ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/પંખી
પંખી
સિલાસ પટેલિયા
દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!
છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં...
એની બિડાયેલી પાંખોમાં ધોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા
કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!