ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/અમે ઇડરિયા પથ્થરો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમે ઇડરિયા પથ્થરો

(ફોટોગ્રાફ-કલાકાર શ્રી અશ્વિન મહેતા માટે)

મુઠ્ઠી ભરીને નાખેલ
બેફામ આમતેમ
કોઈ ક્રુદ્ધ દેવે
કાળની કચ્ચરો —
અમે ઇડરિયા પથ્થરો.

ભેંકાર તોતિંગ નગ્નતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.

ટોક માથે અઘોર માનવથી મેડી
— રૂઠ્યાં મનનું માળિયું;
ક્યાંક આભઆધારે અભયચોકી;
ગઢની કરાડે અધભૂંસી સાહસપગથી;
પથ્થરિયા છાતી પર રૂપડાં મંદિર-છૂંદણાં…

ક્યાંક પડ્યા વેરવિખેર
ક્યાંક ગેબી ઢેર
કોઈ એકાક્ષ મહોરો
એકપંખ વિહંગ
ગેંડો પાડો ઊંટ
જાણે કાપાલિકની વિરાટ ખોપરી
કોઈ તપસીનું રુદ્રસિંહાસન
કોઈ અલૌકિક રૂપસી…

અંધ કૅમેરા-ચક્ષુ
જોઈ લે કંઈ અનોખા આકાર રમ્ય સહુમાં,
તો પ્રેમની દેખતી આંખ માટે શું પથ્થરો જ કેવળ
મેલા ઘેલા
અમે ઇડરિયા પથ્થરો?

ઉત્તરાયણ, ૧૪-૧-૧૯૭૭
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૩૩)