પછી જ પેશન્ટ આઉટ ઑફ ડેન્જર,
ગઈકાલ સુધી તો તમે હતા સ્ટ્રેઈન્જર.
દિવસે ગુલાબ ગલગોટો ગુલબાસ
રાતે જૂઈ જાઈ ચમેલી પારિજાત
કોઈ ખોલીમાં ખીલી છે કમજાત.

ભરાય છે અમૃત મહોત્સવો,
કુંભ મેળાઓ,
ભરાય છે પીળું પરુ દાણામાં
રેલાય છે ઊંઘની સૂરાવલિ.
આલાપ પ્રભાતનો,
ક્રેસેન્ડો મધ્યાહ્નનો,
મીંડ અધરાતની.
ગોળાર્ધોને ઢબુરે છે તું
ગોળાર્ધોને હડબડાવી જગાડે છે.
હજાર હજાર હાથોમાં ઊંટડા બ્રશ લઈ મચી પડે છે મોંમાં.
કીડીનો રાફડો છંછેડાય છે સૂર્યના ઢેફાથી.
જેન્ટલમેન, ગવર્નમેન્ટ !
ડૉક્યુમેન્ટ કરી લો લોકજીભે રહેલાં લોકગીતોનું,
રહેણી કરણી કહેણી કહેવતોનું,
ચળાવો નળિયાં અવાવરું ઘરનાં,
દોરી લો નકશા ખંડેરો સ્થાપત્યોના.
સ્કૉટ, કૅપ્ટન કોલંબસ ! દોરો નકશા અણદીઠ ભૂમિના.
કેપ્લર, કૉપરનીક્સ
આકારો અમેય આ આકાશને.
ઝાડી ઝાંખરામાં મળી આવી છે અજંતાની ગુફા,
યથાતથ જાળવી રાખ્યું છે શૅક્સપિયરનું ઘર, તો
પુરાઈ જાય છે કીડીનું દર.
You Greenwhich Mean Time!
You mean !
What do you mean ?
કયા કાળનું રખોપું કરે છે તું ?
ક્ષણે ક્ષણે ક્ષયિષ્ણુ
કે વધુ વાધે વર્ધમાન તું ?
નિશ્ચિહ્ન થઈને ભૂંસતો ફરે છે તું
નિશ્ચિહ્ન થઈ ભૂંસાતો ફરે છે તું ?
મર તું સાલ્લા મારિચ
તું વ્યાધ
તીર તારું પક્ષ્માતિ સૂક્ષ્મ
ખૂંપીને રહ્યું છે દરેક કાયામાં.

લાખ લાખ લટકણિયાં પહેરીને લટકાં કરે છે રાત્રિઓ,
ધૂણે છે ધૂમકેતુઓ.
દોરે તું ચલિત, ચિત્ર, નક્ષત્ર.
વિચિત્ર તે તું, ભૂંસે બધું ?
બધું જ ? રેત પર જ શું વરસાવ્યું અમે હેત ?

આપન્નસત્વા રહસ્યગર્ભા ક્ષણો ચળકે છે આ ક્ષણે.
જુઓ,
આ સૂચ્યગ્રક્ષણે
નર્મદામાં એક પથ્થર વધુ ગોળ થાય છે,
લિવરમાં એક કોષ વિભાજિત થવાની તૈયારી છે,
પૂરો થયો છે વોયેજરનો કાઉન્ટ ડાઉન;
27 ડાઉન હમણાં જ ઊપડી છે,
એક ગોળી છોડી આ ક્ષણે માણસ ખૂની થઈ જાય છે,
પતિ ગયા પછી કોઈ પુંશ્ચલી લફંગાને બોલાવી લાવે છે
બપોરના એકાંતમાં,
મત્ત ચંડોળે ઘેલું તેનું છેડ્યું છે ગાન,
મેલું એક વસ્ત્ર ધોવાય છે.
ઠંડીમાં કોઈ ભરાયું છે ગોટમોટ,
કોઈ હસી પડ્યું છે લોટપોટ,
પવનની ગલીપચીથી લીમડો હસી પડ્યો છે લોટપોટ.
તારા મહેલમાં તો ક્ષણે ક્ષણે આવી અનેક બારીઓ.
અજસ્ર વહી જતી રમ્યઘોષા મધ્યે
વ્યક્તમધ્યના પાટિયા પરથી
ઝંપલાવ્યું છે આ જંબુરિયાએ.
તારા થકી વ્યક્ત થઈ
બનવા મથ્યો વ્યક્તિ. જેવી મારી શક્તિ.
વિવશ હું – વિસ્મૃતિના શાપ-વરદાનમાં
ઝબકોળાયા કરું છું હું.
ભુલાઈ જાય છે ઉત્કટ આરતપૂર્વક
ધીર સમીરે યમુનાતીરે જોયેલી રાહ,
ચન્દ્રની સાક્ષીએ એક આલિંગનમાં આપેલા જનમજનમના કોલ.
વિહ્વળ સાંજ. વિફળ પ્રેમ, દગો,
વિદાય વેળાનાં આંસુઓ,
માનું મૃત્યુ,
વિસ્મૃતિના શ્યામગર્તમાં હોમાય છે તું.
વિવશ હું.
– વિસ્મૃતિના શાપ વરદાનમાં ઝબકોળાયા કરું છું હું.
ઘાયલ મનની કરે તું શુશ્રૂષા.
અસહ્ય તું બનાવે છે સહ્ય.
સહ્ય બધું લ્હાય, લાહ્ય અસહ્ય.
તારી કોઠીમાં દુઃખનું સીતાફળ કાચું
પાકે છે મીઠું સુખ થઈ.
મીઠું સુખ કડવું વખ થઈ કોહવાય છે
દુઃખના કોથળામાં.
ભૂલી જાઉં છું તને
રાષ્ટ્રોને ઊપડેલા સન્નેપાતમાં,
ઝાંબેઝીના પ્રપાતમાં,
પોચા પોચા હિમ પાતમાં
કે પ્રિયાની વાતમાં.
પણ ઈથરની અસર ઊતરે.
પીડા બની આવે છે તું
ફરી ફરી વાર.
શનિવાર હો કે મંગળવાર,
યા હો ૨વિવા૨
આવે છે તું ફરી વાર.
પારા જેવો સમય થવા લાગે છે ચીકણો.
કાલાટને ભૂંસવા ચાહું છું તને,
પવનનુંય નહીં, વ્યવધાન,
આંખોમાં આંખોનું સંધાન,
દેહના આધારે જ દેહનું તિરોધાન,
હળવેથી રહે ઓધાન.
મારા સર્જન મનન પ્રજનન પછી
વિજન હું તારાં વેરાનમાં હેરાન.
સરલ નહીં, તરલ છે તું.
પ્રેમમાં, વેદનામાં, ઉત્કટતામાં ઓળખ છે અધૂરી.

આજકાલ
વહેલું મોડું
 આગળ પાછળ નથી હોતું કશું.
ઓ પણે પૂર્વજ ને આ ઉત્તરાધિકારી-
એવું કશું નથી હોતું સદ્યજા ક્ષણે.
પરોવાય તો પરોવી લો પાનબાઈ, આ પારદ બિંદુને
નહીં તો ચાળ્યા કરો ચાળણી.
પુષ્પો સાથે વાત કરવાનો સમય રહ્યો નહીં.'
સમય રહ્યો નહીં દાદા સાથે વાત કરવાનો,
સમય રહ્યો નહીં અરીસામાં નજ૨ મેળવવાનો.
કાળા વાળ વચ્ચે અચાનક ફૂટી આવતાં ધોળા વાળને
નીરખવાનો સમય રહ્યો નહીં.
સમય સમય કરતાં કરતાં સમય રહ્યો નહીં.
સમયોના તિર્યક્ સંધિસ્થાને,
છેદન સ્થાને, વેદન સ્થાને જીવું છું હું,
મારા ઘરમાં છીએ બધાં સમકાલીન.
અબજો વ૨સ પહેલાનું આકાશ,
કરોડો વરસ પહેલાંનો પથ્થર,
કરોડો વ૨સ પહેલાંનાં અશ્મિઓ,
લોથલથી ચોરેલાં પાંચ હજાર વરસ પહેલાંનાં ઢીબઠીકરાં,
છત્રીસ વરસ જૂનું ઘોડિયું,
જેમાં હીંચે છે મારું બાળક
બીજા વરસે ગંધ મ્હોરવા લાગેલું પારિજાત,

સંઘસ્ફૂર્ત વિચાર,
-સમયનાં કેટકેટલાં પરિમાણો–
રમખાણો મારામાં !
કોઈ થિસિસ, એન્ટિથિસિસ, સિન્થેસિસ
નથી આ સ્પીસીઝ માટે.
નથી કોઈ સ્વીકાર કે નકાર.
ગત, આગત, અનાગતની વિગત નથી મારી પાસે.
મારી પાસે તો છું હું જ.
તે પણ ઊધઈકોર્યા અક્ષરવાળી હસ્તપ્રત જેવો.
શું તારી ડિશમાં ઇષ્ટ અનિષ્ટ
મિષ્ટ હોય છે આટલું બધું
કે નથી રહેતું કશું ઉચ્છિષ્ઠ ?
વહીવંચા,
સ્ટંટ એકાઉન્ટન્ટ !
માગીશ નહીં હિસાબ મારી પાસે ઇન્સ્ટન્ટ.
જા, પૃથ્વી પાસે – તેની પાસે છે યુગો.
જા, અવકાશી પદાર્થો નક્ષત્ર નિહારિકાઓ પાસે
– તેની પાસે છે અયુત મન્વન્તરો.
જા, ઈશ્વર પાસે
-તેની પાસે છે સાગર અફાટ,
તેનાં ઘટિકાયંત્રમાં ઠલવાયા કરે છે સાત સાત સાગરની રેતી.
મારી પાસે તો બચી છે ક્ષણ,
બથાવી લીધી છે મેં અડધીપડધી ખૂંચવી ખેંચી કાઢેલી
તારા જડબામાંથી.
ક્ષણો, કેવળ ક્ષણો.
જોઈએ તો ક્ષણ વીણ,
ક્ષણ ક્ષણ કરી
કરી કણ કણ, ક્ષણ વીણ.
ક્ષણ વીણ, યુગ વીણ.
ફોળેલું, ફેદેલું, ફેલાવેલું સમેટતાં આવડતું નથી તારી જેમ.
તારા વગર છતાંય અધૂરો હું.
(જેમ આ કવિતા).
ચાલતાં, બેસતાં, ઊઠતાં
પીઝા ખાતાં, દાળિયા ફાકતાં
કૉફીના સીપ લેતાં, જાઝ સાંભળતાં,
મૉર્નિંગ વૉક લેવા જતાં,
મિત્રો સાથે ટોળટપ્પાં મારતાં,
સંભળાય છે તારાં પગલાં.
કોઈ નથી હોતું. ત્યારે કોણ હોય છે પાછળ ?
રાતે
બહુલ શસ્ત્રો સજ્જ તારી
લડાઈ છે
નિઃશસ્ત્ર નાચીઝ મારી સાથે.
'मौत का एक दिन मुअईन है
नींद क्यूं रातभर नहीं आती. '
ઝબકીને જાગીશ તો લડીશ તારી સાથે.
આ આખીય રાત
આ આખીય લડાઈ છે તારી સાથે.
તારી બ્લૅકહૉલ-શી વેદીમાં
સર્વમેધ યજ્ઞમાં હોમ્યા કરે છે અહર્નિશ.
સ્વાહા, સ્વાહા,
સ્વાહા, હસ્તધૂનન, હસ્તમૈથુન,
ચુંબન, આલિંગન,
મનન, ચિંતન,
વચન પ્રવચન આંદોલન સ્વાહા,
સ્વાહા, સ્થિતિ, ગતિ રતિ, મતિ, કુમતિ, જાતિ, સતી, સ્વાહા.
સ્વાહા.
સ્વાહા ઊપટાયેલાં ભડક રંગ, ઝાંખું થઈ જતું જરતારીકામ,
કાળા ભમ્મર વાળ સ્વાહા, વાળની જગ્યા લેતો કલપ,
ચળકતી ટાલ,
ખવાયેલી ખોપરી સ્વાહા.
અવાવરુ કૂવો, આકાશમાં ચપલ ચાલ દોરતા યાયાવર
ઋતુપક્ષીઓ સ્વાહા,
‘બાર બાર વરસે નવાણ ગળાવ્યાં' સ્વાહા,
સ્વાહા બાર વરસે જાવાનાં જંગલોમાં ખીલેલું મહાકાય ફૂલ,
નિશ્ચિત મિનિટે યલોસ્ટોનપાર્કમાં ફૂટતા ફુવારાઓ
વીમાપોલિસી, બેસણું, બારમું, છઠ્ઠીશતાબ્દી ક્રિસમસ સેલ, ગાંધી જયંતિ નિમિત્તે ખાદીમાં વળતર, સ્વાહા
વરસો વરસ લીલી સૂકી જોતી ઘાસની ચાદર સ્વાહા,
રેડવૂડમાં પરદાદા-શું પચીસ્સો વર્ષ જૂનું ઝાડ સ્વાહા,
સ્વાહા રવી ને ખરીફ.
સ્નાયવી બાવડાનો લચકો થઈ લબડી પડેલો ગોટલો સ્વાહા,
સ્વાહા વાજીકરણ,
સ્વાહા અદનો આદમ ને ખલીફ સ્વાહા
માળિયે ચડી ગયેલી કોડીઓ, બાકસની છાપ, ગરગડી
લખોટી સ્વાહા,
મંગળફેરા, ઘૂંઘટકા પટ ખોલ સ્વાહા, પુંસવન, નામકરણ
અંત્યેષ્ટિ સંસ્કાર સ્વાહા.
કાળ સાગરમાં તર્યા કરતું
વૉયેજરમાં મોકલેલું પાયથાગોરસનું પ્રમેય,
નાની અમથી ગમક, મીંડ, સ્વાહા.
સ્મૃતિપડ અબરખિયા,
કંઈ ઈચ્છાઓ તપખીરિયા સ્વાહા,
લુપ્ત ડાયનોસોરસ સ્વાહા.
વિલુપ્ત જાતિ પક્ષીઓની, સ્વાહા.
માણસ જ ખૂટતી કડી સ્વાહા.
સ્વાહા માટીના અંધકારમાં કોહવાતી કબરો,
કબરો પર લુપ્ત ડમરો ગુલબાસના શ્વાસ
લીલ ખાતા અવાવરું મહેલો સ્વાહા.
હડપ્પાની પીઠ ૫૨ ઇન્કા,
ઇન્કાની પીઠ પર યેન્કી,
ને યેન્કીની પીઠ ૫૨ રાહ જોતું ઘાસ સ્વાહા.
ભાવિ યોજનાઓ, સ્ટોન એઇજ,
સ્પેઇસ એઇજ,
ફૅશન, રેશન, સ્વાહા.
ચકલીની ચણ સ્વાહા,
મણ મણ ગોદામ સ્વાહા,
સ્વાહા અબજો માઈલની ખેપ કરી
બારણે હળવા ટકોરા મારતો પ્રકાશ સ્વાહા,
ભૂંડણનાં ચાર બચ્ચાં સ્વાહા,
આષાઢ પછી આષાઢનો ગોરંભો સ્વાહા,
સ્વાહા તડ તડ તડકાનો તોખાર
સ્વાહા હાડ હાડ ઠંડી.
રમ્ય રુદ્ર આવર્ત ઋતુઓના,
ઋતુમતિઓના રજ, બીજ સ્વાહા.
સ્વાહા, સ્વાહા, હોત, ઉદ્દગાતા, ઋત્વિક, યાજ્ઞિક, વેદ, વેદી,
યજ્ઞ સ્વાહા,
ભડભડ ભડકા, ભભૂત ભસ્મ સ્વાહા,
સ્વાહા, સ્વાહા,
‘કાલોહંય વિપુલા ચ પૃથ્વી' સ્વાહા
 ‘કાલો ન યાતો વયમેવ યાતા' સ્વાહા
સ્વાહા, હા હા હા સ્વાહા, હી હી હી સ્વાહા.
સ્વાહા, સ્વાહા, હા હા હા.