ગુજરાતી અંગત નિબંધો/સંપાદકીય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સંપાદકીય



ગુજરાતી અંગત નિબંધો • પ્રસ્તાવના – રમણ સોની • ઑડિયો પઠન: રમણ સોની

અંગત નિબંધોના આ સ્થાપત્ય વિશે બે’ક વાતો...

‘નિબંધ’ એવી સંજ્ઞા તો ઘણી વ્યાપક છે. બહોળાં વિષયક્ષેત્રોમાં અને લખનારનાં પ્રયોજન તથા આયોજનના વૈવિધ્યમાં એ ફેલાયેલી છે. પરંતુ જેને આપણે ‘અંગત નિબંધ’ (પર્સનલ ઍસે) કહીએ છીએ એનું વૈવિધ્ય પણ કંઈ ઓછું નથી. એ ખરું કે અંગત નિબંધનું ચાલકબળ વિચાર કે વિમર્શ નહીં પણ સર્જકનું સંવેદન છે. પણ એ સંવેદનજગત પણ ઘણા મોટા વ્યાપવાળું હોઈ શકે. ઘર-પરિવારનાં સંસ્મરણો, પ્રવાસના અનુભવો, માનવ-સંબંધોના આઘાતો-પ્રત્યાઘાતો, એનાં આનંદ અને વેદના, પ્રકૃતિસૌંદર્યના પ્રતિભાવો, ઈન્દ્રિયાનુભવો, એમ ચોમેર એનો વિસ્તાર છે, પરંતુ એ બધું પરોવાયું હોય છે સંવેદનના એક સળંગ તારમાં. વિષય તો હોય જ, પણ વિષય જ લક્ષ્ય ન હોય, લક્ષ્ય તો હોય છે પોતાનો આગવો અનુભવ. જે કહેવાનું છે એ સંવેદનમાં ઝબકોળાઈને આવે તો જ એ ગદ્યલખાણ ‘અંગત’ નિબંધ ગણાય ને? સંવેદનની એ છાલક વાચક કે ભાવકને લલિત કૃતિ વાંચ્યાનો આનંદ આપે છે. લેખકનો સૌંદર્ય-અનુભવ વાચકમાંય પ્રસરે છે. સંવેદનવિશ્વની જ નહીં, સંવેદનના નિરૂપણની રીતે પણ અંગત નિબંધ વિવિધ રૂપે વિલસતો હોય છે. દરેક લેખકનો અનુભવ જ નહીં, એને રજૂ કરવાની રીત પણ જુદાંજુદાં હોવાનાં. એટલે લખાવટ કે શૈલી પણ લેખકેલેખકે નોખાં હોવાનાં. એ રીતે દરેક નિબંધલેખકમાં સંવેદનની તેમજ શૈલીની નોખી રેખાઓ એના નિબંધનું નિજી શિલ્પ રચતી હોય છે. વળી, સર્જક એની કૃતિએકૃતિએ પણ નવી રેખાઓ રચતો હોય છે. આમ થવાથી વિવિધ શિલ્પ-કૃતિઓથી જે સુઘડ-સુંદર સ્થાપત્ય ઊભું થાય છે એનાથી જ નિબંધલેખકની શાખ બંધાય છે. એની મનોહર મુદ્રા રચાય છે.

સાહિત્યનો ઈતિહાસ કહેશે કે ગુજરાતીમાં નિબંધનું સ્વરૂપ પહેલીવાર અજમાવ્યું કવિ નર્મદે. હા, એ બરોબર છે. પણ નર્મદમાં લખાવટની આગવી છટા હતી પરંતુ એનું મુખ્ય લક્ષ્ય વિચારવિમર્શનનું હતું, એ ઉદ્‌બોધક અને પ્રબોધક પણ હતું. એટલે, જેને શુદ્ધ અંગત નિબંધ કહીએ એવું લેખન પહેલીવાર કાકા કાલેલકરમાં દેખાયું. એ પછી તો આ અંગત કે લલિત કે સૈાંદર્યલક્ષી નિબંધનાં અનેક લઘુ-ગુરુ શિખરો રચાતાં ગયાં છે, ને છેક આજના યુવા લેખકોએ પણ પોતાની સર્જકતાને નિબંધની કસોટીએ ચડાવી છે. ગુજરાતીમાં લલિત નિબંધ એ રીતે સૌંદર્ય-સમૃદ્ધ થતો ચાલ્યો છે.

આ સંપાદન (અંગત નિબંધો, ભાગ-૧)માં કાકા કાલેલકરથી આરંભીને છેક આજના યુવા સર્જકો સુધીની ૩૨ લઘુ નિબંધકૃતિઓ સંચિત કરી છે. ને એમાં સર્જક-સંવેદનનાં વિવિધ રૂપો પ્રગટાવતી કૃતિઓ પસંદ કરવા તરફ લક્ષ આપ્યું છે. અહીં દરેક સર્જકમાંથી એક-એક પ્રતિનિધિ નિબંધ લીધો છે. ક્યાંક, અનિવાર્ય લાગ્યું ત્યાં, બેચાર નિબંધોના કેટલાક અંશો સંપાદિત કરી લીધા છે ને એ ચોરસ કૌંસ[ ]થી દર્શાવ્યા છે. દીર્ઘ લલિત નિબંધોનો એક બીજો સંચય પણ (ભાગ-૨ રૂપે) હવે પછી હાથ ધરીશું. એકત્રનું આ સંપાદન વાચન રૂપે તેમજ શ્રવણ રૂપે એમ બંને રીતે રજૂ થવાનું છે એથી એ વિશેષ આસ્વાદ્ય બનશે એવી પ્રતીતિ છે.

વડોદરા; જેઠ સુદ એકમ ૨૦૮૦ (૭ જૂન ૨૦૨૪)
– રમણ સોની