ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/બનારસ ડાયરી-૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બનારસ ડાયરી – કાવ્યગુચ્છમાંથી
(બનારસ ડાયરી-૬)
હરીશ મીનાશ્રુ

કપાસનું જીંડવું ફાટ્યું હોય
એવો પ્રફૂલ્લિત ચન્દ્ર ઉદય પામી રહ્યો હતો
કબીરના મસ્તક ઉપર.

મને થયુંઃ
ખરો ચન્દ્રમૌલિ તો આ બેઠો,
ચાંદનીના લીંપણવાળી ભીંતને અઢેલીને, –
કાશીવિશ્વનાથને તો લોકો નાહક એ નામે ખીજવે છે.

મેં કહ્યું : સાહેબ,
દિવસની તો મને થોડી થોડી ખબર પડે છે,
પણ આ રાત, - આ રાત તો મને બિલકુલ સમજાતી નથી.

તમરાંના અવાજના
આરોહ અવરોહના આધારે
આ રાત્રિની સરળતા અને કુટિલતાને સમજવાની છે, કબીરે કહ્યું
વનસ્પતિવિદ્, ફૂલદાનીનો સજવૈયો કે ઝાકળનાં ટીપાં
બધાં જ આ પાંદડાને લીલું સમજે છે.
લીલું અર્થાત્ ભાતભાતના લીલા રંગનું, લીલાપૂર્વક.
પણ જેવો ચન્દ્ર ઉદય પામે છે આકાશમાં
રાત્રિ છલકાય છે પોતાના વિશાળ પાત્રમાંથી
ને
પંખીનો કર્બુર, મધુકામિનીનો શ્વેત, થડનો કથ્થાઈ ને મનુષ્યનો ઘઉંવર્ણ
– અરે સ્વયં પાન પણ પોતાની ક્લોરોફિલીંગ્સ સમજી શકતું નથી –
બધાં જ ઓગળી જાય છે પોતપોતાના વિકારોમાં.
એટલે જાગરણના ઉજાસમાં આ રાત્રિને ધારી ધારીને જોયા કરવી
એ જ એકમાત્ર ઉપાય છે
રાત્રિને સમજવાનો.

ગાઢ થતા જતા અંધકારમાં
એ ક્ષણે એટલું તો આછુંપાતળું સમજાયું કે
મને દિવસ પણ સમજાતો નથી.