ગુજરાતી કવિતાનો આસ્વાદ/જૂનું ઘર ખાલી કરતાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જૂનું ઘર ખાલી કરતાં

સુરેશ જોષી

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વરશો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો!
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા!
ઉપાડેલા ડગ ઉપર શા લોહ કેરા મણીકા.
– બાલમુકુન્દ દવે (પરિક્રમા)


પ્રસંગ આપણને સૌને પરિચિત છે – મધ્યમવર્ગની ઘરબદલીનો. છેલ્લે જતાં જતાં, કાંઈ રહ્યું તો નથી, ને એ વિચારે ખાલી થયેલા ઘર પર નજર ફરે છે, ને ત્યાં કવિતાની શરૂઆત થાય છે. મધ્યમવર્ગના કુટુમ્બની ઘરવખરીમાં બીજું હોય શું? ને છતાં ય જે હોય તેની માયા કેટલી! માટે કવિ યાદી આપે છે: જૂનું ઝાડું, ટૂથબ્રશ, સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, તળિયેથી કાણી ને માટે લગભગ નકામી થઈ ચૂકેલી બાલદી, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી ને સોયદોરો, આ બધું પણ સાથે લઈ લીધું; છેલ્લે બારણે લટકતું નામનું પાટિયું, તેય ઊંધું વાળીને – કારણ કે આ બધી ઘરવખરીની માલિકીની જાહેરાત આખે રસ્તે કરવા જેવું કાંઈ હતું નહીં – લારીમાં મૂકી દીધું. માણસ જેના જેના સમ્પર્કમાં આવે તે બધાની એને માયા લાગે. એ માયાને કારણે તુચ્છ ને નિરુપયોગી થઈ ગયેલી વસ્તુઓને પણ એ છોડી શકતો નથી; દારિદ્ર્ય જ માત્ર એ વસ્તુઓને લઈ જવાનું કારણ નથી.

આ ઘર તરફથી નજર ફેરવી લેતાં, એ ઘરમાં ગાળેલા એક દસકાના જીવન પરથી પણ જાણે નજર વાળી લેવા જેવું થાય છે; ને ત્યારે એ દસકાનું આખું જીવન યાદ આવી જાય છે: એ દામ્પત્યનાં પ્રથમ દસ વર્ષનો ગાળો હતો. એ ગાળા દરમિયાન દેવના વરદાન જેવા, ગમે તેવા ગરીબને પણ મહામૂલ્યવાન પુત્રની પ્રાપ્તિ થઈ – પણ પ્રાપ્તિ પછી બીજી પંક્તિમાં જ એની ખોટની વાત કરવાની રહી. જેને ખોળે બેસાડી રમાડ્યો ને લાડ લડાવ્યાં તેને આખરે અગ્નિને ખોળે સોંપવો પડ્યો! ક્યાં માતાપિતાનો ખોળો ને ક્યાં અગ્નિનો ખોળો! ને કુમળા બાળકને, કઠણ હૃદયે, એનાં માતાપિતાએ અગ્નિને ખોળે સોંપ્યો!

નકામી થઈ ગયેલી ઘરવખરી અને દેવના વરદાન જેવો પુત્ર – એમાં ઘરવખરીને તો લઈ જઈ શકાઈ પણ બાળકને તો નહીં લઈ જઈ શકાયો! આ વિધિની કેવી નિષ્ઠુરતા! ને બીજી રીતે જોઈએ તો મોંઘામાં મોંઘી વસ્તુ ખોયા પછી પણ તુચ્છમાં તુચ્છને પણ જતું નહીં કરી શકવાની કેવી લાચારી!

ઘરને છોડી જવાને પગ ઉપાડતાં જ આ બાળક જાણે કે એકાએક બોલી ઊઠે છે: અરે, યાદ તો કરી જુઓ, કશું ભૂલી તો નથી જતાં ને? ને પછી અધીર થઈને એ જ જાણે બોલી ઊઠે છે – અરે, તમને જૂનું ઝાડું યાદ આવ્યું, બોખી શીશી યાદ આવી, કાણી ડોલ સુધ્ધાં યાદ આવી ને હું જ નહીં?

આ પ્રશ્નના રણકારથી માતાપિતાની આંખમાં જાણે કાચની કણી પડી, ને પછીથી, ગયા વગર તો છૂટકો નહોતો જ માટે, પગ તો જવાને ઉપાડ્યા, પણ એ પગ ઉપર પુત્રવિયોગનું દુ:ખ લોઢાના મણીકાની જેમ ચંપાયું.

કાવ્યની શરૂઆત સાવ સામાન્ય લાગતી વિગતોથી કવિ કરે છે ત્યારે એ જ વિગતો ઘેરા કરુણની માંડણીરૂપ બની રહેવાની હશે એનો ખ્યાલેય નથી આવતો. તુચ્છ વસ્તુની આસક્તિ ને તેની જ સાથે અત્યન્ત દુર્લભ એવા રત્નને જ કાયમને માટે ખોઈને જવાની લાચારી – આ બેને સામસામે વિરોધાવીને રજૂ કરવાથી, વેદનાનો વલોવાટ ઘૂંટ્યા વિના વેધક કરુણને સિદ્ધ કરી શકાયો છે. છેલ્લી બે પંક્તિમાં જ કવિએ અનાયાસ પ્રાસ સિદ્ધ કર્યો છે ને તે સાભિપ્રાય છે. એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે! આમ અત્યન્ત પરિચિત એવા ભાવનું નિરાડમ્બરી છતાં વેધક આલેખન અહીં સુભગ રીતે સિદ્ધ થયું છે.