ગુજરાતી ગઝલસંપદા/‘કાબિલ’ ડેડાણવી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘કાબિલ’ ડેડાણવી
1

હોય એવી શરાબ લઈ આવો,
હા કે ના–નો જવાબ લઈ આવો.

ઠેસ પહોંચાડવી છે હૈયાને?
કોઈ તાજું ગુલાબ લઈ આવો.

મારી બેહોશી દૂર કરવી છે,
એ નયનની શરાબ લઈ આવો.

દિલનો અંધકાર દૂર કરવો છે,
ધરતીનો મહેતાબ લઈ આવો.

ફૂલ ખીલ્યાં છે ઝખ્મનાં લાખો,
નભ સમી ફૂલછાબ લઈ આવો.

દિલ નિચોવીને રંગ પૂરી દઉં,
કોઈ સાદું શું ખ્વાબ લઈ આવો.

મદભરી આંખના સવાલો છે,
દિલ કનેથી જવાબ લઈ આવો.

દિલનો દરિયો છે શાંત, કેમ ડૂબું?
નાવ કોઈ ખરાબ લઈ આવો.

મારા જીવનનો હાલ જોવો છે?
એની જીવન-કિતાબ લઈ આવો.

2

કલા સાથે વ્યથાનું આ રીતે એકીકરણ આવ્યું,
કે કસ્તૂરીને સાથે લઈ ફફડતું કો’ હરણ આવ્યું.

બધાને એમ લાગ્યું પ્રેમમાં એકીકરણ આવ્યું,
ખબર કોને, મિલનરૂપે સરિતાનું મરણ આવ્યું.

મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી,
હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું.

કદી સુંદર દીસે છે તો કદી નિષ્ઠુર લાગે છે,
તમારા રૂપમાંયે કેવું આ વર્ગીકરણ આવ્યું?

તમારી યાદ આવી તો હું સમજ્યો કે તમે આવ્યા,
મને લાગ્યું સૂરજ આવ્યો નજરમાં જ્યાં કિરણ આવ્યું.

ખુશી તારા વિચારે થાય છે તો એમ લાગે છે,
જીવનની રાહમાં ખળખળ થતું કોઈ ઝરણ આવ્યું.

તમે લાંબે જનારી મારી દૃષ્ટિને કરી ટૂંકી,
તમે આવ્યા ને દૃષ્ટિ પર તમારું આવરણ આવ્યું.

મહોબતમાં પ્રવેશ્યા બાદ મુજને સત્ય સમજાયું,
છલોછલ ઝાંઝવાનાં જળ ભરેલું કોઈ રણ આવ્યું.

ખુશીની વાત એથી તો નથી લખતો કવિતામાં,
કોઈ કહેશે કે ‘કાબિલ’ની ગઝલમાં અવતરણ આવ્યું.