ગુજરાતી ગઝલસંપદા/ ચિનુ મોદી ‘ઈર્શાદ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચિનુ મોદી ‘ઈર્શાદ’
1

પર્વતને નામે પથ્થર, દરિયાને નામે પાણી,
‘ઈર્શાદ’ આપણે તો, ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઈચ્છાને હાથપગ છે, એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો, ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી-તાણી,
‘ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

2

આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે;
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે,
કેમ સમજાવું તને કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.

3

કાપ કરવત કાપ, મારાં આંગળાંની છાપને
હું કબૂલું છું, ગુલાબો ચૂંટવાનાં પાપને.

સૂર્યનો સિક્કો ઉછાળ્યો, મેં હવામાં, એ પછી
રાતદિન, દિનરાતના ભૂલી ગયો છું માપને.

ભેજ આંખોમાં લઈને આવનારાં ઓ સ્મરણ!
સ્હેજ તો સમજો તમે, બે આંખના સંતાપને.

શું કહું કેવું ઝનૂની છે અવાજોનું વલણ,
સાત ભવના એકસાથે ઉચ્ચરે છે શાપને.

વ્હાલા સંગાથે થયાં અદૃશ્ય, સરિતાસુંદરી!
આપને, ‘ઇર્શાદ’ શોધે છે, હજીયે આપને.