ગુજરાતી એકાંકીસંપદા/વસ્ત્રાવરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વસ્ત્રાવરણ
મનુભાઈ પંચોળી ‘દર્શક’


(‘દ્રૌપદી-વસ્ત્રાહરણ’ હજારો વર્ષોથી આ દેશના ખૂણે ખૂણે ભક્ત અને ભક્તશરણ શ્રીકૃષ્ણનો મહિમા વર્ણવતા અદ્‌ભુત પ્રસંગ તરીકે ગવાતું આવ્યું છે. મોટામોટા કવિઓએ એને ગાવામાં પોતાની ચરિતાર્થતા માની છે. સંસારમાં દ્રૌપદીને પડ્યું એવું કષ્ટ બીજી કોઈ સતી નારીને પડ્યાનું જાણ્યું નથી. અને એવા પ્રસંગે દ્રૌપદી જેવી ધૃતિ – નમ્રતા, બુદ્ધિની અપ્રતિમ સૂક્ષ્મતા તો કોઈએ બતાવી નથી. સીતાજીને કષ્ટ પડ્યાં હતાં પણ રાવણ પ્રમાણમાં કંઈક સંસ્કારી હતો. સાવિત્રીએ યમરાજાને પોતાની ધારદાર બુદ્ધિથી ભિડાવ્યા, પણ પોતાની લજ્જા સાચવવાની તેને ચિંતા નહોતી. દુઃખિયારી દમયંતીનાં કષ્ટો તો હજુય પ્રેમાનંદના ‘વૈદર્ભી વનમાં વલવલે’માં સંભળાય છે. પણ જે કસોટી દ્રૌપદીની થઈ તેની તોલે કોઈ ન આવે. શ્રીકૃષ્ણની સખી હોવાનું મહાભાગ્ય તો પાંચાલીને જ પ્રાપ્ત થયું છે. યુગયુગના પડદા વીંધી એ સખી-સખાસ્નેહની વિરલ સ્નેહસરિતા વહી રહી છે. સ્ત્રી-પુરુષસંબંધને એક નવું અનન્ય પરિણામ તેણે આપ્યું છે. દ્રૌપદી તે સંબંધ માટે સુયોગ્ય હતી. તેનું પ્રમાણ જ ‘દ્રૌપદી-વસ્ત્રાહરણ’ છે. થાય કે ‘આટલા બધા કવિજનોએ અશ્રુસ્ખલિત નેત્રે, ગદગદ કંઠે જેને ગાયું છે તેને ફરી આ દૂબળી કલમે ચીતરવાની શી જરૂર ભાઈ?’ પ્રશ્ન સાચો છે, અને અવિનય થાય છે તેમ સ્વીકારીશ. પણ ફરીફરીને બાળક જેમ માતાને વળગે છે તેમ અમ સમા દુર્બળ જનોનું છે. ગાંધારી, દમયંતી, સીતા, સાવિત્રી, દ્રૌપદી અમારાં માતા – અમારું રક્ષાકવચ છે. તેનો ચરણસ્પર્શ અમ દુર્બળ પુરુષો માટે અમૃતસંજીવની છે. વ્યાસદેવને પણ આ નારીસમૂહનો રોષ નોંધ્યા વિના ચાલ્યું નથી. તેમણે પ્રેરેલા નારીવૃંદના રોષે વસ્ત્રાહરણ થંભાવ્યું એમ કહેતા, તેને વંદવા આ પુરુષાર્થ.)

પ્રવેશ પહેલો
'સ્થળઃ હસ્તિનાપુર, રાજપ્રાસાદનો અનેક સ્તંભો અને વિવિધ આસનોવાળો પ્રમોદ-ખંડ. ખંડ વચ્ચે દ્યૂતનું પટ અને પાસા પડ્યા છે.
પાત્રો
'શકુનિ, દુર્યોધન, પાંડવો


વિદુર, ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, વિવિધ આસનો પર બેઠા છે. કાંઈક વાતો કરે છે. પાંડવો પ્રવેશે છે. ધૃતરાષ્ટ્રને વંદન કરી ચરણસ્પર્શ કરતાં…)

યુધિષ્ઠિરઃ મહારાજ! આપની આજ્ઞા મુજબ અમે આવી ગયા છીએ.
ધૃતરાષ્ટ્રઃ બધા?
યુધિષ્ઠિરઃ હા. અમે બધા જ. યાજ્ઞસેની, માતાજી, બધાં. સૌને મળવાનો લહાવો પ્રાપ્ત થયો. આપના આશીર્વાદથી.
ધૃતરાષ્ટ્રઃ જો, યુધિષ્ઠિર! મેં તમને આ દ્યૂત માટે બોલાવ્યા છે. પણ એ માત્ર આનંદ કરવા જ.
યુધિષ્ઠિરઃ દ્યૂત રમતાં મને આવડે છે. આનંદ પણ આવે છે. પણ–
ધૃતરાષ્ટ્રઃ શું પણ?
યુધિષ્ઠિરઃ મહારાજ! એમાં ભય પણ છે.
વિદુરઃ રમતો ક્યાં બીજી નથી? આ તો અરણીનો અગ્નિ છે. ઘસાય તો સળગે.
શકુનિઃ આપણે અરણી ન ઘસાય તેટલું જોઈશું. (યુધિષ્ઠિરને) ખરું ને મહારાજ?
યુધિષ્ઠિરઃ એ ખરું, પણ મને થાય છે કે કાદવમાં હાથ નાખી પછી હાથ ધોવા એવું શા સારુ કરવું?
શકુનિઃ આપને ધન, રાજ્ય જવાની બીક લાગે છે?
ભીમઃ બીક લાગે છે કે નહીં એ તો દ્યૂત વખતે ખબર પડશે. પણ અમે ધૃતરાષ્ટ્ર મહારાજની આજ્ઞાથી આવ્યા છીએ અને એમની આજ્ઞાથી મોટાભાઈ રમવાના જ છે. મહારાજની આજ્ઞા અને મહારાજનું ઉત્તરદાયિત્વ.
શકુનિઃ પણ મન વિના રમીએ એમાં શો આનંદ આવે? ક્ષત્રિયો તો મૃગયા – કે દ્યૂત – કે યુદ્ધ આનંદથી ખેલે છે. એને પ્રાણ, ધન, રાજ્ય જવાનો ભય નથી હોતો.
યુધિષ્ઠિરઃ ભયનો સવાલ નથી. પરાક્રમીને ભય શાનો?
શકુનિઃ હું એ જ કહું છું – પરાક્રમી તો મેળવે, ખુએ, મેળવે, ખુએ તેમ ચાલ્યા કરે. ભરતી કે ઓટ બેઉમાં રમે.
દુર્યોધનઃ મોટાભાઈ! ક્ષત્રિયો સંસારની આ બધી દુરાકાંક્ષાઓ વિશે નિર્ભય રહે તે માટેનો આ વ્યાયામ શાસ્ત્રોએ ઠરાવ્યો છે એવું નથી?
યુધિષ્ઠિરઃ હોય પણ ખરું. પિતામહ વધારે જાણે – અમે તો આજ્ઞાએ આવ્યા અને આજ્ઞાએ રમીશું.
ભીષ્મઃ તે સારું છે પુત્ર – પણ આજ્ઞા આપનારે વિચારીને આજ્ઞા આપવી જોઈએ.
દુર્યોધનઃ તો શું પિતાજીએ વગર વિચાર્યે આજ્ઞા આપી છે તેમ કહો છો?
વિદુરઃ થોડું તો એવું ખરું જ. અગ્નિને ઘરમાં બોલાવીને શું કરવું છે? તેનાથી દૂર રહેવું સારું.
દુર્યોધનઃ અમે ક્ષત્રિયો છીએ કે નહીં તે કસી જોવા. અમને ધન, રાજ્ય બધું તૃણ સમાન છે. હું દ્યૂતમાં રાજ્ય આખું મૂકવાનો છું.
યુધિષ્ઠિરઃ તેય સાચું છે. પણ રાજ્ય મૂક્યા વિનાય દ્યૂત રમી શકાય ને?
કર્ણઃ દ્યૂતનો રસ તો પ્રાણને હોડમાં મૂકવામાં છે એમ રમનારા કહે છે.
શકુનિઃ (યુધિષ્ઠિરને) મહારાજ કહેશે તેમ ખેલીશું. કહો ક્યારે?
ધૃતરાષ્ટ્રઃ એમને આજે આરામ લેવા દો. કાલે રમજો.
વિદુરઃ હા, રમજો!
દુર્યોધનઃ (હસીને) કાકાને એમ લાગે છે કે અમે જાણે એકબીજાનાં ગળાં કાપી નાખવા રમવાના છીએ.
વિદુરઃ આરંભે એવું હોતું નથી. પણ દ્યૂતના ઉન્માદમાં અંતે શુંનું શું થઈ જાય.
યુધિષ્ઠિરઃ કાકા! અમે એવા ઉન્માદ વિના રમીશું. (ધૃતરાષ્ટ્રને) આજ્ઞા આપો તો અમે જઈએ.
ધૃતરાષ્ટ્રઃ ભલે પ્રવાસનો થાક ઉતારો.

(પાંડવો જાય છે, પિતામહ વગેરે પણ ઊઠે છે.)

શકુનિઃ (હસતાં) દુર્યોધન! તું મારી પાસેથી હવે થોડું શીખવા માંડ્યો છે તે સારું છે.
દુર્યોધનઃ શું?
શકુનિઃ વિષ પણ શર્કરામિશ્ર કરીને આપવું જેથી મરવાનો છે તે જાણી ન જાય. વિનય વિના વેર વધે છે. વિનય વિરોધીને અસાવધ રાખે છે. આ મારી વેરીને ન્યસ્તશસ્ત્ર કરવાની વિદ્યા છે.
દુર્યોધનઃ આ વખતે પણ આપણે પૂરું જ કરવું. કાંઈ બાકી રાખવું નથી. ઇન્દ્રપ્રસ્થમાં ભરસભામાં મારી જે ઠેકડી કરી હતી તેનો ચક્રવૃદ્ધિ ચુકાદો લેવાનો છે.
શકુનિઃ તું કોઈ ચિંતા ન કર. હસતું મોઢું રાખી જોયા કર.
દુર્યોધનઃ મામાની જોડ થવાની નથી.
શકુનિઃ (મુઠ્ઠી ભીડીને) થઈ પણ નથી. ધર્મની તંદ્રામાં રાખી એમને ભૂમિશાયી કરવાના છે.
ધૃતરાષ્ટ્રઃ જુઓ આપણે કોઈ વધુ પડતું કરવાનું નથી. પિતામહ – આચાર્યને વધુ પડતું ન લાગવું જોઈએ.
શકુનિઃ મહારાજ, વધુ પડતું આપણે નહીં કરીએ. એ જ કરશે. તમે આંખો મીંચીને બેસી રહો – તમારે ક્યાં જોવાનું છે?
ધૃતરાષ્ટ્રઃ પણ ગાંધારી છે. તે મારી સોંસરવું જોઈ શકે છે.
શકુનિઃ ભલે ને રહી. તે પણ જોશે કે આપણે હત્યા કરતા નથી. એ લોકો આત્મહત્યા કરે છે.
દુર્યોધનઃ તો તો ધન્ય ધન્ય થઈ જાય.
શકુનિઃ જો દુર્યોધન! દરેક જણને એનો એક કૂણો ખૂણો હોય છે. આ ધર્મરાજનો એ ખૂણો ધર્મનાં આગ્રહ, મમત અને અભિમાનનો છે. ધર્મને માટે એ ભાઈઓને છોડે, દ્રુપદસૂતાને પણ છોડે. આપણે એમને એમની જ ભૂમિ પર આ દ્યૂતયુદ્ધ આપી પરાસ્ત કરવા છે.
કર્ણઃ દ્રુપદસૂતા પણ ઓછી અભિમાની નથી, હં!
દુર્યોધનઃ એનું અભિમાન તોડવું જ જોઈએ.
શકુનિઃ આપોઆપ તૂટશે.

(દુર્યોધન-કર્ણ જોઈ રહે છે.)

એનું અભિમાન કૃષ્ણની સખી હોવાનું છે. તેય જોઈ લેવાશે. પણ દુર્યોધન! તને કહી રાખું કે તું વિનય છોડતો નહીં. અવિનય એ તારો અરક્ષિત ખૂણો છે.
દુર્યોધનઃ અવિનય તો બળવાન કરે જ, મામા!
શકુનિઃ જરૂર હોય ત્યારે ને! વગર કારણે અવિનય કરે તે મૂર્ખ ઠરે, તું માઠું ન લગાડે તો કહું કે આ મૂર્ખતાનો થોડો અંશ તારામાં છે તે તને નડે છે. શ્રીકૃષ્ણ જોડે, પિતામહ જોડે, આચાર્ય જોડે, અરે, આ મહેલના દ્વારપાલ જોડે પણ વિનય બતાવવામાં શું જાય? આ તો બતાવવાની વાત છે ને! જાય શું? કાલે વિનય ન છોડતો.
દુર્યોધનઃ ભલે, હું પ્રયત્ન કરીશ. કર્ણ! હું ભૂલી જાઉં ત્યારે મારો હાથ દાબજે.
કર્ણઃ ભલે, પણ મને વિશ્વાસ નથી કે એટલેથી તમે દબાઓ.
શકુનિઃ તું કુંતાજીને પગે લાગી આવ્યો?
દુર્યોધનઃ જઈશ હવે. તેને હું ક્યાં દીઠોય ગમું છું?
શકુનિઃ તું ભીમને ઝેર દે, ને પાછો શોક પણ ન દર્શાવે તો બીજું શું થાય? હવે જઈ આવજે. ચરણરજ લેજે. આ પાંડવોનો વિનય નથી જોતો? એ લોકો સાચી લાગણીથી કરે છે. આપણે દંભ પણ કરવો ખરો. અંદરની કોને જાણ થાય છે? એ તો બહારનું જોઈને રાચે. બધાને ભ્રમમાં સૂતા રાખવા એનું નામ જ રાજનીતિ.
દુર્યોધનઃ (ધૃતરાષ્ટ્રને) ત્યારે અમે જઈએ.
ધૃતરાષ્ટ્રઃ જા. પણ ધ્યાન રાખજે. આ તારા મામા કોઈક વાર સારું કહે છે.
દુર્યોધનઃ મામા એટલે બે મા. બેવડી મા. એમાં શું કહેવાનું હોય?
શકુનિઃ (હસીને) એની તો કાલે જાણ થશે.
પ્રવેશ બીજો
સ્થળઃ રાજપ્રાસાદનો એ જ પ્રમોદખંડ

ખંડ વિવિધ રાજન્યો, મંત્રીઓ, બ્રાહ્મણોથી ભરેલો છે. આગળના ભાગમાં ભીષ્મ, વિદુર બેઠા છે. વચમાં પાસા પડ્યા છે. પાસાની નજીકમાં ધૃતરાષ્ટ્રનું આસન છે. પાસા ફેંકવાના પટની એક બાજુએ દુર્યોધન, દુઃશાસન, શકુનિ, કર્ણ વગેરે છે. બીજી બાજુએ પાંચ પાંડવો છે.)

શકુનિઃ (પાસા ખખડાવતાં) તો બોલો મહારાજ! શરૂ કરીશું ને? આ બધા રાજન્યો રાહ જોઈ રહ્યા છે.
યુધિષ્ઠિરઃ (ધીમેથી) કરીએ.
દુર્યોધનઃ જુઓ, મોટાભાઈ! તમારું મન મોળું હોય તો રહેવા દો.
શકુનિઃ પાછા હટી જાઓ.
યુધિષ્ઠિરઃ એમ નથી. પણ વિદુરકાકાની વાત પર વિચાર આવે છે.
શકુનિઃ કાકા ક્યાં રાજપુત્ર છે? તે તો ગણિત ગણે જ ને? તમારે જો ધન, રાજ્ય, હસ્તીદળ, અશ્વદળ વિષે જ વિચાર્યા કરવું હોય તો હું પાસા બાજુ પર મૂકી દઉં, મહારાજ! માનો કે તમે હાર્યા તો પણ ધન જશે તો તમારા ભાઈને જ જશે ને? દુર્યોધન હાર્યો તોય ધન કાંઈ પારકા હાથમાં તો નહીં જાય. બધું ઘરમાં ને ઘરમાં જ છે. અહીં પર ક્યાં છે.
યુધિષ્ઠિરઃ ભલે! પાસા આપો દુર્યોધનને.
શકુનિઃ દુર્યોધન વતી પાસા હું નાખવાનો છું.
યુધિષ્ઠિરઃ એવું તે કાંઈ ચાલે? દ્યૂત તો એણે ખેલવાનું છે.
શકુનિઃ દ્યૂતનું પરિણામ તો એણે જ ભોગવવાનું છે! શકુનિ પાસે ક્યાં રાજ્ય છે? પણ એના વતી પાસા હું નાખું તેમ એ કહે છે.
યુધિષ્ઠિરઃ એ તો ન ચાલે. વળી, તમે તો ભારે ચતુર – કોઈક કુટિલ કહે છે તેવા – ખેલાડી છો.
શકુનિઃ તો મહારાજ શું મારાથી ડરે છે? રમવા ઊતર્યા પછી? તો ભલે ખસી જાઓ. જુઓ મહારાજ! વિદ્વાન અવિદ્વાનને શાસ્ત્રાર્થમાં હરાવે. રણમાં કુશળ અકુશળને હરાવે તેને તમે છળ કહો છો? હું કુટિલ નથી. આ વિદ્યામાં કુશળ જરૂર છું. અને તમે ક્યાં અકુશળ છો?
યુધિષ્ઠિરઃ પાછા હટવાની વાત નથી. પણ એકને બદલે બીજો કેવી રીતે રમી શકે?
શકુનિઃ કેમ ન રમે? તમારે બદલે રણકુશળ અર્જુન, ભીમ નથી લડતા? તમે તો રાજસૂર્ય યજ્ઞમાં બેઠા હતા. ને એ બંને તમારા વતી આખી પૃથ્વી જીતી આવ્યા. એ તમારા વતી નહીં?
યુધિષ્ઠિરઃ સારું, હું સમુદ્રજળમાંથી નીકળેલા મણિ, મુક્તા, સુવર્ણ મુદ્રાકોશ – મારા કોશમાંનાં આભૂષણો હોડમાં મૂકું છે.

(પાસા ખખડે છે, ફેંકાય છે. રાજન્યો લાંબી ડોકે જુએ છે.)

શકુનિઃ લ્યો, મહારાજ! હું જીત્યો. તમે દાવ લ્યો.
યુધિષ્ઠિરઃ (પાસા ખખડાવતાં) હું મારું હસ્તીદલ, અશ્વદળ હોડમાં મૂકું છું.
દુર્યોધનઃ હું એ ઉપરાંત મારું સૈન્ય પણ મૂકું છું – બોલો, મોટાભાઈ! સારું તે તમારું.

(પાસા ખખડે છે. ફેંકાય છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)

શકુનિઃ હાર્યા. મહારાજ! તમે હાર્યા. કાંઈ વાંધો નહીં. એ તો ચાલ્યા કરે. દુર્યોધન! તું હવે શું મૂકે છે?
દુર્યોધનઃ મારાં દસ સહસ્ત્ર દાસદાસી, મારાં આકાશગામી મહાલયો, મારાં વનો, પર્વતો હોડમાં મૂકું છું.
યુધિષ્ઠિરઃ હું પણ મારાં દાસદાસી, મારાં વનો, સરોવર મૂકું છું.

(પાસા ખખડે છે. શકુનિ પાસા ફેંકે છે. રાજન્યો ઊંચી ડોકે જુએ છે.)

શકુનિઃ હારી ગયા મહારાજ! તમે હારી ગયા.
ધૃતરાષ્ટ્રઃ શું આપણે જીત્યા?
દુર્યોધનઃ હા. પણ આ વખતે મોટાભાઈ જીતશે.
યુધિષ્ઠિરઃ (ઊંચા થઈને) હું પાંડુપુત્ર યુધિષ્ઠિર, મારું રાજ્ય દાવમાં મૂકું છે.

(શકુનિ પાસા ફેંકે છે અને કહે છે.)

શકુનિઃ હાર્યા, મહારાજ! તમે હારી ગયા.
દુઃશાસનઃ હવે મયસભા આપણી –

(યુધિષ્ઠિર ખિન્ન વદને અર્ધા ઢળી પડે છે.)

શકુનિઃ મહારાજ! કેસ બેસી પડ્યા?
યુધિષ્ઠિરઃ મારી પાસે હવે કશું નથી – શું મૂકું?
શકુનિઃ ક્ષમા કરો તો કહું.
યુધિષ્ઠિરઃ કહો ને.
શકુનિઃ તમારી પાસે આ સહદેવ–નકુલ છે. મૂકો તેમને હોડમાં. દુર્યોધન તેણે જીતેલું બધું હોડમાં મૂકશે. બધું. એક સળી જેટલુંય બાકી નહીં.
યુધિષ્ઠિરઃ (વિચારતાં) હું અમારા પ્રાસાદ અને સભાઓ શોભાવનારા, દેવોને પણ ઝાંખા પાડે એવા નકુલને હોડમાં મૂકું છે.

(પાસા ખખડે છે.)

દુર્યોધનઃ હું અત્યાર સુધીમાં જીતેલી પૃથ્વી, દાસદાસી, કોશાગાર, સર્વ સૈન્ય હોડમાં મૂકું છું. નકુલની પાસે આ બધું તૃચ્છ છે.

(યુધિષ્ઠિર ઊંચા થઈ પાસા ખખડાવી ફેંકે છે.)

શકુનિઃ બહુ અનિષ્ટ થયું. બહુ અનિષ્ટ થયું. હાર્યા, મહારાજ હાર્યા!
યુધિષ્ઠિરઃ (ખોંખારો ખાઈ, સહેજ નમીને) ભલે તું જીત્યો. શકુનિ! હું આ પહોળા ખભાવાળો, ભૂત-ભવિષ્ય-વર્તમાનને જાણનારો, સૌને પ્રિય, એવો સહદેવ હોડમાં મૂકું છું.
દુર્યોધનઃ હું નકુલ સાથે, જીતેલી સર્વ સામગ્રીને હોડમાં મૂકું છું.

(પાસા ખખડે છે, ફેંકાય છે.)

શકુનિઃ મહારાજ હારી ગયા. હારી ગયા.

(યુધિષ્ઠિર ઢળી પડેલા કોથળાની જેમ બેસી પડે છે.)

શકુનિઃ મહારાજ! હવે?
યુધિષ્ઠિરઃ મારી પાસે હવે શું છે? તમે જીત્યા, અમે જઈએ, ભાગ્યને કસી જોઈએ.
શકુનિઃ અહીં જ કસી જુઓ.
યુધિષ્ઠિરઃ પણ શાના વડે?
શકુનિઃ કેમ? અર્જુન–ભીમ નથી?
યુધિષ્ઠિરઃ અર્જુન–ભીમ? દેવોનેય દુર્લભ, ક્ષાત્રતેજના સત્ત્વ જેવા ભાઈઓ?
શકુનિઃ હા. ક્ષાત્રતેજના સત્ત્વ સમા, દેવોનેય દુર્લભ, ઇન્દ્ર-શિવને હરાવે તેવા, રાક્ષસોના કાળ, એ બંને જણને મૂકી જુઓ. જેમ નકુલ–સહદેવને મૂક્યા તેમ. અચકાઓ છો? તે શું એ સગા ભાઈઓ છે એટલા માટે? ક્ષમા કરજો. આવો ભેદ તમને શોભશે?
યુધિષ્ઠિરઃ (રોષથી અર્ધા ઊભા થઈને) દુર્બુદ્ધિ! હું દેવોને હરાવનારા, દ્રૌપદીજેતા, કૃષ્ણસખા, ધનુર્ધરોમાં શ્રેષ્ઠ અર્જુનને મૂકું છું આ હોડમાં.

(પાસા ખખડે છે. સભા ચિત્રવત્ સ્તબ્ધ છે.)

શકુનિઃ (સ્મિત સાથે) મહારાજ! તમે અર્જુનને હારી ગયા.
યુધિષ્ઠિરઃ (ભીમને ખભે હાથ મૂકતાં) રાક્ષસોનાં દળને સંહારનાર હાથીઓને રોળી નાખનાર વાયુપુત્ર, ભીમને મૂકું છું આ દુર્દૈવી દ્યૂતમાં –

(પાસાનો ખખડાટ થોડી વાર પછી)

શકુનિઃ મહારાજ! મહાબલી ભીમને પણ તમે હારી ગયા.
યુધિષ્ઠિરઃ (સ્વસ્થતાથી) કાંઈ ચિંતા નથી. હું હવે છેલ્લે મને મૂકું છું. હું જ્યેષ્ઠ પાંડવ, ધર્મરત યુધિષ્ઠિર મારી જાતને હોડમાં મૂકું છું.

(પાસાનો ખખડાટ, મૌનનો ભારે પડદો ચીરતો અવાજ. મહારાજ હારી ગયા, તમે તમારી જાતને, ગયા… ગયા..!)

કર્ણઃ ઉત્તમ થયું, ઉત્તમ! ધર્મરાજ કાંઈ એકલા પાછળ રહે?

(યુધિષ્ઠિર નીચે મોંએ બેસે છે. ભીમ–અર્જુન તેમના ખભા પર હાથ ફેરવે છે.)

શકુનિઃ મહારાજ! હજી છેલ્લી તક છે. દુર્યોધન બધું, બધું જ, પોતાની જાતને પણ હોડમાં મૂકે છે. દૈવની કોને જાણ છે? તમે જીતી જશો.
યુધિષ્ઠિરઃ પણ શું મૂકું હવે?
શકુનિઃ કેમ! દ્રૌપદી છે ને!
યુધિષ્ઠિરઃ કોણ? શી વાત કરો છો?
શકુનિઃ કેમ મહારાજ! પાંચાલી? તમે પાંચાલીના પતિ નથી? જો આ બધા ભાઈઓના સ્વામી છો તો તમે પાંચાલીના પણ સ્વામી છો. ના ન પાડો. પાંચેની આ પાંચાલીને મૂકો અને બધું પાછું લઈ જાઓ. જીતી જાઓ બધું.

(એક અવાજ – ના – ના… ના…!)

શકુનિઃ શું કામ ના? સ્વામીને બચાવવા શું સ્ત્રીઓ સર્વસ્વ નથી આપતી? ભાઈ કરતાં શું સ્ત્રી વધારે? વિચાર કરી જુઓ મહારાજ! ધર્મદૃષ્ટિએ તમે પાંચાલીના સ્વામી છો, ધર્મદૃષ્ટિએ તમે તેને મૂકી તેને, તમને, ભાઈઓને સ્વાધીન કરી શકો છો. એ અવસર પાંચાલીને પણ ઉજ્જ્વળ કરશે.
દુર્યોધનઃ આ દ્યૂતમાં જો મોટાભાઈ જીતશે તો હું બધું જ આપી, બધાને છૂટા કરી દઈશ. હું ધન કે રાજનું અન્યાયથી અપહરણ કરવા નથી ઇચ્છતો.
યુધિષ્ઠિરઃ હે શકુનિ! ધર્મ માણસને હલબલાવી નાખે છે. મહાવાયુની જેમ એના મૂળિયાંય ઉખાડી શકે છે. છતાં મારી સમજણ મુજબ હું વર્તું છું. હે સુબલપુત્ર! જે બહુ ઊંચી નથી તેમ બહુ નીચી નથી. જે બહુ શ્યામ નથી, બહુ ગૌર પણ નથી, જે સૌથી છેલ્લે જમે છે, ને સૌથી છેલ્લે સૂએ છે. ગોવાળોને પીરસવાનું એ ભૂલતી નથી. જેના શ્વાસની સુગંધ કમલપુષ્પ સમી છે. જેના પ્રસ્વેદબિંદુ હીરાકણી જેવા છે તે અનન્ય યાજ્ઞસેનીને હું હોડમાં મૂકું છું.
શકુનિઃ (પાસા ખખડાવતાં) તમે કહો છો તેમ થાઓ. લ્યો.
(ઉત્સાહથી ચિત્કારી ઊઠતા) અમે દ્રૌપદીને જીતી છે. દ્રૌપદીને જીતી છે.
ધૃતરાષ્ટ્રઃ (માથું આગળ નમાવી) શું, શું?
દુઃશાસનઃ પિતાજી! દ્રૌપદી હવે આપણી દાસી બની છે.
દુર્યોધનઃ (ઉત્સાહથી) પ્રતિકામી! હમણાં ને હમણાં જા અને દ્રૌપદીને કહે ‘તને તારા પતિએ દ્યૂતમાં મૂકેલી અને કૌરવોએ તને જીતી છે. તું અમારી દાસી છે. હમણાં ને હમણાં જ સભામાં આવ.’ આવી મારી આજ્ઞા તેને સંભળાવ અને શીઘ્રાતિશીઘ્ર તેને અહીં લઈ આવ.
પ્રતિકામીઃ મહારાજ!
દુઃશાસનઃ મહારાજ શું? તું બધિર છે? જા. એ બંધકીને લઈ આવ.

(પ્રતિકામી હલતોચાલતો નથી. પાંડવો સામે અને બીજા સામે વારાફરતી જુએ છે.)

દુઃશાસનઃ અરે! મૂર્ખ? તું શું ભીમથી ડરે છે? અરે, એ તો હવે અમારો દાસ છે. હમણાં એમનાં આભૂષણો અને વસ્ત્રો અમે ઉતારી લેશું. જા. વિલંબ ન કર.
પ્રતિકામીઃ મહારાજ! ક્ષમા કરો. મારાથી એ ન થાય. ના. એ ન થાય. દ્રુપદતનયા, મહારાણી, કૃષ્ણભગિની, ના…ના…
દુર્યોધનઃ તો વિદુરકાકા! તમે જાઓ.
વિદુરઃ રે, દુરાત્મન! તું શું એમ સમજે છે કે આ તારો સારથિ પ્રતિકામી જેટલું સમજે છે એટલું ય હું સમજતો નથી? જો, દુર્યોધન! દ્રૌપદીને દાસી કરી છે તેવું હું માનતો નથી. આવેશમાં માણસ જે કરે તે સાચું મનાય નહિ. આવેશમાં ગમે તેમ બોલી નાખે એટલે શું માની લેવું? કોઈને સુરા પાઈ તેનું ગળું કાપી નાખવું તે શું હત્યા મટી જાય છે? તું પણ જીત્યાના મદમાં… આવેશમાં આવી ગયો છે. હા. તું તારી હત્યા કરવા તૈયાર થયો છે. દ્રૌપદી તો નિર્ધૂમ, જ્વલંત અગ્નિ સમી છે. તેને અહીં લાવીશ તો આ સભા ભસ્મ થઈ જશે.
દુર્યોધનઃ આ વિદુર વડીલ છે. હા, વડીલ ખરા, પણ આપણા નહીં. આપણે આ પાંડવોને કાંઈ પરાણે દ્યૂત રમવા વિવશ કર્યા હતા? યુધિષ્ઠિર કાંઈ નાનું બાળક છે? સભાજનો શું માને છે? તેમની ઇચ્છાથી તે રમવા બેઠા. અને તેમની ઇચ્છાથી તેઓ હાર્યા, હું હાર્યો હોત તો મારેય દાસ થવું જ પડત ને! અમે ન્યાયથી એમને જીત્યા છે. ન્યાયથી દ્રૌપદીને જીતી છે. તે રાજપુત્રો હોય કે રાજરાણી હોય તેથી હવે શું? ન્યાય તો બધાને માટે સરખો. અમે એને ન્યાયથી જીતી છે, ન્યાયથી!
દુઃશાસન! તું જા અને એને અહીં લઈ આવ. સીધેસીધી ન આવે. બહુ બુમરાણ કરે તો ખેંચી લાવજે. તે આપણી દાસી છે. દ્યૂતનો ઉપહાર.

(દુઃશાસન ફુલાતોફુલાતો જાય છે. સભા સ્તબ્ધ)

પ્રવેશ ત્રીજો
સ્થળઃ ગાંધારીનો નિવાસ
પાત્રો
ગાંધારી, દ્રૌપદી, દાસીઓ
ગાંધારીઃ (દ્રૌપદીનો ચોટલો ઓળતાં) કેવો સઘન કેશપાશ છે તારો? સઘન અને વળી સુગંધી?
દ્રૌપદીઃ માતા! તમે હવે રહેવા દો. આ માલતી વગેરે દાસીઓ છે ને?
ગાંધારીઃ ના, વધૂ! તું અહીં આવી, તમે બધાં આવ્યાં. એથી મારો આનંદ માતો નથી. તને જોઈ તો શકતી નથી. આ તારા બૃહદ દીર્ઘ કેશપાશથી તને જાણે પ્રત્યક્ષ કરું છું.
દ્રૌપદીઃ મને અને માતાજીને તો આ દ્યૂત માટે આવ્યાં તે ગમતું જ નથી. આવવા માટે સારા અવસરો ક્યાં નથી મળતા?
ગાંધારીઃ રાજપુત્ર-રાજન્યો માટે દ્યૂત એ આનંદની ક્રીડા જ છે.
દ્રૌપદીઃ અમારા મહારાજને તો દ્યૂતના પાસા ખખડે ત્યાં નસોમાં લોહી ઊછળવા માંડે. દ્રાક્ષાસવેય એટલો મીઠો લાગતો નથી. પાસાને અડે ત્યાં ઉન્મત્ત થઈ જાય.
ગાંધારીઃ ધર્મરાજને પણ ઉન્માદ? મર્યાદાના અવતાર છે. સાક્ષાત્ સંયમ છે.
દ્રૌપદીઃ છે જ. પણ જરા વધારે પડતા દ્યૂતપ્રિય છે. અતિ કાંઈ સારું નહીં.
ગાંધારીઃ (કેશપાશને ગાલે લગાડીને) મને તો આ અતિપ્રિય લાગે છે.
દ્રૌપદીઃ (સફાળી ઊઠતાં) આવું છું હમણાં.

(દ્રૌપદી જાય છે.)

ગાંધારીઃ કેમ એકદમ?
માલતીઃ દ્યૂત શરૂ થઈ ગયું લાગે છે. સભાસદોનો કોલાહલ અહીં સુધી સંભળાય છે. જુઓ! વાદ્યો પણ વાગ્યાં! મહારાજ સુયોધનની જય! મહારાજ જીતતા લાગે છે.
ગાંધારીઃ ભાઈઓ વચ્ચે હારજીત શું? બધું એકનું એક છે.
દ્રૌપદીઃ (પ્રવેશથી) મને દૂર બેસવાનું બતાવો.
ગાંધારીઃ હા દીકરી! તું આરામ કર. આ અવસ્થા પ્રકૃતિએ સંસારત્રસ્ત નારીને આરામ માટે આપી છે.
માલતીઃ ફરી વાદ્યો વાગ્યાં. સુયોધન મહારાજનો જયઘોષ સંભળાય છે. પાંડુપુત્રો હારતા લાગે છે.
ગાંધારીઃ અતિ કાંઈ સારું નહીં. મારા પુત્રો આમ તો સારા છે. પણ અતિરેક કરે છે. ત્યારે – ત્રાસરૂપ બને છે. મહારાજને સુખ છે. દેખવું જ નહીં. મારે તો થોડું દેખવું પડે છે. એટલે ત્રાસ થાય છે. પોતાનાં સંતાન જ મર્યાદામાં ન રહે ત્યારે આર્તવ કરતાંય વધારે કષ્ટ થાય.
દ્રૌપદીઃ મા! તમે જોઈ શકો છો?
ગાંધારીઃ આ પાટાના નીચલા ભાગમાંથી પ્રવેશતા તેજમાં કાંઈક કાંઈક દેખાય છે. ગુફામાંના અંધારા જેવું. ઓળા પડછાયા જેવું.
દ્રૌપદીઃ તમને કાંઈ મૂંઝારો નથી થતો?
ગાંધારીઃ બે-ચાર માસ લાગેલો. પછી અભ્યાસ થઈ ગયો, ઘણું જોયું છે. ને વળી હાથથી જોવાય! – કાનથી પણ જોવાય!

(દુઃશાસન દોડતો પ્રવેશે છે. દ્રૌપદીનો હાથ પકડી)}}

દુઃશાસનઃ ચાલ, જલદી! તને મહારાજ દુર્યોધન બોલાવે છે.
દ્રૌપદીઃ તમારી ભૂલ થાય છે. મહારાજ યુધિષ્ઠિર બોલાવતા હશે.
દુઃશાસનઃ અરે ચાવળી! યુધિષ્ઠિર તો અમારા દાસ થયા છે. તને પણ એણે હોડમાં મૂકી અને તને હારી ગયા. સમજી! હવે તું મહારાણી નથી! દાસી છો.
ગાંધારીઃ તું આ શું બકે છે? દુઃશાસન!
દુઃશાસનઃ જે છે તે જ કહું છું. યુધિષ્ઠિરે તેને દ્યૂતમાં મૂકી અને હારી ગયા. (દ્રૌપદીનો હાથ પકડી) ચાલ, ચાલ.

(દ્રૌપદી ઊભી થઈ અંતઃપુર તરફ નાસે છે. દુઃશાસન પાછળ છે.)

અરે બંધકી! ક્યાં ભાગી?
(દોડી તેનો ચોટલો પકડી) ચાલ, સીધેસીધી. નહિતર ઢસડી જાઉં.
દ્રૌપદીઃ અરે; દુષ્ટ! અરે અનાર્ય! હું તારી વડીલ છું. મારો કેશપાશ મૂક. મૂક… એ દેવોને પણ અસ્પર્શ્ય છે.
દુઃશાસનઃ હશે એક દા’ડો. પણ હવે તો તું દાસી છે – અમારા બધાની.
ગાંધારીઃ શું સાંભળું છું આ? દુઃશાસન! એ મારી જેમ જ તારી માતા છે. હટી જા અહીંથી દૂર. જા.
દુઃશાસનઃ હતી. પણ હવે નહીં. પાંડવો, જેનો ગર્વ માતો ન હતો તે દ્યૂતમાં બધું હારી ગયા. ધન, રાજ્ય. પોતેય દાસ થયા. આ દ્રૌપદીનેય મૂકી. તે પણ – દાસી થઈ.
(દ્રૌપદીને ખેંચતો) સીધેસીધી ચાલ.
દ્રૌપદીઃ અરે, દુરાત્મા! હું રજસ્વલા છું. એકવસ્ત્રા છું. મને તું આમ સભા સમક્ષ ન ખેંચી જા.
ગાંધારીઃ દુઃશાસન મૂકી દે એને. પાછો જા. અને કહે કે ‘એને’ માતાજીએ રક્ષણ આપ્યું છે.
દુઃશાસનઃ (ખેંચતો) મા! આ તો રાજનીતિ છે. તેમાં તમે વચ્ચે પડો તે ન ચાલે. બીજામાં તમે કહો તે માનીએ.
(દ્રૌપદીને વાળ પકડી ઘસડતો) સીધેસીધી નહીં જ ચાલે? તારા પાંડવો હવે મહારાજ મટી ગયા. તો તું ક્યાંની મહારાણી? સીધી ચાલે છે કે કરું પદપ્રહાર!

(ઘસડી જાય છે.)

ગાંધારીઃ માલતી! માલતી! બધી પુત્રવધૂઓ અને દાસીઓ બધાંને બોલાવ. કહે કે રાજસભામાં આવે. હું તો દોડું છું. મને હાથ આપો.

(દાસીઓ હાથ પકડી જાય છે. જલદી જલદી ચાલો.)

માલતીઃ મા! જરા ધીમે. ઠેસ આવશે.
ગાંધારીઃ (કપાળ કૂટતાં) ઠેસ આવી જ ગઈ છે. સર્વનાશ. સર્વનાશ! બધાંનો સર્વનાશ!

(દ્રૌપદીના રુદનનો અવાજ સંભળાય છે. દુઃશાસનનો સ્વર સંભળાય છે.)

દુઃશાસનઃ તારે વિલાપ કરવો હોય તેટલો કર. તારા કૃષ્ણને, નારાયણને, વિષ્ણુને, જેને બોલાવવા હોય તેને બોલાવ. જો કોણ છોડાવી શકે છે તને?

(રાજપ્રાસાદમાંથી ‘હાય-હાય’ના અવાજો આવે છે.)

પ્રવેશ ચોથો
સ્થળઃ રાજપ્રાસાદનો પ્રમોદખંડ

(રુદન કરતી દ્રૌપદીને ખેંચતો દુઃશાસન આવે છે. સભાસદો ઊભા થઈ જાય છે. હાહાકાર કરે છે.)

દુઃશાસનઃ (દુર્યોધનને) લ્યો, આ દ્રૌપદી! તેના માનના મેં ચૂરેચૂરા કરી નાખ્યા છે.
દુર્યોધનઃ ઠીક થયું. સૌનો વારો આવે છે. એ માનિનીનું અભિમાન આકાશે ચડ્યું હતું.
કર્ણઃ બરાબર છે. સૌના વારા આવે છે. (દ્રૌપદીને) તે દહાડે સૂતપુત્ર કહીને સભા વચ્ચે મને અપમાનિત કર્યો હતો. હવે તારો વારો આવ્યો. અપમાનિત થવાનો. જા જા, પ્રાસાદમાં જા. અને દાસીઓ સાથે કામ કર. સૂતપુત્રો પણ આંગણું વાળતા નથી.
દ્રૌપદીઃ (વસ્ત્ર સમાં કરતાં) સભાજનોને નમન કરવાનું આ દશામાં ભૂલી ગઈ હતી. ક્ષમા કરજો. સૂતપુત્ર! તું શા માટે તે દિવસે ધનુસંધાન કરવા ઊભો થયો? મારા ભાઈએ ઉત્તમ કુળવાન, ઉત્તમ રૂપવાન, ઉત્તમ શૌર્યશીલને આગળ આવવા કહ્યું હતું. તારું કયું કુળ હતું?
કર્ણઃ મારું પરાક્રમ એ જ મારું કુળ. પણ તું કુળની વાત કરે છે તો કહે, તારું કુળ આજે શું કામ આવ્યું? દાસી?
દ્રૌપદીઃ તમે બધાએ શું પરાક્રમ કર્યું? ભોળા રાજાને છેતરવાનું? એક વાર આ પાંચને મુક્ત કરો, પછી તમે જુઓ કે પરાક્રમ એટલે શું? – (પાંડવો તરફ કટાક્ષ કરતી) આ કૂતરો યજ્ઞબલિ ચાટવા આવ્યો છે અને તમે તો ઘેટાંની જેમ બેઠા છો! ધિક્કાર છે તમારા શૌર્યને. આ કલંક અટલ રહેશે. મારાથી મોં નહીં બતાવાય. ક્યાં ગયાં તમારાં ગદા-ધનુષ્ય? ક્યાં ગયું પ્રખર પૌરુષ તમારું?
કર્ણઃ આ બધી બડાઈ જવા દે. એ બધા તો મરેલા જેવા છે. તેમણે જ તને હોડમાં મૂકી અને અમે તને જીતી. હવે તું દાસી થઈ છું એમ માનીને ચાલ.
દ્રૌપદીઃ સભાજનો! હું દ્રુપદતનયા, કૃષ્ણની સખી, પાંચ બલિષ્ઠ પાંડવોની પત્ની, આ પાષાણવત્ બેઠેલા ભીષ્મ વગેરે વૃદ્ધોની હું પુત્રવધૂ, પ્રાસાદની બહાર મેં કદી પગ નથી મૂક્યો. હજુ મારા કેશપાશમાંથી અવભૃથ સ્નાનની સ્નિગ્ધતા ગઈ નથી. મેં એવો શો અપરાધ કર્યો છે કે દુઃશાસન મને આજે આમ નિર્લજ્જ બનીને આ સભામાં ખેંચી લાવ્યો છે!
કર્ણઃ તારો અપરાધ એ જ કે તું આવા સમજ વિનાના નિર્માલ્ય પતિઓને પરણી.
અર્જુનઃ કર્ણ! તેં કરેલા આ અપમાનનો ઉત્તર હું નિઃસત્ત્વ શબ્દોથી નહિ આપું. ક્ષત્રિયપુત્ર છું. તને મારાં બાણ વીંધશે ત્યારે તને આ સભાનું સ્મરણ થશે. એક નિરાધાર, નિરપરાધી નારીનું અપહરણ કરવામાં શી વીરતા છે? મને જરા મુક્ત કરો અને પછી જુઓ.
કર્ણઃ તેનો અપરાધ સ્પષ્ટ છે. તે તને પરણી. તેણે યુધિષ્ઠિરને સેવ્યા તે અપરાધે તેની આ અવદશા થઈ છે.
ભીમઃ અર્જુન, અર્જુન! ક્યાંકથી અગ્નિ લઈ આવ. – અગ્નિ લઈ આવ. મહારાજના જે હાથે દ્રૌપદી હોડમાં મુકાઈ તેને હું બાળી મૂકું. અરે! જુગારીઓને ત્યાં પણ દાસીઓ હોય છે. એય પણ એમને હોડમાં મૂકતા નથી. (ચીસ પાડી) અગ્નિ લાવ. અગ્નિ અર્જુન!
અર્જુનઃ ભાઈ! થોડા શાંત થાઓ. ગમે તેવા તોય એ આપણા મોટાભાઈ છે, ધર્મને ધારણ કરવાવાળા – થાય, કોઈ વાર ભૂલ થાય. વળી એને આહ્વાન થયું હતું. કયો ક્ષત્રિય આવું આહ્વાન ન ઉપાડી લે?
ભીમઃ પણ આ કર્ણનું શું? આ અકલંક દ્રુપદસૂતાનું શું?
અર્જુનઃ એના તો કૃષ્ણ છે જ. તે એને સાચવશે જ. ધીરજ રાખીએ, ધીરજ.
દ્રૌપદીઃ (દુઃશાસનને) અરે દુષ્ટ, મારું વસ્ત્ર ન ખેંચ. મને આ વડીલોને કહેવા દે. સભાજનો! વડીલો! હું પતિવ્રતા છું. ઈશ્વર અને સર્વસાક્ષી સૂર્ય એ જાણે છે. મારે મોંએ મારા પતિઓ વિષે તલમાત્ર નિંદા સંભવ નથી. મોટામોટા યુગાવતારોને હાથેય કોઈ વાર ભૂલ થઈ છે, તો ધર્મરાજ તો કોણ! હું રોષસિક્ત છું. મારાં રોમેરોમ પ્રજ્વળે છે. હું ક્ષત્રિયાત્મજા અને ક્ષત્રિયભાર્યા છું. પણ હું મારા પતિના સહવાસે થોડોક ધર્મ સમજું છું.
કર્ણઃ સમજતી હો તો અમારા અંતઃપુરમાં જા. દાસીધર્મનું પાલન કર.
દ્રૌપદીઃ એ મારો ધર્મ લાગશે તો કરીશ. સભાજનો! મેં કહ્યું કે ‘હું થોડો ધર્મ સમજું છું. પતિની આજ્ઞા પત્નીએ માનવી જોઈએ. પતિ તેની પત્નીને હોડમાં કે ઋણ પેટે મૂકી શકે છે. તે મને મારાં સાસુએ શીખવ્યું છે. પણ મારો પ્રશ્ન આ સભા, ઉત્તરાપથની આ સર્વશ્રેષ્ઠ સભા સમક્ષ એટલો છે કે મારા પતિ સ્વતંત્ર હતા, સ્વાધીન હતા ત્યારે મને હોડમાં મૂકેલી કે પોતે પરાધીન થયા, દાસ થયા પછી મૂકેલી? અને બીજું, જે પોતે પરાધીન છે તે બીજા સ્વાધીનને હોડમાં મૂકી શકે ખરા? એ ન્યાયયુક્ત છે ખરું? મારા સ્વાધીન પતિએ મને હોડમાં મૂકી હોત તો જુદી વાત હતી. પણ મારી જાણ પ્રમાણે અને સભાની જાણ અને સાક્ષી પ્રમાણે ધર્મરાજ પહેલાં પોતાની જાતને હાર્યા, અને પછી મને હોડમાં મૂકી. આ સંભવ છે? ન્યાયયુક્ત છે? જે સ્વયં પરાધીન છે તે એક સ્વાધીનને પરાધીન કરવાની હોડ બકી શકે? અહીં વડીલો છે, તેમને શાસ્ત્રજ્ઞાન છે. સભા પણ શાસ્ત્ર અનુસાર વર્તવા બંધાયેલી છે. તમે આનો મને જવાબ આપો. સભા દુઃખિયારાં, ત્રસ્ત, નિરાધારને ન્યાયથી રક્ષણ કરવા માટે છે. તમે ન્યાયબુદ્ધિથી જે કહેશો તે સ્વીકારીશ.

(સભા સ્તબ્ધ છે.)

દ્રૌપદીઃ હું ફરી વાર વીનવું છું કે મને આ અવસ્થામાં અહીં ઘસડી લાવવાનું જે પરાક્રમ દુઃશાસને કર્યું તેને તમે નિંદનીય ગણો છો? એક દુઃશાસન કેવી રીતે સુશાસન કરી શકે તે તો પ્રશ્નનોય પ્રશ્ન છે. મને વાજબી રીતે દાસી બનાવી છે? કહો. કહો.

(બધા સ્તબ્ધ છે. થોડા ધન્ય ધન્યના ઉદ્ગારો. ગાંધારી દાસીવૃંદ સાથે પ્રવેશે છે.)

વિકર્ણઃ કેવું ક્લેશકારી છે આ! વૃદ્ધો મૂંગા છે. સભા તો તંદ્રિત છે. ભીત છે. એ સ્થિતિમાં મારા જેવા યુવકે ઊભા થવું પડે છે કારણ, આપણો ધર્મ છે કે જે સભા પાસે આવે તેને ન્યાયપુરઃસર જવાબ આપવો. અહીં આવ્યા જ ન હોત તો જુદી વાત છે. પણ આવ્યા પછી સત્યનો અસત્યને હાથે ઘાત થતો જોઈ રહીએ તો ઘોર પાપના ભાગીદાર થઈએ. એકલા ભેગા મળીને પાપ જોયા કરે તે સભા નથી.

મારો નિર્ધારિત મત છે કે દ્રુપદસૂતા ખોટી રીતે હોડમાં મુકાઈ છે અને ખોટી રીતે જિતાઈ છે. યુધિષ્ઠિરે પહેલાં પોતાની જાતને મૂકી. એ દાસ થયા. અને દાસ શી રીતે સ્વાધીન વ્યક્તિને પોતાની સંપત્તિ ગણાવી શકે? પોતાની જાતને મૂક્યા પહેલાં એમણે પોતાના ભાઈને મૂક્યા એટલે એ તો એમનો પરંપરાપ્રાપ્ત અધિકાર હતો. પણ પોતે દાસ થયા છે પછી સ્વામી શેના? અંધકાર શી રીતે પ્રકાશને કેદ કરી શકે? વળી, પાંચાલી પાંચ પાંડવોની પત્ની છે. એને કોઈ એક પતિ કઈ રીતે હોડમાં મૂકી શકે? આ દ્યૂતમાં પાસા શકુનિએ ફેંક્યા તે પણ નિયમ બહાર છે. વધારામાં શકુનિએ જ ધર્મરાજને દ્રૌપદીને મૂકવા સૂચવ્યું. આ પણ દ્યૂતના નિયમ મુજબ અધર્મ્ય છે. તેથી યાજ્ઞસેની મુક્ત છે. સ્વાધીન છે.

(આવજો ‘ધન્ય ધન્ય’. કોઈક પોતાનાં વસ્ત્રો ફરકાવે છે.)

કર્ણઃ આ વિકર્ણ ખેતરમાંના ઇંગારિયા જેવો છે. તે કુળના ખેતરને બાળી નાખે છે. હજુ તો એના મોંમાં દૂધ ફોરે છે ત્યાં ધર્મ-અધર્મની પંડિતાઈ માંડે છે. શું અહીં ધર્મના જાણકાર ભીષ્મ નથી?
અરે! દ્રૌપદીને પાંચ-પાંચ પતિ હતા. તે ક્યારે આર્યપત્ની હતી? આર્યપત્નીને તો એક જ પતિ હોય. દ્રૌપદીએ તો પાંચને સેવ્યા. એ તો વેશ્યા. એ તે સતી શાની?
વળી, તે નિયમાનુસાર જિતાઈ છે. અને દાસી બની છે. તેને હવે પતિ નથી. તે નવા સ્વામી શોધી લે, (ભાર દઈને) જે એનું રક્ષણ કરી શકે.
ભીમઃ અર્જુન, અર્જુન! આ અસહ્ય છે. આ સૂતપુત્ર! અલ્યા દુર્યોધનનું એંઠું ચાટનારા! એક દિવસ મેદાનમાં પારખાં થશે તારી બડાઈનાં!
ગાંધારીઃ બેટા દુર્યોધન અને મહારાજ. વિકર્ણને જન્મ આપી હું ધન્ય થઈ. આ સૃષ્ટિ ત્યાં સુધી મહેકતી રહેશે જ્યાં સુધી થોડાક વિકર્ણો હશે. બેટા દુર્યોધન! આજે તેં અને મારા ભાઈ શકુનિએ ઝેરનાં બી વાવ્યાં છે તે આપણા કુટુંબનો – અરે, સમગ્ર કુરુ પાંચાલનો સર્વનાશ કરશે. કારણ કે ભીમ-અર્જુન અને શ્રીકૃષ્ણ કાંઈ આ સહન નહીં કરી લે. સહન કરી લેવા જેવું આ છે જ નહીં.
દુર્યોધનઃ મા! તમે આ રાજકારણમાં ન પડો. અમે પિતાજીની આજ્ઞા અનુસાર વર્તીએ છીએ.
ગાંધારીઃ તારા પિતા અંધ છે. તેઓ ભાગ્યે જ કાંઈ જોઈ શકે છે. તું જ ખરો રાજા છે. ભલે તું રાજા રહે. તેનાથી મારું હૈયું ઠરશે. પણ રાજા થઈને આવું કરે તો મારું હૈયું બળીને ખાખ થઈ જાય. તારા શાસનમાં જો દ્રૌપદી જ સુરક્ષિત ન હોય તો બીજી અસંખ્ય નારીઓ શી રીતે સુરક્ષિત રહેશે? – આ દુઃશાસન તળે? આ કાંઈ રાજકાજ નથી. આ તો રંકોની રક્ષા કરવાનું કર્તવ્ય છે. અને આજે સૌથી રંક, સૌથી નિરાધાર, સૌથી ત્રસ્ત મારી આ પુત્રવધૂ, મારી લક્ષ્મી, દ્રૌપદી છે. તેનાં વસ્ત્ર ભરસભામાં ખેંચાય? અને આ બધા શસ્ત્રધારી ક્ષત્રિયો, આ દિગ્ગજ – વડીલો મૂંગા બેસી રહે. એમનાં શસ્ત્રો, શાસ્ત્રો શા કામનાં છે? ધિક્કાર છે એમનાં શૌર્યને, એમની વિદ્યાને.
શકુનિઃ શાંત થા બહેન! દુર્યોધને કંઈ અન્યાય કર્યો નથી. હું બધું જોતો બેઠો છું. હા, દુઃશાસને થોડી અધીરાઈ કરી છે. એ તો જુવાનિયા થોડી કરતા આવ્યા છે.
ગાંધારીઃ ભાભીનાં ચીરહરણ આ સભા વચ્ચે?
શકુનિઃ બહેન! એ જિતાઈ છે. દાસી બની છે. એમાં દોષ કોનો? પણ અહીં શસ્ત્ર અને શાસ્ત્રના ભંડાર બેઠા છે. તેઓ શું માને છે? આપેલાં વચનો અને તેનાં પાલન વિષે એમને શું કહેવાનું છે! પ્રાણાન્તે પણ આપેલાં વચનોનું પાલન શું ધર્મનિષ્ઠો નથી કરતા આવ્યા?
ભીષ્મઃ સભાજનો! કશોય નિર્ણય કરવાનું અહીં બહુ કઠિન છે, ઘણું કઠિન છે. દ્રૌપદીનો પ્રશ્ન તીક્ષ્ણ છતાં સાચો છે. સભાએ તેનો ઉત્તર આપવો પડશે. સભા નહીં આપે તો કાળ સભાજનો પાસેથી ઉત્તર લેશે. તે મારી કે તમારી આણ માનશે નહીં. યુધિષ્ઠિરે પોતાની જાતને હોડમાં મૂકી. હાર્યા, પછી એક સ્વાધીન પત્નીને હોડમાં મૂકવાનો તેને અધિકારી છે? વિકર્ણે કહ્યું છે કે નથી. મારાથી ચોક્કસ કહી શકાય તેમ નથી, એટલે જ ધર્મતત્ત્વ સૂક્ષ્મ છે. સ્વાધીન પત્ની પરાધીન પતિને અધીન હોઈ શકે? હું ધારું છું કે ન હોઈ શકે. હા તે સ્વાધીન ન હોય કાં પત્ની ન હોય એ અર્થમાં વિકર્ણ સાચો લાગે છે. પણ પરંપરાની એક બીજી બાજુ પણ છે.
આપણી પરંપરા પ્રમાણે દાસ થાય તેની સઘળી સંપત્તિ પણ તેના સ્વામીની થઈ જાય છે. તે સ્થાવર હોય કે જંગમ. વિજેતા દાસની ચલ-અચલ સંપત્તિના આપોઆપ સ્વામી થઈ જાય છે.
તે દૃષ્ટિએ દ્યૂતની હોડમાં દ્રૌપદી મુકાઈ હોય કે ન હોય તે આપોઆપ કૌરવોની થઈ જાય છે. આમ જુઓ કે તેમ, દ્રૌપદીને મુક્તિ અશક્ય નથી તો સરળ પણ નથી. એટલે હું કશો અભિપ્રાય આપ્યા વિના મુક્ત રહું છું. ધર્મરાજ ધર્મવેત્તા છે. તે જ કહે કે આમાં ન્યાય શું છે?
શકુનિઃ જ્યાં પિતામહ મૂંઝાય છે ત્યાં અમે તો મૂંઝાઈએ જ ને? હું પણ એમની વાતને સમર્થન આપું છું કે ધર્મરાજ કહે કે ‘દ્રૌપદી જિતાઈ છે કે નહીં? તેમણે દ્રૌપદીને હોડમાં મૂકી છે કે નહીં? તેમને એવો અધિકાર હતો કે નહીં?’ તેઓ જે કહેશે તે હું સ્વીકારવા યોગ્ય ગણીશ.
દુર્યોધનઃ સભાજનો! હું તો આગળ જઈને એમ કહ્યું છું કે ધર્મરાજ શું? ભીમ, અર્જુન, નકુલ, સહદેવ કોઈ પણ કહે કે દ્રૌપદીને હોડમાં મૂકી ત્યારે યુધિષ્ઠિર તેના પતિ ન હતા. તો પણ હું દ્રૌપદીને મુક્ત કરવા તૈયાર છું. એ નિર્ણય આપે તેને હું અનુસરીશ. સભાજનો! આથી વધારે શું થઈ શકે?
કર્ણઃ બોલો નકુલ! બોલો સહદેવ! કાંઈક તો બોલો, ભલે અર્જુન બોલે, ભીમ બલે, કે યુધિષ્ઠિરે જ્યારે દ્રૌપદીને હોડમાં મૂકી ત્યારે એ એના પતિ ન હતા. તો દ્રૌપદી છુટ્ટી, અમારેય ધર્મ છે.
ગાંધારીઃ પુત્રક! આમ ન પુછાય. યુધિષ્ઠિર એના પતિ હતા. પણ એ પરાધીન હતા. આ દેશમાં લગ્ન એ સ્વાધીન વ્યક્તિઓનો સંબંધ છે. મેં સ્વાધીન ભાવે તારા પિતાનું વરણ કરેલું અને સ્વાધીન ભાવે જ આ પાટો બાંધ્યો છે. અને હરિએ તે નભાવ્યો છે. સ્વાધીન કે પરાધીન, કોઈ પતિ યથેચ્છ ન વર્તી શકે. કારણ આ લગ્ન કાંઈ પૈશાચી કે રાક્ષસી લગ્ન નથી. બે જણાંએ હજારોની સાક્ષીએ કરેલું સ્વયંવરણ છે. પિતામહ માનાર્હ છે પણ હું એમના અભિપ્રાય સાથે સંમત થઈ શકતી નથી.
દુર્યોધનઃ પણ પરંપરા પ્રમાણે પતિ પરાધીન થતાં પતિ મટી જતો નથી. તેના પત્ની પરના અધિકારો નષ્ટ થયા નથી. છતાં આ પાંડવો કહે કે યુધિષ્ઠિર દ્રૌપદીના પતિ નહોતા. તેમને દ્રૌપદીને હોડમાં મૂકવાનો અધિકાર ન હતો – એટલે આ વિવાદ શમી જશે.
ગાંધારીઃ પરંપરા એ ધર્મ નથી, પરંપરા સર્વસ્વ નથી, પરંપરા પ્રમાણે તો દ્રૌપદી પાંચ પતિને વરી જ ન શકે. તે કેમ સ્વીકારાયું? કારણ કે પરંપરા એ ધર્મ નથી. તે તો સંયોગાધીન વહેવાર છે.
શકુનિઃ બહેન! એ વાત સ્વીકારી લઈએ તો પણ – દાસની સંપત્તિ સ્વામીની બની રહે છે એ વાત તો ઊભી જ રહે છે.
ગાંધારીઃ છે. મારો માલતીના પરિશ્રમ પર અધિકાર છે. પણ તેને વ્યાધને ત્યાં વેચું અને તે પરંપરાનુસાર સ્વીકાર્ય હોય તો પણ તે અનુચિત જ છે. પરંપરાની ઉપર પણ ધર્મ છે. અકારણ પીડા નહીં આપવાનો ધર્મ. (ધૃતરાષ્ટ્રને) મહારાજ! તમે શું કહો છો?
ધૃતરાષ્ટ્રઃ હું શું કહું? જ્યાં પિતામહની બુદ્ધિ ન ચાલે ત્યાં હું તો બાળક ગણાઉં.
ગાંધારીઃ મહારાજ! તમારા રાજ્યમાં કોઈ નારીની લાજ લેવાય તો?
ધૃતરાષ્ટ્રઃ શાસન અવશ્ય દંડ દે.
ગાંધારીઃ તો દુઃશાસન દંડને પાત્ર નથી?
ધૃતરાષ્ટ્રઃ એટલે તો દુર્યોધન પાંડવોને પૂછે છે.
દુર્યોધનઃ કહો ભીમ, કહો અર્જુન!

(સૌ મૂંગા રહે છે.)

દુર્યોધનઃ એનો અર્થ એ કે પાંડવો પણ આમાં સંમત છે.
ભીમઃ ના સંમત નથી. દ્રુપદસુતાના અપમાન સાથે હું સંમત નથી જ.
દુર્યોધનઃ પણ તેના દાસત્વ સાથે?

(ભીમ મૌન ધરે છે.)

સભાજનો! એનો અર્થ એ કે પાંડવો અને દ્રૌપદી અમારા દાસ થયાં છે. એટલે નિયમ અનુસાર દુઃશાસન! તું એમનાં વસ્ત્રો લઈ લે.

(પાંડવો ઊઠીને પોતાનાં ઉપલાં વસ્ત્રો ઉતારે છે.)

દુઃશાસનઃ (દ્રૌપદી તરફ જતાં) તારાં વસ્ત્રો ઉતાર.
દ્રૌપદીઃ હું ક્યાંથી ઉતારું? હું તો એકાંબરા છું.
દુઃશાસનઃ ચાગલી! તું એક વસ્ત્રવાળી હોય કે વિવસ્ત્ર હોય, તેની સાથે અમારે શો સંબંધ? વળી, દાસીઓ તો વિવસ્ત્ર થાય જ છે.

(વસ્ત્ર ખેંચે છે.)

ભીમઃ સભાજનો! હું પાંડુપુત્ર ભીમ પ્રતિજ્ઞા કરું છું કે એ પિશાચ દુઃશાસનનું વક્ષ ચીરીને તેનું ધારોષ્ણ રક્ત ન પીઉં તો મારી ગતિ નરકમાં થાય.
વિદુરઃ બસ, બસ, અટકો અહીં.
દુઃશાસનઃ પીજે રક્ત તારામાં સામર્થ્ય હોય તો –

(ફરી વસ્ત્રો ખેંચે છે.)

ભીષ્ણઃ દ્રોણ (ઊભા થઈ) આ નહીં જોવાય અમારાથી.

(ચાલ્યા જાય છે એટલે દુર્યોધન પોતાની ડાબી જાંઘ ખુલ્લી કરી)

દુર્યોધનઃ કૃષ્ણા! અહીં આવ.
ભીમઃ (આકાશભેદી અવાજે) અરે અંધપુત્ર! તું આ કર્ણ અને તારા સાગરીતો સાંભળી લો કે તેં જાંઘ ખુલ્લી કરી પાંચાલસુતાનું જે પૈશાચી અપમાન કર્યું છે તે જાંઘ નહીં ભાંગું તો રૌરવ નરકમાં પડીશ. તારી જાંઘ ભંગાશે તો જ હું સદ્ગતિ પામીશ.
દ્રૌપદીઃ (આર્તભાવે) અરે નરાધમ! સભા સમક્ષ મને વિવસ્ત્ર ન કર – ન કર.

(દુઃશાસન વસ્ત્ર ખેંચે છે. દ્રૌપદી તે પકડી રાખે છે.)

દુઃશાસનઃ જક ન કર. જક રહેવા દે. કોઈ તને સહાય નહીં કરે.
દ્રૌપદીઃ (વસ્ત્ર ગળામાં ગંઠી આર્તસ્વરે)
ગૌવિંદ દ્વારિકાવાસિન્,કૃષ્ણ ગોપીજનપ્રિય,કૌરવેઃ પરિભૂતાં મામ્કિમ્ ન જાનાસિ કેશવ?
(તીવ્ર ચીસ પાડી) અરે! હું ગોપીમાંથી પણ ગઈ? સખા! સખા! મારે નથી પિતા, નથી પુત્ર, નથી પતિ, તમે – તમે જ એક આધાર છો મારા, અને તેય છૂટી પડ્યા છો?
કૃષ્ણ કૃષ્ણ મહાયોગિન્િશ્વાત્મન્ વિશ્વભાવનપ્રપન્નાં પાહિ ગોવિંદુરુમધ્યે વસીદતીમ્!

(ભોંયે પછડાઈ પડે છે.) (સભાખંડમાં મધુર, સુગંધિત વાયુ લહેરાય છે. આછો પ્રકાશ વિસ્તરે છે. બાંસુરીના સૂર સાથે અવાજ સંભળાય છેઃ)

મદ્ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ,ત્ર તિષ્ઠામિ, તત્ર તિષ્ઠામિ.
સભાજનઃ આ શું? કોણ અહીં પ્રવેશ્યું? આ કોનું ઉચ્ચારણ?
ગાંધારીઃ (ઉચ્ચ સ્વરે) હું આવું છું પાંચાલી! હું આવી વધૂ!

(પોતાનું અંબર કાઢી ફેંકતાં)

બેટા! લે આ મારું અંબર. એ પિશાચ તને નિર્વસ્ત્ર નહીં કરી શકે. (દ્રૌપદી વસ્ત્રથી ઢંકાઈ જાય છે. અંબર વિનાની ગાંધારી અને અંબરથી ઢંકાયેલી દ્રૌપદી પરસ્પરને જોઈ રહે છે. ત્યાં તો માલતી ‘લ્યો આ મારું અંબર’ કહી પોતાનું વસ્ત્ર ફેંકે છે. અને પછી બધી – કુલવધૂઓ. દાસીઓ આગળ ધસી આવી – દ્રૌપદી પાસે જઈ પોતાનાં ઓઢણાં ફેંકે છે.

“લ્યો અમારાં અંબર, અમારાં આવરણ, અમારાં વસ્ત્રો લ્યો… લ્યો… લ્યો… લ્યો.” વસ્ત્રોનો વરસાદ વરસવા લાગે છે. દ્રૌપદી અનેક વસ્ત્રોમાં ઢંકાઈ જાય છે. બધાં એ અવનવાં વસ્ત્રોનો ઢગલો જોઈને ધન્ય! ધન્ય! પોકારે છે. દુઃશાસન ફાટી આંખે જોઈ રહે છે.)

(નારીવૃંદ ગાય છે, તાલી પાડતું જાય છે.)

ગોવિંદ દ્વારિકાવાસિન્ગોવિંદ દ્વારિકાવાસિન્

(આનંદોત્સાહથી આખો ખંડ ગાજી ઊઠે છે.)

ગાંધારીઃ (આંસુ સાથે રડતાં ધૃતરાષ્ટ્રને ખભે હાથ મૂકી) મહારાજ! અમને આ વંશને બચાવો બચાવો. ધર્મને બચાવો, ડૂબતી પૃથ્વીને બચાવો.

નારીવૃંદઃ મહારાજ! મહારાજ! બચાવો.

ધૃતરાષ્ટ્રઃ દુઃશાસન! હટી જા ત્યાંથી. ખેર, બધું બંધ કરો, આ બંધ કરો.આવ, બેટા દ્રૌપદી! અહીં આવ. તું મહાસતી છે. હું નહીં, આ ખંડ, આ સમગ્ર સભા કહે છે. તારું સતીત્વ જોઈને હું પ્રસન્ન થયો છું. આવ. મારી પાસે બેસ, બેટા!

(દ્રૌપદી ગાંધારીને નમે છે. ગાંધારી એના કેશપાશને સમો કરી હાથ ફેરવે છે. સૂંઘે છે. ધૃતરાષ્ટ્ર પાસે બેસે છે.)

ધૃતરાષ્ટ્રઃ (દ્રૌપદીને માથે હાથ મૂકી) હું તારાથી પ્રસન્ન થયો છું. ગમે તે એક વરદાન માગી લે.
દ્રૌપદીઃ મહારાજ! આપ પ્રસન્ન થયા હોય તો મહારાજ યુધિષ્ઠિરને દાસત્વમાંથી મુક્ત કરો જેથી મારો પુત્ર પ્રતિબિંબ દાસ ન કહેવાય.
ધૃતરાષ્ટ્રઃ યથેચ્છા, પણ તારી પતિનિષ્ઠા મને પિગળાવી દે છે. તને જેણે હોડમાં મૂકી તેને જ તેં પહેલાં છોડાવ્યો. સૂર્યદેવતાએ પણ આવું નહીં જોયું હોય! હું અત્યંત પ્રસન્ન થયો છું. બીજું વરદાન આપું છું, માગ!
દ્રૌપદીઃ પિતાજી! તમે ખરા જ પ્રસન્ન થયા હો તો મારા બાકીના ચારેય પતિઓને અસ્ર-શસ્ત્ર અને રથો સાથે મુક્ત કરો.
ધૃતરાષ્ટ્રઃ ધન્ય ધન્ય! તને હું ત્રીજું વરદાન પણ આપું જેથી આજની કાલિમા, કૌમુદી બની રહે.
દ્રૌપદીઃ (ચરણસ્પર્શ કરીને) ના, મહારાજ! લોભ પાપનું મૂળ છે. અતિલોભ અધર્મનો પિતા છે. મારા માટે આટલું પર્યાપ્ત છે.
ધૃતરાષ્ટ્રઃ તારું રાજ્ય, ધન માગી લે. હું પ્રસન્ન છું મારી કુળલક્ષ્મી પર.
દ્રૌપદીઃ ના પિતાજી! આટલું તો અઢળક છે. મારા પતિઓ સમર્થ છે. ગમે ત્યાં હશે, રાજ્ય તો બાહુબળથી મેળવી લેશે.
કર્ણઃ અહોહો! અહોહો! ચરિત્ર તો ઘણી સ્ત્રીઓનાં સાંભળ્યાં છે, પણ દ્રૌપદી તો બધાંને વિસરાવે છે. તેણે નૌકા બની આ ડૂબતા પાંડવોને તાર્યા. ભાર્યાએ તાર્યા, ભાર્યાએ તાર્યા.
પાંડવોઃ (ધૃતરાષ્ટ્રને નમી) અમને આજ્ઞા આપો.
ધૃતરાષ્ટ્રઃ વત્સો! સુખી થાઓ!

(સભાજનો હર્ષનાદ કરે છે.)

ભીમઃ અરે! આખરે આપણને એક નારીએ બચાવ્યા.
યુધિષ્ઠિરઃ એ જેવું તેવું સદ્ભાગ્ય છે આપણું? (દ્રૌપદીને) દેવી! ઋણી થયા તમારા.
દ્રૌપદીઃ મહારાજ! મને સંકોચ થાય છે. મારી આવી સ્થિતિ હોત તો તમે જ બચાવી હોત મને, ખરી રીતે આપણ સૌને બચાવ્યાં – આવરણ થઈને.

(ગાંધારીને ભેટી પડે છે. આનંદ ડૂસકાં સાથે “મા… મા…” ગાંધારી તેના કેશપાશ સમારે છે.)

ગાંધારીઃ ભૂલી જજે બેટા! ભૂલી જજે. આ.

(ગૃહારણ્ય)