ગુજરાતનો જય/૩૩. નેપથ્યમાં
નેમિનાથનું ચૈત્ય આબુ પર અધૂરા ચણતરે ઊભું હતું. અનુપમાના મોં પર ઉદ્વેગ હતો. શોભનદેવની સ્વપ્નભરી આંખો, પોતે જે પાષાણ ઘડી રહ્યો હતો તે પર ઢળેલી હતી. શિલ્પીઓનાં ટાંકણાં થાકેલાં હોય તેવાં ટચૂક ટચૂક બોલતાં હતાં. આરસના સ્તંભો ઉઠાવતા મજૂરો ઠંડીમાં થરથર ધ્રુજતા હતા. "ક્યારે ચૈત્ય પૂરું થશે? શું થશે, શોભનદેવ!” અનુપમા ઉચાટ કરતી હતીઃ “લક્ષ્મીનાં નીર વહી જાય છે. હથેળીમાંથી આયુષ્ય સરી રહ્યું છે. મંદિર ક્યારે પૂરું બંધાઈ રહેશે?” "દેવી!” શોભનદેવ સહેજ હસીને જવાબ દેતો હતો, “દિવસ ને રાત કામ ખેંચાવું છું, પણ મજૂરોનાં આંગળાં ટાઢે થીજી ગયાં હોય છે, ખાવાનું પકવવામાં સમય જાય છે, રાતનું કામ પણ ચાલુ છે, રાતે તો અરધી ઊંઘમાં કારીગરો કામ ખેંચે છે.” "આયુષ્યના શ્વાસ ખૂટતા આવે છે, દેવ! ને લક્ષ્મી ચંચળ પગલે ચાલતી થશે ત્યારે શું થશે? મજૂરોની રાતપાળી દિવસપાળી જુદી બોલાવો, ટાઢમાં પ્રત્યેકની પાસે સગડીઓ મુકાવો, રસોઈ કરનારા જુદા રખાવો, બાળકોનાં પારણાં આંહીં બંધાવો, તેમનાં દૂધની તજવીજ કરો. આયુષ્ય જાય છે ને લક્ષ્મી સરે છે.” વળતા દિવસથી શોભનદેવે નવી વ્યવસ્થા કરી અને ચૈત્ય ભૂમિમાંથી આળસ મરડી ઊભું થતું ભાસ્યું. દિલ્લીથી આવેલા વસ્તુપાલને અનુપમા દેલવાડે લઈ આવી. અનુપમા અને વસ્તુપાલ વચ્ચે જાણે હોડ રમાવા લાગી હતી. એક પ્રભુમંદિર કરાવતી હતી ને બીજો પ્રજામંદિરનાં ચોસલાં ચડાવતો હતો. બેઉને જાણે કે સરખી જ ઉતાવળ હતી. આયુષ્યના ઓટ પાણીને વેગે પાછા વળી જતા હતા ને લક્ષ્મીની, સત્તાની સરિતાઓ આજે બે કાંઠે હોવા છતાં ક્યારે પૃથ્વીમાં અલોપ થાય તે કહેવાય તેમ નહોતું. ભાતું ખૂટતું હતું, યાત્રાનો લાંબો પંથ કાપવાનો હતો. શ્રમજીવીઓ માટે નવી થયેલી વ્યવસ્થા નિહાળી વસ્તુપાલ રાજી થયા. પછી એણે શોભનદેવને કામ કરતો જોયો. પ્રાસાદની છતમાં ચોડવાનાં મોટાં કમળનાં ડાલાંની પ્રથમ કલ્પનાની રેખાઓ એ ખેંચી રહ્યો હતો. વસ્તુપાલે અનુપમાને કહ્યું: “બીજાં બધાંની અગવડ-સગવડોનો વિચાર તો કર્યો છે તેં, ફક્ત એક આને જ ભૂલી ગઈ છે!” અનુપમાને ગાલે ગલ પડ્યા. વસ્તુપાલે પૂછ્યું: “પેલી સોમેશ્વરદેવની રેવતીનું ને આનું કંઈક ચાલતું હતું ને?” "હા, પણ શોભનદેવ માનતા નથી. એ કહે છે કે પરણું તો કોને સાચવું? કલાને કે પત્નીને? અને એ તો કહે છે કે આંહીં એનું મન ભર્યું ભર્યું છે, કશી જ ઝંખના કે એકલતા નથી.” વસ્તુપાલે વધુ વાત ન છેડી. એ સમજી શક્યો હતો કે અનુપમા પ્રત્યેના પૂર્વજન્મના કોઈ નિગૂઢ અનુરાગે રસાઈ ગયેલું આ શિલ્પીનું હૃદય આત્મતૃપ્ત હતું. બેઉ જણાં શોભનદેવની આરસસૃષ્ટિ વચ્ચે ફરતાં હતાં તે વખતે બીજા બેત્રણ જાત્રાળુઓ પોતપોતાનાં, અક્કેક બૈરી અને બબ્બે છોકરાંનાં બનેલાં નાનકડાં કુટુંબોને સાથે લઈને દેલવાડામાં ફરતા હતા. બૈરીઓ તેમને પૂછતી હતી અને તેઓ બૈરીઓને સમજાવતા હતા. મંદિરોના પ્રતિહારો આ ત્રણ યાત્રી-કુટુંબોની નાનકડી નાદાનીઓ પ્રત્યે હસતા હતા. એકનું છોકરું વિમલ-વસહીમાં હાથી-હાથણીઓની મોટી પ્રતિમાઓ દેખી કજિયો કરે છે: “ઓ બાપા, મને આ હાથી પર બેસારો.” "ન બેસાય. એ કરતાં તો આમ જો, બાપો જ હાથી બની જાય.” એમ કરતો એનો જુવાન બાપ છોકરાને ખંધોલે લઈ લે છે. "પણ હેં!” બીજાની સ્ત્રી વરને પૂછે છે, “આ હાથીમાંથી એક વેચાતો ન મળે?” “મળે, પણ ખવરાવશું ક્યાંથી? તારાં ઘરેણાં વેચવાં પડશે.” "જાવ રે હવે! પથરાનો હાથી તે કંઈ ખાતો હશે.” “ત્યારે તને ખબર નથી. જીવતો હાથી ઘાસ ખાય, પથરાનો હાથી તો સોનારૂપાં ખાય ને સોનાનો હાથી માણસને ખાય!” ત્રણેય જણા છોકરાંનાં નાકે આવેલી લીંટો લૂછતા હતા, વસ્ત્રો બગડતાં હતાં તે જખ મારીને સહી લેતા હતા. એક બૈરી આરસના ટુકડા પર ફરસું ફરસું લાગે તેથી હાથ ફેરવતી હતી, અને બીજી બૈરી ધણીને પૂછતી હતી: “એકાદ કટકો ચટણી વાટવા લઈ જશું, હેં?” પુરુષ પૂછતો કે “કેમ કરીને?” તો આંખ ફાંગી કરીને સ્ત્રી જવાબ દેતી, “મારાં વસ્ત્રોમાં છુપાવીને!” "હંબ! લઈ લેને એક!” ચોરીને લીધેલો આરસ ચોકિયાતની નજરે ચડ્યો. ધમાચકડ જામી. ચોકિયાત જાત્રાળુ કુટુંબોને અનુપમા પાસે લઈ આવ્યો. અનુપમા ત્રણેય પુરુષોને ટીકી ટીકીને નિહાળી રહી. “તમને મેં ક્યાંઈક દીઠા છે, ભાઈ!” અનુપમાથી ન રહેવાયું. “અમને નહીં હોય, બા!” બેમાંથી એક બોલ્યો, “અમે તો... ગામનાં છીએ, કકડો જમીન ખેડી ખાઈએ છીએ.” “ચટણી વાટવા ઓરસિયો લીધો તેમાં શું જીવ બગાડો છે, ભૂંડા!” પેલી સ્ત્રી ચોકિયાતને ગળે પડતી હતી. “આ લે તારો પાછો. આંહીં કોને જોઈએ છે! જોને મૂઈ! પથરાના કકડામાં જીવ પેઠો મૂવાનો!” “અલી એઈ! આંહીં તો જો!” બીજાની સ્ત્રીએ શોભનદેવ કંઈક ઘડી રહ્યો હતો ત્યાં ઊભીને સાદ પાડ્યો, “જો તો ખરી, મોઈ! આ પથરાને તે શું જીવ આવ્યો છે! કે આ તે શું છૂમંતર કરે છે. આ તો ટાંકણું મારે છે કે તરત જાણે પાણામાંથી કૂદકા મારતું હરણિયું નીકળી પડે છે, પંખી નીકળી પડે છે, માણસ જેવું માણસ નીકળી પડે છે!” શોભનદેવ તે વખતે પોતાનાં નાજુક શિલ્પ-ટાંકણાં ચલાવતો એક પાષાણમાં નેમિનાથ-રાજુલમતીની કરણ કથા કંડારી રહ્યો હતો. નેમિનાથની જાન રાજુલના પિતાને ઘેરે આવી ત્યારે તેમના ભોજન માટે વધ કરવાનાં હતાં તે હજારો પશુઓ – હરણાં ને સસલાં, બકરાં ને ઘેટાં વિલાપ કરી રહ્યાં હતાં તેનાં દ્રશ્ય પોતે ઉપસાવતો હતો. “અલી, જો તો ખરી.” પેલીમાંથી એકે કહ્યું, “હમણાં જાણે આ મેંઢાના મોંમાંથી બેંકારા નીસરશે! રોયા કારીગરેય તે છેને કાંઈ! પીટ્યાને કોણ જાણે કેવીય વિદ્યા વરી છે!” આ સ્ત્રીઓ સાથેના ત્રણેય પુરષોના ચહેરા દેખીને કાંઈક વહેમાયેલી અનુપમાએ દૂર ઊભીને મંદિરની રચના નિહાળતા વસ્તુપાલને જઈ વાત કરી: “લાગે છે કોઈ ગુપ્તચરો.” વસ્તુપાલે તેમને પાસે આવવા દીધા, ઓળખ્યા. પેલા ત્રણેય જુવાનોએ હસતાં હસતાં મંત્રીને નમન કર્યું. વસ્તુપાલે હસીને પૂછ્યું: “કાં, આંહીં વળી કયા શિકારની શોધમાં છો?” "ના, મહારાજ! નિવૃત્તિ પર છીએ. નરદમ નકરી જાત્રાએ નીકળ્યા છીએ.” “આખરે તો આમાંથી જ સુખ મેળવો છોના!” વસ્તુપાલે એમનાં બૈરાંછોકરાં તરફ આંખ બતાવીને કહ્યું. "જી હા! આખરે તો ત્યાંના ત્યાં જ.” એકે જવાબ દીધો. “આટલાં બધાં રોમાંચક સાહસોના ખેલ પછી પણ આ જ જીવનનું પૂર્ણવિરામ ને? આ ગોબરાં ઘેલાં હૈયાં અને આ ગાંડી વેવલી બૈરીઓ. ખરુંને?” વસ્તુપાલે વ્યંગ કર્યો. ત્રણેય જણા નીચું મોં ઘાલી ગયા ને ચાલી નીકળ્યા. પાછળથી વસ્તુપાલે કહ્યું: “અલ્યા, તમને આટલી અદ્દભુત સૃષ્ટિમાં ઘૂમતાં ક્યાંય કોઈ સુંદરી ન સાંપડી! અલ્યા, પાટણ ઉત્સવમાં આવશો કે નહીં?” “ના રે, પ્રભુ એ તો વાર્તાઓમાં જ હોય છે.” કહેતા ત્રણેય હસીને ચાલ્યા ગયા. ગજરાતના મહામંત્રી આ અજાણ્યાઓનું જે ટીખળ કરતા હતા તે દેખી અનુપમા આશ્ચર્યમાં પડી ગઈ. અનુપમાને વસ્તુપાલ પાસે આવીને કહ્યું: "દેવી! એ ત્રણેયનો ગુજરાત પર કેટલો ઉપકાર છે તે હું તને કહું તો નહીં માને. ગુજરાતના શત્રુઓને મોટી કોઈ કતલ વગર માત કરવાની એ ત્રણ મારી સમશેરો છે. સોનાનાં અને સુંદરીઓનાં લસલસતાં પ્રલોભનોની સામે તેમણે નજર પણ કરી નથી. તેઓએ ધાર્યું હોત તો પાટણને, ધોળકાને, સમસ્ત ગુજરાતને વેચી નાખી શકત.” "કોણ છે એ?” "મારા ત્રણ ગુપ્તચર છે. તેમની ચાકરી પૂરી થઈ છે. તેઓ મૃત્યુના મોંમાં ઝંપાપાત કરી કરી આપણને જિવાડી પાછા એમને ઘેર ચાલ્યા ગયા છે. જો, આ એમનું કટુંબ-જીવન! તેમને પ્રકટ કોઈ માનપાન મળશે નહીં, તેમને ઝાઝા લોકો ઓળખે તે પણ પરવડશે નહીં, વિજયોત્સવોના મહાન સમારંભોમાં તેમનું આસન આપણા જૂતા પાસે પણ નખાશે નહીં. તેમનું સમરાંગણ અને તેમના વિજયોત્સવ આ બૈરીઓ અને આ છોકરાઓની બનેલી નેપથ્યભૂમિમાં જ સમાયેલું છે. જો રે જો, એ બોલે છે કે ચાલે છે તેમાં છે કોઈ નામનિશાન પણ તેમની બુદ્ધિચાતુરીની અદ્ભુતતાનું! છે કોઈ દર્પ તેમની જીવસટોસટની સેવાનો! આ નિપુણકને આ સુવેગ જો એક જ ડગલું ચૂકત તો ગુજરાતના શત્રુઓના હાથમાં ચોળાઈ જાત, ગુજરાત પણ રોળાઈ જાત! નેપથ્યવિધાન કરનારાઓની જ સદા બલિહારી છે, દેવી! અમે તો પ્રકટ ગૌરવદાનના ભૂખ્યા જીવડા છીએ. એ જ રાષ્ટ્ર ઉપર આવશે, જેના નેપથ્યવિધાનમાં ઝાઝા માણસો કામ કરતા રહેશે.” કહેતો કહેતો અનુપમાની સાથે વસ્તુપાલ દેલવાડેથી અચલગઢ જતો હતો. સૂર્ય ઊંચે ઊંચે ચડી રહ્યો હતો. પાટણમાં મૌજુદ્દીન-મૈત્રીની પ્રાપ્તિનો મહાન ઉત્સવ રાહ જોઈ રહ્યો હતો. આખી ગુજરાતના સામંતો ને દંડનાયકો પાટણમાં ભેગા થયા હતા. ધારાવર્ષદવને એણે બંદિની ચંદ્રપ્રભા વિશે મોજુદ્દીન સાથે થયેલી વાતથી વાકેફ કર્યા. ત્રણે જણાંએ સાથે બેસીને મંત્રણા કરી, ને પછી બંદીખાનાનાં દ્વાર ખોલી નાખી, બંદિનીને બહાર બોલાવી વસ્તુપાલે કહ્યું: “પુત્રી! તને જ્યાં જવું હોય ત્યાં જવા છૂટ છે. ફક્ત તને સલાહ છે કે દિલ્હીપતિના સીમાડામાં પગ દેતી નહીં.” "ડર લાગે છે ને?” ચંદ્રપ્રભા બોલ્યા વગર ન રહી શકી. “નહીં, તું તારે પ્રલય લઈને આવજે; પણ દિલ્લી જવું હોય તો નરકની યાતનાઓ વેઠવાની તૈયારી રાખજે. ખુદ મોજુદ્દીને જ કહાવેલો સંદેશો તને દઉં છું. જા, બાઈ! પણ રહે, આને આબુ કોણ ઉતારી આવશે?” ધારાવર્ષે કહ્યું: “સોમને બોલાવો.” “સોમને!” અનુપમા ચમક્યાં. “હા, સોમ જ જાય.” પરમારદેવે આગ્રહ દાખવ્યો. "કારણ કે એ જ લાવેલા હતા, એમ જ ને!” મંત્રી હસ્યા. “પણ –” અનુપમાના એ ગભરાટનો જવાબ પરમારદેવે આટલો જ દીધો: “એટલું કરીને આવે તે પછી જ સોમ પુનઃ પરમાર બની શકશે. નહીં તો એને માટેય નવખંડ ધરતી પડી છે.” સોમ પરમાર આવ્યો. એણે શસ્ત્રો બાંધ્યાં હતાં. સૌ ઊભાં ઊભાં જોઈ રહ્યાં. સોમ આગળ ચાલતો હતો. ચંદ્રપ્રભા પાછળ પગલાં ભરતી હતી. અને ધારાવર્ષદેવને લઈ વસ્તુપાલ પાટણ જવા ઊપડ્યા. પ્રહ્લાદનપુરથી પ્રહ્લાદનદેવ જોડાયા. માર્ગે ખબર મળતા ગયા કે દેવગિરિથી સિંઘણદેવે પ્રતિનિધિ મોકલ્યો છે, વિજયી ગુજરાત માટે ભેટ લઈને. મુનિજી વિજયસેનસૂરિ પણ લાંબો વિહાર કરીને પાટણ પહોંચ્યા છે; અને સોમેશ્વરદેવનો સંદેશો મળ્યો કે, “મંત્રીજી, લોઢાનું કવચ અંદર પહેરીને જ આવજો! મોટા રાણા તમને બાથમાં ભીંસી નાખે તેટલા બધા હર્ષાવેશમાં રાહ જુએ છે.” "એમની બાથમાં તો ભીંસાઈ ભુક્કા થવુંય ગમશે મને. ને હવે તો જીવવાની જરૂર પણ શી છે?” કહેતા કહેતા વસ્તુપાલ ઘોડાને રમાડતા આવતા હતા.