ગુજરાતી ગઝલસંપદા/ વિવેક કાણે ‘સહજ’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વિવેક કાણે ‘સહજ’

તારા સુધી પગેરું આ લંબાય પણ ખરું,
આશ્ચર્યનો સ્વભાવ છે, સર્જાય પણ ખરું,

જળથી કમળની જેમ ક્યાં અળગું રહી શકે
હૈયું છે દોસ્ત, કો’ક દી ભીંજાય પણ ખરું,

માનવહૃદયની આ જ તો ખૂબી છે દોસ્તો
વેરાય પણ ખરું ને સમેટાય પણ ખરું,

રાખો શરત તો એટલું સમજીને રાખજો
ક્યારેક મત્સ્ય, કર્ણથી વીંધાય પણ ખરું,

જીવન એ ભ્રમનું નામ છે, બીજું કશું નથી,
એ તથ્ય કો’ક દી’ તને સમજાય પણ ખરું.

આ મૌન ચીજ શું એ, એ આજે ખબર પડી
જો બોલકું થયું તો એ પડઘાય પણ ખરું,

સાચો પ્રણય ઘણુંખરું અદૃશ્ય રહે અને
એનું જ બિંબ આંખમાં ઝીલાય પણ ખરું,

જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું..