ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/તડકો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તડકો
લાભશંકર ઠાકર

તડકાના ટુકડાઓ
જ્યારે
અસ્તવ્યસ્ત થઈ
આળોટે દરિયામાં
માછલીઓની
મોંફાડોમાં
વાગે એની ધાર
થડ તડકાનું ખડબચડું
ને માછલીઓનાં પાંદ
સાંઝકના ઝૂલે છે
ઢગલો પંખીનાં ફળ કાચાં
સાચાં રે ભાઈ સાચાં.
તમેય સાચાં
અમેય સાચાં
તડકાના ટુકડાઓ સાચા
દરિયો સાચો
માછલીઓની મોંફાડો પણ સાચી
થડ તડકાનું સાચું
એ પણ ખડબચડું
ને માછલીઓનાં પાંદ
ઢગલો પંખીનાં ફળ કાચાં
બધાય સાચાં.
જાણો છો?
આ સાચ જૂઠને સંભોગે છે?
ને અંધકારની યોનિમાંથી
સરકે છે આ તડકો.
તડકો રોજ પરોઢે રોવે
બોરસલીની ઝીણેરી કૂંપળોમાં
એની આંખ ધીમેથી ખોલે.
ગરમ ગરમ ગાડરમાં
તડકો ધોળું પીળું થરકે.
તડકો ચંબેલીનાં પાન
તડકો ખિસકોલીના કાન.
ચંબેલીનાં પાન બન્યાં છે લાંબાં
ખિસકોલીના કાન બન્યા છે મોટા.
કેશ કરીને ઢગલો
આછાં વસ કરીને અળગાં
એકાન્તે વાડામાં લક્ષ્મી
આળસમાં નિરાંતે બેસે ન્હાવા.
તડકો એનું રોમરોમ સંભોગે.
તડકો જાય મરી
ને તડકો રોવે.
તડકાનું શબ જાય લઈ તડકાનું ટોળું.
તડકાની એક ગાય ચરે છે
તડકો કૂણો.
તમેય તડકો
અમેય તડકો
તડકાના સરવરમાં
તડકો ડૂબે.
તડકો દોડે છે
તડકો ઊંઘે છે
તડકો બોલે છે
તડકો નાચે છે
તડકો તડકો તડકો
ચારેકોર.
ઉત્તર તડકો
દક્ષિણ તડકો
તડકાનું આકાશ
તડકાની આ પવનલહરીઓ
પરશે વારંવાર
અમે ય તડકો
તમે ય તડકો
તડકો તડકો રે.
નાગા થઈને નાચો
તડકો તડકો રે.
આઘા જઈને યાચો
તડકો તડકો રે.
તડકાની ટેકરીઓ પરથી
તડકો ગબડી જાય
તડકાની તલવાર વડે
તડકાનું માથું કાપો
તડકો તડકો રે.
નાગર તડકો.
વાનર તડકો
ગાંધીજીની ટાલ તડકો,
તડકાનું ચંદન
તડકાના પથ્થરને જઈ અર્ચે
તડકાની છાતીને
ચૂંથે
તડકાની આંગળીઓ.
તડકાના ઘણથી
તૂટે છે તડકાની પાંસળીઓ.
તડકો તૂટેલો
તડકો ફૂટેલો.
તડકો બં બં
તડકો મં મં
તડકો તારી બોચીનો છે મેલ.
તડકો પીળો રે
તડકો લીલો રે
તડકો ઊંડે રે
તડકો કાલે રે
તડકો આજે રે
તડકો ટીલું રે
તડકો બીલું રે
તડકો મૂંગો રે
તડકો ભૂંડો રે