ગુજરાતનો જય/૨૪. મહાત્મા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૪. મહાત્મા

તાપી-તીરની છાવણીમાં પુરાયેલો નવો ગુપ્તચર વહેલી પરોડે ઊઠી ગયો. શૌચસ્નાન નિમિત્તે એ દૂર અરણ્યમાં ચાલ્યો. ત્યાં એણે એક પુરાતન શિવાલય દીઠું. અંદર કોઈ નહોતું. ત્યાં ઊભીને એણે પહો ફાટતાં માળવાના માર્ગ પર દ્રષ્ટિ લંબાવી. એ માર્ગેથી કોઈના આવવાની એને રાહ હતી. પણ દિવસ પછી દિવસ કોઈના આવ્યા વગર વીતવા લાગ્યા. એ સુવેગ હતો. ગુજરાત ઉપર આવતું યવન-સૈન્ય ગુજરાતના સીમાડાથી હવે કેટલે દૂર રહ્યું છે, તે પ્રશ્ન સુવેગને સિંઘણદેવ રોજ રોજ પૂછતા હતા અને સુવેગ એ સૈન્ય રોજ રોજ નજીક આવી રહ્યું હોવાની વધામણી આપતો હતો. લાટનો સંગ્રામસિંહ પણ સુવેગની ચાતુરીનો સહજ શિકાર બની ગયો હતો. શરૂઆતમાં જ્યારે સંગ્રામસિંહે સિંઘણદેવ પાસે આવીને ચડાઈની ઉતાવળ કરવા માંડી ત્યારે જ એને પાછા જવું પડ્યું હતું. સુવેગે જોઈ લીધું હતું કે દેવગિરિનો સિંઘણદેવ મોં પરથી જેટલો દેખાતો હતો તેટલો બુદ્ધિથી સંસ્કારી નહોતો. વારંવાર એના હાથ એની મૂછના આંકડા પર જતા હતા, અને વારંવાર એ પોતાની ભુજા પર પંજા પછાડતો હતો. એટલે સુવેગને સહેલાઈથી ખાતરી થઈ ગઈ હતી કે દેવગિરિના આ યાદવરાજો પોતાને ઘરઆંગણે ભલે પંડિતોને અને કવિતાકારોને, શાસ્ત્રજ્ઞોને અને સાહિત્યકારોને પોષતા, પોતાના રાજ્યની બહાર તો તેઓ પર પ્રાંતની પ્રજાની લક્ષ્મીના અને સંપત્તિના લૂંટારાઓ તરીકે જ લશ્કરો ચલાવતા હતા. એટલે સિંઘણદેવના ફૂલણજીપણાને પંપાળવાની અને સંગ્રામસિંહ ઉપર સિંઘણદેવનો અસંસ્કારી કોપ ઉશ્કેરવાની જુક્તિ સુવેગ તત્કાળ રમાડવા લાગ્યો. સંગ્રામસિંહની બુદ્ધિહીનતા સાબિત કરવામાં સુવેગને સિંઘણદેવ પાસે ઝાઝી વાર લાગી નહીં. અને મૂર્ખ સિંઘણદેવ પોતાના કરતાં બીજો રાજા વધુ મૂર્ખ સાબિત થયો જોઈને સુવેગ ઉપર વધુ તુષ્ટમાન થયો. આઠેક દિવસે સુવેગે જોયું કે ઝાડીની અંદરનું પેલું ભાંગેલું નિર્જન મંદિર વસ્તીવાળું બન્યું હતું. એક અવધૂત અને ખોખરધજ યોગી એ દેવળમાં દિવસરાત સમાધિઅવસ્થામાં રહેવા લાગ્યા હતા અને આઠેય પ્રહર જલતી ધૂણીનો ધૂંવા એ ઝાડીના લશ્કરી પડાવ તરફ લહેરાતો હતો. યોગીના શિર ઉપર ભૂખરું જટાજૂટ હતું ને એની દાઢી કમ્મર સુધીનું કલેવર ઢાંકતા શ્વેત રૂપેરી વાળે ઝૂલતી હતી. સુવેગે ફક્ત એ ધૂણીના ધુમાડાની શેડ અને એમાંથી ચાલી આવતી મુકરર પ્રકારની સુગંધ પારખી લીધી અને એણે તે શિવાલય તરફ જવાનું સદંતર બંધ કરી દીધું; પરંતુ છાવણીના દખણી સૈનિકો રોજ રોજ આ કોઈક નવા આવેલા અવધૂતની અલગારી વાતો લાવતા થયા અને ઉત્તરોત્તર એ યોગીની પ્રસિદ્ધિ સિંઘણદેવના તંબુમાં પણ બોલાતી થઈ. જોગી જોગટાઓ ઉપરની આસ્થા એ સિંઘણદેવની એક સૌથી મોટી નબળાઈ હતી. અને ચમત્કારી પુરુષોને શોધવાની એને તાપીના તીર પર નવરાશ હતી. દિનપ્રતિદિન મજબૂત બનતી જતી આ યોગી વિશેની અફવાઓએ સિંઘણદેવને એક દિવસ ઉત્સુક કર્યો અને તેણે સુવેગને સાથે લઈ એ જીર્ણ શિવાલય તરફ અશ્વો હાંક્યા. આંખો મીંચીને પાવડી પર દેહ ટેકવી બેઠેલા યોગીને કાને, પાસે બેઠેલા સેવકોએ શબ્દો સંભળાવ્યા: “મહારાજ આવે છે.” એ શબ્દોએ યોગીને ચમકાવ્યા અને એણે આંખો ઉઘાડી. એ આંખોમાં ભયભીતતા ભરી હતી. મહારાજા સિંઘણદેવ અને સુવેગ આવીને નમસ્કાર કરવા લાગ્યા ત્યાં તો એ સાધુનું શરીર વધુ સંકોડાયું. મહારાજે યોગીને પગે હાથ દીધો તો યોગીનું આખું કલેવર ચમકી ઊઠ્યું. સુવેગે પ્રશ્ન પૂછ્યો: “ક્યાંથી પધારો છો, મહારાજ?” યોગીએ કશો જવાબ ન વાળ્યો. એણે ઊલટા વધુ ચોંકીને પોતાનું જટાજૂટ બે હાથે દબાવી રાખ્યું. સુવેગે સિંઘણદેવ તરફ ફરીને દક્ષિણી ભાષામાં કહ્યું કે, “મહારાજ, આપ શ્રદ્ધાળુ છો અને પોતે પવિત્ર છો એટલે બીજાને સૌને પવિત્ર માની લો છો; મને આમાં કાંઈક પાખંડ લાગે છે.” એ શબ્દ બોલતાંની વાર જ ચોપાસ ઊભેલા, યોગીના સેવક બની ગયેલા સૈનિકોએ એકસામટી અરેરાટી કરી અને સિંઘણદેવે પણ મહાત્મા પ્રત્યેના આવા ખુલ્લા અપમાનકારી શબ્દો સાંભળી મોં બગાડ્યું. “મહારાજ મારું નહીં માને!” એમ કહીને સુવેગે ફરી કહ્યું, “મહારાજ, મારા ભોળિયા શંભુ, એટલું તો સમજો કે હું દેવગિરિના ગુપ્તચર સુચરિતજીનો ચેલો છું, હું સંસ્કારવંતા યાદવપતિનો સેવક છું. મારી આંખ કદી ખોટું વાંચતી નથી. હું આ મહાત્માની પ્રત્યેક ચેષ્ટામાં કંઈક ભેદ ભાળું છું.” “શો ભેદ?” "જુઓ આ,” એમ કહીને સુવેગે એ મહાત્માની જટા પર પંજો નાખ્યો. નાખતાં જ જટાધારી ઊઠીને નાઠો. એ નાસવાની છટામાં મહાત્માપણું નહોતું પણ તસ્કરપણું હતું એ સૌ કોઈ જોઈ શક્યા. “સૈનિકો, પકડો એ જોગટાને –” એવી બૂમ મારતો પણ કોઈને દોડતા ન જોતો સુવેગ પોતે જ એ સાધુની પાછળ ગડગડતી દોટ કાઢીને પહોંચી ગયો અને એની જટા ખેંચી કાઢી. "હં.. હં.. હં..” એમ બોલતા સૈનિકો અને સિંઘણદેવ દોડીને જ્યાં પાસે જાય ત્યાં તો એ જટા નામનો બનાવટી કેશનો જથ્થો સુવેગના હાથમાં આવી પડ્યો હતો અને એની અંદર એક નાનકડી બરુની નળી ભરાવેલી હતી. સિંઘણદેવનું વિસ્મય શમે તે પહેલાં સુવેગે એ જોગટાની દાઢી પર હાથ નાખ્યો. દાઢી પણ સરળતાથી આખી ને આખી ખેંચાઈ આવી. "હવે કહું છું કે પકડો આને –” એવી સુવેગની ત્રાડ સાંભળીને સૈનિકોએ એ ઉઘાડા પડી ગયેલા ચહેરામોરાવાળા બુઢ્ઢાને બદલે જુવાન વેશધારીને ઝાલી લીધો. સુવેગે જટા ઉખેળી, ખંખેરી તો તેમાંથી એક મુદ્રા અને બીજી ચીજો નીકળી પડી અને તે સર્વ ઉપર જે નિશાનીઓ હતી તે સુવેગે સિંઘણદેવને સ્મિતભેર પોતાના ખોબામાં ધરીને બતાવી કહ્યું: “લો, જોઈ લો, મહારાજ! આ યોગી મહાત્માની ત્રિકાળ સિદ્ધિઓ!” સિંઘણદેવ ચીજો જોવા લાગ્યા અને પૂછ્યું: “આ કોની મુદ્રાઓ છે?” "માલવરાજ દેવપાલની.” સુવેગે પોતાનો વિજય પરખીને સિંઘણદેવને અપમાન ન લાગે તેવી અદબથી કાનમાં કહ્યું. આટલી વાત કરે છે ત્યાં તો એ ખુલ્લા પડી ગયેલા વેશધારીએ એકદમ સુવેગના હાથમાં પકડાયેલી પેલી બરુની નળી પર ધસારો કર્યો એટલે તો વહેમ વધુ મજબૂત બન્યો. અને ભ્રાંતિમુક્ત બનેલા સૈનિકોએ પણ આ થોડા વખત પહેલાના બુઢ્ઢા મહાત્માનું યૌવનબળ પારખી લઈ તેને બરાબર ભીંસમાં લીધો. “સબૂરી રાખો મહાત્માજી, સબૂરી રાખો.” એમ કહેતો સુવેગ જેમ જેમ એ બરુની નળી ખોલવા લાગ્યો તેમ તેમ તો પેલા વેશધારીની આંખો, અવાજ અને હાથપગની ચેષ્ટા ભય અને અધીરાઈની અવધિ દેખાડવા લાગ્યાં; સિંઘણદેવનું અને સૈનિકોનું કૌતુક પણ તેટલા જ ઉછાળા મારવા લાગ્યું. આ બેઉની વચ્ચે ઊભેલો સુવેગ એ સર્વની અધીરાઈની જાણે હાંસી કરતો હોય અને પોતે આવડત, સામર્થ્ય તેમ જ સબૂરી ઉપરાંત દેવગિરિના રાજવી પ્રત્યેની નિમકહલાલીનો અખૂટ ભંડાર હોય તેવો દેખાવ કરતો બરુની નળી ખોલવા લાગ્યો. એ ખોલવામાં એણે બીજાઓને ચીડ ચડે તેટલી બધી મંદતા ધારણ કરી હતી. ખોલતો ખોલતો એ સિંઘણદેવને કહેતો હતોઃ “આપ જરા આઘા ઊભા રહો, મહારાજ! કોને ખબર છે આમાં જીવલેણ ઝેરી સાપ હોય કે શું હોય? માલવરાજનું તો ભલું પૂછવું. આપ આઘા રહો, આપ કૃપા કરીને દૂર રહો, મારી ચિંતા કરો મા. આપ લાખોના પાલણહાર છો. મારા જેવા તો આપને ઘણા મળશે.” સુવેગનો એ દરેક શબ્દ તેમ જ એની બરુ ઉઘાડવાની આ ક્રિયા ભોળા સિંઘણદેવ ઉપર ધારેલી અસર પાડી રહી હતી. આખરે બરુની નળીમાંથી એક નાનો પત્ર નીકળ્યો અને તેને દેખી પેલા જોગીવેશધારીએ એ પત્રનો નાશ કરવા માટે છેલ્લું જોર ખલાસ કરી નાખ્યું. "સબૂરી રાખો મહાત્મા, સબૂરી રાખો!” એમ કહીને સુવેગે એની સામે ફરી મોં મલકાવ્યું અને સૈનિકો તરફ ફરીને એ બોલ્યો: “તમે સૌ મહારાજને સાચું કહેતા હતા, કે આ મહાત્માને શંભુએ પોતે જ મોકલ્યા હોય તેવી તેની વિભૂતિ છે. આ પત્ર વાંચીને મને ખાતરી થાય છે કે, શંભુ વિના આ મહાત્માનો આપણી સાથે કોઈ ભેટો ન કરાવત. હવે આ શંભુના દૂતને છાવણીમાં લઈ જાઓ અને પૂરી સંભાળથી એને સાચવી રાખો. જાઓ, મહારાજ સાથે મારે થોડુંક કામ છે.” ટાઢાબોળ પડી ગયેલા એ વેશધારીને બંદીવાન કરીને છાવણીમાં મોકલ્યા. પછી સુવેગે સિંઘણદેવને કાગળ વંચાવ્યો. કાગળમાં લખ્યું હતું:

લાટપતિ સંગ્રામસિંહજી,અવન્તીથી લિ. માલવરાજ મહારાજ દેવપાલદેવના ઝાઝા જુવાર વાંચશો અને સાચા મિત્ર તરીકે આપને ભેટ મોકલેલ અમારો આ પ્રિયમાં પ્રિય ધોળો ઘોડો સ્વીકારી લેશો. સિંઘણદેવની હિલચાલની શતરંજ કેવી રીતે ગોઠવવી તે તમને આ અશ્વ લાવનાર અમારો ગુપ્તચર બરાબર કહેશે. બની શકે તેટલી ત્વરાથી સિંઘણદેવના સૈન્યનો લાટમાં પ્રવેશ કરાવી લેશો અને પછીની કશી ચિંતા ન કરશો. પછીની બધી સંભાળ લેવા માલવ-સૈન્ય તમારી પાડોશમાં જ તૈયાર ઊભું છે. ચોસઠ જોગણીઓ તમને આ કાર્યમાં વહેલો યશ અપાવે અને ગુર્જર દેશનો સમગ્ર સાગર તીર તમને પોતાના સ્વતંત્ર રાજવી તરીકે સ્વીકારે એવો અમારો સંકલ્પ છે. અને એ સંકલ્પની સિદ્ધિને ઝાઝી વાર નથી.	કાગળનું વાચન સાંભળી સિંઘણદેવના મોં પર મોતિયાં વળી ગયાં. 

એણે કહ્યું: “પકડો એ દગલબાજ સંગ્રામને.” “ના, મહારાજ.” સુવેગે ઠંડીગાર વાણીમાં વિના ઉશ્કેરાટે કહ્યું, “હજુ હમણાં આપણે સાપ બાંડો નથી કરવો. હજુ એનો દોષ પૂરેપૂરો પુરવાર પણ નથી થયો. હજુ આપણે આ કાગળમાં બતાવેલા ધોળા ઘોડાનો પત્તો મેળવવો છે. દરમ્યાન બે કામ કરવાનાં છે. એક તો સંગ્રામસિંહને વધારે ને વધારે વિશ્વાસમાં લેવાનું અને બીજું આ હાથ આવેલા મહાત્માને અભયદાન આપીને વધુ બાતમીઓ મેળવવાનું.” "પણ આટલી બાતમી શું બસ નથી? દેવગિરિના યાદવોની સબૂરીને આથી વધુ હદ હોતી નથી, દૂત!” "એટલે જ મહારાજ, આપણું દેવગિરિ ઘરઆંગણે ચાહે તેટલું વિદ્યાને માન દેતું છતાં બહારનાં રાજ્યોમાં ફક્ત લૂંટારાનું જ પદ પામ્યું છે. શસ્ત્રમાં જે સર્વોપરિતા આપણે ભોગવીએ છીએ તે સંસ્કારની સર્વોપરિતા વિના નિંદાય છે. ગુર્જર દેશ અને માલવ દેશ સંસ્કારે ઊંચા ગણાય છે, કેમ કે તેની સબૂરીને સીમા નથી.” સાંભળીને સિંઘણદેવની મુખરેખાઓ સુકુમાર બની. સંસ્કારિતા શબ્દ એ લૂંટારાને માટે પણ લોભામણો બન્યો. “હવે તો મહારાજ –” સુવેગે વખતસર જડ મજબૂત કરી, “આપણા સુચરિતજીની અક્કલ ઉપર આપને વિશ્વાસ બેઠોને! એમણે મને વખતસર આપણા સૈન્યનું પ્રયાણ અટકાવવા ન મોકલ્યો હોત તો આજે માળવા અને લાટ આપણી સેનાના બૂકડા ભરી ગયા હોત. હું તો રોજેરોજ એમના સૌરાષ્ટ્રથી મળતા સંદેશા ઉપર જ મારી બુદ્ધિની દોરવણી કરું છું. આપ જ કહો કે એ સંદેશાઓ કેટલા ગુપ્ત રહેવા જોઈએ. આપણો સાંધિવિગ્રહિક મારા સંદેશવહેવારની વચ્ચે પડવાની જે હઠ કરે છે તેનો હું આટલા માટે જ વિરોધ કરતો આવ્યો છું.” “હવે તું અને તારા સંદેશાઓની વચ્ચે એ તો શું પણ હુંયે ન આવું, પછી છે કાંઈ?” સિંઘણદેવે સુવેગનો ખભો થાબડતે થાબડતે આટલો નિઃસીમ અધિકાર આપી દીધો. છાવણીમાં બેઉ જણા પાછા વળ્યા અને સુવેગ પેલા કેદી મહાત્માની મુલાકાતે બંદીશાળામાં ચાલ્યો. બંદીગૃહમાં પ્રવેશીને એણે એકલાએ જ બંદીવાનની મુલાકાત કરી. "આપને ક્યાંક મારી પાડશે, બહુ ઉશ્કેરાયેલો છે.” એવી કાળજી કરનારા સૈન્ય-નાયકોને એણે હળવા એક સ્મિતથી જ ચૂપ કરી દીધા. એ કેદી તેમ જ આ જાસૂસ બેઉની મુલાકાતનું મંગલાચરણ કોઈ ન કલ્પી શકે તેવું થયું. પહેલાં તો બેઉ સામસામા પેટ ભરીને હસ્યા.