ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/વિસ્મૃત
કિશોર જાદવ
સામેથી કોઈ આવી રહ્યું હોય એમ લાગતું નહોતું; છતાં નજર આગળ કોઈ ભમ્યા કરતું હોય, નજીક આવી એની પીઠ પાછળથી આંટો મારીને વળી ફરી સામેથી આવતું દેખાય, એમ ધુમ્મસના થર સરકતા હતા. એમાં વિનાયક સરકતો હતો – બુઢ્ઢા સર્પની જેમ. આગળ ક્યારેક, બત્તીઓના સફેદ રૂના છૂટાછવાયા પોલ સિવાય કશું દેખી શકાતું નહોતું. ખુદ પોતે, પોતાને પણ જોઈ શકતો નહોતો – જાણે પોતે, કશુંક અશરીરી હલનચલન વહ્યે જતું હતું – પાણીમાં પડેલા, તર્યે જતા, વહ્યે જતા, તેલના ટપકાની જેમ. પણ ખુલ્લા આકાશમાં, ક્યારેક એ બહાર નીકળતો એ વેળા એને લાગતું કે પોતે કશાક પારદર્શક પાતળા પડની અર્ધગોળ ટોપ જેવો, પરપોટા શો, ઊંચી સડક પરથી, આસપાસની સઘળી વસ્તુઓનાં પ્રતિબિંબોને પોતા પર ઝીલતો વહ્યે જતો. પણ અત્યારે એવું કશું અનુભવાતું નહોતું. ‘રેસ્ટોરાં’ની દીવાદાંડી શા પ્રકાશમાં એ બેઠો. બારણા પાસે, ગ્રામોફોનના ભૂંગળામાં, કુત્તાની જેમ ડોક લંબાવી, કોઈક સંગીત સાંભળી રહ્યું હતું. છત નીચે, દોરી પર લટકતા રંગબેરંગી ફુગ્ગાઓ જેવી માણસોની આકૃતિઓ જાણે હવા ખાતી આમતેમ ડોલી રહી હતી. અજાણપણે, એના હાથની જરા સરખી ઝાપટ લાગતાં એ ફુગ્ગાઓ ફૂટી જાય ખરા? એમ એ આગળ વિચારે એ પહેલાં, એની સામે ખુરશીમાં કોઈક ખડખડાટ હસી પડ્યું — ક્યાંક ચણ ચણતાં પક્ષીઓનાં ટોળાં પાંખો ફફડાવતાં, આકાશમાં ઊડી ગયાં. જોયું તો એની સન્મુખ, કોઈ અજાણી સ્ત્રી બેઠી હતી. એની અડોઅડ, એની જ એક બીજી આકૃતિ યા તો એનો પડછાયો હોય – એની સાથે (જાણે પોતાની સાથે) એ ઝીણી વાતચીત કરી રહી હતી. જાણે ઘાસના પરાળ જેવી એ સ્ત્રી. એ ઘાસના પરાળમાં અસંખ્ય સર્પ ફર્યા કરતા હોય એમ એને લાગ્યું હાથનો એને સ્પર્શ કરતાં કશી ખુશી થાય ખરી? એ ઊભો થયો. એ વેળા, પેલી સ્ત્રી ઝડપથી બહાર નીકળી ગઈ. એની સાથે એનો પડછાયો યા તો બીજી સ્ત્રી પણ. એણે પીછો પકડ્યો. પણ અધવચ્ચે એને જાણ્યું કે એની આગળપાછળ, ક્યારેક એની સાથે ને સાથે, તો વળી ચારે તરફ ધુમ્મસની જેમ સળવળતી, સરકતી, નાસતી એ સ્ત્રી નહોતી. કદાચ એ પણ ધુમ્મસ હોઈ શકે. આખરે, એના મકાનમાં એ પહોંચ્યો. અહીંની શાંતિના આંધળા હાથ ચારે દીવાલોને જાણે નિરંતર ફંફોસ્યા કરતા હતા. એ હાથ ક્યારેક ઊંઘમાં એના માથા પર ફરતા હોય એમ લાગતું, ને એ ઝબકી ઊઠતો. ત્યારે એના માથા પર ઝૂલતા હાથનાં એ ડાળખાં. નજીકમાં પગનો ઘસારો સંભળાતાં એ થોભ્યો. જોયું તો, બીજા ખંડમાં, પેલી સ્ત્રી આંટાફેરા લગાવતી, દીવાલો પર કશુંક શોધતી, પેલા હાથની જેમ દીવાલોને ઢંઢોળતી – અસ્પષ્ટ બોલતી હોય, દૂરના અંધારાપહાડો પરથી સતત ખરતા બરફની વર્ષા સંભળાતી હોય એમ લાગ્યું. ‘નંદી…’
એ ચૂપ રહી ગઈ – ભ્રમ થયો હોય એમ. પોતે, એને જાણે આસપાસ ક્યાંય દેખાતો નહોતો; કારણ કે એમની વચ્ચે ધુમ્મસની દીવાલ હતી, હજ્જારો વર્ષો હતાં. ને આજે એની સામે એ આવી ઊભી હતી. એણે પેટાવેલા દીવાની જલતી જ્યોત શી સ્થિર. જ્યોત પર ધુમ્મસ ઘસાતું, પસાર થતું હતું.
નંદીને સ્પર્શવાનો એણે પ્રયત્ન કર્યો – જાણે પોતાને પામવા. પણ એના સ્પર્શનો અનુભવ માત્ર નંદીને થયો હોય એમ લાગ્યું નહિ. એનો અવાજ ધુમ્મસ હતો. એનો સ્પર્શ ધુમ્મસ હતો. ખુદ વિનાયક ધુમ્મસ હતો. નંદીના અંગેઅંગ પર એ વીંટળાતો, ઝૂલતો હતો – જાણે વૃક્ષની ડાળીઓ પરથી લટકતા, ઝૂલતા સર્પની જેમ, એથી એ કશુંક બોલતી હોય – હવાની ઝાપટમાં દીવાની જ્યોતનો થરથરાટ, પહાડ પરથી સતત ખરતા બરફની વર્ષા, ‘આમ સતાવ નહિ, નહિ તો હું ચાલી જઈશ,’ એવો જ કંઈક અવાજ સંભળાયો.
વહી ગયેલાં હજારો વર્ષોનો એક જરા સરખો મધુર અણસાર – વિનાયકની માત્ર ભ્રાંતિને, નંદી સંવેદી રહી હતી. જોકે પોતે એની સન્મુખ ઊભો હતો. પણ એમના આ વર્તમાનની પાર, કાળની સર્વ સીમાઓને ઓળંગીને એ ક્યાંક ચાલી ગઈ. ને એને હવે કદી ફરી પાછા આવવાપણું રહ્યું જ નહોતું. એ નંદીને કેવી રીતે સાદૃશ્ય અનુભવી શકાય?
‘જો, આકાશમાં પેલા અસંખ્ય તારલાઓને તું જુએ છે ને? જે કોઈ અહીંથી ચાલ્યું જાય છે એ એક તારલો બનીને ઝબૂક્યા કરે છે. હું પણ એમ, ક્યારેક આકાશમાં ટમટમ્યા કરીશ – નિરંતર… સદાકાળ… ત્યાં મને કશું જ સ્પર્શી નહિ શકે. તું પણ નહિ.’ એવું જ કંઈક, ક્યારેક નંદી આગળ એ બોલ્યો હતો.
ધુમ્મસનું એક ધ્રુસકું સંભળાયું. એ ધ્રુસકાની પાછળ પાછળ વિનાયક દોરવાયો. એમ એ, ક્યાંક અવકાશમાં તરતો જઈ રહ્યો હતો. જોજનો માઇલ દૂર. એની આસપાસ જ્વલંત પ્રકાશ હતો. અસહ્ય પ્રકાશ હતો. પોતે પ્રકાશ હતો. એ થોભ્યો. એણે નીચે દૃષ્ટિ કરી. નરી શૂન્યતા. એ અસીમ શૂન્યતાના ઘુઘવાટમાં પેલું ધ્રુસકું ક્યાંક ખોવાઈ ગયું હતું. એમાં એક ઝીણા ટપકાનું હલનચલન વરતાતું હતું. એ નંદી હશે. ને એ ધ્રૂજી ઊઠ્યા. એ સાથે ક્ષણભર આકાશને ચીરતો એક તેજલિસોટો ખેંચતો, એ તારલો ખરી પડ્યો. પૃથ્વી પર ફૂલોની વર્ષા વરસી. વસંતના ફૂલમાં ખુશી મહેકી ઊઠી. (‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’માંથી)