ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ડોસી કહેતી...

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ડોસી કહેતી....
કમલ વોરા

ડોસી કહેતી
એ સમજણી થઈ ત્યારથી
કાળો સાડલો પહેરતી,
ઘોડિયાંલગ્ન લીધેલો વર
મૂછનો દોરો ફૂટે તે અગાઉ
મરકીમાં ખપી ગયો હતો એ કારણે.
એને સાત રંગોનો સરવાળો
હંમેશ કાળો.
ન એણે કદી આરસીનું મોં જોયું
કે ન તો બારી બહાર.
બસ, દિવસ આખો
ઘરમાં અંધારિયા ધાબા જેવું ફરતી અને
રાતે તો લગભગ ઓગળી જ જતી
ક્યારેક થાકી જતી કે પરસેવો વળતો ત્યારે
સાડલાની કોરથી મોં લૂછી
ઊંડો શ્વાસ લઈ
સહેજ પોરો ખાઈ પાછી કામે વળગતી.
કોઈક વાર
આયખાની ગઠરી ખોલવા કહેવાતું
ત્યારે ડોસી હળવેથી બોલતી
સિવાય વૈધવ્ય અને વાર્ધક્ય
એને ત્રીજો અનુભવ જ ક્યાં હતો!