ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સાડી
સાડી
દક્ષા પટેલ
લગ્નના આણામાં હોંશથી લીધેલી
મનગમતી સાડી
ઊભા ઊભા બે-ત્રણ પ્રસંગે જ પહેરેલી.
વર્ષો વીતતાં ગયાં
કબાટમાં પડી પડી એ સાડી જૂની થતી ગઈ,
પછી ઘરમાં પહેરવા કાઢી.
કાયાની સાથે એય જાણે ઘસાતી ચાલી.
સમય જતાં એમાંથી થેલીઓ બનાવી
પાલવમાંથી ચંપલના ઘોડાનો પડદો બનાવ્યો
અને બચેલી સાડીમાંથી ગાભા અને મસોતાં બનાવ્યાં
ગાભાથી ફર્નિચર અને ફરસ
ઘસાઈ ઘસાઈને ઊજળાં થતાં ગયાં
પણ સાથે સાથે જાત ઝાંખી થતી ચાલી.
રસોડામાં વપરાઈ વપરાઈને
મસોતાનાં ચીંથરાં થતાં ગયાં
પણ સાડીની મૂળ ભાત ભૂંસાઈ નહીં.
એ ગમતી સાડીનાં
ગાભા-મસોતાંય ચોખ્ખાં ધોઈ
તાર પર સુકાતાં.
એક વાર ચકરાવો લેતો નાનકડો દરજીડો આવ્યો.
સુકાતાં મસોતાંને
ચાંચ મારી મારીને, કાંતી કાંતીને
દોરાનો મુલાયમ ગોટો બનાવ્યો
અને પાસેના ઝાડ પર માળો ગૂંથ્યો.
થોડા દિવસોમાં એમાંથી
બચ્ચાં બહાર નીકળ્યાં.
અને પેલી સાડી જાણે ફરી જીવતી થઈ ગઈ.