ગુજરાતી ગઝલસંપદા/ હેમંત ઘોરડા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હેમંત ઘોરડા

નોટોમાં વાળે છે સિક્કામાં ચલાવે છે મને
યાદ આવું છું તો સસ્તામાં વટાવે છે મને

લાલબત્તીમાં મને ઑન કરે સાંજ ઢળે
મોડી રાતે એ વળી પાનમાં ચાવે છે મને

દિવસે કચરામાં વાળે છે એ મારા અવશેષ
રાતે બારીમાં નવેસરથી સજાવે છે મને

મારો ઉલ્લેખ થતાં એનું હસીને થૂંકવું
નામથી ગાળ સુધી ગળફામાં લાવે છે મને

કાળા લોહીનું ફરી ઘૂમરાવું પરસેવામાં
સ્પર્શ-પાતાળકૂવામાં એ તરાવે છે મને