ગુજરાતી ગઝલસંપદા/ નયના જાની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે;
હું કેટલુંક ઝીલું? અનહદ અપાર વરસે!

ના શ્રાવણી-અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે!

ભીંજાઉં ન્હાવું ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે!

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવીઆવી ધરાર વરસે!

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘૂઘવતો એવો ખુમાર વરસે!