ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/મા
મા
કિરીટ દૂધાત
મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃદ્ધ પણ હોય છે.
આપણામાં જ્યારે
સમજણ આવી જાય છે ત્યારે
કહીએ છીએ
‘મા, તને કંઈ સમજણ નથી પડતી.’
પછી
મા કશું બોલતી નથી.
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વાથી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.
પછી એક દિવસ
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી.
માફ કરી દેજે
મા.
સ્ત્રીઓનાં
બે સ્તનો વચ્ચેથી પસાર થતા
રાજમાર્ગ પર
દોડી દોડીને એક વાર
હાંફી જઈએ ત્યારે ઇચ્છા થાય છે
માના
વૃદ્ધ પડછાયામાં બેસીને આરામ કરવાની
ત્યારે ખ્યાલ આવે છે
મા તો મરી ગઈ છે
મા
જે પ્રેમિકા જેટલી સુંદર નહોતી.