ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પૂર્વકથન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પૂર્વકથન

‘મથવું – ન મિથ્યા’ (૨૦૦૯)નો આ અનુગામી વિવેચનસંગ્રહ મુખ્યત્વે મારા દીર્ઘ અભ્યાસલેખોને સમાવે છે અને, પહેલીવાર પ્રગટપણે સાહિત્યવિચાર અને વિવેચનવિચારને આગળ કરીને ચાલે છે. એ રીતે આ સંગ્રહ મારા પૂર્વ-વિવેચનસંગ્રહોથી સહેજ જુદો પડે છે.

વિવેચનવિચાર અહીં અલબત્ત, સીધા સિદ્ધાંતવિચાર રૂપે નહીં પણ ગુજરાતી વિવેચનના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની સમાન્તરે, એની પીઠિકારૂપે અને એના અનુવિમર્શરૂપે, મુકાયો છે. પરસ્પરપૂરક એવા પહેલા બે લેખોમાં એ વિચાર, એક તપાસની ભૂમિકાએ મારા દૃષ્ટિકોણરૂપે રજૂ થયો છે. સિદ્ધાંત અને પ્રત્યક્ષની વચ્ચે વિવેચકની એક કેળવાયેલી સમજનું, હંમેશા પ્રવર્તન થતું રહેવું જોઈએ – એના અભાવે કિલષ્ટ-શુષ્ક કે પછી સ્વૈર-શિથિલ સંકીર્ણતાઓમાં વિવેચન રઝળી પડે, તર્કનિષ્ઠ સમજ જ વિવેચકને એમાંથી ઉગારી શકે – એવી મારી સમજ પહેલા લેખમાં મુકાઈ છે. એટલે પછી, ગ્રંથશીર્ષક પણ એ લેખશીર્ષકથી જ બાંધવાનું પસંદ કર્યું છે.

વિવેચનના સ્વરૂપનાં બધાં પાસાં અને ઘટકોને તથા એક વિશિષ્ટ શાસ્ત્ર તરીકેની એની પરંપરા બાંધતી વિકાસરેખાને, ‘સાહિત્યવિવેચન : અર્થ અને પરંપરા’ એ લેખમાં સંકલિતરૂપે મેં આલેખ્યાં છે. મૂળે ‘ગુજરાતી વિશ્વકોશ’ માટે એ લખાયો હોવાથી કોશના લખાણની ચુસ્તી અને વિશદતા બંનેનો લાભ એને સોંપડ્યો છે. ૧૯મી સદીનાં સાહિત્યિક-સાંસ્કૃતિક સંચલનો, સાહિત્ય-સામયિકોની ઊજળી પરંપરા, કોશ તેમજ સૂચિ જેવી સંશોધનસહાયક પ્રવૃતિઓ અને એનું પદ્ધતિશાસ્ત્ર સતત મારા રસના વિષયો, મારા કાર્ય-અનુભવના પણ વિષયો રહ્યા છે. એમાં પણ સૈદ્ધાંતિક ભૂમિકાઓ અંગેના મારા દૃષ્ટિકોણોને મેં મુખર થવા દીધા છે. આખરે તો, સિદ્ધાંત અને પ્રત્યક્ષને સાંકળતો ઐતિહાસિક તંતુ એમાં અનુસ્યૂત રહ્યો છે જે વિવેચકો-વિચારકોના તથા પરંપરાઓના વિશેષોને જોડતોજોડતો છેવટે સાહિત્ય-સ્વરૂપ અને સાહિત્ય-કૃતિની સંયુક્ત પસંદગીના મારા રસને પોષતો રહ્યો છે. ગ્રંથસમીક્ષાઓેમાં પણ, સર્જનાત્મક કૃતિઓ તેમજ વિવેચનગ્રંથો બંનેમાં મને સરખો રસ પડતો રહ્યો છે. વરણાગિયા સ્વૈર આસ્વાદ-આલેખોને કે અહેવાલિયા ઉપરછલ્લા સારસંક્ષેપી પરિચયોને મેં કદી ‘સમીક્ષા’ લેખ્યા નથી. સમીક્ષામાં, સર્જનાત્મક કૃતિને માણવી અને પ્રમાણવી એ એક જ વાત બનવી જોઈએ, અને વિવેચનગ્રંથોનો પણ તાત્ત્વિક પરામર્શની રીતે જ મુકાબલો થવો જોઈએ. વળી, આ બંને પ્રકારનાં લેખનોમાં વિશદતા અને રસપ્રદતા આવશ્યક શરતો બનવી જોઈએ. એ રીતે સમીક્ષા એ, વિવેચન કરનારનો આનંદ પણ છે ને એની કસોટી પણ છે – એવી સમજથી ચાલવાનું મને ગમ્યું છે. વિવેચન કરનાર માટે સૌથી સારી એક વાત એ હોય છે કે એને ઘણે પ્રસંગે સાહિત્યરસિકો અને વિદગ્ધોની સભા સામે વાત કરવાનું પણ આવે છે. એ રીતે થતાં વિવેચન-વક્તવ્યોને હું, સતત સજ્જ ને સ્પષ્ટ રહેવા માટેનો સક્રિય મંચ લેખું છું. વિવેચનલેખનના કોઈપણ તબક્કે એ પ્રતિપોષણ આપનાર બને છે. સર્વગ્રાહી પૂર્વતૈયારી, વક્તવ્યના મરોડોને ઝીલી શકે એવું ને સાંભળનારમાં ઝિલાય એવું લેખન, અને પછી ફેરલેખન – એ ક્રમે ચાલવાનો આનંદ આવ્યો છે. એટલે એવાં નિમિત્તો પૂરાં પાડનાર સંસ્થાઓનો અને પછી એ લેખો પ્રગટ કરનાર સામયિકોનો આ તબક્કે ઋણસ્વીકાર કરું છું. દરેક લેખને છેડે તે તે વક્તવ્યપ્રસંગના નિર્દેશો તથા પ્રથમ પ્રકાશનના નિર્દેશો કર્યા જ છે.

વિદ્યાપ્રવૃત્તિ કરતી વખતે આપણે કેટકેટલાંના આભારી હોઈએ છીએ! ઉપર ઉલ્લેખેલાં સંસ્થાઓ-સામયિકો ઉપરાંત, લેખન-અધ્યયન દરમ્યાન જે જે પૂર્વસૂરિઓ અને સમકાલીન વિદ્વાનોના સંદર્ભગ્રંથોમાંથી પસાર થવાનું બન્યું છે એ સર્વનો પણ હું આભારી છું.

પાર્શ્વ પ્રકાશનના શ્રી બાબુભાઈ સાથેનો સંબંધ છેક ‘વિવેચનસંદર્ભ’ (૧૯૯૪) કાળથી રહ્યો છે. આ પુસ્તક પ્રકાશિત કરવામાંય એમણે એટલો જ રસ લીધો છે. એમનો આભાર.

Signature Raman Soni.png