ગુજરાતી અંગત નિબંધો/પોતપોતાનો વરસાદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯
પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી



ગુજરાતી અંગત નિબંધો • પોતપોતાનો વરસાદ – વીનેશ અંતાણી • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની

વરસાદ વિશેની મારી પ્રથમ પ્રતિક્રિયા મુગ્ધતાની છે અને પછી તરત જ વિષાદની છે. અતિશય આનંદનો ખટકભર્યો વિષાદ પણ અનુભવી શકાય છે. વરસાદની સાથે છેક નાનપણથી રાહ જોવાનો અનુભવ સંકળાયેલો છે. વરસાદ એવો પ્રિયજન છે જે બહુ રાહ જોવરાવે પણ આવે નહીં. ચોમાસું આખું ઊતરી જાય ત્યાં સુધી સૂકી નજરે મેં વરસાદની રાહ જોઈ છે. ચોમાસાના દિવસોમાં શાળાએ જતી વખતે મનોમન શરત લગાવી હોય કે સાંજે રજા પડશે ત્યારે ધોધમાર વરસાદ વરસતો હશે ને પલળતો પલળતો ઘેર જઈશ; પણ તડકો જ વરસતો હોય. એ બધું કચ્છમાં બન્યું. એથી તો મને લાગે છે કે મુંબઈનો વરસાદ મારો વરસાદ નથી. મારો વરસાદ તો દૂર કચ્છના આકશમાં શક્યતાની જેમ ઘેરાયેલો છે, છતાં વરસતો નથી. મુંબઈમાં તો માગ્યા વિના આકાશ પીગળવા લાગે છે. બહુ આર્દ્ર મન છે અહીંના આકાશનું! પણ આકાશને શોધવું પડે છે. રાત્રે પણ આકાશ દેખાતું નથી. અભાવ તો મુંબઈમાં પણ છે, પરંતુ એ વરસાદનો નથી, આકાશનો છે; જ્યારે કચ્છમાં તો ચારેકોર આકાશ અને આકાશ જ છે. દિવસો સુધી રેતની સાથે ગરમ લૂ ફૂંકાય. ચામડી બળી જાય; પછી ચોમાસાના મહિના શરૂ થાય અને આંખોમાં કાપા પડી આવે. સાંજ પડે; દિશાઓમાં સંધ્યાના રંગો ઊઘડી જાય. ક્યારેક મેઘવાદળીની સુવર્ણરંગી કોર પ્રકાશિત થઈ ઊઠે. આકાશ ભરાય તેવડું મેઘધનુષ્ય દોરાઈ જાય; પણ કોરાધાકોર દિવસો એમ ને એમ પસાર થઈ જાય. વરસાદ આવે નહીં; માત્ર ખાલી આકાશ રહે. પછી એકાદવાર ઓચિંતી હવા બદલે. આકાશ ઘેરાય ત્યાં તો પક્ષીઓ પણ બોલે; આ વૃક્ષ પરથી પેલા વૃક્ષ પર ઊડે. મોરનો કેકારવ સંભળાય. વાતાવરણમાં અપેક્ષાઓની નિઃસ્તબ્ધતા ઘેરાય. દૂર કોઈ પ્રદેશમાં વરસેલા વરસાદની સુગંધ આવી જાય ચકલીઓ ધૂળમાં નહાય. ટિટોડી ખાલી તળાવમાં ઇડાં મૂકે. વાદળાં પણ બંધાય. અમે ઉંબરે ઊભા હોઈએ. નળિયાં સમારાઈ ગયાં હોય. નેવાં રાહ જોતાં હોય. અમારાં બાવળ, પીલુડી અને થોર શ્વાસ રોકીને ઊભાં હોય; પણ ન આવે, જરાતરા ઘેરાઈને પાછો ચાલ્યો જાય. ફરી તડકો. અમારા ઘરનાં નેવાં તરસ્યાં ઊભાં રહે. આસપાસના પ્રદેશોમાં વરસાદ પડ્યો તેવા સમાચાર આવે, પણ અમે એની વાટ જોતા રહીએ. શ્રાવણ મહિનાના મેળા નજીક આવતા જાય, પણ જ્યાં મેળા ભરાવાના હોય તે સ્થળોનાં તળાવો હજી ખાલી હોય. ધરતીમાં તિરાડો પડી ગઈ હોય. ન આવે. કચ્છીમાં જેને ધરતીનો લાડો કહેવાય છે તે મીં આવે નહીં. અમારી આંખોમાં લોહી ઊતરી આવે. પછી કહેવા માંડે કે મીંને કોઈએ બાંધી રાખ્યો છે. તે સાચે જ એવું લાગે જાણે કોઈ મંત્રતંત્રના જાણકારે વરસાદને બાંધી રાખ્યો છે. પછી એકાએક વરસાદ છૂટી જાય. રણના આકાશને પાર કરતો મોડોમોડો એ દેખા દે. પહેલો છાંટો મારી માલિકીનો, તપ્ત રેતીમાં ફફ દેતોકને છાંટો પડે. થોડી ધૂળ ઊડે અને પહેલો છાંટો સુકાઈ જાય. પછી તો એક પછી એક છાંટા પડે અને મન હોય તો દિલ દઈને વરસવા લાગે. આખું ગામ આકાશ નીચે. બધું છોડીને લોકો વરસાદમાં પલળવા બહાર આવી જાય. એની ક્ષણેક્ષણને ભરપૂર પામી લેવા ખોબો ધરીને ઊભા રહીએ. ઉઘાડી આંખે, ખુલ્લા હોઠોમાં, શરીરના અણુએ અણુમાં એને પામી લેવાની ધધક સળગતી રહે. નેવાં પરથી સરકતી ધાર નીચે મૂકેલાં વાસણોમાં તાલબદ્ધ રીતે પડતી રહે. ઘરનાં નળિયાંના રંગ બદલાવા લાગે. અમારી જમીનનો મિજાજ પલટાઈ જાય. છજા નીચે બેઠેલાં હોલા અને કબૂતરો પાંખ ફફડાવી ઊઠે અને મોંઘા પ્રિયતમ જેવો કચ્છનો મીં બહારથી અને અંદરથી ભીંજવી જાય. રાતે વરસતો હોય તોયે જાગીએ. ઘરની પછીતમાં પડેલાં પતરાં પર નેવાંની ધાર સંભળાતી રહે. ભીંતોમાં ભેજ થઈ જાય. બધું સુંવાળું સુંવાળું લાગે. દૃશ્યો પહેલાં ઝાંખાં થાય, પછી ધોવાઈને ઊઘડી જાય. - અને મનમાં વિષાદ જાગે. અમારી અધૂરપને આકાર આપતો હોય તેમ ઘડી-બે ઘડીના મહેમાન જેવો વરસાદ પાછો ચાલ્યો જાય અને રણમાં ખોવાઈ જાય; પણ નિશાનીઓ મૂકતો જાય. સ્મરણોનીજેમ મારા મનમાં ચુપચાપ ગોઠવાઈ જાય. ધરતીમાંથી ફૂટી નીકળે. થોડાંઘણાં ભરાયેલાં તળાવોમાં પ્રસરેલો રહે. અવાજો બદલી જાય. વૃક્ષો લીલાશનો આભાસ પહેરે. અમે મસ્ત, એવા તો સંતોષી કે આખું ચોમાસું પામી લીધાનો ભાવ થાય. ભલે થોડો આવ્યો, પણ આવ્યો તો ખરો! દુષ્કાળના કારમા દિવસો વિતાવીને માલધારીઓ એમનાં પશુઓ સાથે પાછા ફરતા હોય ત્યારે એમની ખુલ્લી છાતીઓમાં ઘેર પહોંચવાની ઉતાવળ હોય. ફરી વાંઢ (ગામ)માં રહેવાના દિવસો આવી જાય. જોડિયા પાવા વગાડવાના દિવસો આવી જાય. આકાશ ભરીને કાફીઓ ગાવાની રાતો પાછી આવી જાય. બધું બુલંદબુલંદ બની જાય, છતાં અંદર ક્યાંક તો ખટક રહે. જેને પૂરેપૂરો પામી શકાયો નહીં, પણ જેટલો મળ્યો તેટલો આપણો થયો તેવો વિષાદી સૂરોમાં ઘૂંટાતો આનંદ છેવટે તો પીડા જ જન્માવે. ભીંતો પર ઊગી આવેલી લીલમાં નખથી વરસાદનું નામ લખવા જાઉં ત્યાં જ યાદ આવે કે એણે તો મને કશું કહ્યું પણ નથી. એક શબ્દ બોલ્યો નથી મારો વરસાદ મારી સાથે! છતાં કશુંક પામ્યો તેવી લાગણી જીવવાનું બળ આપે. ઊલટભેર મેળા ભરાય. આછરી રહેલાં તળાવોમાં પ્રતિબિંબો સ્પષ્ટ થવા લાગે. આવતા ઉનાળાની ધોમધખતી હવામાં ફૂંકાતી રેતી બધું ધૂંધળું કરી નાખે ત્યાં સુધી મનમાં સાચવી રાખેલો વરસાદનો એક-એક છાંટો ક્ષણેક્ષણે અંદર વરસ્યા કરે. પણ એ તો મારો કચ્છનો વરસાદ. એ છત્રીઓ પર ન વરસે, બંધ બારી-બારણાં બહાર ન વરસે. છેક અંદર આવે. વરસી લે પછી પણ વરસતો રહે, સ્મૃતિઓમાં, તરડાતી ચામડીનાં છિદ્રોમાં, અમારી આંખોમાં અને ધગધગતા ઉનાળામાં. વિષાદનાં ઝાપટાં આવે. દૂર ચાલ્યા ગયેલા કે આકાશમાં ખોવાઈ ગયેલા ચહેરા નેવાંની જેમ ટપક્યા કરે. મારો વરસાદ બધું એકાકાર કરી દે. તેમાં કશું છૂટું રહે નહીં. બધું જ સમીપ આવી જાય. સ્પર્શો અને અવાજોમાં પણ નવી સુગંધ ઉમેરાય. મારો વરસાદ દેશી નળિયાં પર વરસે. એ ઊંચાં બહુમાળી મકાનો પર વરસે નહીં. પરાંઓનાં રેલવે સ્ટેશનોનાં છાપરાં પર માથાં પછાડે નહીં. વિશાળ સડકો પર દડી ન પડે. એ તો અંદર ઊતરે — અંદર. જે અંદર છે તે મારો વરસાદ છે. મારો વરસાદ તમારો વરસાદ નથી અને તમારો વરસાદ મારો વરસાદ નથી. કારણ કે વરસતા વરસાદમાં આપણને જે યાદ આવવાના છે તે ચહેેરા જુદા છે અને તે આંખો જુદી છે. મારી અને તમારી ભીંતો પર જે લીલ ઊગે છે તે પણ જુદી જુદી છે. મુંબઈમાં વરસવાની છે તે વરસાદની હેલીમાં હું મારો વરસાદ શોધવાની કોશિશ કરીશ; પણ મુંબઈના વરસાદમાંથી પર્વતોના ઘાટની સુગંધ આવશે. મારો વરસાદ તો રણની ગંધ લાવે. પર્વતોના ઘાટ પરથી ઊતરી આવતો વરસાદ રણને પાર કરીને આવેલો વરસાદ હોતો નથી.

[‘પોતપોતાનો વરસાદ’, ૧૯૯૨]