ગુજરાતી ગઝલસંપદા/ સુધીર પટેલ
સુધીર પટેલ
એના ઘરથી નીકળ્યાની નોંધ તો લીધી હશે,
આપણે સામે મળ્યાની નોંધ તો લીધી હશે!
જે ઊઠ્યું તોફાન ભીતર, નોંધ એની ક્યાં મળે?
સહેજ બસ નયનો ઢળ્યાંની નોંધ તો લીધી હશે!
રાતભર બળતો રહ્યો આ ચંદ્ર સૌની જાણ બહાર,
ખટઘડીએ ઓગળ્યાની નોંધ તો લીધી હશે!
સાવ સૂના અંધકારો એમણે પીધા પછી,
કૂંપળો થઈ એ ફળ્યાની નોંધ તો લીધી હશે!
જાત સુધી ના જવાયું આપણાથી પણ ‘સુધીર’,
ડેલીથી પાછા વળ્યાની નોંધ તો લીધી હશે!