ગુજરાતી ગઝલસંપદા/અમૃત કેશવ નાયક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અમૃત કેશવ નાયક

કદી તલવારની ધમકી! કદી કર માંહી ખંજર છે;
ગઝલમાં જીવ આશકનો, ડગે ડગ દિલમહીં ડર છે!

ઘડીમાં જીવ જોખમમાં, ઘડીમાં જિંદગી ભયમાં;
પડ્યું પરહાથ દિલ આ આજ, આંખો શૂળી ઉપર છે!

ન છૂટે ધ્યાન પ્રતિમાનું, ખુદાની યાદ ના આવે;
પડ્યા પથ્થર સમજમાં શું, કહે લોકો કે કાફર છે!

જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે;
સહુ સંસાર સૂનો છે, ઉજ્જડ આશક તણું ઘર છે!

તમો ધનવાન છો તો, મુજ સમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગ ને કર છે!

હૃદય ચાહે સદા જેને, દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી, મરવું જ બહેતર છે!

નહીં ભૂલું અમૂલું મુખ, કદી ડૂલું થયું તો શું;
કપાઈ સર સરાસર બોલશે, બસ! તું જ સરવર છે!

ઊઠ્યો ચમકી હું રાતે વસ્લની જાહિદ તણી બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.

ન કર અમૃત! શિકાયત કે, એ બૂત છે પથ્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી, તારો હાલ અબતર છે!