ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/શહેર
શહેર
ગુલામમોહમ્મદ શેખ
૧
ભૂંડાભખ્ખુ ધાન જેવું
કોળિયાની સાથે આંતરડામાં ઊતરી જાય છે.
કડવું, કઢંગું
શિરાઓમાં પ્રસરે,
પાંસળાંમાં ખૂણા કાઢે,
હાથપગજીભે પરસેવો, લાળ થઈ લટકે.
શ્વાસમાં ગંધાય સંડાસ જેવું,
આંખો અને ગુદામાં
બારીઓ જેવું ઊઘડે, બંધ થાય.
રઝળતો રઝળતો થૂંકી નાખું શહેરને,
ઓકું ફૂટપાથ પર,
મૂતરી કાઢું,
બકું,
લવું એની કવિતા.
૨
મમરા, શીંગ, લાળ
મોંમાં,
આંખ દીવાલ પર બેફાટ પડેલ સુન્દરીના સાથળ પર.
હાથ,
પાળેલ પશુને ખેલવતા,
લેંઘામાં શિશ્ન પર.
રસ્તા પર શ્વાનાવતારે
રતિક્રીડારત દેવ.
બેકગ્રાઉન્ડમાં
બસમોટરરિક્ષા ધમધમે.
તડકાની ધારે ધારે રમે, મૂતરે નિશાળિયા.
રોજ રોજ
નવી નવી ઇમારતે આકાશને અકળાવતું
સહસ્રલિંગ શહેર.
૩
શહેર
અજાણ્યો ગણી મને ધક્કા મારે છે,
લૂંટી લેવાની ધમકી દે છે,
રોજ રોજ ધરાર મને સ્ટેશને ધકેલી મૂકે છે.
સ્ટેશને
મારી જેમ
શહેરની – બહારની ઉચ્છિષ્ટ પ્રજા.
મોટરોના મડગાર્ડને ચાટતા ભિખારીઓ,
દિવસે ડામર રેડી રાતના બોગદામાં વાળુ રાંધતા
ધુમાડે, પરસેવે ફૂદાંની જેમ ઊડતા, ઓગળતા આદિવાસીઓ,
ચંપીને બહાને ગુહ્યાંગ ફંફોસતા ભડવાઓ
કસાઈની જેમ બરાડતા ફેરિયા
બસોબકરાંકૂતરાંગાયકારકુનોગંદવાડ
લચલચતાં ગલોફાંવાળાં,
લઠ્ઠાથી લાલઘૂમ આંખોવાળા,
રક્તપીતિયા (મથુરાના ખંડિત બુદ્ધની આબેહૂબ પ્રતિકૃતિ!)
લોક.
કીડીઓની જેમ ધારે ખડકેલી સાઇકલોમાંથી
મારી સાઇકલ છૂટી પાડીને નાસું
ત્યારે
શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું
દૂર દૂરથી ત્રાડો નાખે છે.