ગુજરાતનો જય/૯. બે લક્ષ્મીની પ્રાપ્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૯. બે લક્ષ્મીની પ્રાપ્તિ

ચંદ્રાવતીના ધરણિગ શેઠે પાટણમાં વધુ દિવસ મુકામ લંબાવ્યો અને વિજયસેનસૂરિએ અનોપનાં શીલ-ગુણ વધુ ઝીણવટથી તપાસ્યાં. રૂપે અનોપ શ્યામળી હતી, પણ એના ગુણો એ શ્યામ ચામડીમાં લળક લળક થતા હતા - જે રીતે શનિ નામના શ્યામ હીરામાં પાણીનું તેજ લળક લળક થાય. વિજયસેનસૂરિ એક વાર કુમારદેવને એકાંતે મળ્યા. પોતાના ગુરુદેવે મૃત્યુ પૂર્વેના તે દિવસે ભાંગીતૂટી વાણીમાં પોતાને કાનમાં જે રહસ્યકથા કહી હતી તે સ્પષ્ટ કરી. ગુરુએ અનોપને ચંદ્રાવતીમાં પહેલાં નિહાળી હતી. સામુદ્રિકો એના અદ્દભુત ભાસ્યાં હતાં. આ બે છોકરાઓમાંથી એકનો સંસાર એ દીપાવે તેવી છે. કુમારદેવને મોંએ સ્મિત પથરાયું. એણે કહ્યું: “ત્યાગીઓ પોતાના પ્રિય શિષ્યોનાં સાંસારિક તકદીર ઘડવામાં પણ હાથ નાખે છે, તો સમાજ ધુત્કારશે નહીં?” “ધુતકારશે – ધુતકારે છે. પણ આજે કાળ જુદો છે. આ બાળકોનો સ્વધર્મ જે જે પ્રકારે સચવાય તે પ્રકારે સહાય દેવાની હિંમત કરવી એ સાધુની ફરજ છે.” “તો શું ધારો છો?” “વસ્તિગનું વાગ્દાન બીજે થઈ ચૂક્યું છે. તેજિગ બાકી છે.” “એની માતાને હું કહેવરાવું?” “હા. ને મારું પણ અનુમોદન લખજો. ધરણિગ શેઠ ત્યાં જ જવાના છે.” “તો તો છોકરાઓને પણ હું ઘેર જઈ આવવા કહું.” “આપની સન્મતિ ચાલે તેમ કરો.” ધરણિગ શેઠનો પડાવ ઊપડવાનો હતો તેના આગલા દિવસે કુમારદેવે બે ભાઈઓને બોલાવ્યા: "વસ્તિગ, તેજિગ, તમારા ભાઈના મૃત્યુ પછી તમારી આંખે આંસુ સુકાયાં નથી. માતા પણ વલવલતી હશે. ધરણિગ શેઠ જાય છે તેની સંગાથે આંટો જઈ આવો.” વસ્તિગ-તેજિગને આંતરિક રહસ્યની ખબર નહોતી. તેમનાં અંતર પણ માની ચિંતાએ ઘર તરફ દોડતાં હતાં. તેમણે ધરણિગ શેઠના સંઘ સાથે પ્રયાણ કર્યું. ઘેર પહોંચી, માની ને બહેનોની સાથે એકાંતે બેસી લુણિગને યાદ કરી ખૂબ ખૂબ રોઈ લીધું. પછી સૌ ધરણિગ શેઠના કુટુંબની પરોણાગતમાં પડી ગયાં. થોડે દહાડે વેદના વિસારે પડી. દરમિયાન ધરણિગ શેઠે આ ઘરમાં પુત્રીનું ભવિષ્યનું ઘર નક્કી કરી નાખ્યું. પણ વાત અંતરમાં જ રાખી, હજુ વધુ ચકાસણી બાકી હતી. “અમે શત્રુંજય, ગિરનાર થઈને દેવપટ્ટન જશું, કુંઅરબાઈ, તમેય ચાલોને યાત્રાએ! દુખ વીસરાશે.” કુમારદેવીએ પુત્રોને પૂછી તૈયારી કરી. પહેલી રાત ભાલના હડાળા ગામે રહ્યાં. કુમારદેવીએ ધરણિગ શેઠને વિશ્વાસમાં લઈને પેટની વાત કહી: પોતાની પાસે જૂના વખતનો સાચવેલ થોડો દરદાગીનો છે. “તો બહેન સુરાષ્ટ્રમાં આજકાલ એ લઈ જવા જેવો સમય નથી. લૂંટફાટનો ડગલે ને પગલે ભો છે.” “તો શું કરું, ભાઈ?” “આંહીં વગડામાં જ કોઈ ઠેકાણે દાટ્યા વગર છૂટકો નથી.” મધરાતનાં અંધારાં ઘેરાયાં ત્યારે બે દીકરા અને વિધવા માતા જંગલમાં ચાલ્યાં. “અનોપ, બેટા, તુંયે ચાલને મારી સાથે માએ મહેમાનની દીકરીને કહ્યું. “એનું ત્યાં શું દાઢ્યું છે?” તેજિગ ખીજે બળ્યો. "ભલે આવે. તારે તેનું શું કામ?” મા બોલતી બોલતી હસતી હતી. "આ પણ એક લફરું લાગ્યું છે. બાને એ અજાણી છોકરીનું કોણ જાણે શુંયે ઘેલું લાગ્યું છે? છે ભૂંડી કાળવી.” તેજિગ બબડતો હતો. "અને તું તો ગોરો હઈશ, ખરુંને?' બાએ કહ્યું, "જરીક આરસીમાં જોઈ તો લે તારું મોઢું તારા બાપુ માથે જ ઊતર્યો છે.” ભાલની બિહામણી ધરતીમાં એક ખાતરાની અંદર ખાડો ખોદાવા લાગ્યો. અને તેજિગ ખોદતો હતો ત્યારે અનોપ નીચે વળી માટી બહાર કાઢતી હતી. એણે પહેરેલાં હીરનાં ચીર રગદોળાતાં હતાં. તેજિગ એને વચ્ચે આવતી દેખી વધુ ને વધુ ભઠતો હતો: “આ છોકરી પણ ગજબની હરખપદૂડી છે.” "બરાબર જોઈ લેજે, હો દીકરી” કુમારદેવી અનોપને કહેતાં હતાં, “આ ખાડાની ચતુર્દિશી તું બરાબર યાદ રાખજે.” "હા, મા” અનોપે હળવા સ્વરે કહ્યું, “આજ અજવાળી છઠ છે. જુઓ પેલો તારો સામે છે, આ ખીજડાના ઝાડની ઉપર હરણનું નક્ષત્ર છે. મેં બરાબર નક્કી કરી લીધું છે.” “એ શું ખણિંગ જેવો અવાજ થયો, તેજિગ!” વસ્તિગે ખોદતા તેજિગને પૂછ્યું. “જમીનમાં કાંઈક પથ્થર જેવું લાગે છે, કોશ અફળાય છે.” “ના ના. પથ્થર ન હોય.” "મને પણ કાંઈક રણકારો સંભળાણો.” અનોપ વચ્ચે બોલી ઊઠી અને ચોપાસની માટી પોતાના ખોળામાં ભરી ભરી કાઢવા લાગી. “આ તો કશુંક વાસણ દાટેલું લાગે છે, મા!” એ છોકરી પાછી બોલી. "બહુ ખબર!” તેજિગને એ છોકરીનું દોઢડહાપણ ગમતું નહોતું. "હવે ધીમે તો બોલો!” તેજિગ તરફ અનોપે ઠપકાનો હળવો બોલ કહ્યો, "હું કહું છું કે નક્કી કાંઈક વાસણ છે. ચોમેરથી માટી કાઢો.” થોડી જ વારે ખાડાની વચ્ચેથી એક કળશ આકાર ઊંચો થયો. અંધારામાં એ કળશને બહાર કાઢવા મથતા તેજિગના ને અનોપના હાથ એકબીજાને સ્પર્શ કરતા હતા. તેજિગે લાગ જોઈને અનોપના હાથ પર એક ચૂંટી ખણી લીધી. ચૂંટી કેટલી સખત હતી તે તેજિગને ખબર હતી. એના નખમાં જોર પણ જેવું તેવું નહોતું. એની ચપટી લોહીના ટશિયાથી ભીંજાઈ, છતાં અનોપે ઓઈકારો પણ ન કર્યો. “બા, ચાલો પાછાં ઉતારે. અત્યારે નથી દાટવું.” એમ કહી તેજિગે ખોદાયેલો કળશ મહામહેનતે ખભા પર લઈ લીધો ને વસ્તિગે બાને દાટવો હતો તે દરદાગીનાનો. નાનો દાબડો ઉપાડી લીધો. ધર્મશાળાના એક ઓરડામાં ત્રણે જણાં એ કળશ તપાસવા મળ્યાં ત્યારે અનોપ બહાર જ ઊભી રહી. એને તેજિગે ઓરડામાં જતે જતે કહ્યું હતું: “તારું ત્યાં કંઈ કામ નથી.” તેજિગે એ છોકરીને તડકાવી તેની જાણ વગરનાં બાએ તો સ્વાભાવિકપણે જ કહ્યું: “અનોપ, દીકરી, ક્યાં ગઈ? આવ તો!” અનોપ ન આવી, એટલે બા બહાર જઈને એનો હાથ ઝાલી તેડી લાવ્યા ને કહ્યું: “બેસ બેટા, ને જે કાંઈ છે તે બધું જ બરાબર જોઈ લે. એમ જુદી ને જુદી તરતી ન રહે.” "કોણ જાણે કયું સગપણ ફાટી નીકળ્યું છે!” તેજિગ બહાર જઈને બબડી આવ્યો. કળશ ઉપર ચડેલી માટી ખંખેરાઈ. બાની છાતી ધડક ધડક થતી હતી. આ શું કૌતક! કોનું ધન! કોણ જાણે કેવી કમાણીનું! કોઈ વાંઝિયાનું? કંજૂસનું? કોઈ નિર્દોષને લૂંટી ખૂન કરીને ચોરોએ સંતાડેલું? "બા!” વસ્તિગે કહ્યું, “કળશ તો લાગે છે કોઈક કાળાંતરનો, આ ઘાટ અત્યારનો ન હોય. એકેએક ચિહ્ન અસલના કોઈ દટ્ટણપટ્ટણના કાળનું દીસે છે.” ખવાઈ ગયેલા ઢાંકણાને મહામહેનતે ખોલ્યું ત્યારે અંદરથી સોનાના સિક્કા નીકળી પડ્યા; કાળજૂના સિક્કા! ને જથ્થો પણ કઈ જેવો તેવો નહોતો. તેજિગ તો ઘેલો બનીને બોલી ઊઠ્યો: “બા, લક્ષ્મી ત્રૂઠ્યાં. જિનદેવે જ આપણને આપ્યું.” "ઉતાવળો ન થા. ને અંદરની બધી ચીજો બહાર કાઢ.” વસ્તિગે ગંભીર ચહેરે કહ્યું. એક પત્ર પર કાંઈક લખાણ નીકળ્યું. તેજિગ ન ઉકેલી શક્યો. વસ્તિગે અક્ષરો બેસાર્યા: ‘કાન્યકુબ્જના રાજેશ્વર ....ની કુમારી મહણદેવીને ગુર્જરરાષ્ટ્ર કાપડામાં મળેલો છે, તેનું સુવર્ણ છે.' "ત્યારે તો સેંકડો વર્ષો પૂર્વેનું. ત્યારે તો કશી હરકત નહીં, હો બા” તેજિગે માતાના ચિંતાતુર મોં સામે પોતાની લોભણી નજર માંડી. "શું કરશું?” માતાના મોંએથી ચિંતાભાર ઓછો નહોતો થતો. "ફેમ શું કરશું? આપણને જડ્યું છે. ને કોઈ બીજાનું આપણે લઈ લીધું નથી. પૃથ્વીએ આપણને જ માયા સમર્પી છે.” તેજિગ પોતાની ગણતરીને મજબૂત કરતો હતો. "પણ ભાઈ!” માતાએ મૃદુ સ્વરે સમજાવ્યું: “આપણી કમાઈનું તો નહીંને?” “એટલે શું?” "કોઈ અવગતિએ ગયેલ જીવનું હોય, તો આપણા ઘરની લક્ષ્મીને પણ લઈને જાય. તારા બાપુએ જ મને ભણાવેલું ભાઈ, કે એમના પૂર્વજોની લક્ષ્મી એમના ઘરમાંથી પગ કરી ગઈ, કેમ કે એ રાજની લક્ષ્મી હતી; એ લક્ષ્મી ઉપર કોણ જાણે કેવાંય પ્રજાજનોની પાંપણનાં પાણી પડ્યાં હશે.” "તેજિગ, બા એ બરાબર કહે છે.” વસ્તિગે ટેકો આપ્યો. “તો શું કરશું આનું?” “શું કરશું?” કોઈને કશું સૂઝતું નથી. બાઘોલાં જેવાં બનીને બેઠેલાં એ ત્રણેની પાછળ અનોપ લપાઈને બેઠી બેઠી, મનમાં મનમાં કશુંક બોલતી હતી. "તું તો કાંઈક બોલ, બેટા અનોપ!” બાએ અનોપને પૂછીને તેજિગને ચીડવ્યો, “તને કાંઈ સૂઝ પડે છે?” “હા બા!” અનોપના મોંમાં તો વેણ હાજર જ હતું. “શું?” "લુણિગભાઈ મરતે મરતે કહેતા હતા તે. ડુંગરા ઉપર પ્રભુજીનું બિમ્બ પધરાવો.” "હા-હા – સરસ વાત!” વસ્તિગ તો રાજી રાજી થઈ ગયો, “બા! અનોપની પાસે પ્રભુએ જ બોલાવેલ છે.” કુમારદેવીએ અનોપને પોતાની ગોદમાં દાબી દઈને હર્ષ જણાવ્યોઃ “ડાહી દીકરી! તેં તો સ્વર્ગના દરવાજા ઉઘાડી દીધા. મારે હૈયેથી બધો ભાર હળવો થઈ ગયો. હું તો અત્યાર સુધી ફફડતી હતી. સોનું નહીં પણ સાપ ઘેર લઈ આવ્યાં એવું થતું હતું. તને આવી સરસ વાત કોણે સુઝાડી?” “પેલી મહણદેવી કાન્યકુબ્જવાળીએ જ તો!” તેજિગે કટાક્ષ કર્યો, “મરીને એ વ્યંતરી થઈ છે એમ સૌ કહે છેને! આ પોતે જ એ અવતાર હશે તો કોને ખબર!” એ છેલ્લા બોલ તેજિગ ગળી જતો જતો બોલ્યો. બીજા દિવસે રસ્તામાં ધંધુકા આવ્યું. ત્યાં એ બધું સુવર્ણ વિશ્વાસપાત્ર નાણાવટીને ત્યાં મુકાયું અને યાત્રિકો આગળ વધ્યાં. ત્રણેક મહિને માતા ને બે પુત્રો પાછાં ફર્યા ત્યારે તેજિગને ખબર પડ્યા કે માએ તો પોતાની વેરે અનોપનું વાગ્દાન સ્વીકારી લીધું છે. ને ફરી વાર પાટણ ભણવા ઊપડેલા તેજિગનું હૈયું બે વાતો વચ્ચે ઝોલે ચડ્યું – અનોપની ચામડીની કાળાશ અને અનોપના હૃદયબુદ્ધિના ઉજાસ વચ્ચે.