ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કોરો કાગળ
કોરો કાગળ
લતા હિરાણી
સાવ કોરો કાગળ જોઈએ મારે
ને એમાં મારું સ્થાન
ને મારી દિશા
હું જ નક્કી કરું.
લીટીઓ દોરી આપે કોઈ
મારા રસ્તાની
એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય
મારા શબ્દોને
કોઈ કહે એમ ખસવાનું
એટલું જ ચડવાનું કે ઉતરવાનું
મને મંજૂર નથી
એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી
એક એક અક્ષર નોખો
એક એક માનવી અનોખો
પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં
ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી
હું એટલે
મારામાં વહેતું ઝરણું
મારામાં ઉગતું તરણું
ને એમાંથી પ્રગટતા શબ્દો...