ગામવટો/૧૩. મારું મન ભરાઈ આવે છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૩. મારું મન ભરાઈ આવે છે

વૃક્ષને કદી એકલા પડી જવાનો ભય હોતો નથી. એ તો એકાકી જ હોય છે, સ્વયંપર્યાપ્ત, પોતામાં જ હાજર, નિરંતર. પોતાનાં ડાળી–પાંદ–મંજરી–ફળ–કૂંપળની સહજ લીલામાં તદ્લીન રહેતું વૃક્ષ કદી એકલતા અનુભવતું નથી. એ આપણને લાગે કે એકલું છે ત્યારેય એકલું નથી હોતું એનું ‘એકલાપણું’ એ એનું નહીં એટલું એને એ રીતે જોનારનું હોય છે! વૃક્ષ તો સમગ્ર સાથે એક આકારરૂપે નિશ્ચિત બનીને નિશ્ચિત હોય છે. ઈડરથી ભિલોડાના માર્ગ પર સડક ધારે એક ઊંચી ટેકરી ઉપર વર્ષોથી એક ઘટાદાર ઝાડ ઊભું છે – નિજરત, પોતામાં મસ્ત. એની નીચે એક દેરી છે – નિર્જન દેરી. અંદર દેવ–દેવી છે કે નહીં એની મને ખબર નથી; પણ એ દેરી પોતે તો વૃક્ષદેવની છાયામાં છે એ નક્કી! દરેક વખતે એને જોઉં છું ને મન ભરાઈ આવે છે. ઉમાશંકર સાથે ત્યાંથી પસાર થતાં એમણે કહેલું કે આ ટેકરી તે તો છે સૉનેટ કાવ્ય : વૃક્ષ છે એનું શીર્ષક ! આજેય એ ઢળતી ઢાળવાળી ટેકરી વૃક્ષ–દેરી સાથે મનમાં અડગ ઊભેલી છે. ક્યારેક મને પ્રશ્ન થાય છે કે માણસ પણ જેમ ઊંચે ને ઊંચે જાય – આગળ વધે – તેમ જાણે કે જનમેળાઓથી, મિત્રો સ્વજનોથીય અળગો, આઘો થતો જાય છે! એ એટલો સુલભ નથી હોતો, જ્યારે સાધારણ હતો ને હાથવગો હતો. અસાધારણતા જ આપણને બીજાં બધાંથી અળગા પાડી દે છે; પણ પીડા તો ત્યારે થાય છે જ્યારે આપણે આપણાં સ્વજનોથીય છેટા થઈ જઈએ. પેલી અસાધારણતા સ્નેહમિલનોમાં આડી આવે છે; સ્વજનો આપણે માટે સુલભ ના હોય ત્યારે ખરેખર જીવવાનું દોહ્યલું લાગે છે. આવી વેળામાં મારા જેવા માટે તો વૃક્ષો જ મારો એકમેવ આધાર હોય છે. એ જ મારાં ખરાં સ્વજનો છે, એ જ મારાં ભેરુ, વડીલો. મિત્રો પણ એ જ! આ ગૅલેરી સુધી સરી આવેલું આમ્રતરુ તો જુઓ! હું એને નીરખ્યા કરું છું. કોઈ મુગ્ધવયનાં પ્રેમીઓ એકબીજાને જોતાં ધરાતાં જ ના હોય એમ હું ને આ આમ્રતરુ એકબીજાને વેળા–કવેળા, રાતિદવસ, ઋતુએ ઋતુએ, જાગતાં ઊંઘતાં ગમે ત્યારે જોયા જ કરીએ છીએ. આ ઝરૂખામાં, ના ‘ઝરૂખો’ શબ્દ બરાબર નથી, નાની ઓસરી જેવી ગૅલેરીમાં મેં નાનકડી દેશી વાણ ભરેલી ખાટલી–ઢોયણી ઢાળી રાખી છે. જેમાં પડ્યો પડ્યો હું આંબાની લીલાઓ જોયા કરું છું. અહોહો, આ વર્ષે એને કેટલી ફૂટ થઈ છે... ચારેબાજુ ભીતર–બહાર, સોળે ડાળ એને નવાં પાંદડાં લચી આવ્યાં છે. મારી મા માટી એક લીલેરું રૂપ ધરીને મારી આંખો સામે આવી ઊભી છે. મારો સ્પર્શ પામવા લાંબી થયેલી ડાળીની ટોચે આ કૂંપળો તો નર્યો રોમાંચ છે ઋતુઓનો! આ વર્ષે એને ઝાઝી કેરી આવી નથી, એથી નીચે–ભોંયતળિયે રહેતાં પડોશીને દુઃખ થાય છે – એ કહ્યા કરે છે કે ‘પાંદડાં–કચરો વાળ્યાનું ફળ ના મળ્યું !’ હું તો એવો ફળ ભૂખ્યો નથી; ને મને તો આ આમ્રતરુ મારી સામે ઊભું છે એ જ સૌથી મોટું ફળ લાગે છે – આવું વૈભવી ફળ બીજે કોણ આપે ! આ દેવોને દુર્લભ તરુફળ તો લહેરાય છે સામે, પાસે... છેક ભીતરમાં. વર્ષોના અનુભવો લઈને ઊભેલું આ તરુવર ઘણું શાણું છે. એનો સમગ્ર ચહેરો એ શાણપણથી પ્રદીપ્ત ધીર–ગંભીર છે. એની ભીતરમાં છુપાયેલાં કેટલાંય રહસ્યો એ ધીમે ધીમે મને સમજાવે છે. હજી એ સંપૂર્ણપણે ઉજાગર જ ક્યાં થયું છે! અત્યારે તો એનું શાણપણ મને સ્વ–સ્થ કરવા મથે છે, સાબદો રહેવા સૂચવે છે. ‘માણસે પોતાની અંદરના આધારોથી જ ટકવાનું હોય છે; બાહ્યાધારો તો પોકળ છે' – જાણે વૃક્ષ મને રોજ સવારે પાસે બોલાવીને કાનમાં કહે છે! મારા દાદા જેવું છે ઝાડ, સાવ નિરુપદ્રવી! બાપુજી ધમકાવતા તોય દાદા મૌન, અચલિત રહીને પોતાનું કાર્ય કર્યા કરતા. આ તરુરાજ પણ એવી મુદ્રામાં ઊભા છે. મને રોજ સાંજે થાકીને કે ઉદાસ ઊભેલો જુએ છે ને કહે છે : ‘રાત સંચિત થવા સારું આવે છે, સભર થવાનો તો આપણો ‘મૂળ’– ધર્મ છે. તું વખત પર વાત છોડીને તારા ધ્યેય માટે મંડી પડ. લોકો તો કાયમ માટે આપણને ચલિત કરવા મથવાના. એમને તો મોઢાં એટલી વાતો! પણ આપણે તો આપણા પોતાના જ સંગાથો... જરાક અમસ્યુ આ તો...’ મારા વતન ઘર સામેના કોથળિયા ડુંગર ઉપર એક પગે એકલું ઊભું છે એક કોઠીનું ઝાંખુંપાંખું ઝાડ, ઉપેક્ષિત! મને એ હંમેશાં મારી પ્રતીકૃતિ કેમ લાગ્યા કર્યું હશે? કૉઠાં બેસે એટલા પૂરતું કોઈ એની નીચે ફળ–આશાએ જઈ ચઢે છે; બાકી? બારેમાસ એ જ તાપ–ઉત્તાપ, સૂકા વાયરા ને દૂરના મલક... પાસેનાંને મળવાય ઝૂર્યા કરવાનું..! અશ્વિન મહેતાના સાગરતટના ફોટોગ્રાફ્સમાં એક ફોટો છે એકલા ઝાડનો... એક તરફ બાંડા ડુંગરો, નિર્જન ખીણ... બીજી તરફ પાછે પગલે ભાત રચતો દૂર ચાલી ગયેલો સમદર ને ત્રીજી બાજુ છે દૂર દૂરની વનરાજી... ઝાડ કાંઈ ઘટાદાર નથી; છિન્નકાય છે; જરાક બેવડ વળેલું... ઝૂકી ગયું છે દરિયા તરફ... પીઠેથી સ્વજન શા પહાડોએ ઘા કર્યા હશે ?... કે વહી જતા દરિયાને દૂર ન જવા વિનવતું હશે કે પેલાં સ્વજનભેરુ શાં દૂરનાં તરુવરો તરફનો હશે હજી કોઈ મૂળાનુબંધ–ઋણાનુબંધ! મારું મન આ દૃશ્ય જોઈને ભાવવિવશ થઈ આવે છે, હજી એ ઝાડ પર ચંપા જેવાં ફૂલો છે. મને ઘણી વાર થાય છે કે હું એના નીચે, થડને અઢેલીને બેઠો છું. ધીમે ધીમે હું થડમાં ને પછી ઝાડમાં રૂપાંતરિત થતો જાઉં છું... આર્દ્ર... એકલો.

તા. ૫–૬–૯૬