ગુજરાતનો જય/૨. મા ને પરિવાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨. મા ને પરિવાર

વચ્ચે વીરમગામમાં રાતનું કામ પતાવીને લવણપ્રસાદ નામનો આ ધોળકાનો રાણો, પાટણનો એક મંડળેશ્વર, આગળ વધ્યો. બગબગું થયું ત્યારે મંડલિકપુરની સીમ સુધીનો પલ્લો સાંઢણીએ ખેંચી કાઢ્યો હતો. આજે માંડલ નામે ઓળખાય છે તે મંડલિકપુર ગામના તળાવતીરે એક નાનકડું ટોળું ઊભું હતું. ત્રણ છોકરા અને ત્રણેક છોકરીઓ. ચાળીસેક વર્ષની ઉંમરની એક બાઈ ઊભી હતી. એક ટારડું ઘોડું હતું. ઘોડાને ઝાલીને એક ઠાકરડો ઊભો હતો. બાઈના શરીર પર રાતો એક સાડલો અને રાતું છેક કાંડા લગી કાપડું હતું. હાથમાં ચૂડા નહોતા. પહેરવેશ અને દેખાવ વિધવાનો, છતાં કાયા માંસલ અને ઝગારા કરતી હતી: ગૌરવરણી એ વિધવાની આંખોમાં ધાર્મિક શાંતિ અને મોં ઉપર પૂરેપૂરી પચાવેલી વેદનાભરી સ્વસ્થતા છવાઈ રહી હતી. ચારથી આઠ વર્ષની બે છોકરીઓ એના સાળુની સોડમાં લપેટાઈને ઊભી હતી. બીજી એક કન્યા ઉદાસ મોંએ ઊભી હતી. ત્રણેય છોકરાનાં શરીર પર તેઓ લાંબા પંથના પ્રવાસે જતા હોય તેવા ઢંગ હતા. માતાએ છયે છોકરાંને કહ્યું: “નવકાર મંત્ર ગણી લીધા, બચ્ચાંઓ?” “હા, મા.” "લો ત્યારે હાથ જોડો, તમને શાંતિપાઠ સંભળાવું, પછી વિદાય થાઓ.” છયે ભાંડરડાં હાથ જોડીને ઊભાં ઊભાં માના મુખમાંથી ધર્મનું મંગળસ્તોત્ર સાંભળી રહ્યાં. “જાઓ, બચ્ચા! શાસનદેવ તમને સુવિદ્યા આપે. કુમારદેવ ગુરુના કહ્યામાં રહેજો અને સોમેશ્વરને પાછા રજામાં આંહીં તેડી લાવજો.” ઓવારણાં લેતી માની આંખે જળ દેખાયાં, ને તેણે ચૌદ ને સોળ વર્ષના બે પુત્રોને ભલામણ કરી, “વસ્તિગ, તેજિગ, તમે બેઉ ભાઈઓ લુણિગને સાચવજો. એ નબળો છે. ઘોડા ઉપર એને બેસવા દેજો. તમે બેઉ તો જોધાર જેવા છો. પાળા હીંડ્યા જજો.” “મા, પણ લુણિગને કહી દેજે,” ચૌદ વર્ષના તેજિગે તીણે ઊંચે સ્વરે કહેવા માંડ્યું, “એ અખાડે આવે નહીં ને આખો દિવસ દેવળોના ભાંગેલા પથરાની નક્શી જ જોયા કરે, પછી તો નબળો જ રહે ને!” એમ બોલીને એણે એ ટારડા ઘોડા પાસે ઊભેલા અઢાર વર્ષના દૂબળા ભાઈ સામે હાથ ચીંધાડ્યો. “એ ધૂન તો એણે આબુરાજ ઉપર વિમલાનાં દેરાં દીઠાં ત્યારથી જ એને વળગી છે, શું કરીએ, ભાઈ? એને...” ભાઈઓની ફરિયાદ અને માતાની છૂપી ચિંતા વચ્ચે જરા રમૂજ પામતો દૂબળો મોટેરો ભાઈ લુણિગ ઘોડે બેઠો, ને પછી માને ભલામણ કરવા લાગ્યો: “તુંય બા, અમને સંભારતી જીવ બાળીશ નહીં. અમે તો કાલ સવારે મોટા થઈ જશું.” વસ્તિગે ને તેજિગે પછી પોતાની બહેનોને એક પછી એક મળી લીધું. “વયજૂ! ઘંટી રોજ દળજે, હો.” વસ્તિગે ભલામણ કરી. "ધનદેવી! તું વહેલી પરોઢે છાણ મેળવવા જા ત્યારે સાથે એક સોટો રાખજે. કોઈ કાંઈ છેડતી કરવા આવે તો પૂછ્યા-કર્યા વગર સબોડી જ દેજે,” તેજિગ બોલ્યો, ને કહેજે એ દુષ્ટોને, કે વસ્તિગ પાછો આવશે ત્યારે લાઠી-દાવ શીખીને જ આવશે, એટલે તમને સૌને એકલે હાથે પૂરો પડશે.” “અને ઓ અલી સોહગા,” તેજિગે નાની બહેનને કહ્યું, “ઘી ને માખણના કજિયા કરતી ના, હો! અમે મોટા થશું ત્યારે ઘેર ત્રણ ગાયો બાંધશું. પછી ખાજે ખૂબ. ઘોડા પરથી દૂબળો પાતળો, દેવની મૂર્તિ સરીખો મોટેરો લુણિગ ફેફસાં પર હાથ દાબીને બોલ્યો: “વયજૂ, પેલો મારો આરસનો ટુકડો સાચવી રાખજે હો!” "હા,” માએ હસીને ટકોર કરી, “તારે તો એનું બિંબ કોરાવી આબુ ઉપર મુકાવવું છે, ખરું ને!” “અરે બા!” વસ્તિગ બોલી ઊઠ્યો, “આપણે આપણા જ જુદા જિનપ્રાસાદો નહીં ચણાવીએ આબુ પર?” "બહુ હોંશીલા થયા કે! ગજા વગરની આકાંક્ષાઓ કરાય નહીં, ભા! જાઓ હવે, સૂર્યોદય થયો. જો સામે કુમારિકા બેડું ભરીને ચાલી આવે. શુકન વધાવીને ચાલી નીકળો, ભાઈ. ને ભાઈ ઘોડાવાળા!” માતાએ ભલામણ કરી, “જોજે હો, મારા લુણિગને સાચવીને લઈ જજે. એ છોકરો માંદો છે પણ પાટણ, પાટણ ને પાટણનું જ રટણ લઈ બેઠો છે. કોઈ રીતે રોકાય તો ને? કોણ રોકી શકે? રોકનાર હતા તે તો ચાલ્યા ગયા.” એમ કહીને મા મોં ફેરવી ગઈ. ઘોડું આગળ ચાલ્યું, બે છોકરા પાછળ ચાલ્યા, વારંવાર પાછા જોતા આંખમાં વિદાયનાં અશ્રુ લૂછતા ગયા, ને ન સહાતી વિચ્છેદવેદનાને દબાવી લેવા મથતો વસ્તિગ દૂર દૂરથી પોતાની મોટી બહેન માઉને ઉદ્દેશીને 'મ્યા... ઉં.... ઉં... ઉં...' એવા સ્વરે હસાવતો રહ્યો. અગિયાર સંતાનોની વૈધવ્યવતી માતાએ પુત્રોની પીઠ ઉપર હેતના હાથ પંપાળતી દ્રષ્ટિ ક્યાંય સુધી લંબાવ્યા કરી; એકાએક એને યાદ આવતાં એણે મોટી પુત્રીને પૂછ્યું: “વયજૂ! તેં તેજિગભાઈનું ઉત્તરીય કુડતું સાંધી આપેલું કે નહીં?” "એ તો ભૂલી ગઈ, મા!” “છોકરો ટાઢે ઠરશે.” "એને તે ટાઢ વાતી હશે કદી, બા” માઉએ કહ્યું, "પરોઢે ઊઠીને તો તળાવે જઈ નહાઈ આવ્યો હતો. એ તો કહે છે ને કે મારે તો જબરા જોધારમલ થવું છે.” "બહુ લવલવિયો છે તેજિગ!” માનો ઠપકો હેતમાં ઝબોળેલો હતો. “વયજૂ જેવો જ.” સોહગાએ ધનદેવી સામે નજર કરી. "રંગ પણ બેઉના કાળા કાળા કીટોડા” "ને તને તો, વયજૂ, ભાઈ રજપૂતાણી બનાવવાનો છે ને!” વિદાયનો પ્રભાતપહોર એવા વિનોદનો પલટો ધરી રહ્યો હતો તે વખતે લવણપ્રસાદની સાંઢણી ત્યાં થઈને નીકળી. દાઢીવાળા પ્રૌઢ વયના રાજપૂતને નિહાળી વિધવા વાણિયણ નીચે જોઈ ગયાં. લવણપ્રસાદે જરાક સાંઢણી થોભાવરાવીને બાઈને જોયાં. જૂની કોઈ યાદનું કુતૂહલ ઉદ્ભવતાં એણે પ્રશ્ન કર્યો, “કેવાં, પોરવાડ છો, બાઈ?” "હા ભાઈ, તમારે ક્યે ગામ જવું?” "પાટણ; પેલા છોકરા તમારા છે?” “હા.” “ક્યાં જાય છે?” "પાટણ... રસ્તે કશો ભો તો નથી ને, ભાઈ?” "પાસે કશું જોખમ છે?” “ના, ના, બબ્બે જોડ જૂનાં કપડાં જ છે.” "ત્યારે શાનો? તમને ક્યાંઈક જોયાં હોય તેવું લાગે છે.” કુંઅરબાઈએ પણ લવણપ્રસાદને નિહાળીને જોયા. પણ એકાએક એ પાસું ફેરવી ગઈ. એણે પોતાના પાડસૂદીના પિંડા જેવા દેખાતા પેટના સુંદર ગૌરવરણા ફાંદા પર સાળુ ઢાંક્યો, પાછલો પાલવ જરા નીચે કરી પાની પણ એણે ઢાંકી વાળી. "છોકરીઓ! તમારા બાપનું નામ?” લવણપ્રસાદે બાળકોને પૂછ્યું. “આસરાજ.” “આસરાજ! પાટણના આસરાજ ને? માલાસણના આભૂ શેઠ તમારા માતામહ – માના બાપ – થાય ને?” “હા.” લવણપ્રસાદને અજાયબી થઈ. આ પોરવાડ વણિકના પરિવારના દેહ પર એણે ગરીબીની ચાડી ખાતાં થીગડાં દીઠાં. પણ એકેયના મોં પર ગરીબી નહોતી. પેઢાનપેઢીની ભદ્રિક ખાનદાનીના દર્પણ સમા એ ચહેરા ચમકતા હતા. "આસરાજ શેઠ...” પૂછતાં પૂછતાં બાઈનાં વિધવાવેશે એને થંભાવી દીધો. “અમારા બાપુ બે વર્ષ પર જ દેવ થયા,” વયજૂએ જવાબ દીધો. "છોકરાઓને કેમ પાટણ મોકલો છો? મોસાળમાં?” “ના, કટુકેશ્વરની પાઠશાળામાં ભણવા.” દરમિયાનમાં બાળકોની માતાએ અસવારને પૂરેપૂરો ઓળખ્યો હતો. ઓળખાણ પડતાંની વાર જ એણે ધીમે ધીમે હાથણી-ચાલે ત્યાંથી ગામ તરફ સરકવા માંડ્યું, એ થીગડાવાળું ઓઢણું પીઠ પરથી પાની સુધી ઢાંકી લેવા મહેનત કરતી કરતી ચાલી ગઈ. શણગારેલી સાંઢણી અને તેનો બેડોળ મોંવાળો ક્ષત્રિય અસવાર, માંડલિકપુરને પાદર ગામલોકોના અજબ આકર્ષણનાં પાત્રો બન્યાં હતાં. ભેગાં થયેલાં લોકોમાંથી એકબે જણાં એ વિધવા બાઈના ચાલ્યા જવા પછી લવણપ્રસાદને કહેવા લાગ્યા: “અમારા ગામમાં ડાહ્યું માણસ છે કુંઅર શેઠાણી; પૂછવા ઠેકાણું છે; પેટ અવતાર લેવા જોગ જોગમાયા છે.” "આટલાં બધાં ઘાસી ગયાં શી રીતે?” "આસરાજનો વહેવાર મોળો પડ્યો હતો. પોરવાડની વાતમાં કહેવાપણું થયું હતું ખરું ને?” “કેમ?” “રંડવાળને પરણ્યા હતા ખરા ને?” "હા, હા, યાદ આવ્યું,” એમ કહીને લવણપ્રસાદ અઢારેક વર્ષ પૂર્વેનાં જૂનાં સ્મરણ-પાનાં ઉથલાવી રહ્યો, પણ વધુ કાંઈ બોલ્યો નહીં. “અને પછી તો,” એક બીજાએ કહ્યું, “ખંભાતવાળા આરબ વહાણવટી સદીક શેઠે કાંઈ દગો કરીને આસરાજ શેઠનાં વહાણ લૂંટાવ્યાં.” “સદીકે ને? હા, સદીક શેઠ ન કરે એટલું થોડું.” લવણપ્રસાદે સ્તંભતીર્થ બંદર તરફ દક્ષિણાદી દિશાએ ગરુડના જેવી નજર ચોડી. પોતે કોણ છે તેનો ફોડ પાડ્યા વગર લવણપ્રસાદ ત્યાંથી નીકળી ગયો. “એલા છોકરાઓ!” લવણપ્રસાદે પોતાની સાંઢણીની આગળ જતા ત્રણ છોકરાના કાફલાને આંબીને તરત જ ફાંગી આંખ કરીને કહ્યું: “પાટણ ભણવા જાઓ છો ને? તે ત્યાં શું જૈન ધરમની સજ્જાયું ને સ્તવનો આરડવાના છો કે બીજું કાંઈ?” "ના જી,” વસ્તિગ બોલ્યો, “કાવ્યશાસ્ત્ર ભણશું અને સાહિત્ય ભણશું.” "ને આ મારા મોટાભાઈ,” તેજિગે લુણિગ તરફ આંગળી બતાવીને કહ્યું, “શિલ્પનું ભણશે.” “હાં – રંગ! એવું પોચું પોચું ને સુંવાળું જ ભણતર ભણવું હો, મારો બાપ્પો કરું! નાહકના ક્યાંક મગદળ-બગદળ ફેરવતા નહીં. પટ-લાકડી હાથમાં ઉપાડવાં નહીં. શ્રાવકના ઘરમાં તો એ બધી હિંસા કહેવાય ના! એના કરતાં આ સારું: કઈ બાયડીને હાથણી કહેવાય ને કઈને પદમણી...” છોકરાઓ જવાબ તો ન આપી શક્યા, પણ બોલનારનાં નેત્રોમાંથી ચમકતી તેજ-કટારો દેખીને કૌતુક પામી સાંઢણીની સાથોસાથ દોડવા લાગ્યા. કદરૂપ દેખાતો લવણપ્રસાદ વધુ કુટિલ મોં કરીને બોલતો ગયોઃ “બાયડીને મૃગાક્ષી કહેવાય કે મીનાક્ષી પણ કહેવાય એના વાદ કરતાં બરાબર શીખવું, હો કે! પછી મૃગાક્ષીઓ અને મીનાક્ષીઓ મૃગલાં ને માછલાંની માફક ઝલાતી, ફસાતી, લૂંટાતી ને તરફડતી મરતી હોય તેને કેમ રક્ષવી, તેનું કાંઈ ભણતર તો આપણા ધરમમાં નથી એ જ રૂડી વાત છે. નાહકની હિંસા થઈ બેસેને! બાકી સાચું ભણતર તો અપાસરામાં ગોરજીની સામે ઊઠબેસ કેટલી કરવી અને પારસનાથની પ્રતિમાને કેસરના કેટલા ચાંદલા ચોડવા એ જ છે, હો કે છોકરાઓ” “અમે દેરા-અપાસરામાં જતિઓ પાસે નથી ભણવાના, અમે તો ગુરુ કુમારદેવના આશ્રમમાં ભણશું.” “ક્યાં?” “સહસ્ત્રલિંગને તીરે કટુકેશ્વરમાં.” ત્યાં કુસ્તીના દાવપેચ, કટારના દાવપેચ, પટા-લાકડી અને ભાલાની વિદ્યા ભણાવે છે?” લવણપ્રાદે પૂછ્યું. "ખબર નથી. હોય તો ભણીએ.” વસ્તિગે કહ્યું. “તો તો હું પોથાં-થોથાંય દૂર કરું.” તેજિગ વધુ ઉત્સુક બન્યો. “ના” લવણપ્રસાદે કહ્યું, “પટાબાજી ને શમશેરવિદ્યા તમને અમારા જેવા વાયલ બનાવશે. એમાંથી હવેલીઓની ડેલીએ દીવા નહીં પેટાવાય.” અહીં લવણપ્રસાદ લખપતિ શ્રેષ્ઠીઓના ઘેર પ્રત્યેક લાખે અક્કેક દીવો બાળવાની રસમને નિર્દેશતો હતો: “બાકી હા, વ્યાકરણમાં પાવરધા બનશો તો તમને પરમારોની અવંતિમાં રાજકૃપા મળશે.” “નથી જોઈતી.” વસ્તિગ સહેજ ચિડાયો. “કાં?” લવણપ્રસાદની આંખ ફાંગી થઈ: “ત્યાં પાટણનાં રાજા-પ્રજાને ગધેડાં બનાવતાં નાટકો રચી દેશો તો પુરસ્કારના ઢગલા મળશે.” “એવું અમને ના કહો.” વસ્તિગ તપ્યો. “અને દેવગિરિનો દખણો જાદવ સિંઘણ તો તમને રાજકવિનો મોડ બંધાવશે – જો ગુજરાતને તમે સંસ્કૃત છંદોમાં ગાળો દઈ જાણશો તો.” “અમારે નથી સાંભળવી એ વાતો.” છોકરા સાંઢણીની સાથે ચાલતા બંધ થયા. "જેહુલ, જરા ધીરી પાડજે સાંઢ્યને.” એમ કરીને લવણપ્રસાદે પાછા ફરી ઊંચે અવાજે છોકરાઓને સંભળાવ્યું: “તમે તો શ્રાવક છો ને! હાંઉં ત્યારે, મોટા થઈને જતિઓને સાધી ગુજરાતનો જે રાજા હોય તેને શ્રાવકડો બનાવી વાળજો ને! એટલે પછી લે'રમલે’રાં.” આ છેલ્લાં કુવચનોએ ત્રણેય છોકરાઓને પગથી માથા સુધી સળગાવી નાખ્યા. વસ્તિગના મોં પર રતાશની શેડ્યો ઉછાળતું રુધિર ધસી આવ્યું, તેજિગે તો ભોંય પરથી પથ્થર ઉપાડ્યો અને દૂબળો લુણિગ ઘોડા ઉપર પથ્થરવત્ બની ગયો. વસ્તિગે તેજિગનો પથ્થરવાળો હાથ ખચકાવીને ઝાલી લીધો. તેજિગે વસ્તિગના મોં પર નજર કરી. વસ્તિગની આંખોમાંથી ડળક ડળક આંસુનાં મોટાં ફોરાં દડતાં દડતાં ગાલ પર થઈને નીચે પડતાં હતાં.