ગામવટો/૨૨.બસ, ટહુકા સાંભળું છું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૨. બસ, ટહુકા સાંભળું છું...

આછું અજવાળું થાય છે અને શોબિગીના ટહુકા સંભળાય છે. હવે મારે ટહુકા સાંભળવા સિવાય કશુંય કરવાનું નથી... ને આનાથી મોટું આનંદપર્વ મારે માટે કોઈ જ નથી. ઘર પાસેના બગીચાનાં વૃક્ષો હજી નિદ્રાવિયોગ પામ્યાં નથી ત્યાં તો જુદા જુદા ટહુકાઓ ઊઘડવા લાગ્યા છે. બુલબુલની જોડીઓ તો હંમેશાં મુક્ત કંઠે જ બોલે છે ને પોતાનું ભીતર મધમીઠા ટહુકામાં ખોલે છે. જરાક ચંચળ છે આ પંખી... પણ ઘણી વાર બેઉ નિરાંતનાં બેઠેલાં ભાળું છું... પિક્ પિયૂ પિક્ પિયૂ...ની એમની રટણા આપણામાંય સ્વજનતરસ જગવે છે. એકધારું બોલે માંડ પંદરવીસ સેકન્ડ! પણ એમનું જરીક કલગી નીકળેલું માથું ટટ્ટાર થાય છે, સગૌરવ, પેટ ને પાંખે પણ હાલે – જરા તરા; પણ કેસરી ચાંલ્લાવાળી પૂંછડી લયમાં ઊંચી નીચી થતી રહે છે... બહુરંગી નહિ એવા બુલબુલનો કંઠ આટલો બધો મધુર કેમ હશે?? સવાર પહેલાંની સવારમાં એમને સાંભળતાં સાંભળતાં પુનઃતન્દ્રા–શમણાં–ઊંઘ બધું ઘૂંટાય છે... ને એક નશો જાણે તનમનને કશીક અગોચર વાતમાં તલ્લીન બલકે લયલીન કરી દે છે. સુરેશ હ. જોષીને ગમેલું ઉમાશંકર જોશીનું બુલબુલ ગીત મારા મનમાં, આખી સવાર, ગૂંજતું રહે છે :

‘બોલે .બુલબુલ/વ્હેલે પહરોડિયે બોલે બુલબુલ...
આરે ગુલાબી મારી નીંદરની પાંખડીએ,
ઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલ...
ચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,
આવી છંટાય મારી પાંપણે અમૂલ ! બોલે બુલબુલ...’

બુલબુલ તો બારેમાસ ગાય છે. હું લખતો હોઉં છું ત્યારે એ જોડું બારીએ આવીને બેસે છે. જરાક મસ્તક નમાવી ત્રાંસી નજરે મને જુએ છે... ને પછી પાછાં મધુ–માલતી તથા કૌરવ–પાંડવવેલમાં રમતાં–ભમતાં વીજળીના તારે જઈને ઠરે છે... ગાય છે ને પાછાં પીપળાનાં કોમળ અજવાળું વેરતાં પાંદડાંમાં છુપાઈ જાય છે. કદાચ એ બેઉ પણ ચક્રવાક યુગલની જેમ સંતાઈ જવાની અને શોધી કાઢીને પ્રસન્ન થવાની રમત રમતાં હશે. એમને તો એ જ કામ ! આવા અવસરે પંખી થવાનું મન કોને નહિ થાય ?! તમે નહિ માનો પણ આ કોયલો આજકાલ નકટી થઈ ગઈ છે. વધુ પડતી છકી ગઈ છે... બસ ગાયા જ કરે છે... અરે, બાઈ! ખરી બપોરી વેળા થઈ છે; જપ જરા...! પેલાં પરીક્ષામાંથી સાવ પરવારેલાં છોકરાં એના ચાળા પાડે છે... ‘કૂઊઊ... કૂઊઊ’ ‘કાગડાની વહુ... વહુઉ... વહુઉ' પણ આ થાક્યા વગર બલકે હાર્યા વગર બોલે છે એ તો ‘ભાઈ' છે! હા, ન૨–કોયલ ! પેલી માનુની માદા તો પીપળની ઘટામાં ડાળીઓ ગણતી ગણતી ટેટાનો ખટતૂરો સ્વાદ લે છે ને નર જેવો એની પાસે ફરકે કે આ લાજુલ લાડી ! ઊડીને... ક્રીક ક્રીક... કરતાંકને બીજે ઝાડવે... નરની જિંદગી, આમેય બિચારાની, માદાઓને મનાવવામાં ખર્ચાતી રહે છે... શું પંખી કે શું મનેખ ! સવારે બગીચાની પીપળ પર ચાર પાંચ નર અને બેત્રણ માદા કોયલોનો કલશોર અને પકડદાવ ચાલે છે તે જોતો રહું છું. માદા કોયલની ચણોઠી જેવી આંખો મને વીંધી દે છે! ઓછું દેખાતું નાચણ પંખી (ગામડે અને ‘પંખો' કહે છે !) પણ, પીપળની ડાળોમાં પૂંછડીનો પંખો બનાવી. ફુલાવીને નાચતું જોવાનું સદ્ભાગ્ય વારે વારે નથી મળતું. એ છે ભારે ચંચળ... જરા વાર પણ ઠરતું નથી. ડાળી પર બેસે તોય મરડાતું ને લચકાતું રહે છે. પૂંછડી બીડે ને પાછું ખોલીને હાથપંખા જેવી બનાવે. એટલે એનું નામ પંખો પડેલું છે. ને બેસે તોય પગથી નાચતું જ રહેતું હોવાથી એનું મૂળ નામ ‘નાચણ’ છે... ‘ડેન્સિંગ’ બર્ડ! ‘ન્યૂ જર્સી’ – વેસ્ટ ન્યૂયોર્કમાં હડસન કાંઠાના બગીચામાં એક ‘મોકિંગ બર્ડ' જોવા રોજ હું સવારે જતો હતો... વીજળી દીવાના થાંભલે બેસીને નાચે–કૂદે – બેચાર ફૂટ ઊંચું ઊછળે – ઊડે ને અનેક જાતના અવાજોથી ભાતભાતના લયમાં ગાયા જ કરે. આપણને જુવે એટલે વળી, લળી લળીને ગાયા જ કરે. આપણને જુએ એટલે વળી, લળી લળીને ગાય અવાજો બદલે... જાણે આપણી મજાક કરતું લાગે... રમૂજ કરવી એ જ એનું કર્તવ્ય હશે? ન જાને !! એનું નામ એક અમેરિકન ભાઈને પૂછ્યું તો હસતાં હસતાં કહે ‘ઈટ ઈઝ અ મોકિંગ બર્ડ !' સાચ્ચે જ એ ‘મોકિંગ બર્ડે’ દિવસો સુધી મારી ફિલ્લમ ઉતારેલી... એ જાણે કહેતું હતું કે આ વિમાનો–ગાડીઓ – તમારી ઇમારતો ને દોડધામો... એમાંથી તમે પામી પામીને શું પામો?! આ બધું જ નિરર્થક છે... અસલ તો છે આ મોજ – આપણા હોવાપણાને ઉત્સવમાં બદલી નાખવાનું હોય છે... ‘મોકિંગ બર્ડ’નાં એ ગીતો, એના એ વિવિધ બલકે અઢળક લયાત્મક કલશોર... એમાં તમામ પંખીઓનાં ગાન–ગીત–અવાજ જાણે આવી જતાં હતાં. ને એનો ઉત્સાહ તથા ઉછાળ તો એ પ્રત્યક્ષ થાય ત્યારે જ પ્રમાણી શકો... બાકી એણે જગવેલાં અચરજો મને હજીય વિચારતો કરી મૂકે છે. આપણું ‘નાચણ’ એના આગળ વધારે પડતું ડાહ્યુંડમરું લાગે! પણ નાચણની ડોક–મુખ–આંખની રચાતી આકૃતિની નમણાશ મને બહુ ગમે છે. એની પાંખો ઉપર, દૈયડ જેવી, સફેદ પટ્ટી આકર્ષક લાગે છે. એની તીણી સીટી જેવો અવાજ લંબાય છે ને પછી બ્રેક થઈને પીચ બદલે છે... ગાવામાં ઉત્તરાર્ધ ઉતાવળો હોવાથી બે ખંડ પડી જાય છે... ‘મોકિંગ બર્ડ’ની વાત નીકળી છે એટલે નાચણ (ડેન્સિંગ બર્ડ) યાદ આવી જાય એમ સક્કરખોર – પણ કાનમાં સીટી વગાડતું હાજર થઈ જાય છે. બગીચાનાં શિરીષ–સોનમો૨માં એ પાંચ–સાતની સંખ્યામાં રોજ રમતાં રહે છે – છે અંગૂઠાં જેવડાં, મોરપિચ્છ વાદળી કંઠ – ગળું ને આમ શ્યામવર્ણનાં... ઋતુમાં માદા રંગો બદલે છે. વાંકી ચાંચથી એ ફૂલોમાંથી પરાગ–રજ–રસ ચૂસ્યા કરે છે. ગામડે એને ‘ફૂલસૂંઘણી' કહે છે... એય સોળમા વર્ષની છોકરી જેવું અજંપ અને ઊડાઊડ કરતું પંખી... તીણા સ્વરે બેચાર સામટાં ભેગાં મળીને ગાય–બોલે ત્યારે ધ્યાન જાય, અવાજ મીઠો લાગે છે. ઊડે ત્યારે એમના સેલ્લારા હવામાં નદી ઝરણાં ચીતરે જાણે !! પંખીઓના ટહુકાઓથી ભીની અને ઉનાળુ–વૈશાખી–ઊજળી સવાર કૂંણી અને ‘રાગમય’ અનુભવાય છે... જ્યાં ‘રાગ’ હોય ત્યાં ‘મય’ પણ હોય જ ને! બાય ધ વે, નાચણ, સક્કરખોર અને બુલબુલ : ત્રણેના માળા (નીડ) મુઠ્ઠી જેવડા ને બહુધા બંધ ! આવી શીતલ–મધુર સવારમાં સેલ્લારા લઈને ઊડનારાં એ પંખીઓ જોયા કરું છું. આપણને ગીત નહિ સંભળાવનારાં, બહુધા મૌન અને બગની જેમ, પણ વીજ તારે બેસી રહેનારાં પંખીઓમાં પતરંગો અને ક્વચિત્ વસતિમાંય દેખાતો– રહેતો કાળિયોકોશી, ભદ્ર વર્ગ જેવી વર્તણૂક દેખાડે છે.. પણ ફૂદી કે પતંગિયું અથવા જંતુ પકડવા ગુલાંટ મારીને ઊડે ને સેલ્લારો લેતાંકને પાછાં વળે છે, કાળિયો કોશી ખેડાતાં ખેતરોમાં – જંતુ ખાવા હળબળદની પાછળ પાછળ નિરીક્ષકની અદામાં ચાલે છે ત્યારે જોવો ગમે છે. પતરંગાની પૂંછડીમાં લાંબી સળી શા માટે હશે ? – એવો પ્રશ્ન થાય છે... પણ એ તો હોય!! મને થાય કે પંખીઓની દુનિયામાં એક વખત આપણો પ્રવેશ થઈ જાય પછી આપણે માલામાલ થઈ જઈએ છીએ. કેટકેટલાક ટહુકા ને કેવાં કેવાં ગાન... નિત્ય નવો ઉમંગ ને રોજેરોજ વૃક્ષાવેલીઓ સાથે મ્હાલવાની મોસમો પણ રંગરંગીલી ! એટલે તો હું કહું છું કે હવે મારે ટહુકાઓ સાંભળવા સિવાય કશું વિશેષ કાર્ય કરવાનું નથી રહેતું. ખુદ એક પંખી પોતાના વ્યતીતને (કદાચ પાંજરેથી) યાદ કરે છે ને ઝૂરે છે :

આતા હૈ યાદ મુજકો ગુજરા હુઆ જમાના
વો ઝાડિયાં ચમન કી વો મેરા આશિયાના...
વો બાગ કી બહારે વો સબકા મિલકે ગાના
પત્તોં કી ટહનિયોં પે વો ઝુમના ખુશી મેં
ઠંડી હવા કે પીછે વો તાલિયાઁ બજાના...

હવે તો ઘર ચકલી પણ દુર્લભ બનતી જાય છે... એની ચીંચી વિના ઓસરી–પડસાળ–ફળિયું સૂનાં સૂનાં લાગે છે... પાણીની ઠીબ હવે નેવાંમાં લટકતી નથી... ને આંગણાની ચણ એકલાં કબૂતર ચણ્યા કરે છે. પણ એય થોડાં આઘાં જતાં જાય છે... ‘કબૂતરોનું ઘૂઘૂઘૂ...’ ગાનારી પેઢી પણ હવે નથી... હોલો હજી ‘પ્રભુ તું...’ની રટણા છોડતો નથી... પણ વ્હેલી પરોઢે બોલતા અને ગમતા કાગડા પણ ઝાઝા દેખાતા – સંભળાતા નથી. દરજીડો બારમાસી ચંપામાં સંતાતો ફરે છે ને કોઈકને જાણે કહ્યા કરે છે... ‘વેઈટ અ બીટ... ટ્વીટ્ ટ્વીટ... વેઈટ અ બીટ...' લોખંડને લાગતા કાટના રંગની પાંખો ધરાવતો દરજીડો પેટે જરાક પીળચટો ધવલ છે... ને ઊડાઊડ કરતાં ધરાતો જ નથી... સાવ એકાકી! જેમ બપોર થાય એમ તીવ્રતાથી બોલતો કંસારો રૂપકડું ને નાનશુંક પંખી છે... પીપળાની કે ઊંચા ઝાડની ઊંચી કે બહુધા ટગલી ડાળે બેસતા અને આકરી વેળાને પડકારતા હોય એમ ટૂકટ્રકટૂક ગાયા કરતા કંસારા ગ્રીષ્મમાં વહાલા લાગે છે... વેળાને એ જાણે ઘૂંટતાં રહે છે. હમણાંથી શકરો બાજ (નાનો) પંખીઓને પજવે છે. કાલે એણે કાબરને પકડેલી.. ને આજે ટીંટોડી કકલાણ કરતી એની પાછળ પડીને એને ભગાડવા માટે ઝઝૂમે છે... કોઈક મકાન માથે એણે ઈંડાં મૂક્યાં હશે... શિરીષને ટોચે બાજનો માળો છે – એણે પોતાનાં બચ્ચાં કે મોટાં કરવા સારુ બીજાંનાં બચ્ચાંને મારવાં છે! કુદરતમાંય કેવા કેવા ચાલ ને કેવી કેવી કમાલ હોય છે. હમણાં હમણાં તો પીળક અને હરિયલના ટહુકા પણ સંભળાય છે. બહુ બોલકા સૂડા હજી શાણા નથી થયા... મારી સવાર આવા પરિસરમાં પંખીગાન વચ્ચે વીતે છે. મારે હવે કશેય જવાનું નથી... કાન અને આંખ બેઉની ધન્યતાનો અવસ૨ લઈને ગ્રીષ્મને ડાળે ડાળે બેઠી છે.

તા. ૬–૫–૨૦૧૦, ગુરુવાર

વલ્લભવિદ્યાનગર